હેડ ક્લાર્ક પેપર લીક : પેપર ઉત્તર ગુજરાતથી જ કેમ ફૂટ્યું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પ્રાંતિજ પાસેનું નાનકડું ગામ પોગલુ સૂમસામ છે. ગામમાં મોટા ભાગે શિક્ષકો રહે છે. ગ્રામપંચાયતની ચૂંટણીની ચહલપહલ પણ અહીં નહોતી દેખાઈ.

કારણકે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું એ પછી આખાય ગામમાં સન્નાટો છવાયેલો છે.

કથિતપણે પરીક્ષાનું પેપર ફૂટવાની પ્રવૃત્તિનું એપી-સેન્ટર બન્યા પછી આ ગામ સૂમસામ ભાસી રહ્યું છે.

બીબીસી ગુજરાતીની ટીમે આ ગામની મુલાકાત લીધી ત્યારે કોઈ પણ વ્યક્તિ વાત કરવા તૈયાર ન હતી.

ગામનો દરેક માણસ ઘરમાં છુપાઈ રહ્યો હોય તેવું વર્તાઈ રહ્યું હતું. અહીં દરેક માણસ અજાણી વ્યક્તિથી દૂર ભાગતો જોવા મળતો હતો.

ઘણા પ્રયત્નો પછી ગામની બહાર ખેતરોમાં ગામના કેટલાક લોકોનો સંપર્ક સાધી શકાયો. ત્યારે પરીક્ષાનું પેપર ફોડવામાં વિદ્યાર્થીઓ નહીં પણ હૉસ્પિટલમાં મેલ નર્સ તરીકે કામ કરતા લોકો સંડોવાયેલા હોવાની વાત ધ્યાને આવી.

આ ગામના એક શિક્ષક મહેન્દ્ર પટેલે કહ્યું કે, "અમારું ગામ અને અમારી આસપાસનાં ગામોમાં મોટા ભાગના લોકો કાં તો શિક્ષક છે અને કાં તો સરકારી નોકરી કરે છે."

"આજુબાજુનાં ગામના છોકરાઓને અમે સરકારી નોકરીની તૈયારી કરાવવા માટે ગાંધીનગરમાં ચાલતા કોચિંગ ક્લાસમાં મોકલીએ છીએ. ત્યાં એ લોકો PGમાં રહે છે, તો ઘણા લોકો અમદાવાદથી અપડાઉન કરે છે."

"ઘણા શિક્ષકો સરકારી કામ માટે વારંવાર ગાંધીનગર આવતા હોય છે. આવી જ એક વ્યક્તિ એટલે અમારા ગામમાં રહેતા દેવલ પટેલ, જેઓ અમદાવાદની એક હૉસ્પિટલમાં પુરુષ નર્સ તરીકે કામ કરે છે."

મહેન્દ્રભાઈ કહે છે કે, "હેડ ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે આસપાસનાં ગામોના ઘણા છોકરા પરીક્ષાની તૈયારીમાં હતા. એ સમયે અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં પુરુષ નર્સ તરીકે કામ કરતા દેવલ પટેલે ગામના છોકરાઓને કહ્યું હતું કે એ દસ લાખ રૂપિયામાં પેપર લઈ આપશે."

"એની સાથે ભૂતકાળમાં ચીટ ફંડ ચલાવતા સતીષ અને દર્શને પણ ખાતરી આપી હતી. તો દેવલના કાકા જયેશ પટેલે આ પેપર લાવી એમને સોલ્વ કરાવવાની ખાતરી આપી હતી."

કેવી રીતે આચરાઈ ગેરરીતિ?

પોલીસને ખાનગીમાં મદદ કરનાર મહેન્દ્રભાઈએ કહ્યું કે, "દેવલની જેમ જ એના કોઈ મિત્ર અમદાવાદની હૉસ્પિટલમાં કામ કરે છે. એની પાસેથી આ પેપર લાવવાનું હતું અને એ જવાબદારી એના કાકા જયેશે ઉપાડી હતી."

આ વાતને સમર્થન આપતાં આખાય કેસનું ઇન્વેસ્ટિગેશન કરતાં ગાંધીનગરમાં એસ. પી. મયૂર ચાવડાએ કહ્યું કે, "જયેશ સાબરકાંઠામાં ખેતીનું કામ કરે છે અને એનો ભત્રીજો હૉસ્પિટલમાં પુરુષ નર્સનું કામ કરે છે. જયેશ પટેલ અવારનવાર ગાંધીનગર પણ આવતો હતો."

"અહીં સાબરકાંઠા અને અરવલ્લીના જે વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષા આપવા માટે PGમાં રહીને કોચિંગ ક્લાસમાં જતા હતા તેમના સંપર્કમાં પણ રહેતો હતો. દેવલ અને જયેશે મળીને વિદ્યાર્થીઓને ઍપ્રોચ કરીને દસ-દસ લાખમાં પેપર આપવા માટે 12 લોકો બાંયધરી આપી હતી."

આરોપી સાથે સંપર્ક

જ્યારે પોલીસને ખાનગીમાં માહિતી આપનાર મહેન્દ્ર પટેલ સાથે આ અંગે વાતચીત કરી, ત્યારે એમણે ભારે સમજાવટ પછી અને અનેક પ્રયત્ન કર્યા બાદ પોતાના ફોનથી વૉટ્સઍપ કૉલ પર જયેશ પટેલનો સંપર્ક કરાવ્યો.

આ કૉલ પર વાત કરતાં જયેશ પટેલે કહ્યું કે તેઓ પોતે નિર્દોષ છે અને એમણે અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં કામ કરતા ધવલ નામના માણસ પાસેથી 30 લાખ રૂપિયામાં આ પેપર લીધું હતું. આ પેપર લીધા પછી 12 જણાને આ પેપર ગોખાવ્યું હતું.

તેઓ કહે છે કે, "મેં માત્ર લાલચમાં આવીને પહેલી વખત આ કામ કર્યું છે. મારા કુટુંબીઓ કે મારો ભત્રીજો આમાં સંડોવાયેલા નથી."

"મેં કૉલેજ પાસ કરી છે, પણ મને આ બધી વસ્તુઓની સમજણ પડતી નથી એટલે આ પેપર સાચું છે કે નહીં કે એની ખરાઈ કરવા માટે મેં મારા ભત્રીજાને પેપર આપ્યું હતું; અને ત્યાર બાદ અમે આ પેપર વેચવાનું પ્લાનિંગ કર્યું હતું."

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં સાબરકાંઠાના એસ. પી. નીરજ બડગુજરે કહ્યું કે "અમારી તપાસમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડનારા 11 જણની સામે ફરિયાદ નોંધી છે. કુલ આઠ જણની ઘરપકડ કરાઈ છે."

"અમને મળેલી બાતમીના આધારે દર્શન પટેલના ઘરે દરોડો પાડી 23 લાખ રૂપિયાની 500-500ની નોટો કબજે કરી છે. તેમના નવ દિવસના રિમાન્ડ અમને કોર્ટમાંથી મળ્યા છે. એમની તપાસ બાદ આમાં વધુ મોટાં માથાં પકડાશે."

આ અંગે વાત કરતાં ગાંધીનગરના રેન્જ આઈ. જી. અભય ચુડાસમાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "પોલીસે એફઆઈઆર કરી તે પહેલાં અમે ગૌણ સેવા પસંદગી આયોગના લોકો પાસેથી મળેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી હતી."

"ગાંધીનગરમાં ચાલતા કોચિંગ ક્લાસ અને કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી અમને માહિતી મળી. એટલે એ વિદ્યાર્થીઓએ જ્યાંથી પેપર લીધું હતું તે લોકોના મોબાઇલ ફોનનો ડેટા અમે સર્ચ કર્યો."

"કાકા-ભત્રીજા જયેશ પટેલ અને દેવલ પટેલની અમે મૂવમૅન્ટને ટ્રૅક કરી તો 11 જણના ફોન એવા હતા કે જેમની મૂવમૅન્ટ પ્રાંતિજથી વીસનગરના એક ગામ સુધીની હતી, જેમાં એક વેગન-આર ગાડીની મૂવમૅન્ટ સતત દેખાઈ રહી હતી."

તેઓ કહે છે કે, "જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલના સંપર્કમાં રહેલા પાંચ નંબરોની તપાસ કરી તો પાંચ વિદ્યાર્થીઓનાં મોબાઇલ લૉકેશન દેવલની સાથે પ્રાંતિજના પોગલુ ગામે જોવા મળી હતી. જ્યાં એ એના સસરા મહેન્દ્ર પટેલના ઘરમાં હતા."

"તો દેવલ સાથે સતત સંપર્કમાં રહેલા ચિંતન પટેલના મોબાઇલને ટ્રૅક કર્યો તો એની સાથે છ વિદ્યાર્થીઓના મોબાઇલ પ્રાંતિજના ઉંછા ગામનાં ખેતરોમાં દેખાયા, જેના આધારે અમે આ લોકોને રાઉન્ડ અપ કર્યા."

"આ છ જણાને રાઉન્ડ અપ કર્યા પછી અમે એમને ઉઠાવી લીધા. તેઓ હાર્ડ કોર ક્રિમિનલ નહીં હોવાથી પોલીસ સામે ભાંગી પડ્યા. પણ અમે એમને રાઉન્ડ અપ કરીએ તે પહેલાં આ લોકોમાંથી જયેશ પટેલ થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો."

આ અંગે વાત કરતાં ગાંધીનગરના એસ. પી. મયૂર ચાવડાએ કહ્યું કે, "આ પેપર ફોડવાના કામની મોડસ ઑપરેન્ડી એલઆરડીનું પેપર ફૂટ્યું હતું, એવી જ છે પરંતુ આ વખતે આ ભેજાબાજોએ થોડી બુદ્ધિ વધારે વાપરી હતી."

"પેપર લઈને આગલા દિવસે એમણે આ 12 વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યાં હતાં. તેના માટે એમને પ્રાંતિજના ઉંછા ગામમાં અને બીજા લોકોને વીસનગર પાસેના બાસણા ગામના ખેતરમાં લઈ ગયા હતા."

"તે પહેલાં આ તમામ છોકરાઓને હિંમતનગર પાસેની એક હોટલમાં જમાડ્યા હતા અને ત્યાંથી એમના મોબાઇલ બંધ કરી દીધા હતા. જેથી આ વિદ્યાર્થીઓની લૉકેશન ટ્રેસ ન થઈ શકે."

મયૂર ચાવડા કહે છે કે "આ લોકોએ એલઆરડીનાં પેપર ફૂટ્યાં, ત્યારે જે મોડસ ઑપરેન્ડી વાપરી હતી તે જ પદ્ધતિ વાપરી છે. એલઆરડીનાં પેપર ફૂટ્યાં બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયાં હતાં એટલે આરોપીઓએ એક પણ વિદ્યાર્થીને આ પેપર હાથમાં આપ્યું ન હતું."

"જોકે બે અલગ-અલગ જગ્યાએ ખેતરોમાં લઈ જઈ એમને તમામ પ્રશ્નોની આન્સર કી ગોખાવડાવી હતી. પુસ્તકો લઈને આન્સર કીના જવાબો લખાવ્યા હતા. જેથી પેપર ફૂટ્યું છે, એવું સાબિત ન થઈ શકે."

સરકારી કર્મચારીની સંડોવણીની આશંકા

રેન્જ આઈ. જી. ચુડાસમા કહે છે કે, "આ પાશેરામાં પહેલી પૂણી છે. અમને ઘણા વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા બાબતે માહિતી આપી હતી. દસ લાખમાં પેપર ખરીદનાર કેટલાક વિદ્યાર્થીઓએ ત્રણ લાખ ઍડ્વાન્સ આપ્યા હતા અને સાત લાખ પરીક્ષા પછી આપવાના નક્કી થયા હતા."

"બાતમીના આધારે અમે દર્શનના ત્યાં દરોડા પાડ્યા તો 23 લાખ રૂપિયા રોકડ મળી છે."

અભય ચુડાસમા કેસની વધુ વિગતો આપતાં કહે છે કે "આ લોકોએ પ્રાંતિજનું ઉંછા ગામ અને વીસનગરનું બાસણા ગામ એટલે પસંદ કર્યું હતું કે હિંમતનગરથી આ ગામના જવાના રસ્તા પર કોઈ ટોલનાકું કે સીસીટીવી નથી."

"જેથી તેમને એવો ભ્રમ હતો કે એ લોકો પકડાશે નહીં પણ ટેકનિકલ સર્વેલન્સના અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમે એમને આસાનીથી પકડી શક્યા છીએ."

સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાંથી કેમ ફૂટે છે પેપર?

સાબરકાંઠા, અરવલ્લી અમે મહેસાણા જેવા વિસ્તારમાંથી છાશવારે સરકારી પેપર ફૂટવાના કિસ્સા બહાર આવે છે.

આનું કારણ જણાવતાં હિંમતનગરના નિવૃત શિક્ષક અને સામાજિક કાર્યકર રસિક પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "1980ના અંતથી આ વિસ્તારમાં ભણતરનું પ્રમાણ વધવાની સાથે લોકો સરકારી નોકરીઓ તરફ વળ્યા છે. અહીં ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત જ છે."

"એટલે ખેતીની સાથે કુટુંબની એક કે બે વ્યક્તિ શિક્ષક બને છે અથવા સરકારી નોકરીઓમાં જોડાય છે."

"જેના કારણે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા લોકોનું આર્થિક ધોરણ ઊંચું આવ્યું છે, એટલું જ નહીં આ વિસ્તારમાં સરકારી નોકરી ધરાવતા છોકરાઓનાં લગ્ન ઝડપથી થઈ જાય છે, એટલે ખેતીમાંથી બચાવેલા પૈસા રોકીને મોટા ભાગનાં માબાપ એમને સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા માટે ગાંધીનગર કોચિંગ ક્લાસમાં ભણવા મોકલે છે."

તેઓ આ વલણ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે "પોતાનાં બાળકને ગમે તેમ કરીને સરકારી નોકરી અપાવવા માટેની હોડમાં મા-બાપ પેપર ફૂટે, ત્યારે પોતાના છોકરાઓને પૈસા પણ આપે છે."

"આ છોકરાઓ દસ લાખમાં ખરીદેલું પેપર એક એક લાખમાં બીજા વિદ્યાર્થીઓને વેચે છે, જેથી એમના પૈસા નીકળી જાય અને પૈસા કમાય અને લાખ રૂપિયામાં પેપર ખરીદનાર બીજા લોકોને વેચે, જેથી પેપર ફોડવાનો ધંધો ફૂલ્યોફાલ્યો છે."

"એટલે જ છેલ્લાં સાત વર્ષમાં સરકારી નોકરીઓ માટેની પરીક્ષાનાં નવ પેપર ફૂટ્યાં છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો