વિશ્વભરમાં ઈદ વખતે આ વાનગીઓ ખવાય છે

    • લેેખક, અહમન ખ્વાજા
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વભરના મુસ્લિમો રમજાન મહિનાના અંતે ઈદની ઉજવણી કરે છે. કોઈ પણ ધર્મના તહેવારની જેમ જાતભાતની વાનગીઓ અને અનોખા ભોજન આ ઉજવણીનો પણ ભાગ છે, જેમાં મીઠાઈઓનો પણ સમાવેશ થાય છે. વિશ્વભરમાં

ઈદ વખતે આવી વાનગીઓ ખવાય છે.

દક્ષિણ એશિયા - શીર ખુરમા

શીર ખુરમા અથવા સેવૈંયા એક મીઠી વાનગી છે, જે સમાન્ય રીતે દૂધ અને ઘઉંના લોટની સેવોમાંથી બને છે. ક્યારેક બદામ સાથે પણ પીરસવામાં આવે છે.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના દેશોમાં ઈદ નિમિત્તે આ વાનગી અચૂક રીતે ખવાય છે. ઊકળતા દૂધમાં આ સેવ નાંખવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠંડું કરીને સૂકો મેવો અને એલચી ઉમેરીને ખવાય છે.

રશિયા - મેન્ટી

લોટ અને માંસમાંથી બનતી આ વાનગીને બટર અથવા ખાટી ક્રીમ સાથે પીરસવામાં આવે છે.

આ એક એવી વાનગી છે જે બનાવવાની પદ્ધતિ દરેક પ્રદેશમાં બદલાય છે અને સમગ્ર રશિયામાં મુસ્લિમ સમુદાય દ્વારા કરાતી ઈદની ઉજવણીમાં આ વાનગી સમાવિષ્ટ હોય છે.

ચીન - સેન્ઝી

ચીનના 2.30 કરોડ મુસ્લિમોમાં આ વાનગી ખવાય છે. ઘઉંના લોટમાંથી બનતી આ વાનગી તળેલી સેવ જેવી હોય છે. આ વાનગી ઝીનજીઆંગ પ્રાંતમાં સૌથી વધારે ખવાય છે.

મધ્ય પૂર્વ - બટર કુકિ

મધ્ય પૂર્વના મોટા ભાગના દેશોમાં રમજાન દરમિયાન અને ઈદ વખતે આ બટર કુકિની સૌથી વધારે માગ જોવા મળે છે.

અરબ દેશોમાં આ કુકિ માટે અલગ-અલગ નામો જોવા મળે છે. જેમકે સીરિયામાં મામૉલ, ઇરાકમાં ક્લાઇચા અને ઇજિપ્તમાં કાહ્કના નામથી આ કુકિ પ્રચલિત છે.

આ કુકિ બનાવવા માટે મુખ્ય સામગ્રીની સાથે અખરોટ અને પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે.

ન્ડોનેશિયા - કેતુપાત

ઇન્ડોનેશિયામાં ઈદની ઉજવણી દરમિયાન અન્ય વાનગીઓની સાથે કેતુપાત પણ પ્રચલિત છે. ચોખાની આ વાનગીને તાડના પાનમાં વીંટાળીને રાખવામાં આવે છે.

સામાન્ય રીતે આ વાનગી ઓપોર આયામ જેવી વાનગીઓ સાથે ખવાય છે.

યુનાઇટેડ કિંગડમ - બિરયાની

યુનાઇટેડ કિંગડમમાં ઈદ જેવા તહેવારો દરમિયાન બિરયાની સૌથી વધુ લોકપ્રિય વાનગી છે.

માંસ, શાકભાજી અને ભાતથી બનતી આ વાનગી સમાન્ય રીતે કાકડી અને રાયતા સાથે ખવાય છે.

યુકેની કુલ વસતીના 5 ટકા કરતાં વધારે લોકો મૂળ દક્ષિણ એશિયાના છે. કૉલોનીઅલ વારસો હજી પણ યુકેમાં જોવા મળે છે.

કમ્બાબુર - સોમાલિયા

કમ્બાબુર બ્રેડ જેવી એક વાનગી છે જે સોમલિયામાં લોકપ્રિય છે, જે પૅન કેકથી મળતી આવે છે.

આ વાનગીને ગરમાગરમ ખાવાની અલગ જ મજા છે અને આખા દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકાતી વાનગી છે.

ઇથોપિયામાં ખવાતી ઇન્જેરા વાનગી કમ્બાબુર જેવી જ વાનગી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો