You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિવસેનાના ધારાસભ્યે કહ્યું, ‘ગુજરાત પોલીસે મને જબરદસ્તી હૉસ્પિટલ લઈ ગઈ’
- એકનાથ શિંદેએ બગાવત કરતા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે.
- શિવેસેનાના ધારાસભ્યોની બળવાખોરીમાં હાથ ન હોવાનું ભાજપ કહે છે પણ ધારાસભ્યો ગુજરાતથી આસામ લઈ જવામાં આવ્યા છે.
- સુરતથી છટકીને પરત મહારાષ્ટ્ર પહોંચનાર નીતિન દેશમુખે બળવાખોરો ધારાસભ્યોના નેતા એકનાથ શિંદે અને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ મૂક્યો.
- નીતિન દેશમુખે કહ્યું, સેંકડો પોલીસ કર્મચારીઓ તેમને પકડીને હૉસ્પિટલ લઈ ગયા અને ત્યાં ઑપરેશન કરાવવાનો પ્રયાસ કરાયો
- સુરત પોલીસે આ આરોપોને નકારતાં કહ્યું છે કે પોલીસે તેમની તબિયત લથડતાં માનવતાના ધોરણે તેમની મદદ કરી હતી
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 જેટલા ધારાસભ્યોએ બગાવત કરી છે. મંગળવારે તેઓ મુંબઈથી સુરત પહોંચ્યા હતા બાદમાં સુરતથી આસામના ગૌહાટી પહોંચ્યા હતા.
આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે ધારાસભ્યોમાંથી એક નીતિન દેશમુખ સુરતથી નીકળીને નાગપુર ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા.
નીતિન દેશમુખ એકનાથ શિંદેએ વિદ્રોહ કર્યો ત્યારથી ચર્ચામાં છે. તેમણે એકનાથ શિંદે પર મારપીટનો આરોપ મૂક્યો હતો. નીતિન દેશમુખનાં પત્નીએ તેમના ગુમ થયાની અને જીવ જોખમમાં હોવાની પોલીસફરિયાદ કરી હતી.
નાગપુર ઍરપૉર્ટ પર પહોંચીને તેમણે ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું હતું અને તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત કહી હતી.
નીતિન દેશમુખના આરોપોને બળવાખોર એકનાથ શિંદેએ ફગાવી દીધા છે અને તેમણે નીતિન દેશમુખની વાતો સામે વિમાન મુસાફરીની તસવીરો શેર કરી છે.
પોલીસ પર શું આરોપ લગાવ્યા?
નાગપુર પહોંચીને નીતિન દેશમુખે ઘટનાની સંપૂર્ણ કહાણી સંભળાવી હતી.
નીતિન દેશમુખે કહ્યું, "મને હાર્ટઍટેક આવ્યો હોવાનું નાટક રચવામાં આવ્યું હતું. મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પછી 20થી 25 લોકોએ મને પકડીને જબરદસ્તી ઇંજેક્ષન આપ્યું. મને નથી ખબર કે તે ઇંજેક્ષન શેનું હતું. મારા શરીર પર ખોટી રીતે ઑપરેશન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, “હું રાત્રે 12 વાગે હોટલની બહાર નીકળ્યો. હું ત્રણ વાગ્યા સુધી રોડ પર ઊભો હતો. પરંતુ મારી પાછળ 200 પોલીસકર્મી હતા. કોઈ વાહન મને લિફ્ટ આપી રહ્યું ન હતું. ત્યારે પોલીસ મને હૉસ્પિટલ લઈ ગઈ હતી અને હાર્ટઍટેક આવ્યો હોવાનું નાટક ઊભું કર્યું હતું.”
નીતિન દેશમુખે વધુમાં કહ્યું, “એકનાથ શિંદે અમારા મંત્રી છે, પરંતુ હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક છું. એકનાથ શિંદેએ મને મારવાના પ્રયત્નો કર્યા છે. મારે ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરવી પડી.”
‘ગુજરાત પોલીસ અને ગુંડાઓએ મારામારી કરી’
શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે સુરતમાં એક હોટલની બહાર નીકળતી વખતે નીતિન દેશમુખને મારીને હત્યાની કોશિશ કરવામાં આવી.
સંજય રાઉતે કહ્યું, “તેમનું મુંબઈથી અપહરણ કરવામાં આવ્યું હતું. સોમવારની રાત્રે જ્યારે તેમણે ખુદને છોડાવવાનો પ્રયત્ન કર્યો તો ગુજરાત પોલીસ અને ગુંડાઓએ તેમની સાથે મારપીટ કરી હતી. મુંબઈના ગુંડાઓ પણ ત્યાં જ છે.”
સોમવારે રાતથી જ દેશમુખનો સંપર્ક થઈ રહ્યો ન હતો, એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ એકનાથ શિંદેના નજીકના છે. દેશમુખના ભાજપના નેતાઓ સાથે પણ સારા સંબંધ છે.
શિવસેનાના નેતાઓ નીતિન દેશમુખ પર આરોપ લગાવતા રહ્યા છે કે ધારાસભ્યએ ગત વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય ગોપીકિશન બાજોરિયાને હરાવવામાં ભાજપની મદદ કરી હતી.
પેશાબ કરવાના બહાને ગાડીમાંથી ઉતરીને ભાગ્યા
ઉસ્માનાબાદથી શિવસેનાના ધારાસભ્ય કૈલાશ પાટીલને પણ વિધાનમંડળની ચૂંટણીના પરિણામ બાદ સીધા સુરત લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ જેમ-તેમ કરીને તેઓ ભાગીને પાછા મુંબઈ પહોંચ્યા હતા. કૈલાશ પાટીલની મુંબઈથી સુરત સુધીની મુસાફરી અને ત્યાંથી તેમની બચવાની કહાણી રોમાંચક છે.
10 બેઠકો માટે યોજાયેલી એમએલસીની ચૂંટણી પછી કૈલાશ પાટીલ સહિત કેટલાક ધારાસભ્યોને ગાડીમાં બેસાડવામાં આવ્યા.
તેમને ધારાસભામાંથી બહાર લઈ જવાયા અને કહેવામાં આવ્યું, ‘એકનાથ શિંદેને મળવા માટે જઈ રહ્યા છીએ’
બે-ત્રણ કલાક પછી તેમની મુલાકાત એકનાથ શિંદે સાથે ન થતાં કૈલાશ પાટીલને શંકા ગઈ. તેમને સવાલ થયો કે હકીકતમાં કારમાં તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે?
ત્યાં સુધીમાં ગાડી મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં સુધી કૈલાશ પાટીલને થયું કે આપણી ભૂલ થઈ ગઈ છે અને તેઓ ભટકી ગયા છે.
તેમણે ડ્રાઇવરને પેશાબ જવા માટે ગાડી રોકવા કહ્યું. ગાડીમાંથી ઊતરીને જ કૈલાશ પાટીલ અંધારાનો ફાયદો ઊઠાવીને નાસી ગયા હતા.
તેઓ ભારે વરસાદમાં મહારાષ્ટ્ર તરફ 4-5 કિલોમીટર ચાલ્યા. તે પછી તેમણે મોટરસાઇકલ પર લિફ્ટ માગી. તે મોટરસાઇકલથી 30થી 40 કિલોમીટર દૂર પહોંચ્યા.
તેઓ એક ગામમાં મોટરસાઇકલ પરથી ઊતર્યા. ત્યાંથી મુંબઈ પહોંચવા માગતા હતા અને મોડી રાત થઈ હતી.
પછી એક ટ્રક મળી તો તેમાં બેસી ગયા. તે ટ્રકમાં બેસીને મુંબઈના દહીંસર નાકા પર પહોંચી ગયા.
...અને કૈલાશ પાટિલ સીધા ‘વર્ષા’ પહોંચ્યા
મુંબઈમાં પહોંચીને કૈલાશ પાટીલ સીધા પાર્ટી પ્રમુખ અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચ્યા હતા.
તેઓ ઉદ્ધવ ઠાકરેના અધિકૃત મુખ્ય મંત્રી નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો પહોંચ્યા. તે દહીંસરથી ખાનગી વાહનમાં વર્ષા પહોંચ્યા અને તમામ માહિતી ઉદ્ધવ ઠાકરેને આપી.
એક ધારાસભ્યએ બીબીસી મરાઠી સાથે વાત કરતા કહ્યું, ‘એકનાથ શિંદેની સાથે સુરત પહોંચેલા ધારાસભ્યોને પણ ખબર નહોતી કે તે તેમને ક્યાં લઈ જવાઈ રહ્યા છે’
તેમણે પણ એમ કહ્યું કે તેમને ખબર નહોતી કે તેઓ જે ગાડીમાં જઈ રહ્યા છે તે ગુજરાત જઈ રહી હતી.
એમ પણ ખબર પડી કે એકનાથ શિંદે ધારાસભ્યોને ઠાણે ડિનર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં પહોંચેલા ધારાસભ્યોમાંથી એકે કહ્યું કે ભોજનની કોઈ યોજના ન હતી.
વિવાદોમાં રહેતા નીતિન દેશમુખ કોણ છે?
નીતિન દેશમુખ બાલાપુર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. 2019ની ચૂંટણીમાં તેમણે વંચિત બહુજન ગઠબંધનના હરિભાઉ પુંડકરને હરાવ્યા હતા.
નીતિન દેશમુખનું ગૃહનગર ચિન્ની છે. ત્યાંથી સરપંચ તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. તે પંટૂર પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ બન્યા.
તે પછી તે ત્રણ વખત જિલ્લા પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા. તે એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા કારણ કે શિવસેનાએ તેમને ટિકિટ નહોતી આપી.
2009માં તેઓ જનસુરાજ્ય પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેમને 22થી 23 હજાર મત મળ્યા હતા.
2017માં તેઓ શિવસેનાના જિલ્લા પ્રમુખ બન્યા. 2019માં તે શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા.
તેમનું આ પહેલાં પણ અધિકારીઓ સાથે ઘર્ષણ થયું છે. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે તેઓ વારંવાર ભાજપનું સમર્થન કરતા રહે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો