You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : હિંદુ મહિલાની કિડનીથી નવજીવન મેળવનાર મુસ્લિમ શિક્ષિકાએ લીધો અંગદાન કરાવવાનો સંકલ્પ
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મેં નાની ઉંમરમાં જીવતેજીવ દોજખ જોયું છે, હું શિક્ષિકા હતી અને મારા પતિ બૅંકમાં કામ કરતા હતા, લગ્નનાં બે વર્ષમાં મારી કિડની ફેઇલ થઈ ગઈ, એટલે મારા પતિએ હું લાબું નહીં જીવી શકું એમ કહી તલાક આપી દીધા, મારાં માતા-પિતા મને કિડની આપી શકે એમ નહોતાં. અલ્લાહના કરમથી મને હિંદુ બહેનની કિડની દાનમાં મળી. હું હવે ફરીથી મારી જિંદગી જીવીશ અને બાળકોને અંગદાનનું મહત્ત્વ સમજાવીશ."
અંગદાન થકી નવજીવન મેળવનાર રૂબીના અજમેરી કંઈક આવી રીતે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી રૂબીના ધીમી ગતિએ સ્વસ્થ થઈ રહ્યાં છે.
રૂબીનાના પિતા અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક્સ રિપેરિંગનો ધંધો કરે છે.
તેમનાં માતાએ પણ મજૂરી કરીને તેમનો ઉછેર કર્યો અને તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યાં.
તેઓ બી. એડ. થયાં અને શિક્ષિકા તરીકે કામ કરવા લાગ્યાં.
'કદાચ અલ્લાહને મારી ખુશી જ મંજૂર નહોતી'
રૂબીનાના જણાવ્યા અનુસાર શિક્ષિકા બન્યાં એ પહેલાં તેમનાં લગ્ન નહોતાં થઈ રહ્યાં.
શિક્ષિકા તરીકે નોકરી લાગતાં જ તેમના માટે લગ્નપ્રસ્તાવ આવવા લાગ્યા. તેમના પતિ આદિલ (નામ બદલ્યું છે) સાથે તેમનાં લગ્ન થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંનેએ નક્કી કર્યું કે બંને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી અને પોતાનો પરિવાર આગળ વધારવા વિચારશે.
રૂબીના પોતાના જીવનની કહાણી જણાવતાં આગળ કહે છે કે, "અમારું જીવન બે વર્ષ સુધી સારું ચાલી રહ્યું હતું. કદાચ અલ્લાહને મારી ખુશી જ મંજૂર નહોતી."
"અચાનક મારી તબિયત લથડવા માંડી. તપાસ કરવતાં માલૂમ પડ્યું કે મારી બંને કિડની ફેઇલ થઈ ગઈ છે. આ ખબર પડ્યા બાદ મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન જ બદલાઈ ગયું. એમણે મને અવગણવાનું શરૂ કરી દીધું."
ધીરે ધીરે રૂબિનાની હાલત વધુ બગડવા લાગી. તેમને સમયાંતરે ડાયાલિસિસ માટે લઈ જવા પડતાં.
બીમારી દરમિયાન પતિના ખરાબ વર્તનથી મામલો તલાક સુધી કઈ રીતે પહોંચ્યો તે અંગે વાત કરતાં રૂબીના કહે છે કે, "મને એવું હતું કે અમારો આગળનો સમય પણ સારો જશે. પરંતુ મારા પતિએ મને જણાવ્યું કે તેઓ મારી પાછળ પૈસા ખર્ચ નહીં કરી શકે અને હવે હું બાળકને જન્મ નહીં આપી શકું તેથી તેઓ મને છૂટાછેડા આપવા માગે છે."
આટલું કહી આદિલ રૂબીનાને તેમનાં માતાપિતાના ઘરે મૂકી ગયા અને પછી તેમને તલાક આપી દીધા.
'દીકરીને જમાઈ ઘરે મૂકી જતાં માથે આભ તૂટી પડ્યું'
રૂબિનાનાં માતા નસરીન અજમેરીએ કહ્યું કે, "જ્યારે અમારી દીકરીને મારા જમાઈના ઘરેથી લોકો અમારા ઘરે મૂકી ગયા ત્યારે એવું લાગ્યું કે જાણે અમારા માથે આભ તૂટી પડ્યું હોય. જમાઈ કોઈ પણ ભોગે મારી દીકરીનો સાથે આપવા તૈયાર નહોતા."
રૂબિનાનાં માતા-પિતા પણ તેમની શારીરિક માંદગીઓને કારણે તેમને કિડની આપી શકતાં નહોતાં. તેમનું ડાયાલિસિસ ચાલુ હતું.
ત્યારે જ તેમને ખબર પડી કે રૂબિનાના પતિએ તેમને તલાક આપીને બીજા નિકાહ કરી લીધા છે.
નસરીન અજમેરી એ સમયે પોતે વેઠેલ દુ:ખ વ્યક્ત કરતાં કહે છે કે, "અમે આદિલ પર કેસ કર્યો છે. તેથી એક બાજુ કોર્ટના ધક્કા અને બીજી બાજુ હૉસ્પિટલની જવાબદારી. ધીરે-ધીરે પૈસા ખતમ થવા લાગ્યા. ખાનગી હૉસ્પિટલમાં અમારું સર્વસ્વ વેચીને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેમ નહોતું."
"તેથી અમે સિવિલ હૉસ્પિટલમાં નામ લખાવ્યું. અમુક સમય સુધી ઇંતેજાર કર્યા પછી આશાનું કિરણ દેખાયું અને અમને કિડની માટે એક દાતા મળી ગયા. અમારી દીકરીને નવજીવન મળી ગયું. હવે તે થોડા દિવસમાં ચાલતી-ફરતી પણ થઈ જશે."
જીવનમાં ખુશીઓનું પુનરાગમન
રૂબિનાના પરિવારજનોએ તેમને કોણે કિડની આપી છે તેની તપાસ કરવાનો પ્રયત્ન કર્યો. જેથી તેમનો આભાર વ્યક્ત કરી શકાય . પરંતુ કોઈ માહિતી ન મળી.
નસરીન અજમેરી જણાવે છે કે, "અમુક સમય બાદ મારી દીકરીને ફરી નોકરી મળી જશે, તેવી ખબર પડી છે. સાથે જ તેને રાજસ્થાનના બ્રેઇનડેડ મહિલા બસુબહેન કલાસુની કિડની મળી હોવાની માહિતી મળી. બસુબહેનના ભાઈ જ્યારે અમને મળવા આવ્યા ત્યારે આ વાતની ખબર પડી."
પોતાને નવજીવન મળ્યું તે વાત અંગે પોતાની ભાવના વ્યક્ત કરતાં રૂબિના કહે છે કે, "મને હિંદુ મહિલાની કિડની મળી છે. તેથી હું ખૂબ આનંદિત છું. મને અંગદાન થકી નવજીવન મળ્યું છે. હું શિક્ષિકા તરીકે જ્યારે બાળકોને ભણાવવા જઈશ ત્યારે તેમને પણ અંગદાનનું મહત્ત્વ સમજાવીશ. તેમને અંગદાન માટે પ્રેરણા આપીશ."
તેઓ પોતાને જેમની કિડની થકી નવજીવન મળ્યું એવાં બસુબહેનને પોતાનાં બીજાં માતા કહે છે.
રૂબિના કહે છે કે, "મારાં માતાએ મને જન્મ આપ્યો જ્યારે મારા બીજાં માતા બસુબહેને મને નવજીવન આપ્યું છે. હું એમની તસવીર આજીવન મારી પાસે રાખીશ. હું એમની મૃત્યુતિથિ સમયે જરૂરી વિધિ પણ કરીશ. સાથે જ બાળકોને અંગદાન માટે પ્રેરીશ જેથી આ સિલસિલો આગળ પણ ચાલુ રહે. અને જીવનની અવિરત ધારા વહેતી રહે."
'ડૉક્ટરોએ સમજાવ્યું અંગદાનનું મહત્ત્વ'
બીબીસી ગુજરાતીએ બસુબહેનના પરિવારને આ અંગે કેવી લાગણી છે તે અંગે વાત કરવા માટે તેમનો પણ સંપર્ક કર્યો.
માંગીલાલ આગળ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં જણાવે છે કે, "અમે અન્ય લોકોને લાભ થઈ શકે તે માટે મારાં બહેનની કિડની, લિવર અને ફેફસાં દાન આપી દીધાં. મારી બહેન રૂબિનામાં હજુ જીવે છે. તેથી હું દર રક્ષાબંધને ગુજરાત આવીશ. એની પાસે રાખડી બંધાવીશ. આ સંબંધો આજીવન જળવાઈ રહેશે. રૂબિના માટે દરેક સ્થિતિમાં એક ભાઈની જેમ આડો ઊભો રહીશ."
આ સમગ્ર બનાવ અંગે બીબીસી ગુજરાતીએ રૂબિનાના પતિનો પણ સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો