કચ્છ ભૂકંપના 21 વર્ષ બાદ પણ દુકાન અને ઘરના હક માટે રાહ જોતા લોકોની કહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મારી દુકાન પણ તૂટી ગઈ, ખાવાનાં ફાંફાં હતાં, મારી પત્નીના દાગીના વેચી સરકારી મંજૂરી લઈ પતરાની દુકાન બનાવી. સરકારે અમને નવી દુકાન આપવાનું કહ્યું હતું, પણ તેની ફાઇલો એકથી બીજા ટેબલ પર ફરી રહી છે." વર્ષ 2001ના ભૂકંપમાં પોતાની દુકાન ગુમાવનાર મોહન ઠક્કર આ શબ્દોમાં પોતાની આપવીતી જણાવે છે.

ઠક્કર કહે છે કે "હવે તો એ દુકાનોનાં શટરને પણ કાટ લાગી ગયો છે. અમે દુકાનમાલિકમાંથી ગલ્લો ચલાવનારા બની ગયા, પણ અમારું સાંભળનારું કોઈ નથી."

ગુજરાતમાં વર્ષ 2001માં ત્રાટકેલા ભૂકંપે કચ્છના ભુજમાં અનેક જિંદગીઓ પર એવી અસર પહોંચાડી જેનાં નકારાત્મક પરિણામો 21 વર્ષ બાદ પણ જોવા મળી રહ્યાં છે.

મોહનભાઈની જેમ જ ઘણા લોકોએ આ કુદરતી આપદામાં પોતાનાં સગાં, ઘર, માલમતા અને દુકાનો ગુમાવી હતી. આવી જ કહાણી છે ભૂકંપમાં પોતાના ફ્લૅટ અને દુકાનો ગુમાવનાર પરિવારોની.

ફરિયાદીઓનું કહેવું છે કે ભુજમાં આ આપત્તિમાં ઘણાં ફ્લૅટ, મકાન અને દુકાનો વિનાશ પામ્યાં હતાં. પરંતુ તે પૈકી ઘણાને સરકાર તરફથી ફાળવાયેલ પ્લૉટ કે દુકાનના હક હજુ સુધી નથી મળ્યા. તેમજ દુકાનો ગુમાવનાર પરિવારોને પણ હજુ સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે બનાવાયેલ શૉપિંગ કૉમ્પ્લેક્સમાં દુકાનો ફાળવવામાં નથી આવી.

આવા જ કેટલાક પીડિતો, વિવાદ અંગેના જાણકારો અને અધિકારીઓ સાથે આ મુદ્દે વિસ્તૃત તપાસ કરવા બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

'21 વર્ષથી પતરાંવાળી દુકાન ચલાવવા મજબૂર'

મોહનભાઈની દુકાન ભુજના કલ્યાણસર વાડી વિસ્તારમાં એક ફ્લૅટ નીચે હતી. ભૂકંપમાં દુકાન ફ્લૅટ પડ્યો એટલે દુકાન પણ દટાઈ ગઈ.

તેઓ કહે છે કે, "આપત્તિના ચાર માસ બાદ નાણાંની અછત હોઈ પત્નીના દાગીના વેચી, જ્યાં મારી દુકાન હતી ત્યાં જ પતરાંની દુકાન કરી. સ્થાનિકોએ વિરોધ કર્યો, પરંતુ પોલીસને મારી તકલીફ સમજાઈ અને ધંધો કરવાની પરવાનગી મળી ગઈ."

મોહનભાઈ સરકારી તંત્ર દ્વારા દુકાનની ફાળવણી બાબતે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરતાં કહે છે કે, "પતરાંવાળી દુકાન છે તેથી વેપારીઓ ઉધાર માલ નથી આપતા. બૅન્ક લૉન નથી આપતી. સરકારે વાયદા કર્યા પરંતુ આ આપત્તિનાં 21 વર્ષ બાદ પણ અમને દુકાન નથી મળી. આટલા સમયથી અમે ધક્કા જ ખાઈ રહ્યા છીએ."

'એસ. ટી. સ્ટેન્ડમાં પ્લૉટ ફાળવ્યો'

વોરા ફળિયામાં રહેતા તાહિરભાઈ હાજીવાળાની પણ કંઈક આવી જ સ્થિતિ છે.

તેઓ કહે છે કે, "ભૂકંપમાં મારા ભાઈ ગુજરી ગયા અને ઘરના અન્ય સભ્યોને પણ ઈજા થઈ. સરકારે અમને મકાનના બદલામાં પ્લૉટ ફાળવ્યો હતો. પરંતુ પછી ખબર પડી કે તે જગ્યાએ એસ. ટી. સ્ટેન્ડની ડીઝલ ટૅન્ક છે. હવે ત્યાં અમારે મકાન કઈ રીતે બાંધવું?"

તેઓ આગળ જણાવે છે કે ડીઝલ ટૅન્કવાળી જમીન હોવાના કારણે તે જમીન કોઈ લેવા તૈયાર નથી.

તાહિરભાઈ કહે છે કે, "હવે મારું જીવન પૂરું થવાની અણીએ છે. જો આ પ્લૉટના પ્રશ્નનો નિરાકરણ થાય તો ઘડપણમાં મારાં વિધવા ભાભીનો આશરો થઈ જાય અને મારા દીકરો કોઈ સારો વ્યવસાય કરી શકે."

'અધિકારીએ મારો પ્લૉટ તેમના પરિચિતને ફાળવી દીધો'

ભુજના અશ્વિનભાઈ વર્ષો જૂની હૅન્ડીક્રાફ્ટની દુકાન ધરાવતા હતા. તેમનું પણ ઘર અને દુકાન ભૂકંપમાં દબાઈને તૂટી ગયાં. તેમનો મોંઘો સામાન પણ નાશ પામ્યો.

અશ્વિનભાઈનો આક્ષેપ છે કે તેમને અગાઉ જે પ્લૉટની ફાળવણી કરાઈ હતી તે એક અધિકારીએ તેમના જ એક પરિચિતને ફાળવી દીધો હતો.

તેઓ કહે છે કે, "જ્યારે અમારી પાસે પ્લૉટફાળવણીનો કાગળ આવ્યો ત્યારે ખબર પડી કે તે પ્લૉટ તો જૂના એસ. ટી. સ્ટેન્ડની ડીઝલની ટાંકી છે. જ્યારે અમે એ પ્લૉટ લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે અગાઉનો પ્લૉટ ફાળવવામાં આવે તો અમને ફાળવાયેલ પ્લૉટને વિવાદિત પ્લૉટની શ્રેણીમાં નાખી દેવાયો. જેનો 21 વર્ષ બાદ પણ કોઈ નિકાલ નથી."

'ઘણી રજૂઆતો કરી પણ કોઈ પરિણામ ન આવ્યું'

આ સમગ્ર મામલા અંગે વર્ષોથી લડત આપનારા ભુજ ચૅમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ અશોકભાઈ ગોરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ મામલો 21 વર્ષથી ટલ્લે ચડ્યો છે. અનેક નેતાઓને ફરિયાદ કરી પણ કોઈ ફેર પડતો નથી."

તેઓ સમગ્ર મામલા અંગે પડેલ ગૂંચ અંગે જણાવે છે કે, "ભુજમાં 70 જેટલા ફ્લૅટ ભૂકંપમાં ધરાશાયી થયા હતા, એ ફ્લૅટની સામે બીજા ફ્લૅટ મળ્યા પણ એ ઍપાર્ટમેન્ટમાં જે દુકાનો હતી એમને સરકારે વચન આપ્યું હતું, એ પ્રમાણે નવી દુકાનો ફાળવવા શૉપિંગ કૉમ્પ્લેક્સ પણ બન્યું હતું."

"પણ સરકારી અધિકારીઓને કારણે આ શૉપિંગ કૉમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે."

"આ સિવાય ભૂંકપમાં મકાન ગુમાવનારને સરકારે પ્લૉટ આપ્યા છે, મકાન બાંધવા સહાય પણ આપી છે. 15 વર્ષ બાદ આ મકાન વેચી શકાય એવો ઠરાવ હોવા છતાં પણ તે વેચી શકાતાં નથી."

"આ ઉપરાંત જે લોકોને સરકારે એ સમયે પ્લૉટ આપ્યો હોય પરંતુ કોઈ કારણસર તેઓ તે સમયે મકાન ના બાંધી શક્યા હોય, તો તેઓ હવે નવા નિયમ પ્રમાણે મકાન બાંધી નથી શકતા કે પ્લૉટ વેચી નથી શકતા."

"આ ઉપરાંત સરકારે જે લોકોને દુકાન આપવાનો આદેશ કર્યો હતો પણ આજે પણ તેમને લોકોને દુકાન ન મળતાં એ લોકો પતરાંના ગલ્લામાં ધંધો કરે છે અને એમને નવું મકાન લેવા માટે બૅન્ક લૉન પણ આપતી નથી."

આ સિવાય ભુજના જગદીશભાઈ ઠક્કર જેવા પણ ઘણા લોકો છે, જેમને ડેવલપમૅન્ટ પ્લાનમાં પોતાના મકાનની અમુક જગ્યા ગુમાવવી પડી છે.

સરકારે કહ્યું ટૂંક સમયમાં નિકાલ આવશે

કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર નવીન જોશીએ આ સમગ્ર મામલે પોતાનો મત રજૂ કરતાં કહ્યું હતું કે, "2001માં ભુજ સાવ ખતમ થઈ ગયું હતું. સરકારે એના નવીનીકરણનો પ્લાન સારો બનાવ્યો હતો. પરંતુ સરકારના કેટલાક અધિકારીઓએ નિયમોનું અર્થઘટન ખોટું કર્યું, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે."

"આ હેરાન થનારો મોટાભાગનો વર્ગ નાના વેપારી અને મધ્યમવર્ગના લોકો છે. સરકારે આ નિયમોમાં હળવાશ લાવવી જોઈએ તો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે એમ છે."

આ બાબતે કચ્છનાં કલેક્ટર ડી. કે. પ્રવીણે જણાવ્યું હતું કે તેઓ વર્ષો જૂની સમસ્યાથી અજાણ છે. તેમજ વિકાસનાં નવાં કામો માટેની મિટિંગમાં વ્યસ્ત છે.

બીજી તરફ મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ સમગ્ર મામલા અંગે કહ્યું કે, "ભૂકંપ બાદ કચ્છના ભૂકંપ પીડિતોની જમીન અને અન્ય પ્રશ્નો વણઉકેલાયેલા છે, આ અંગે નિરાકરણ લાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે અને સમસ્યા અનુભવી રહેલા 17 હજાર લોકોના વણઉકેલાયેલા પ્રશ્નોનું ત્રણ મહિનામાં નિરાકરણ લાવીશું."

"દરેક કેસ તપાસી સરકારી નિયમોનું ખોટું અર્થઘટન થયું હોય એવા કેસો ને અંગત રીતે તપાસીને ઉકેલીશું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ તમામ લોકોને ત્રણથી ચાર મહિનામાં જમીન અને દુકાનો નો કબ્જો આપી દેવામાં આવશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો