નૉન-વેજ વિવાદ : ગુજરાત ખરેખર 'શાકાહારી રાજ્ય' છે કે આ છબિ ખોટી છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતનાં વડોદરા, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ભાજપશાસિત નગરપાલિકા અને મહાનગરપાલિકાની શહેરનાં મુખ્ય માર્ગો પર ઈંડાં અને નૉન-વેજ વેચતી લારીઓ સામેની 'ઝુંબેશ' અંગે વિવાદ વકર્યો છે.

ભાજપના કેટલાક નેતાઓએ જાહેરમાં નૉન-વેજના વેચાણથી કેટલાક લોકોની 'ધાર્મિક લાગણી દુભાતી' હોવાનું કારણ ધરીને તેમની કૉર્પોરેશનોના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે વડોદરામાં 24 કલાક બાદ આ નિર્ણય પાછો ખેંચી લેવાયો હતો અને 'નૉન-વેજ તથા ઈંડાંની વાનગીઓની લારીઓ હાલ પૂરતી બંધ નહીં કરાય; તેવી જાહેરાત કરાઈ છે.

કેટલાંક શહેરોમાં જાહેરનામું બહાર પાડ્યા વગર પાલિકાના શાસકોએ અધિકારીઓને મૌખિક આદેશ આપ્યા હોવાના પણ અહેવાલો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે આ તમામ નિર્ણયોને વ્યક્તિગત નિર્ણયો ગણાવીને પ્રદેશ ભાજપને આની સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "મેં વડોદરા અને રાજકોટમાં સ્થાનિક તંત્ર સાથે વાત કરી છે અને શેરીઓ પરથી નૉન-વેજ ફૂડની લારીઓ ન હઠાવવાનું કહ્યું છે. આ જે તે નેતાઓના અંગત અભિપ્રાય હતા. અમે તેનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાના નથી. પ્રદેશ ભાજપને આ નિર્ણય સાથે કોઈ લેવાદેવા નથી."

જોકે આ મામલે વિવાદ થયા બાદ ગુજરાત રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ફૂટપાથ પર લારીઓ ઊભી રાખવાનો કોઈને પણ અધિકાર નથી, ફૂટપાથ રાહદારીઓ માટે છે."

"ફૂટપાથ પર દબાણ કરી જ ન શકાય, ત્યાં ઊભી રહેતી કોઈ પણ લારી હોય પછી તે વેજની હોય કે નૉન-વેજની એને ઉપાડી જ લેવી પડે."

સાથે જ તેમણે આ નિર્ણય લેવા બદલ પાલિકાઓના મેયરોને બિરદાવ્યા હતા.

વિવાદ બાદ શનિવારે વડોદરાના ડેપ્યુરી મેયર નંદાબહેન જોશીનું નિવેદન આવ્યું છે કે "જાહેરમાં નૉન-વેજ વાનગીઓ રાંધવાથી આંખોમાં બળતરા થવાની મહિલાઓ અને બાળકોની ફરિયાદ રહેતી હતી, જેના પગલે મેયર દ્વારા બેઠક બોલાવાઈ હતી અને ખોરાકને યોગ્ય રીતે ઢાંકવામાં આવે અને સફાઈ જળવાય એ માટે કાર્યવાહી કરાઈ હતી."

'મુહૂર્તના દિવસે જ લારી લઈ ગયા'

આ નિર્ણય લેવાયા બાદ પાલિકાઓ દ્વારા જાહેરમાર્ગો પર ઊભી રહેતી નૉન-વેજ અને ઈંડાંની વાનગીઓની લારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટના ફૂલછાબ ચોક પરથી ઈંડાંની વાનગીઓની લારીઓ હઠાવવામાં આવી હતી.

લારીઓ હઠાવતી વખતે રાજકોટના ડેપ્યુટી કમિશનર એ. આર. સિંહે મીડિયાને કહ્યું હતું કે, “આ પ્રકારની લારીઓ રસ્તા પર ઊભી રહે તે લોકોને પસંદ નથી અને ટ્રાફિકનો પ્રશ્ન પણ ઊભો થાય છે."

જેમના ભત્રીજાની લારી હઠાવાઈ છે, તે હબીબ ગનીભાઈએ બીબીસીને જણાવ્યું હતું કે, ”લાભપાંચમે ધંધાનું મુહૂર્ત થાય છે, એ દિવસે જ અમારી લારી લઈ ગયા. જ્યાંથી લારીઓ હઠાવાઈ છે, ત્યાં ચાર-પાંચ દાયકાથી લોકો ધંધો કરે છે.”

ઉલ્લેખનીય છે કે પાંચ નવેમ્બરે માજી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “નૉન-વેજ ફૂડની કોઈ જરૂર નથી. જીવહિંસાની કોઈ જરૂર નથી. શરીરને ટકાવવા માટે વેજ ફૂડ છે.”

તેમણે આ વાત રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા દિવાળી અન્નકૂટ મહોત્સવ વખતે મીડિયાને કહી હતી.

ગુજરાતની 'શાકાહારી' છબિ

દારૂબંદી અને માંસાહાર આ બંને મુદ્દા એવા છે કે જે ગુજરાતમાં સતત ચર્ચાતા રહે છે. ગુજરાતની પ્રચલિત છબિ 'શાકાહારી રાજ્ય' તરીકેની છે.

ખાનપાનના જાણકાર ઇતિહાસવિદ્ પુષ્પેશ પંતથી માંડીને અન્ય અભ્યાસુ લોકો એવું માને છે કે જૈન કે વૈષ્ણવ ધર્મના પ્રભાવ કે પછી ગાંધીજીના જન્મ પહેલાંના સ્વાભાવિક અહિંસક વલણનું દર્શન ગુજરાતમાં થાય છે.

આ વાત કેટલી સાચી છે તે જાણવાનો પ્રયાસ કરીએ.

ગુજરાતની અનેક જ્ઞાતિઓમાં નૉન-વેજ ખવાય છે?

જ્ઞાતિ કે સંપ્રદાયની જેમ ખાનપાનનું પણ રાજકારણ હોય છે. જ્યારે કોઈ રાજકીય પક્ષ કે ધાર્મિક મંચના આગેવાનો કોઈ ખોરાકનો વિરોધ કરે કે વકીલાત કરે ત્યારે તેની પાછળનું રાજકારણ સામાન્ય લોકોને તરત સમજાતું નથી.

પત્રકાર વીર સંઘવી લખે છે કે, “ભારત ક્યારેય શાકાહારી દેશ હતો નહીં. શાકાહારની લોકપ્રિયતા હિંદુ પરંપરામાંથી નહીં, બલકે જૈન પરંપરામાંથી આવી છે.”

ગુજરાતમાં જૈનોના પર્યુષણ પર્વ વખતે કતલખાનાં બંધ રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે. ગુજરાતમાં ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) હેઠળ 147 જ્ઞાતિ-સમુદાયો આવે છે.

વિચરતી વિમુક્ત જ્ઞાતિઓના પ્રશ્ને લાંબાં સમયથી કામ કરતાં મિત્તલ પટેલ બીબીસી ગુજરાતીને કહે છે કે “વિચરતી વિમુક્ત જ્ઞાતિઓ પૈકી સિત્તેર ટકા જેટલી જ્ઞાતિઓના લોકોમાં નૉન-વેજ ખાવાનો ધારો છે."

"જેમાં ઠાકોર, નટ, બજાણિયા, છારા, વાદી, સરાણિયા વગેરેનો સમાવેશ થાય છે.”

નૉન-વેડ ખાનારો નોંધપાત્ર વર્ગ હોવા છતાં ગુજરાતની જે 'શાકાહારી રાજ્ય'ની છબિ છે, એમાં જૈન અને વૈષ્ણવ પરંપરાનો પ્રભાવ વધુ રહ્યો છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની બીબીસી ગુજરાતીને કહે છે કે, “આપણી ત્યાં જૈન પરંપરાનો પ્રભાવ વધુ રહ્યો છે, જે શાસન સાથે જોડાયેલી રહી છે."

"ગુજરાતનો ઇતિહાસ જુઓ તો જે રાજાઓ થઈ ગયા, તેમણે જૈન ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. તેથી એની વિચારસરણીનો પ્રભાવ શાસન પર વર્તાય."

"જૈન ઉપરાંત વૈષ્ણવોનો પણ પ્રભાવ હતો, આ બંનેનો સમુદાય નાનો હતો પણ રાજકીય અને વેપારી માળખા પર બંને કોમની પકડ સારી હતી; એને કારણે શિક્ષણ, સંસ્કૃતિ કે સાહિત્યની બાબતોમાં શાકાહારી લોકોની જ વાતો આવે છે.”

દરિયાઈ ફૂડનું મથક ગુજરાત

ગુજરાતમાં પારસી, આદિવાસી, ક્ષત્રિયો, દરિયાખેડુ લોકોનાં ભોજનમાં વર્ષોથી માંસાહારનું સ્થાન રહ્યું છે. તેમનાં અવનવાં માંસાહારી વ્યંજનો પણ પ્રચલિત બન્યાં છે.

દેશમાં સૌથી લાંબો દરિયકાંઠો ગુજરાત પાસે છે. સી-ફૂડ એટલે કે દરિયાઈ ખોરાકનું મોટું મથક પણ ગુજરાત છે.

ગૌરાંગ જાની કહે છે કે, “દરિયાકાંઠે રહેનારા લોકો દરિયાઈ ફૂડ દાયકાઓથી ખાતા આવ્યા છે, પણ દરિયો ખેડનારી વેપારી કોમ વાણીયા અને જૈનોની છે."

"આ વેપારી માણસોએ દરિયાકિનારે રહેતા લોકોની ક્યાંય વાત જ ન કરી."

"દરિયાકિનારાની પ્રજા ઉપરાંત અંબાજીથી આહવા એ ગુજરાતનો આદિવાસીઓનો ઇલાકો છે. તેઓ પણ માંસાહાર કરતા આવ્યા છે."

"ગુજરાતની છબિ વેપારી પ્રજાની છે, કારણકે સમાજના શ્રેષ્ઠી વર્ગોએ આદિવાસી કે દરિયાકિનારાના લોકોની વાત જ નથી કરી.”

તેઓ આ અંગે વાત કરતાં આગળ કહે છે કે, “છેલ્લાં 200 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયની પણ ગુજરાતમાં સામાજિક તેમજ રાજકીયક્ષેત્રે પહોંચ રહી છે."

ગુજરાતી થાળીમાં નૉન-વેજ પણ છે?

દેશ આઝાદ થયો તે અગાઉ જેટલાં રજવાડાં હતાં, તેમાંનાં ઘણાં ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં.

આઝાદી અગાઉ જ્યારે શિકાર ગેરકાયદેસર નહોતો ગણાતો, ત્યારે ગુજરાતમાં રાજવી પરિવારોમાં તેમની ઓળખ સમાન અવનવી નૉન-વેજ ડિશો પણ બનતી હતી. ગુજરાતમાં દરિયાઈ ફૂડનાં અથાણાં સુધ્ધાં બન્યાં છે.

પારસીઓ ઈરાનથી ગુજરાતમાં આવીને વસ્યા, સાથે તેઓ પોતાની પારંપરિક વાનગીઓ ગોશ્ત, કબાબ વગેરે લઈને આવ્યા હતા.

પારસીઓની ધાનશાક વાનગી જાણીતી છે, જે દાળ અને શાકભાજીની સાથે ગોશ્ત ભેળવીને બનાવાય છે.

દરિયાઈ માર્ગે પારસીઓ ગુજરાતના કાંઠે વસ્યા, તેથી માછલીઓ પણ તેમના ખોરાકમાં વિશેષ સ્થાન ધરાવે છે. પારસીઓના ભોજનમાં 'પાત્રાની મચ્છી' એક વિશેષ ડિશ છે.

પત્રકાર વીર સંઘવીએ એક ટ્વીટમાં લખ્યું છે કે, “દેશમાં જે ઉત્તમ માંસાહારી વ્યંજનો છે, તેમાનાં કેટલાંક ગુજરાતી છે. જે ગુજરાતના મુસ્લિમ સમુદાયો ખોજા, મેમણ વગેરેએ આપ્યાં છે.”

જાની કહે છે કે, “ગુજરાતી થાળીની વાત આવે છે, ત્યારે ઉપલા વર્ગના પ્રભાવને લીધે માત્ર શાકાહારી થાળીનો જ ડંકો વાગ્યો છે."

"ગુજરાતી થાળીમાં નૉન-વેજ ફૂડ પણ છે, પરંતુ એનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ગુજરાતી ચેનલોમાં જે રસોઈ શો આવે છે, એમાં પણ ક્યારેય નૉન-વેજ વ્યંજનોની રેસીપી બતાવતા નથી.”

શાકાહાર-માંસાહાર અને રાજકારણ

રાજકોટમાં જેમના ભત્રીજાની લારી હઠાવાઈ છે તે હબીબ ગનીભાઈને લાગે છે કે માંસાહાર અને શાકાહારને જોડીને હિંદુત્વનું રાજકારણ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે “હવે 2022ની ચૂંટણી આવી રહી છે, તેથી અમારી લારીઓ હઠાવાઈ રહી છે.”

ગાંધીજી જન્મે વૈષ્ણવ હતા, શાકાહારના ચુસ્ત આગ્રહી હતા. દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન પણ તેઓ શાકાહારને વળગી રહ્યા હતા.

તેમના એક સામયિકનું નામ જ વેજિટેરીયન હતું. એક મત એવો પણ છે કે લોકો માંસાહાર છોડીને શાકાહાર તરફ વળે, એના ગાંધીજી પણ હિમાયતી હતા તો શાકાહારી થવામાં વાંધો શું છે?

આ સવાલના જવાબમાં ગૌરાંગ જાની કહે છે કે, “ગાંધીજીએ શાકાહારનો પ્રચાર કર્યો હતો, ક્યારેય માંસાહાર કરતા હોય તેમને ઉતારી પાડ્યા નહોતા. તેમણે માંસાહારને લોકોના ચારિત્ર્ય સાથે નથી જોડ્યો."

"રાજનીતિમાં જે સાંપ્રદાયિક તાકાતો છે, તેમને એવી બીક લાગી રહી છે કે નવી પેઢી માંસાહાર તરફ વળી રહી છે; તો એ પેઢીને કઈ રીતે હિંદુત્વને પોષતી નીતિ સાથે સાંકળી રાખવી. તેથી રાજકીય રીતે શાકાહારને પ્રોજેક્ટ કરવામાં આવે છે."

"એમાં ગુજરાતીપણા કરતાં હિંદુત્વનો મુદ્દો વધારે છે. કાશ્મીર તેમજ બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં બ્રાહ્મણો નૉન-વેજ ખાય છે તો એનો કોઈ ઊહાપોહ નથી.”

2014નો સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો એક સર્વે છે, જે રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યો હતો.

જેમાં જણાવાયું હતું કે ગુજરાતમાં 61.80 ટકા લોકો શાકાહારી છે અને 39.05 ટકા લોકો માંસાહારી છે. આનું એક તારણ એ નીકળે છે કે રાજ્યમાં દર પાંચમાંથી બે વ્યક્તિ માંસાહારી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો