ગુજરાતની ચૂંટણી ભાજપ વહેલી યોજવા માગે છે? કેમ?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

તાજેતરમાં રાજપીપળામાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું, "ગુજરાતમાં ખૂબ ઓછા સમયમાં ચૂંટણી આવશે."

"BTP અને કૉંગ્રેસના ધારાસભ્યોને ઉખાડવાના છે. આવનારા પાંચ થી છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે."

સંસદસભ્યે આગામી પાંચ-છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી હોવાની વાત કાર્યકર્તાઓને કરતાં રાજકીય માહોલ જામ્યો છે. અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

નિવેદન પરથી તાગ મેળવીએ તો શું ગુજરાતમાં વહેલી ચૂંટણી લાવીને ભાજપ મોટો દાવ ખેલી શકે છે?

આ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતના રાજકીય પક્ષોના નેતાઓ અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.

UPની સંભવિત હાર અને ગુજરાતની ચૂંટણી

કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવા પાછળ ભાજપનો તર્ક સ્પષ્ટ કરતાં કહે છે કે, "ભાજપ એવું સ્પષ્ટપણ માને છે કે ઉત્તર પ્રદેશમાં જિતાય એવું નથી, તેથી સાથે જ ગુજરાતની ચૂંટણી પણ યોજી નાખવી, જેથી ઉત્તર પ્રદેશનાં પરિણામોની અસર ગુજરાત પર ન પડે."

જયરાજસિંહ ઉમેરે છે કે, "ભાજપને ઉત્તરાખંડ હાથમાંથી જવાનો ડર છે. મણિપુર અને પંજાબ પણ હાથમાં નંહી આવે, ફક્ત આધાર યુપીનો છે."

માર્ચ 2022માં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ગુજરાત વિધાનસભાનો સમયગાળો ડિસેમ્બર 2022માં પૂરો થાય છે. એટલે કે ગુજરાતમાં ચૂંટણી યોજવા માટે દોઢ વર્ષ જેટલો સમય છે, છતાં ચૂંટણી જેવો માહોલ કેમ છે?

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ વહેલી ચૂંટણીની વાતને ભાજપની અનોખી કાર્યશૈલી સાથે સાંકળે છે.

તેઓ કહે છે કે, "ભાજપ અમુક ગપગોળા ચલાવીને ઍક્શન અને રિઍક્શન જોવા માગતો હોય છે. આ નરેન્દ્ર મોદીની જૂની સ્ટાઇલ છે."

"એક જણ એમ કહેશે કે ચૂંટણી વહેલી આવશે અને બીજો કહેશે કે ચૂંટણી સમયસર આવશે. લોકોનો મૂડ જાણવા માટે તેઓ આવી કોશિશ કરતા રહે છે."

આમ આદમી પાર્ટી અને AIMIM

ભાજપે ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને સંગઠનને મજબૂત બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે વિકાસનાં કામોનાં ઝડપભેર ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્તો કરશે.

કૉંગ્રેસ મુકાબલો કરવા માટે તૈયાર થઈ રહી છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત પગપેસારા માટે પ્રયત્નશીલ છે.

આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીને દોઢ વર્ષનો સમય આપવામાં ભાજપને જોખમ જણાય છે?

શું વહેલી ચૂંટણી લાવીને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ બંને મોરચે ભાજપ ફતેહ મેળવવાની યોજના ઘડી રહ્યો છે?

હરિ દેસાઈ આપના પગપેસારાની વાતને રદિયો આપે છે.

તેમણે જણાવ્યું કે, "આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM તો ભાજપની મિત્ર પાર્ટી છે. આપ પાર્ટી કૉંગ્રેસના ઉમેદવારો જ્યાં જીત્યા છે, ત્યાં જ ફોકસ કરી રહી છે, જેથી ભારતીય જનતા પાર્ટીને મદદ કરી શકે."

કોરોનાની બીજી લહેર બાદ લોકોનો બદલાયેલો મૂડ

કહેવાય છે કે કોરોનાની બીજી લહેર બાદ ભાજપે પ્રજાનો મૂડ જાણવા માટે ખાનગી સર્વે કરાવ્યો હતો.

શું આ સર્વેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં વહેલી ચૂંટણી યોજવાની વ્યૂહાત્મક ગણતરી કરવામાં આવી હતી?

કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ વહેલી ચૂંટણીની સંભાવનાને આંતરિક સર્વે સાથે જોડે છે.

તેમણે કહ્યું, "ભાજપના સર્વે બાદ એવી વ્યૂહરચના લાગે છે કે ઉત્તર પ્રદેશ જીતી નહીં શકાય, તો ચૂંટણી સાથે આપી દેવાની અને યુપીની ચૂંટણી જિતાય એવું લાગે તો એનો લાભ લઈને બાકીની પાછળથી જીતીશું."

વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે, "યુપીની ચૂંટણી માથે છે એટલે જો ભાજપ મોવડીમંડળ પાંચ રાજ્યોની સાથે ગુજરાતની ચૂંટણી કરવા માગતું હોય તો હવે એ નિર્ણય તત્કાલ લેવો પડે, નહિતર મોડું ગણાશે."

"પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થઈ ગયા પછી ગુજરાતની ચૂંટણીને આડે માત્ર નવ મહિના જેટલો સમય બચશે. એ સમયમાં ભાજપ આ પાંચ રાજ્યોની ચૂંટણીઓનાં પરિણામોને આધારે રણનીતિ ઘડશે."

આગામી ચૂંટણીનાં પરિણામોનો ભાજપને ઇંતેજાર?

ગોહિલ અન્ય રાજ્યોનાં ચૂંટણીપરિણામો અને તેના સંભવિત પ્રભાવો વિશે વાત કરતાં કહે છે કે, "ધારો કે યુપીમાં ભાજપ જંગી બહુમતિ સાથે ફરી સત્તામાં આવે પરંતુ ઉત્તરાખંડ અને પંજાબમાં આમ આદમી પાર્ટી જોરમાં આવી જાય, તો ગુજરાત ભાજપે આમ આદમી પાર્ટીને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ ઘડવી પડે."

"રણનીતિ ઘડવા અને તેના અમલીકરણ માટે ભાજપ પાસે બહુ સમય બચશે નહીં. એટલે વહેલી ચૂંટણીનું ગણિત બહુ બેસતું નથી."

માર્ચ 2021માં આયોજિત ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામો વખતે જ ગુજરાતમાં વહેલી ચૂંટણીની વાત ઊડી હતી.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ પ્રમાણે, તત્કાલીન વનમંત્રી રમણ પાટકરે કહ્યું હતું, "જ્યારે ભાજપની સર્વત્ર જીત થાય છે, ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ (પક્ષનું) અને રાજ્ય તથા કેન્દ્રનું નેતૃત્વ માને છે કે આવા સાનુકૂળ વાતાવરણમાં ચૂંટણીઓ યોજવી યોગ્ય રહે છે."

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ કહે છે કે, "ભાજપ યુપીમાં જીતશે જ એ બાબત ચોક્કસ નથી. ભાજપને ડર છે કે ઉત્તર પ્રદેશમાં એ ચૂંટણી હારી જાય તો બીજાં રાજ્યોમાં પણ એ હારી શકે. એ સંભાવના નકારી શકાય નહી."

પશ્ચિમ બંગાળની હારને પણ ધ્યાનમાં રાખવી પડશે?

સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો ભારે વિજય થયો હતો. છ મહાનગરપાલિકામાં, 81માંથી 75 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતમાં અને 231માંથી 196 તાલુકા પંચાયત પર ભાજપે વિજય મેળવ્યો હતો.

કૉંગ્રેસના ખાતે માત્ર ચાર નગરપાલિકા અને 33 જિલ્લા પંચાયત આવી હતી.

ત્યારે વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ હતું કે, "ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુજરાત વિકાસ અને સુશાસનના ભાજપના એજન્ડા સાથે અડીખમ ઊભું છે."

"હું ભાજપ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સ્નેહ માટે ગુજરાતની જનતાને નમન કરું છું."

જોકે તે સમયે મંત્રી પાટકરે ઉમેર્યું હતું કે જો ભાજપ પશ્ચિમ બંગાળમાં જીત મેળવશે તો ટૂંક સમયમાં ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ માટે અપેક્ષા વિરુદ્ધનાં પરિણામો આવ્યાં અને ગુજરાતમાં વહેલી ચૂંટણીના વાવટાને તે પછી હવા મળવાની બંધ થઈ.

મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હઠાવવા ઘડાયેલી રણનીતિ?

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ કહે છે કે, "ચૂંટણી વહેલી આવશે અને પછી ચૂંટણી સમયસર આવશે, એમ કહીને સત્તા પક્ષ પ્રજાને ગૂંચવવાની કોશિશ કરે છે."

"એમની ઇચ્છા હોય છે કે મુખ્ય મુદ્દાઓ ઉપરથી પ્રજાનું ધ્યાન વિકેન્દ્રિત થઈ જાય. ઝીણાનો મુદ્દો, વિભાજનનો મુદ્દો એ પ્રજાનું ધ્યાન વિકેન્દ્રિત કરવા માટે કરવામાં આવેલી હરકતો છે."

"નરેન્દ્ર મોદીના ગુજરાતના શાસનકાળ દરમિયાન પણ ભાજપની બેઠકોની સંખ્યામાં ઉત્તરોત્તર સતત ઘટાડો થયો છે. ગત ચૂંટણીમાં મોદી અને શાહે ગુજરાતમાં ધામા ન નાખ્યા હોત તો ભાજપે ચૂંટણી હારવાનું નક્કી હતું."

"એટલે આ વહેલી અને મોડી ચૂંટણી તેમની વ્યૂહરચનાનો ભાગ હોય છે. ચૂંટણી વહેલી આવે એવી કોઈ શક્યતા મને જણાતી નથી."

ગુજરાતને જીતવું કપરું

ગુજરાતમાં ચૂંટણીના વલણ અંગેનો ચૂંટણી પંચના આંકડાઓને આધારે હિંદુસ્તાન ટાઇમ્સે કરેલો અભ્યાસ કહે છે કે ગુજરાત રાજ્યને જીતવું ઉત્તરોત્તર કપરું બની રહ્યું છે.

આ અહેવાલમાં 1980થી 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં દરેક બેઠક પર જીતની સરસાઈની ટકાવારી બતાવવામાં આવી છે. જે બતાવે છે કે બેઠકો પર જીતની સરસાઈ ઉત્તરોત્તર ઘટી રહી છે.

હિંદુસ્તાન ટાઇમ્સના ભારતના ઇલેક્શન કમિશનના આંકડાના પૃથ્થકરણમાં નિષ્કર્ષ આવ્યો કે, 1985ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બેઠક પર સરેરાશ જીતની સરસાઈ 23.70 ટકા હતી તે ઘટીને 2012માં 10.72 ટકા પર આવી ગઈ હતી.

આમ ગુજરાતને જીતવું ઉત્તરોત્તર અઘરું બનતાં ચૂંટણી જીતવા માટે પક્ષને વિશેષ વ્યૂહરચના અમલમાં મૂકવાની આવશ્યકતાઓ જણાય છે.

આ વિશેષ આવશ્યકતાના ભાગરૂપે જ '2022ની ચૂંટણી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ જ લડાશે' એવી પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની જાહેરાત પછી પણ મોવડીમંડળે મુખ્ય મંત્રીની સાથે આખેઆખું પ્રધાનમંડળ જ બદલી નાખ્યું?

જોકે તાજેતરની વહેલી ચૂંટણી યોજાવાની અટકળો વચ્ચે પાટીલે કહ્યું કે ગુજરાતની ચૂંટણી ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યો સાથે નહીં યોજાય, તેના સમયે જ યોજાશે.

ભાજપના શીર્ષસ્થ નેતૃત્વની આ ચાલ અને નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળની પહેલી ચૂંટણી તે પછી વહેલી ચૂંટણીની તૈયારીઓને ઇંગિત કરે છે?

પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત ડાંગરે કહ્યું, "ભાજપને કોઈનાં પરિણામથી ક્યારેય ફરક નહીં પડે. સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓથી લઈને દરેક સ્તરે ભાજપનો વિજય થયો છે. બીજાં રાજ્યોની ચૂંટણીની અસર અહીં પડે એ તર્ક મારા મતે યોગ્ય નથી."

ભરતભાઈએ ઉમેર્યું, "અત્યારે વહેલી ચૂંટણી કરવાનો એવો કોઈ વિષય પણ નથી. અત્યારની સ્થિતિ પ્રમાણે ચૂંટણી સમયસર જ થશે. ભાજપની પણ એવી કોઈ ઇચ્છા નથી. યુપીમાં પણ ભાજપના ભવ્ય વિજયને કોઈ રોકી શકે એમ નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો