ગાંધીનગરમાં ત્રણ બાળકીના બળાત્કારમાં જનમટીપ, બાઇક થકી કઈ રીતે ઝડપાયો હતો દોષિત?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીનગરની કોર્ટે ત્રણ વર્ષની બાળકી સહિત ત્રણ બાળકી પર બળાત્કારના કેસમાં દોષિતને આજીવનકેદની સજા ફટકારી છે.

સરકારી વકીલ સુનીલ પંડ્યાએ બીબીસીને આ માહિતી આપી છે.

તેમના કહેવા પ્રમાણે, "અમે આ આરોપીને ફાંસીની સજા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાના છીએ. માત્ર 25 દિવસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચુકાદાની આ પહેલી ઘટના છે."

ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં ગાંધીનગર પોલીસે ત્રણથી સાત વર્ષની ત્રણ બાળકી સાથે દુષ્કર્મ આચરવાના તથા એક બાળકીની હત્યા કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી હતી.

'મારી દીકરી દાઢીવાળા માણસને જોઈને ચીસો પાડે છે'

આ કેસની વિગત એવી છે કે દિવાળીના દિવસે મજૂરીકામ કરતાં માતાપિતા પોલીસસ્ટેશનમાં રડતાં-રડતાં પહોંચ્યાં હતાં.

લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં મળેલી પાંચ વર્ષની છોકરીને તેઓ દવાખાને લઈ ગયાં ત્યારે ખબર પડી કે બાળકી પર બેરહમીથી બળાત્કાર થયો હતો.

પોલીસના કહેવા પ્રમાણે તપાસ શરૂ થઈ તેના બીજા જ દિવસે ત્રણ વર્ષની અન્ય એક બાળકીની બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાની ફરિયાદ આવી.

રાંચરડા પાસેના ગામની જે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર થયો, એમના પિતા રામજીભાઈ (નામ બદલ્યું છે)એ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, આરોપી દીકરી પર દુષ્કર્મ કરીને એને કૅનાલ પાસે છોડીને આ ભાગી ગયો હતો.

તેમણે કહ્યું કે, "લોહીલુહાણ હાલતમાં મારી દીકરી રસ્તા પર બેભાન થઈને પડી હતી અને પોલીસે સારવાર માટે દવાખાનામાં દાખલ કરી હતી."

"એ પછી અમને ખબર પડી કે એક શખ્સ મારી દીકરીને નવાં કપડાં લઈ આપવાની લાલચ આપીને એ ઉઠાવી ગયો હતો."

પીડિતાના ઘરમાં ચૂલો સળગ્યો નહોતો

ખાતરજ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી ત્રણ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરાઈ હતી, બાળકીના ઘરમાં કેટલાય દિવસ ચૂલો સળગ્યો નહોતો.

બારણું બંધ કરીને પતિ-પત્ની એમના પાંચ વર્ષના દીકરાને લઈને બેસી રહેતા હતા. અડોશપડોશના લોકો તેમને જમાડતા હતા.

આ પરિવારની મદદ કરનાર 19 વર્ષીય રાજુ કુશવાહાએ કહ્યું હતું કે "તહેવારના દિવસો હતા, એ રાત્રે અચાનક એક વાગ્યે ઊહાપોહ થઈ ગયો કે ત્રણ વર્ષની દીકરી ખોવાઈ ગઈ છે."

"અમે આખી રાત એની શોધખોળ કરી અને છેવટે પોલીસને જાણ કરી."

મોટરસાઇકલ કઈ રીતે મદદરૂપ થઈ?

એક પછી એક થયેલી ફરિયાદને પગલે જવાબદારોને શોધવાની કામગીરી પોલીસે હાથે લઈ લીધી હતી.

આ કેસમાં પોણા લાખ રૂપિયાની કિંમતની એક મોટરસાઇકલ પોલીસને દોષિત સુધી લઈ ગઈ.

ગાંધીનગરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ એમ. કે. રાણાએ કહ્યું હતું કે, "અમે તાત્કાલિક ગ્રૂપ બનાવ્યું અને ઝૂંપડપટ્ટીમાં તપાસ આદરી, ત્યાં સીસીટીવી કૅમેરા હોવાનો કોઈ સવાલ જ ન હતો. એટલે આ કામ વધારે મુશ્કેલ હતું."

સીસીટીવી ફૂટેજ

ગાંધીનગર એલ.સી.બી.ના ઇન્સ્પેક્ટર એચ. એલ. ઝાલાએ કહ્યું હતું કે તેમણે અને તેમની ટીમે આ વિસ્તારની આસપાસ આવેલી ફેકટરીઓ અને હોટલોના સીસીટીવી કૅમેરાના ફૂટેજ તપાસ્યા હતા.

જેમાં તેમને અપહરણના સ્થળ પાસે બ્લૂ રંગની નંબરપ્લેટ વિનાની મોટરસાઇકલ દેખાઈ હતી, જે મોંઘી લાગતી હતી.

પોલીસના કહેવા પ્રમાણે આ મોટરસાઇકલસવાર 45થી 50 મિનિટ બાદના ફૂટેજમાં પૂરપાટ ઝડપે પરત જતો જોવા મળ્યો.

એક કૅમેરામાં બાઇક પર બેઠેલા શખ્સનો ચહેરો પોલીસને દેખાયો હતો. જે બાદ આ બાઇક કોણ વાપરે છે, એની તપાસ શરૂ કરી દેવામાં આવી.

પીઆઈ વી. કે. રાઠોડે જણાવ્યું હતું કે અમને ખબર પડી કે આ મોટરસાઇકલ ભોયણ ગામથી એવી જગ્યાએ વળે છે કે જ્યાં સીસીટીવી કૅમેરા ન હતા, એટલે અમારી ટીમ ભોયણ ગામની આસપાસ ગોઠવાઈ ગઈ હતી."

પોલીસને ખબર પડી કે આવી મોટરસાઇકલ વાંસજડા ગામમાં એક ફેકટરીમાં મજૂરીકામ કરતા વિજય ઠાકોર પાસે છે.

આરોપીનો પત્તો કઈ રીતે મળ્યો?

પોલીસે રાતના સમયે રેડ પાડી તો વિજય ઠાકોર એના ઘરેથી મળી ગયો, પણ એને જોતાં લાગતું ન હતું કે એ ગુનેગાર હોય, પોલીસે શંકાના આધારે એની અટકાયત કરી.

ડીવાયએસપી રાણા કહે છે કે પહેલાં તે ગુનો કબૂલવા તૈયાર ન હતો.

તેમના કહેવા પ્રમાણે પોલીસકર્મીઓએ જ્યારે તેને સીસીટીવી ફૂટેજ બતાવ્યા તો એ ભાંગી પડ્યો અને ગુનો પણ કબૂલ કરી લીધો.

પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ કબૂલ્યું કે તે પોર્ન ફિલ્મ જોવાનો શોખ ધરાવે છે, અને નાની બાળકીઓ સાથે શારીરિક સંબંધ બાંધવાથી શક્તિ વધે એવું તે માનતો હતો.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે 26 વર્ષીય ગુનેગાર એક બાળકીનો પિતા છે અને એનાં પત્ની અત્યારે ગર્ભવતી છે.

પોલીસની તપાસ દરમિયાન દોષિતે ભૂતકાળમાં લૂંટ કરી હોવાના પણ પુરાવા મળી આવ્યા હતા.

મનોવૈજ્ઞાનિક પાસું

આ વિશે સાઇકૉલૉજિસ્ટ ડૉ. પાર્થ વૈષ્ણવ કહે છે કે, આ પ્રકારના લોકો જાતીય વર્તનમાં વિકૃતિ ધરાવનારા હોઈ શકે છે.

તેઓ કહે છે કે, "પોર્ન ફિલ્મો જોઈ કેટલાક લોકો તરંગસૃષ્ટિમાં જીવે છે, એવું જ કરવાની એમને ઇચ્છા થાય છે."

"સાયકૉલૉજી પ્રમાણે બાળકો પર બળાત્કાર કરીને મારી નાખનારા લોકો પીડોફિલિયાના રોગી હોય છે. ડૉ. વૈષ્ણવ કહે છે કે આવા લોકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય. એ લોકો પોતાનાથી નબળાં લોકોને જ પોતાનો શિકાર બનાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો