You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં ભૂકંપપીડિતની આપવીતી, 'મારા પરિવારના નવ લોકો માર્યા ગયા'
- આ ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે.
- કાટમાળમાં હજુ અસંખ્ય લોકો ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
- ભૂકંપે પક્તિકા પ્રાંતમાં ભારે તારાજી સર્જી છે અને ગયાનમાં એક આખેઆખું ગામ જમીનદોસ્ત થઈ ગયું છે.
- તાલિબાને આંતરરાષ્ટ્રીય સહાય માટે ધા નાખી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અફઘાનિસ્તાનમાં મદદ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
"ધરતી ધણધણી ઊઠી અને મારો ખાટલો ધ્રૂજવા લાગ્યો. છત તૂટી પડી અને હું ફસાઈ ગયો. મને ઉપર ખુલ્લુ આકાશ દેખાતું હતું."
"મારો ખભો ઊતરી ગયો હતો, માથે વાગ્યું હતું પણ ગમેતેમ કરીને હું બચી ગયો. પણ મારા પરિવારજનો ના બચી શક્યા."
"મારા પરિવારમાં સાતથી નવ લોકો માર્યા ગયા છે."
અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં જીવતા બચી ગયેલા શબીરે બીબીસીને ઉપરોક્ત વાત જણાવી છે.
આ ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે કાટમાળમાં હજુ અસંખ્ય લોકો ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ભૂકંપે પક્તિકા પ્રાંતમાં ભારે તારાજી સર્જી છે અને ગયાનમાં એક આખેઆખું ગામ જમીનદોસ્ત થઈ ગયું છે.
તાલિબાને આંતરરાષ્ટ્રીય સહાય માટે ધા નાખી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અફઘાનિસ્તાનમાં મદદ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
આ ભૂકંપનો ભોગ સ્વાસ્થ્ય કર્મચારીઓનો પણ બન્યા હોવાનું એક ડૉક્ટરે બીબીસીને જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "ભૂકંપ પહેલાંથી જ અમારી પાસે પૂરતા લોકો અને સુવિધાઓ નહોતાં. જેટલું પણ અમારી પાસે હતું એને પણ ભૂકંપે તબાહ કરી દીધું છે. મારા કેટલા સહકર્મીઓ માર્યા ગયા એની મને ખબર નથી."
એક સ્થાનિક પત્રકારે બીબીસીને જણાવ્યું છે કે ભૂંકપને લીધે મોબાઇલ ટાવર તૂટી પડ્યા છે એટલે સંદેશાવ્યવહાર દુષ્કર થઈ ગયો છે. મૃતાંક હજુ પણ વધી શકે એમ છે.
ભારત સુધી અનુભવાયો આંચકો
પક્તિકા પ્રાંતમાં મોટી સંખ્યામાં મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. તાલિબાનના નેતા હિબ્તુલ્લાહ અખુંદઝાદાએ જણાવ્યું છે કે અસંખ્ય ઘર બરબાદ થઈ ગયાં છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
તાલિબાનના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટના ઉપમંત્રી શરફુદ્દીન મુસ્લિમે પત્રકારપરિષદમાં જણાવ્યું છે કે ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ ઘાયલ થયા છે.
ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વમાં આવેલા ખોસ્ત શહેરથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે.
રૉયટર્સ યુરોપિયન મેડિટેરિયન સિસ્મૉલૉજી સેન્ટર અનુસાર ભૂકંપના આંચકા 500 કિલોમીટર દૂર સુધી અફઘાનિસ્તાનનાં વિવિધ શહેરો, પાકિસ્તાન અને છેક ભારત સુધી અનભુવાયો છે.
ફૉલ્ટલાઇનો પર વસેલું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન ભૂકંપસંભવિત વિસ્તારમાં આવે છે. ચમન ફૉલ્ટ, હારી રુદ ફૉલ્ટ, સૅન્ટ્રલ બદાખસ્તાન, દરવાઝ ફૉલ્ટ જેવી કેટલીય ફૉલ્ટલાઇનો ઉપર અફઘાનિસ્તાન વસ્યું છે.
યુએનની 'ઑફિસ ફૉર ધ કૉ-ઑર્ડિનેશન ઑફ હ્યુમાનિટેરિયન અફેર્સ'ના અહેવાલ અનુસાર ગત એક દાયકામાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે 7,000 કરતાં વધુ લોકોનો ભોગ લીધો છે.
આ આંક અનુસાર અફઘાનિસ્તાનમાં દર વર્ષ ભૂકંપના લીધે 560 લોકોનાં મૃત્યુ થયાં છે.
તાજેતરમાં જ જાન્યુઆરી મહિનામાં અફઘાનિસ્તાનમાં ઉપરાઉપર બે ભૂકંપ આવ્યા હતા, જેમાં 20 લોકો માર્યા ગયા હતા અને કેટલાંય મકાનો તારાજ થઈ ગયાં હતાં.
તાલિબાને દેશ પર કબજો કર્યો એ પહેલાં અફઘાનિસ્તાનમાં કુદરતી હોનારતને પહોંચી વળવા માટે ઇમર્જન્સી સેવા ઉપલબ્ધ હતી. એ અંતર્ગત રાહતકર્મીઓ માટે કેટલાંક ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટરો પણ ફાળવાયાં હતાં.
જોકે, હાલમાં દેશ સ્વાસ્થ્ય ઉપરાંત સંબંધિત સુવિધાઓના અભાવનો પણ સામનો કરી રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં 93 ટકા ઘરોમાં ભોજનની અછત છે. દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો