You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના ચીફ જસ્ટિસે જ્યાં દિવાળી ઊજવી એ હિંદુ મંદિર કેમ છે ખાસ?
- લેેખક, હુદા ઇકરામ
- પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
દરેક વ્યક્તિને પોતાના ધર્મનું રક્ષણ કરવાનો અધિકાર છે. પાકિસ્તાનના બંધારણમાં જે લખાયેલું છે, તે સર્વોપ્પરી છે. તેના આધારે દેશ ચાલી રહ્યો છે તથા હંમેશાં ચાલતો રહેશે.
પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદખાન સોમવારે ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના કરક જિલ્લાના ટેરી ગામ ખાતે હિંદુ સંત શ્રીપરમહંસજી મહારાજની ઐતિહાસિક સમાધિ ખાતે દિવાળીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
આ મંદિરનું નિર્માણ લગભગ 100 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું, પરંતુ ડિસેમ્બર-2020માં સ્થાનિક લોકોની ઉશ્કેરાયેલી ભીડે મંદિરને તોડીને તેમાં આગ લગાડી દીધી હતી.
એ પછી જસ્ટિસ અહમદે સમગ્ર ઘટનાક્રમ ઉપર કડક વલણ અપનાવ્યું હતું ને મંદિરના પુનર્નિમાણના આદેશ આપ્યા હતા.
પાકિસ્તાન હિંદુપરિષદે જસ્ટિસ અહમદને દિવાળીના કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું.
આ તકે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે મંદિર તથા હિંદુઓ માટે તેમણે જે કંઈ કર્યું, તે એક જજ તરીકે તેમની જવાબદારી હતી.
હિંદુઓ ઉત્સાહિત
મંદિરના સમારકામનું કામ મહદંશે પૂર્ણ થઈ ગયું છે. એટલે જ સોમવારે પાકિસ્તાનના સેંકડો હિંદુઓ દિવાળીની ઉજવણી કરવા માટે ટેરી મંદિર પહોંચ્યા હતા.
આ તકે પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં પ્રથમ હિંદુ મહિલા ઍડ્વોકેટ જનરલ કલ્પના દેવીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે જ્યાં લઘુમતી સમુદાય રહેતો હોય, ત્યાં અમુક મુશ્કેલીઓ તો પડે જ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ કલ્પના દેવીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની સ્થિતિ સારી છે અને જો કોઈ સમસ્યા ઊભી થાય તો ઉચ્ચ સ્તરે તેમનો અવાજ સાંભળવામાં આવે છે.
ખૈબર પખ્તૂનખ્વાહના બન્નુ શહેરથી આવેલા શ્રદ્ધાળુ આકાશ અજિત ભાટિયાએ કહ્યું કે મંદિરના પુનર્નિર્માણથી તેઓ ખુશ છે તથા તેઓ પાકિસ્તાનની સરકારના આભારી છે કે તેણે અલગ-અલગ સમુદાયની વચ્ચે શાંતિ અને સદ્ભાવને વિખેરી નાખવા માગતા લોકો સામે તત્કાળ કાર્યવાહી કરી.
તેમણે કહ્યું : "પાગલપણા ઉપર સમજણનો વિજય થયો છે."
સિંધનાં સૃષ્ટિએ જણાવ્યું, "મુખ્ય ન્યાયાધીશની દખલને કારણે જ આજે અમે આ મંદિરમાં એકઠા થઈ શક્યા છીએ."
મંદિરમાં વારંવાર તોડફોડ
પાકિસ્તાનના હિંદુઓ હજુ પણ આ મંદિરની સુરક્ષા વિશે ચિંતિત છે. આ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો હોય અને તેનું પુનર્નિમાણ થયું હોય તેવું પ્રથમ વખત નથી બન્યું.
1997માં પણ આ મંદિર ઉપર હુમલાની ઘટના ઘટી હતી અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. દેશના મુખ્ય ન્યાયાધીશની મુલાકાત બાદ હિંદુઓને આશા છે કે ઇતિહાસનું પુનરાવર્તન નહીં થાય અને તેઓ શાંતિપૂર્વક પૂજાપાઠ કરી શકશે.
ટેરીસ્થિત હિંદુ સંત શ્રીપરમહંસજી મહારાજની ઐતિહાસિક સમાધિમાં તોડફોડ કરવાની વધુ એક ઘટના ડિસેમ્બર-2020માં નોંધાઈ હતી.
સુપ્રીમ કોર્ટની સક્રિયતા
આ ઘટના બહાર આવતા મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે જાન્યુઆરી મહિનામાં તેની સુનાવણી હાથ ધરી હતી.
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે બે અઠવાડિયાંની અંતર મંદિરના સમારકામની કાર્યવાહી હાથ ધરવા સરકારને આદેશ આપ્યા હતા. સુનાવણી દરમિયાન ખૈબર પખ્તૂનખ્વાહના પોલીસ તથા ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં પોલીસ આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) સનાઉલ્લાહ અબ્બાસીએ જણાવ્યું હતું કે આ કેસમાં એસપી (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) તથા ડીએસપી (ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) સહિત 92 પોલીસમૅનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હુમલામાં સંડોવાયેલા 109 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અદાલતમાં જણાવ્યું હતું કે એક મોલવીએ હિંસા આચરવા માટે ભીડને ઉશ્કેરી હતી.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે નોંધ્યું હતું કે સરકારે કોઈ પણ સંજોગોમાં આ આદેશનું પાલન કરવું જોઈએ. આ ઘટનાને કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની છાપ ખરાબ થઈ છે. આ ઘટનામાં સંડોવાયેલાઓની ધરપકડ કરવી જ પૂરતી નથી.
હુલ્લડખોરો પાસેથી વસૂલાત
ખૈબર પખ્તૂનખ્વાહના મુખ્ય સચિવ ડૉ. કાઝિમ નિયાઝે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે પ્રાંતીય સરકાર દ્વારા મંદિરના પુનર્નિમાણનો ખર્ચ ભોગવવામાં આવશે. ત્યારે મુખ્ય ન્યાયાધિશે સમાધિસ્થળને આગ લગાડનારાઓ પાસેથી ખર્ચ વસૂલવા માટે કહ્યું હતું.
તેમણે નોંધ્યું હતું કે જો તેમનાં ખિસ્સાંમાંથી પૈસા લેવામાં નહીં આવે તો તેઓ આવું ફરીથી કરશે. 123 આરોપીઓ પાસેથી રૂપિયા ત્રણ કરોડ 30 લાખ જેટલી રકમ વસૂલવામાં આવી છે.
જો હિંદુઓ મંદિરનો વિસ્તાર કરવા માગે તો એમ કરી શકે છે તથા જો કોઈ સહાયની જરૂર હોય તો પ્રાંતીય સરકારે મદદ કરવી, એવા આદેશ પણ કોર્ટે આપ્યા હતા.
ઇવેક્યૂ ટ્રસ્ટ બોર્ડ હેઠળ આવતા સમાધિસ્થળની તત્કાળ મુલાકાત લેવા બોર્ડના ચૅરમૅનને ચીફ જસ્ટિસે આદેશ આપ્યા હતા અને પુનર્નિમાણનું કામ તત્કાળ શરૂ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ સિવાય વકફની સંપત્તિઓ ઉપર કબજો કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તથા બંધ પડેલાં મંદિરો તથા ચાલુ મંદિરો અંગે વિગતોનો રિપોર્ટ માગ્યો હતો.
હિંદુઓને પ્રસાર-વિસ્તારની મંજૂરી નહીં
પોલીસના કહેવા પ્રમાણે, એક સ્થાનિક હિંદુ નેતાએ સમાધિસ્થળની બાજુમાં જ પોતાના ઘરનું નિર્માણ કર્યું હતું, જેના કારણે લોકો ઉશ્કેરાટમાં હતા. કેટલાક કટ્ટરપંથીઓ લાંબા સમયથી આ સમાધિનો વિરોધ કરી રહ્યા હતા.
1997માં આ સમાધિસ્થળ ઉપર પહેલી વખત સ્થાનિકોએ હુમલો કર્યો હતો. જોકે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રાંતીય સરકારે તેનુ પુનર્નિમાણ કરાવી આપ્યું હતું.
સરકારના સમર્થન તથા કોર્ટના આદેશ બાદ પણ ટેરીમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. મંદિરના પુનર્નિર્માણ માટે સ્થાનિક વહીવટી તંત્રે કટ્ટરપંથીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.
વર્ષ 2015માં ખૈબર પખ્તૂનખ્વાહના ઍડિશનલ ઍડ્વોકેટ જનરલ વકાર અહમદ ખાને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે હિંદુ-મુસ્લિમ સમુદાયના લોકો પાંચ શરતો ઉપર સહમત થયા હતા, તે પછી જ સમાધિસ્થળના સમારકામને મંજૂરી આપવામાં આવી હતી.
સમાધાનની શરતોમાં હિદુઓ ટેરીમાં પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર ન કરે, માત્ર પૂજા-પ્રાર્થના કરે, મોટી સંખ્યામાં એકઠા ન થાય તથા સમાધિસ્થળ ખાતે મોટા પાયે નિર્માણકાર્ય ન કરવાની શરતો લાદવામાં આવી હોવાનું કહેવાય છે.
હિંદુઓ આ વિસ્તારમાં જમીન ન ખરીદી શકે તથા તેમનો વ્યાપ માત્ર સમાધિસ્થળ પૂરતો જ મર્યાદિત રહે, તેમ જણાવવામાં આવ્યું હતું.
મંદિરનો ઇતિહાસ
વર્ષ 1919માં ટેરી ખાતે હિંદુ સંત શ્રીપરમહંસજી મહારાજનું અવસાન થયું હતું. ત્યાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી અને આ જગ્યાએ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તેમના અનુયાયીઓ દર વર્ષે અહીં મોટી સંખ્યામાં એકઠા થાય છે.
1997માં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું, તે પછી આ ક્રમ અટકી ગયો હતો. આ પછી મંદિરના શ્રદ્ધાળુઓ દ્વારા પુનર્નિર્માણના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.
હિંદુઓનો આરોપ હતો કે સરકારી ટ્રસ્ટની સંપત્તિ હોવા છતાં એક સ્થાનિક મોલવીએ તેની ઉપર કબજો કરી લીધો હતો.
2016માં સમાધિસ્થળનું પુનર્નિમાણ થયું અને 2020માં તેને ફરી તોડી પાડવામાં આવ્યું અને હવે વધુ એક વખત તેનું સમારકામ થયું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો