You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જગદીશ ઠાકોર : કૉંગ્રેસના ગુજરાતના નવા અધ્યક્ષ કોણ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત કરવામાં આવી છે. ઓબીસી નેતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણમાં કૉંગ્રેસનો જાણીતો ચહેરો છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી સાથે આ અંગે પુષ્ટિ કરી હતી.
ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જગદીશ ઠાકોરની નિયુક્ત પર શુભકામના પાઠવી હતી અને 2022માં ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે એવી આશા વ્યક્ત કરી હતી.
અંતે નવ માસ પછી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીને નવા અધ્યક્ષ મળ્યા છે.
માર્ચ મહિના દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરાજય બાદ જીપીસીસીના અધ્યક્ષ તરીકે અમિત ચાવડા તથા વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાં આપી દીધાં હતાં..
જગદીશ ઠાકોર પર આવતા વર્ષે યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને વિજય અપાવવાની જવાબદારી હશે. રાજ્યમાં પાર્ટી લગભગ ત્રણ દાયકાથી સત્તાથી વંચિત છે.
આ સિવાય એઆઈએમઆઈએમ તથા આમ આદમી પાર્ટી જેવા પક્ષો પાર્ટીની પરંપરાગત મતબૅન્કમાં ફાચર ન મારે તે પણ જોવાનું રહેશે.
કોણ છે જગદીશ ઠાકોર?
જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપરથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. એ પહેલાં તેઓ બે વખત દેહગામની બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમની ગણતરી લડાયક મિજાજના આક્રમક નેતા તરીકે થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય તેઓ ઓબીસીમાં (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત જાતિ) ગણતરી થાય તેવા ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ગણતરી ધરાતલ સાથે જાડેયાલા નેતા તરીકેની થાય છે.
જાણકારોના કહેવા પ્રમાણે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને અલ્પેશ ઠાકોર ફેક્ટરનો લાભ થયો હતો અને વાવ, થરાદ, બાયડ વગેરે જેવી ઉત્તર ગુજરાતની બેઠકો ઉપર ઠાકોરોએ પાર્ટી માટે મતદાન કર્યું હતું. ત્યારે આગામી ચૂંટણીમાં પણ પાર્ટી ઠાકોર મતોને અંકે કરવા માટે જગદીશ ઠાકોર ઉપર દાવ રમી રહી છે. અલ્પેશ ઠાકોરના આગમન બાદ તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.
ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીના તમામ પદો પરથી રાજીનામાં ધરી દીધાં હતાં, જોકે કાર્યકર તરીકે રાજીનામું નહોતું આપ્યું. તેમણે ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
માનવામાં આવે છે કે, ઠાકોરની નિમણૂકને કારણે કારણે ભાજપમાં અલ્પેશ ઠાકોરની પણ ભૂમિકા વધી શકે છે, જેઓ પાર્ટીનો 'ઠાકોર ચહેરો' છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે.
ઠાકોરે આ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "પાર્ટી દ્વારા મને જે કોઈ જવાબદારી સોંપવામાં આવશે, તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. ભાજપે ગુજરાત તથા દેશમાં લોકશાહી અવાજને દબાવીને ભય તથા શંકાનો માહોલ ઊભો કર્યો છે, જેની સામે લડવાની જરૂર છે."
જીપીસીસીના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની પણ ચર્ચા હતી, પરંતુ ચાર અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તથા રાષ્ટ્રીયસ્તરે ભૂમિકાને કારણે તેમના નામનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
સેન્સ લીધી હતી
ઑક્ટોબર મહિનામાં નવી દિલ્હી ખાતે આગામી અધ્યક્ષ તથા વિપક્ષના નેતાના નામની ચર્ચા કરવા બેઠક મળી હતી.
જેમાં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી, સિદ્ધાર્થ પટેલ, પરેશભાઈ ધાનાણી, અમિત ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલ, મધુસૂદન મિસ્ત્રી, અમીબહેન યાજ્ઞિક, નરેશ રાવલ સહિતના નેતા સામેલ થયા હતા.
કૉંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ જીપીસીસીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને રાજ્યનું સુકાન સોંપવા માગતું હતું, આ નામ વિશે સેન્સ લેવામાં આવી હતી. જેમાં એકમત થઈ શક્યા ન હતા.
તાજેતરમાં જ કૉંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને ટૅગ કરીને ટ્વીટ કર્યું હતું કે 'ભાજપ દ્વારા મુખ્ય મંત્રી તથા કૅબિનેટમાં ફેરબદલ કરવામાં આવી છે, જે સૂચક છે અને આપણા માટે પરિસ્થિતિઓ સાનુકૂળ બની શકે છે. કૃપા કરીને જનહિતમાં આક્રમક નેતૃત્વ પ્રદાન કરવાની કૃપા કરો.'
હવે, ઠાકોર તથા રાઠવાના નામો સાથે કૉંગ્રેસના પ્રમાણમાં યુવા તથા જૂના નેતાઓને પણ સહમત કરી લેવાયા હોવાનું કહેવાય છે.
12 મહિનામાં તૈયારી
સામાન્ય રીતે રાજ્યમાં ચૂંટણી આવતી હોય તો કોઈ પણ પક્ષ ઓછામાં ઓછા સવાથી દોઢ વર્ષ પહેલાં તેની તૈયારીઓ શરૂ કરી દેતો હોય છે.
પરંતુ કૉંગ્રેસના નવા નેતૃત્વને તૈયારી માટે માંડ 12 મહિના જેટલો સમય મળશે, કારણ કે મોડામાં મોડા ડિસેમ્બર-2022ની શરૂઆતમાં ચૂંટણીની જાહેરાત કરવી રહે.
25 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં કૉંગ્રેસ સત્તાથી વંચિત છે એટલે કાર્યકરોનું મનોબળ નબળું પડે તથા અનેક સ્થળોએ પાર્ટીનું સંગઠન પડી ભાંગ્યું છે.
પાર્ટીએ કેટલાક જનાધારવાળા નેતાઓને ગુમાવ્યા છે. ત્યારે નવા પ્રદેશાધ્યક્ષ ઉપર આગામી મહિનાઓમાં ગુજરાતમાં પક્ષના સંગઠનને બેઠું કરવાની જવાબદારી હશે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જોકે 'સરપ્રાઇઝ' આપવા ટેવાયેલી મોદી-શાહની જોડી વહેલાસર ચૂંટણી માટે પણ સ્થાનિક નેતાઓને કહી શકે છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે સીઆર પાટીલે જ્યારથી જવાબદારી સંભાળી છે, ત્યારથી તેમણે રાજ્યના અલગ-અલગ શહેરોની મુલાકાતો લઈને સતત સત્તા પર રહેવાને કારણે સુસ્ત બની ગયેલા સંગઠનમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ કર્યા છે.
તેમણે નેતાઓને પણ કાર્યકરોની વાત સાંભળવા તથા તેમની સમસ્યાઓનો ઉકેલ કરવા ચેતવણી આપી છે. પાટીલ 182માંથી 182 બેઠકનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખે છે.
સાથે જ મુખ્ય મંત્રી સહિતની સમગ્ર કૅબિનેટ બદલીને નવો ચહેરો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો