કાબુલ : હામિદ કરઝઈ ઍરપૉર્ટ પર હુમલો કરનાર ખતરનાક ખુરાસાન કોણ છે અને તાલિબાન સાથે શું સંબંધ?

    • લેેખક, ફ્રૅન્ક ગાર્ડનર
    • પદ, બીબીસી સિક્યૉરિટી સંવાદદાતા

અફઘાનિસ્તાનના કાબુલ ઍરપૉર્ટ પર થયેલા બ્લાસ્ટમાં અમેરિકનો સહિત અનેક લોકો મૃત્યુ પામ્યા . આ હુમલામાં જે નામ સામે આવી રહ્યું છે એ છે ખુરાસાન.

'આઈએસઆઈએસ-કે' કહીએ અથવા 'ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ' (આઈએસકેપી) કહીએ, આ સમૂહ ખુદને 'ઇસ્લામિક સ્ટેટ' ગણાવનાર ચરમપંથી સંગઠનનું એક ક્ષેત્રીય સહયોગી છે. આ સમૂહ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે.

અફઘાનિસ્તાનમાં જે તમામ જેહાદી ચરમપંથી સંગઠનો છે એમાં ખુરાસાનને સૌથી વધારે ખતરનાક અને હિંસક ગણવામાં આવે છે.

ઇરાક અને સીરિયામાં જ્યારે ઇસ્લામિક સ્ટેટ ખૂબ જ શક્તિશાળી હતું ત્યારે જાન્યુઆરી 2015માં આઈએસકેપીની સ્થાપના કરવામાં આવી હતી.

આ એ સમયની વાત છે જ્યારે અમેરિકાની આગેવાનીમાં સહયોગી દેશોની સેનાએ ઇસ્લામિક સ્ટેટની સ્વઘોષિત ખિલાફતને પરાજિત નહોતી કરી.

આ સંગઠન અફઘાન અને પાકિસ્તાની બેઉના જેહાદીઓની ભરતી કરે છે. એમાં પણ પોતાનું સંગઠન હવે એટલું કટ્ટર નથી રહ્યું એવું માનનારા અફઘાન તાલિબાનીઓની ભરતીને તે પ્રાથમિકતા આપે છે.

અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારનો પ્રાંત નંગરહાર એ આઈએસઆઈએસ-કેનું ઠેકાણું છે.

કેટલું ખતરનાક છે?

તાજેતરનાં વર્ષોમાં થયેલા સૌથી મોટા આત્મઘાતી હુમલાઓમાં ઇસ્લામિક સ્ટેટની ખુરાસાન પાંખને જવાબદાર માનવામાં આવી છે.

ખુરાસાને છોકરીઓની શાળાઓ, હૉસ્પિટલો અને ત્યાં સુધી કે હૉસ્પિટલના એક પ્રસૂતિ વૉર્ડને પણ નિશાન બનાવ્યો હતો.

પ્રસૂતિ વૉર્ડ પર કરેલા હુમલામાં ખુરાસાન સમૂહના લડાકુઓએ ગર્ભવતી મહિલાઓ અને નર્સોને ગોળી મારી દીધી હતી.

આઈએસઆઈએસ-કેની હદ તાલિબાન જેમ અફઘાનિસ્તાન સુધી સીમિત નથી.

આ સંગઠન ઇસ્લામિક સ્ટેટના વૈશ્વિક નેટવર્કનો હિસ્સો છે જેનો હેતુ પશ્ચિમી દેશો તથા અન્ય આંતરરાષ્ટ્રીય દેશોના માનવતાવાદી ઠેકાણાંઓને નિશાન બનાવાવનો છે.

ખુરાસાનની કોઈ હદ નથી. તે ગમે ત્યાં નિશાન તાકી શકે છે. આવાં ઠેકાણાંઓ ગમે ત્યાં હોય તેને નિશાન બનાવે છે.

ક્યાં છે વધારે સક્રિય અને પૈસો ક્યાંથી આવે છે?

અફઘાનિસ્તાનનો પૂર્વ પ્રાંત નંગરહાર આઈએસઆઈએસ-કેનો ગઢ ગણાય છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે થતા નશાના કારોબાર અને માનવતસ્કરીના રસ્તાઓ નંગરહાર પાસેથી જ પસાર થાય છે.

એક સમય હતો જ્યારે ઇસ્લામિક સ્ટેટ પાસે 3,000 લડવૈયા હતા. જોકે, એ પછી તાલિબાન, અફઘાન સુરક્ષાદળો અને અમેરિકાની આગેવાનીવાળી સેના સાથેના સંઘર્ષમાં તેને ઘણું નુકસાન થયું અને તાકાત ઘટી.

ખુરાસાનનું તાલિબાન સાથે કોઈ જોડાણ છે?

જો ઉપરઉપરથી જોવામાં આવે તો જોડાણ છે અને એ થર્ડ પાર્ટી છે. આ જોડાણનું નામ છે હક્કાની નેટવર્ક.

સંશોધકો માને છે કે હક્કાની નેટવર્ક અને આઈએસઆઈએસ-કે વચ્ચે મજબૂત જોડાણ છે.

આ રીતે જોઈએ તો તાલિબાન સાથે એનો નજીકનો સંબંધ સ્થાપિત થાય છે.

તાલિબાને કાબુલની સુરક્ષાની જવાબદારી જેને સોંપી છે એનું નામ છે ખલીલ હક્કાની.

અમેરિકાએ ખલીલ હક્કાનીના માથે 50 લાખ ડૉલરનું ઇનામ રાખેલું છે.

એશિયા પેસિફિક ફાઉન્ડેશનના ડૉક્ટર સજ્જન ગોહેલ અફઘાનિસ્તાનનાં ચરમપંથી સંગઠનો પર વર્ષોથી નજર રાખી રહ્યા છે અને એ વિષયના અભ્યાસુ છે.

તેઓ કહે છે, "વર્ષ 2019થી 2021 દરમિયાન અનેક મોટા હુમલાઓમાં આઈએસઆઈએસ-કે, હક્કાની નેટવર્ક અને પાકિસ્તાનમાં સક્રિય અન્ય ચરમપંથી સમૂહોની સહયોગી ભૂમિકા રહી છે."

જ્યારે તાલિબાને 15 ઑગસ્ટના રોજ કાબુલને નિયંત્રણમાં લઈ લીધું ત્યારે પુલ-એ-ચરાકી જેલમાંથી મોટી સંખ્યામાં કેદીઓને છોડી દેવામાં આવ્યા. જેમાં ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદાના ચરમપંથીઓ હતા અને તેનો આંકડો મોટો છે.

જોકે, આઈએસઆઈએસ-કે અને તાલિબાન વચ્ચે મતભેદ પણ ઊંડા છે.

આઈએસઆઈએસ-કેનો આરોપ છે કે તાલિબાને જેહાદ અને રણમેદાનમાં યુદ્ધનો માર્ગ છોડીને કતારની રાજધાની દોહાની આલિશાન હોટલોમાં શાંતિની સોદાબાજીનો માર્ગ લીધો છે.

ઇસ્લામિક સ્ટેટના ચરમપંથીઓ આવનારી તાલિબાન સરકાર માટે એક મોટો સુરક્ષા પડકાર છે.

તાલિબાની નેતાગીરી અને પશ્ચિમની ખૂફિયા એજન્સીઓ આ એક બાબતે કદાચ એકમત હશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો