વનરક્ષક પરીક્ષા પેપર લીક : 'કૉંગ્રેસ પુરાવા આપે' - જિતુ વાઘાણી, સમગ્ર મામલો શું છે?

ગુજરાતમાં રવિવારે યોજાયેલી વનરક્ષકની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટ્યું હોવાના આક્ષેપ થતાં ફરી એક વાર રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ગેરરીતિનો મુદ્દો ચર્ચાવા લાગ્યો છે.

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી અટવાયેલી વનરક્ષકની 334 જગ્યાઓ આખરે પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જોકે, મહેસાણાના ઉનાવા ખાતેની એક શાળામાં કથિતપણે એક વિદ્યાર્થી પાસેથી પ્રશ્નોના જવાબ લખેલી કાપલી મળી આવતાં અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો કરતાં પેપરલીક થયું હોવાના આક્ષેપ કરાયા હતા.

ગુજરાત સરકારે આ સમગ્ર મામલાને માત્ર કૉપી કેસ ગણાવ્યો હતો અને સરકારને બદનામ કરવાનું આ કાવતરું હોવાનો દાવો કર્યો હતો.

ત્યાર બાદ આજે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પત્રકારપરિષદ યોજીને આ મામલે માહિતી આપી હતી.

વાઘાણીએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું કે, "કૉંગ્રેસ દ્વારા યુવાઓને ભરમાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. જો પેપર લીક થયું હોય તો પુરાવા આપો."

સાથે જ તેમણે પેપર લીક કેસના પુરાવા માગતાં કહ્યું હતું કે, "કૉંગ્રેસ પેપર લીક થયાનો દાવો કરે છે, કૉંગ્રેસ પુરાવા આપે."

'પેપર નહીં વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું'

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વનરક્ષક ભરતી અંગેના કથિત પેપરલીક કાંડ બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ફરી એકવાર મહેનતુ, બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે. હવે પેપર ફૂટવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. તેમાં કોઈ નવાઈ જેવું નથી રહ્યું."

"આ ખૂબ દુ:ખદાયક બાબત છે. તેમજ ભાજપ સરકાર દર વખત કોઈ દોષિતને છોડવામાં નહીં આવે તે અંગે વાયદાઓ કરી છટકી જાય છે. આવી ઘટનાઓથી વારંવાર આશા સાથે પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું સપનું રોળાઈ જાય છે"

આ સિવાય ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે સ્થાનિક મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતમાં 14 પેપર ફૂટ્યાં છે અને દર વખત રાજ્ય સરકાર માત્ર પોતે દોષિતોને નહીં છોડે એવી જૂની-પુરાણી વાતો કરીને બચવાના પ્રયત્ન કરે છે.

"એક પછી એક થયેલા ભરતી પરીક્ષા અંગેના કૌભાંડો પરથી સાબિત થાય છે કે સરકારી ભરતીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે."

"જો એક વખત પરીક્ષાનું પેપર ફૂટે તો તેનો દોષ અસામાજિક તત્ત્વોને આપી શકાય. પરંતુ આટલી બધી વખત જ્યારે પેપર ફૂટે ત્યારે સ્પષ્ટ છે કે સરકાર મોટા માથાને બચાવીને આ બધું ચાલવા દે છે. પરીક્ષામાં જગ્યા માટે લાખો રૂપિયાના ભાવ બોલાય છે. મુખ્ય મંત્રીએ આ તાત્કાલિક ગુજરાતના યુવાનો અને તેમના વાલીઓની માફી માગવી જોઈએ."

બીજી તરફ ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે આ અંગે પોતાનું નિવેદન જારી કરી કહ્યું હતું કે, "આ સમગ્ર ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. અમુક વિદ્યાર્થીઓને લાભ કરવવા માટે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાય છે. વારંવાર પેપરલીક થવાથી વિદ્યાર્થીઓ હતોત્સાહિત થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યને લઈને આર્થિક અને માનસિક તણાવ થાય છે."

જોકે, ગુજરાતના શિક્ષણમંત્રી અને સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ આ સમગ્ર મામલાને કૉપી કેસનો મામલો ગણાવ્યો હતો.

તેમણે મીડિયા સામેની વાતચીતમાં કહ્યું હતું કે, "જે સેન્ટર પર પેપરલીક થયાનો આક્ષેપ કરાયો છે ત્યાં એક યુવાન પર કૉપી કેસ કરાયો છે. આરોપી યુવાન ફ્રેશ થવાના બહાને બહાર ગયા હતા. જે બાદ તેમની પાસેથી તૈયાર જવાબોની કાપલી મળી આવી હતી. તેનો અર્થ એવો નથી કે પેપર ફૂટ્યું છે, કારણ કે જો પેપર ફૂટે તો પહેલાં તેની વહેંચણી થાય."

તેમણે વધુમાં કહ્યું કે "પરંતુ અહીં ગેરરીતિનો બનાવ બે કલાક પછી બન્યો છે. તેમ છતાં સરકાર આ અંગે તપાસ કરી રહી છે. રાજ્યમાં તમામ પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે લેવામાં આવે છે. તેના માટે સરકાર હંમેશ પ્રતિબદ્ધ છે."

નોંધનીય છે કે રવિવારે બપોરે વનરક્ષકની વર્ગ-3ની જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ પોલીસ કમિશનરે પરીક્ષામાં ગેરરિતી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કેટલાક પ્રતિબંધો અંગેની માર્ગદર્શિકા જારી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો