You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરવા ઉદ્ધવ ઠાકરેએ જ એકનાથ શિંદેના બળવાનું નાટક રચ્યું છે?
શિવસેનાના ટોચના નેતા અને મંત્રી એકનાથ શિંદેના વિદ્રોહ બાદ પાર્ટીમાં ફાડ પડી ગઈ છે.
એકનાથ શિંદેનો દાવો છે કે તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો છે પણ તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમણે શિવસેના છોડી નથી. તેઓ કૉંગ્રેસ-એનસીપીનો સાથ છોડી ભાજપ-શિવસેના સરકારની તરફેણ કરે છે.
બીજી બાજુ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમને ભાવનાત્મક અપીલ કરીને મુંમઈ આવી વાત કરવા જણાવ્યું છે. પોતાના સંદેશમાં તેમણે અનેક વખત રાજીનામું આપવાની પણ વાત કહી હતી.
જોકે, આ વાત પરથી એક પ્રશ્ન થાય છે કે શું આ તેમનો રાજનૈતિક ખેલ છે કે કેમ?
"મને નથી લાગતું કે 'માતોશ્રી' અજ્ઞાન હશે"
મહારાષ્ટ્રમાં જ્યારે મહાવિકાસ અઘાડી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું હતું અને શપથગ્રહણની સવારે એનસીપી નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર ભાજપના પૂર્વ મુખ્ય મંત્રી દેનેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધને સત્તામાં આવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અજિત પવાર તે સવારે કેટલાક ધારાસભ્યો સાથે શપથ ગ્રહણ સમારોહ માટે રાજભવન પહોંચ્યા હતા.
ત્યાર બાદ શરદ પવારે ધારાસભ્યોને પાછા બોલાવી લીધા હતા. જોકે, એવી વાત પણ સામે આવી કે શરદ પવાર ખુદ આ રાજનૈતિક પ્રયોગના સાચા સૂત્રધાર ન હતા. રાજનૈતિક વર્તુળોમાં આ પ્રકારના સંદેહ આજે પણ કાયમ છે.
સ્થિતિ આજે પણ કંઈ અલગ નથી. 'માતોશ્રી'ના વફાદાર શિવસૈનિક પોતાની જ પાર્ટીના ધારાસભ્યો સાથે રાતોરાત મહારાષ્ટ્રમાંથી નીકળી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક-બે નહીં પરંતુ 30થી 40 ધારાસભ્યોની ફોજ હતી પરંતુ પાર્ટીના નેતાઓને તેની જાણ સુદ્ધા ન થઈ? આ પ્રશ્ન યથાવત છે.
એકનાથ શિંદે સાથે કૅબિનેટ મંત્રી પણ સુરત ગયા. તેમાં ગૃહ રાજ્ય મંત્રી શંભુ દેસાઈનો પણ સમાવેશ થાય છે.
શું આ ઘટના સ્ક્રિપ્ટેડ લાગતી નથી? શું આ રાજનૈતિક ખેલ ઉદ્ધવ ઠાકરેનો હોઈ શકે? સોશિયલ મીડિયામાં આ પ્રકારની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આ સંદર્ભે વરિષ્ઠ પત્રકાર સુધીર સૂર્યવંશીએ ટ્વીટ કર્યું કે, "એકનાથ શિંદેએ શિવસેનાના 30 ધારાસભ્યોને પોતાના પક્ષમાં લઈ લીધા અને પાર્ટીના નેતૃત્વને ખબર પણ ન પડી? આ તમામ ધારાસભ્યો પાસે 24 કલાક પોલીસ સુરક્ષા હોય છે. તેમ છતાં પણ તેમને કોઈ જાણકારી નથી?"
તેઓ અન્ય સવાલ ઊઠાવે છે કે "તેમાં કોઈ શંકા નથી કે એકનાથ શિંદે મોટા નેતા છે. પણ શું તેઓ પાર્ટીમાંથી 30 ધારાસભ્યોને બળવો કરવા મજબૂર કરી શકે છે?"
તેઓ આગળ લખે છે, "એ માનવું મુશ્કેલ છે કે આ તમામ ધારાસભ્યો એકનાથ શિંદે સાથે મળીને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કરવા ગયા હતા."
અન્ય એક વરિષ્ઠ પત્રકાર રવીન્દ્ર આંબેકરએ પણ આવું જ કંઈક ટ્વીટ કર્યું. તેઓ કહે છે, "અજિત પવાર અને એકનાથ શિંદેના વિદ્રોહમાં સંખ્યાત્મક અંતર છે. બાકીની તમામ કહાણી એક જેવી હતી. બંને જ મામલામાં મને નથી લાગતું કે તેમનો ઉદ્દેશ્ય કંઈ અલગ હતો."
એક વરિષ્ઠ પત્રકાર અને ઘણાં વર્ષો સુધી શિવસેનાની રાજનીતિનું નજીકથી રિપોર્ટિંગ કરનારા સંદીપ પ્રધાન કહે છે, "મને પણ આશ્વર્ય છે કે શું આ 'માતોશ્રી'નો ખેલ છે? ગુવાહાટી ગયા હતા. તેનો શું અર્થ છે?"
તેમનું કહેવું છે કે ઇડી પણ આ પાછળનું કારણ હોઈ શકે છે.
21 જૂને જ્યારે એકનાથ શિંદેએ સાર્વજનિક વિદ્રોહ કર્યો ત્યારે ઉદ્ધવ ઠાકરેના નજીકના સહયોગી પરિવહન મંત્રી અનિલ પરબની ઇડીએ 11 કલાક પૂછપરછ કરી હતી.
શિવસેનાના ધારાસભ્યોના સમર્થનથી જો ભાજપ સત્તામાં આવે તો ઇડીના દબાણને કાબૂમાં રાખી શકાય તેવી સંભાવના સંદીપ પ્રધાને વ્યક્ત કરી હતી.
'આ ખેલ ઉદ્ધવ ઠાકરેનો ન હોઈ શકે'
રાજનૈતિક વિશ્લેષક અભય દેશપાંડે સંદીપ પ્રધાનની સંભાવનાઓનો ઇનકાર કરે છે. તેમનું કહેવું છે કે આ વાતની એક ટકા પણ સંભાવના નથી કે આ ઉદ્ધવ ઠાકરેનો ખેલ હોઈ શકે.
તેમણે કહ્યું, "આ સંપૂર્ણ રીતે એકનાથ શિંદેનો નિર્ણય છે. શરૂઆતથી જ તેઓ ભાજપ સાથે ગઠબંધન ઇચ્છતા હતા. એકનાથ શિંદે કહે છે કે અમે બાલાસાહેબના હિંદુત્વ સાથે આગળ વધી રહ્યા છે. તેથી તેઓ કહે છે કે તમે (ઉદ્ધવ ઠાકરે) બાલાસાહેબનું હિંદુત્વ છોડ્યું છે."
વરિષ્ઠ પત્રકાર વૈભવ પુરંદરે સવાલ ઊઠાવે છે કે, ઉદ્ધવ ઠાકરે ખુદનું આવું અપમાન કેમ થવા દે?
તેમણે કહ્યું, "મને નથી લાગતું કે આ મહાવિકાસ અઘાડીના મોરચાથી બહાર નીકળવાની કોઈ યોજના છે. તેઓ પોતાની જાતે આવું અપમાન કેમ વચ્ચે ચલાવશે?"
તો ઉદ્ધવ ઠાકરે ક્યાં ચૂકી ગયા?
આ વિદ્રોહ બાદ સ્વાભાવિક છે કે પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઊભા થશે.
મહાવિકાસ અઘાડીના સત્તામાં આવ્યા બાદથી એકનાથ શિંદે નાખુશ હતા. ઉદ્ધવ ઠાકરે સમય રહેતાં આ નારાજગીને દૂર ન કરી શક્યા.
આ વિશે વાત કરતાં અભય દેશપાંડેએ કહ્યું, "નિશ્ચિત રૂપે તેઓ જાણતા હતા કે શિંદે નારાજ છે. તેમને ખબર હશે કે કેટલાંક ધારાસભ્યો ભાજપમાં જોડાવા ઇચ્છુક છે પરંતુ તેમને આટલા મોટા સ્તરે વિદ્રોહની આશા નહોતી."
"આપણે તેને વધારે પડતો આત્મવિશ્વાસ કહી શકીએ છીએ. તેમણે કૉંગ્રેસ એનસીપીને ચલાવવા એટલી મહેનત કરી કે પોતાના જ સંગઠનમાં ગાબડું પડી ગયું."
એમ લાગે છે કે પાર્ટીના નેતૃત્વએ ધારાસભ્યોના સ્થાનિક મુદ્દા, સંસાધનો, તેમની સાથે સમયસર વાત કરવાની અથવા તો તેમને સમય આપવાની ઉપેક્ષા કરી છે, જે સંગઠન માટે મહત્ત્વપૂર્ણ છે. ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પણ પોતાના ફેસબુક લાઇવમાં માન્યું કે તેઓ બીમારીના કારણે લોકોને સમય આપી શક્યા નથી.
વરિષ્ઠ પત્રકાર વૈભવ પુરંદરેએ કહ્યું, "મને લાગે છે કે આ પાર્ટીની નિષ્ફળતા છે."
પરંતુ એક મહત્ત્વપૂર્ણ વાત ગૃહવિભાગ તરફથી મુખ્ય મંત્રીનું રોજિંદું બ્રીફિંગ છે. આ બ્રીફિંગ મુખ્ય રીતે રાજ્યમાં રાજનૈતિક અને સામાજિક વિકાસ વિશે હોય છે. રાજ્યના આ ઘટનાક્રમોની જાણકારી ગૃહવિભાગના ગુપ્તચર વિભાગ દ્વારા એકઠી કરવામાં આવે છે અને દરરોજે સવારે ગૃહવિભાગના વરિષ્ઠ અધિકારી મુખ્ય મંત્રીને આ વિશે જાણકારી આપે છે.
જેનાંથી મુખ્ય મંત્રી માટે રાજ્યના રાજનૈતિક ઘટનાક્રમનો અંદાજ લગાવવો સરળ રહે છે.
ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા શરદ પવાર આટલી મોટી ઘટના બની અને તે અંગે સ્ટેટ ઇન્ટેલિજન્સ અજાણ રહી તે મામલે નિવેદન આપી ચૂક્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો