You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ હવે તાલિબાન સામે 'જેહાદ' કરવા જઈ રહ્યું છે?
- લેેખક, મીના લામી અને પૉલ બ્રાઉન
- પદ, બીબીસી મૉનિટરિંગ
કાબુલની એક મુખ્ય લશ્કરી હૉસ્પિટલ પર ગયા મંગળવારે હુમલો થયો તે તાલિબાન માટે મોટા ફટકા સમાન હતો.
હુમલાને બહુ મહત્ત્વ ના આપવાની કોશિશ તાલિબાને કરી છે, પણ આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા.
સમાચારો અનુસાર તાલિબાનના એક વરિષ્ઠ અધિકારી મોલવી હમ્દુલ્લાહનું પણ આ હુમલામાં મૃત્યુ થયું છે.
હમ્દુલ્લાહ કાબુલ આર્મી કૉરના કમાન્ડર હતા. તેમનું મોત થયાની વાત સાચી હોય તો બદલો લેવા માટે તાલિબાન વળતો ઘા મારશે અને તેના કારણે દેશમાં હિંસાનો નવો પ્રવાહ શરૂ થઈ શકે છે.
આ જ હૉસ્પિટલ પર આઈએસે 2017માં પણ હુમલો કર્યો હતો.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદની નજીકના ખુરાસાન વિસ્તાર પર સક્રીય ઇસ્લામિક સ્ટેટ 18 સપ્ટેમ્બરથી વધારે સક્રિય થઈ ગયું છે. તાલિબાનને નબળું પાડવા માટે આઈએસ સક્રિય થયું છે અને તેના હુમલાઓમાં અત્યાર સુધીમાં 68 લોકો માર્યા ગયા છે.
આ હુમલામાં મુખ્યત્વે તાલિબાનને નિશાન બનાવાયું છે. લઘુમતી શિયા લોકો પર પણ હુમલા થઈ રહ્યા છે. તાલિબાને લઘુમતી જૂથોને સુરક્ષાનો વાયદો કર્યો હતો, પણ તેમાં તે અત્યાર સુધી નિષ્ફળ ગયું છે.
આઈએસની હાજરીને ઓછી કરવા માટે હાલના દિવસોમાં તાલિબાને પણ ભરપુર કોશિશો કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાન એવું દેખાડવાની કોશિશમાં છે કે આઈએસનો ખાસ કોઈ પ્રભાવ નથી પરંતુ કાબુલ હૉસ્પિટલમાં હુમલો કરીને આઈએસે દેખાડી આપ્યું કે તે તાલિબાનના ગઢમાં પણ ઘા મારી શકે છે.
બંને પક્ષોના સામસામા દાવા
બીજી નવેમ્બરે હુમલા બાદ આઈએસે દાવો કર્યો કે તેણે તાલિબાનને ઘા માર્યો છે. આઈએસનો દાવો છે કે હૉસ્પિટલ વિરોધીઓની છે અને માર્યા ગયેલા લોકો સામાન્ય નાગરિકો નહીં, પણ તાલિબાનના સભ્યો જ હતા.
નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે તાલિબાનના સંરક્ષણમંત્રીને હૉસ્પિટલની મુલાકાત લીધી તેના થોડા દિવસો પછી આ હુમલો કરવામાં આવ્યો છે.
ઇસ્લામિક સ્ટેટે 27 ઑક્ટોબરે તાલિબાન શાસનના કાર્યકારી સંરક્ષણમંત્રી મુલ્લા મોહમ્મદ યાકુબ હૉસ્ટિપલની મુલાકાતે આવ્યા હોવાની વાત કરી છે.
યાકુબ તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર છે. હૉસ્પિટલની મુલાકાત લઈને યાકુબ પ્રથમવાર જાહેરમાં દેખાયો હતા.
બીજી બાજુ તાલિબાને જણાવ્યું કે આ સામાન્ય નાગરિકો પરનો હુમલો છે અને એવો પણ દાવો કરવામાં આવ્યો કે હુમલાથી ભારે નુકસાન થયું નથી.
બીજી નવેમ્બરના આ હુમલા બાદ જાહેર કરાયેલા નિવેદનમાં અને ટ્વિટર પર તાલિબાને કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ દેશની આમ જનતા, દર્દીઓ અને ડૉક્ટરોને નિશાન બનાવી રહ્યું છે.
તાલિબાને કહ્યું કે આ હુમલામાં ત્રણ મહિલાઓ, એક બાળક અને તાલિબાનના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. પાંચ લોકો ઘાયલ થયા હતા.
ઇસ્લામિક સ્ટેટે કહ્યું કે હુમલો બહુ ઘાતક પુરવાર થયો હતો અને તેમાં આત્મઘાતી બૉમ્બર, વિસ્ફોટકોથી ભરેલી એક કાર અને અન્ય કેટલાક લોકો સામેલ હતા.
સંગઠનનો દાવો છે કે આ રીતે હુમલો કરીને તાલિબાનની સુરક્ષાવ્યવસ્થાની પોકળતા ખુલ્લી પાડી દીધી છે.
ઇસ્લામિક સ્ટેટે દાવો કર્યો છે કે હુમલામાં તાલિબાનના ડઝનબંધ લડાયકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. તાલિબાનના કેટલાક મોટા અધિકારીઓ પણ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે.
પાકિસ્તાનસ્થિત અફઘાન ઇસ્લામિક પ્રેસ ન્યૂઝ એજન્સી (એઆઈપી)એ અજાણ્યા સ્રોતોનો હવાલો આપીને જણાવ્યું હતું કે તાલિબાનના કાબુલ મિલિટરી કૅમ્પ અને તાલિબાન સ્પેશ્યલ ફૉર્સના કમાન્ડર મોલવી હમ્દુલ્લાહ હુમલામાં માર્યા ગયા છે.
તાલિબાને હજી સુધી હમ્દુલ્લાહ માર્યા ગયા હોવાનું સ્વીકાર્યું નથી. જોકે તાલિબાન સાથે સંકળાયેલા એક ટ્વિટર એકાઉન્ટમાં આનો ઉલ્લેખ થયેલો છે.
સ્થાનિક મીડિયામાં માર્યા ગયેલાનો આંક 20 બતાવાયો
તાલિબાન આ હુમલો બહુ ગંભીર નહોતો તેમ બતાવવા કોશિશમાં છે. તાલિબાનનું કહેવું છે કે તેનાં સુરક્ષાદળોએ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
હુમલાખોરો હૉસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમને અટકાવી દેાયા હતા, એમ પણ જણાવાયું હતું.
તાલિબાને એવો પણ દાવો કર્યો કે માત્ર 15 મિનિટમાં જ સ્થિતિને કાબૂમાં લઈ લેવાઈ હતી. તેની સામે ઇસ્લામિક સ્ટેટનું કહેવું છે કે તેમના સભ્યો હૉસ્પિટલમાં ઘૂસી ગયા હતા અને છેક સુધી લડતા રહ્યા હતા.
તાલિબાનનો દાવો છે કે તેમના સભ્યો સંપૂર્ણપણે શસ્ત્રસજ્જ હતા અને વાયુસેનાને પણ કામે લગાવાઈ હતી.
તાલિબાને કહ્યું કે ઘટનાસ્થળે હેલિકૉપ્ટરોએ ખાસ કંઈ કરવાનું રહ્યું નહોતું. કેમ કે ત્યાં સુધીમાં હુમલાખોરોને નિપટાવી દેવામાં આવ્યા હતા.
તાલિબાને હૉસ્પિટલમાં શાંતિ પ્રસરેલી હોય તેવા વીડિયો પણ પોસ્ટ કર્યા છે.
આઈએસઆઈએલનું ઑપરેશન
હાલમાં થયેલા હુમલાઓનો ઉદ્દેશ તાલિબાનના શાસનને અસ્થિર કરવાનો છે. આ ઝુંબેશ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે.
ઑગસ્ટ મહિનામાં જ કાબુલ ઍરપૉર્ટ પર આઈએસે હુમલો કર્યો હતો, પણ ત્યારે એવું જણાવાયું હતું કે આ હુમલો તાલિબાન પર નથી.
18 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધીમાં આઈએસે ખુરાસાન પ્રાંતમાં 68 હુમલો કર્યાનો દાવો કર્યો છે. તેમાંથી 59 હુલમા અફઘાનિસ્તાનમાં થયા હતા, જ્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં 9 હુમલા કરાયા હતા.
મોટા ભાગના હુમલા ઉત્તરમાં આવેલા નાંગરહાર પ્રાંતના પાટનગર જલાલાબાદમાં થયા છે. જલાલાબાદ પર 41 હુમલાઓ કરવામાં આવ્યા છે. કાબુલમાં સાત, કુનારમાં છ, પરવાનમાં ત્રણ, કુંદુજ અને કંદહારમાં એક-એક હુમલો કર્યાનો દાવો આઈએસે કર્યો છે. કં
દહાર તાલિબાનનો ગઠ માનવામાં આવે છે.
આમાંના મોટા ભાગના એટલે કે લગભગ 53 હુમલા સીધા તાલિબાનના સભ્યો પર થયા છે. બે જણના માથા કાપી નખાયા હતા. આ ઉપરાંત તાલિબાનના કબજાની સંપત્તિઓ એટલે કે વાહનો, ટ્રકો, હૉસ્પિટલો, વીજમથકો પર પણ હુમલા થયા છે.
આવા હુમલા કરીને તાલિબાનના ઓછામાં ઓછા 86 લોકોને ઠાર કર્યાનો દાવો આઈએસે કર્યો છે.
ઑઇલ ટૅન્કરો, વીજળીના થાંભલા અને હૉસ્પિટલોને પણ હુમલા કરીને નુકસાન પહોંચાડાયું છે.
આઈએસે કુલ 86 તાલિબાનીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે, જેમાં તાલિબાનના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ત્રીજી ઑક્ટોબરે નવી ઝુંબેશ ઉપાડીને આઈએસે તાલિબાન અલ-ફતહ પર હુમલા કર્યા હતા. તેમાં પહેલીવાર તાલિબાનની સામે આત્મઘાતી હુમલાખારોનો ઉપયોગ કરાયો હતો.
તે પછી તરત જ 8 અને 15 ઑક્ટોબરે શુક્રવારની નમાજ વખતે શિયા મસ્જિદો પર મોટા હુમલા કરાયા હતા. તેમાં ઘણા બધા લોકો માર્યા ગયા હતા.
બીજો મોટો હુમલો કંદહારમાં કરવામાં આવ્યો હતો. પ્રથમવાર એવું બન્યું કે તાલિબાનના ગઢ મનાતા કંદહારમાં આઈએસે હુમલો કર્યો હોય.
બીજા જેહાદી જૂથોએ તાલિબાન પર થયેલા હુમલાની ટીકા કરી છે. શિયા લઘુમતી પરના હુમલાઓને પણ વખોડી કાઢવામાં આવ્યા છે.
આ જૂથોએ એવું કહ્યું કે આઈએસ એવા દુશ્મનોની એજન્સીઓના હાથમાં રમી રહ્યું છે, જે તાલિબાની શાસનને નુકસાન પહોંચાડવા માગે છે.
જેહાદી દુશ્મની
અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરી તે પછી 19 ઑગસ્ટે પ્રથમવાર ઇસ્લામિક સ્ટેટે ચેતવણી આપી હતી કે તેમના લડાયકો અફઘાનિસ્તાનમાં જેહાદના નવા તબક્કાની શરૂઆત કરશે. એવું લાગે છે કે હાલના આ હુમલા તેના ભાગરૂપે જ થઈ રહ્યા છે.
તાલિબાનના હાથમાં સત્તા આવી તેનાથી ઇસ્લામિક સ્ટેટ ખુશ ના હોય તેવું લાગે છે.
આઈએસે તાલિબાન પર આરોપ મૂક્યો હતો કે અમેરિકા સાથે મળીને અસલી જેહાદીઓને ખદેડવાની તે કોશિશ કરી રહ્યું છે. તેણે દેશમાં પોતાની ઝુંબેશ ચાલી રાખવાની નેમ જાહેર કરી હતી.
તાલિબાને સત્તા પર આવ્યા પછી આંતરરાષ્ટ્રીય સમુદાય, વિદેશી મૂડીરોકાણ અને ધાર્મિક લઘુમતીઓને સકારાત્મક સંદેશ આપવાની કોશિશ કરી છે. તેના કારણે આઈએસને નુકસાન થઈ શકે તેમ છે.
તાલિબાને વળતી કાર્યવાહી પણ કરી છે અને નાંગરહાર, કાબુલ અને બીજા પ્રાંતમાંથી આઈએસના સભ્યોને પકડીને કેદ કર્યા છે. કેટલાકને ઠાર પણ કરાયા છે.
સાત ઑક્ટોબરે તાલિબાનના પ્રવક્તા અને માહિતી તથા સાંસ્કૃતિક બાબતોના નાયબ મંત્રી જબીહુલ્લાહ મુજાહિદે ઇસ્લામિક સ્ટેટની તુલના માથાના દુખાવા સાથે કરી હતી.
તેમણે કહ્યું કે ઇસ્લામિક સ્ટેટને પાયાના સ્તરે કોઈ સમર્થન નથી અને થોડા સમયમાં જ તેનો સફાયો થઈ જશે.
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ અધિકારીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાઈ ગયા છે એવા આરોપોને પણ તેમણે બીજી નવેમ્બરે નકારી કાઢ્યા હતા.
તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ અફઘાનિસ્તાનના એક અખબાર 'હશ્ત સોબ'ને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની કોઈ હાજરી નથી.
તાલિબાનના આવા દાવા અને આઈએસને દબાવી દેવાની કોશિશો છતાંય આઈએસ સતત હુમલા કરીને લોકોના જીવ લઈ રહ્યું છે.
આવા હુમલા થતા રહ્યા તો તાલિબાન શાસનની છાપ ખરાબ થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે તે સારા શાસનની છાપ ઉપસાવવા કોશિશ કરી રહ્યું છે તેમાં નુકસાન થઈ શકે છે. જેમને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે તે દેશની જનતાની નજરમાં પણ તાલિબાનની સ્થિતિ નબળી થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો