You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના થર્ડ વૅવ : બાળકોની ઇમ્યુનિટી કેવી રીતે વધારશો?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બનાવાયેલ સમિતિએ ઑક્ટોબર માસમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકશે તેવી આશંકા વ્યક્ત કરી છે.
રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સંસ્થાન હેઠળ વિશેષજ્ઞોની એક ટીમ બનાવવામાં આવી હતી. આ સમિતિએ બાળકો માટે બહેતર સુવિધાઓની તૈયારી પર ભાર મૂકતાં બાળકો પર પણ મોટી ઉંમરના લોકો સમાન ખતરો રહેશે તેવી વાત કરી છે.
કોવિડ-19, થર્ડ વેવ પ્રિપેર્ડનેસ : ચિલ્ડ્રન વલ્નરલિબિટી ઍન્ડ રિકવીર નામના આ રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે જો બાળકો વધુ સંખ્યામાં સંક્રમિત થાય છે, તો બાળકો માટે મેડિકલ સુવિધાઓ, ડૉક્ટર, ઉપકરણ જેમ કે વૅન્ટિલેટર, ઍમ્બુલન્સ વગેરે પણ એટલી સંખ્યામાં નથી, જેટલાંની જરૂરિયાત છે.
ડૉ. એમ વલી, નવી દિલ્હીના ગંગારામ હૉસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સિનિયર કન્સલ્ટન્ટ છે.
તેમણે આ રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "ભારતમાં બાળકોની સંખ્યા કુલ વસતિની સરખાણીએ ત્રીજા ભાગની છે અને તેમને હજુ સુધી વૅક્સિન નથી અપાઈ અને વૈજ્ઞાનિકોની ચિંતા વાજબી છે. બાળકોની દેખરેખ માટે આધારભૂત માળખું ક્યારેય એટલું મજબૂત નથી રહ્યું, કારણ કે મોટી ઉંમરના લોકોની સરખામણીમાં બાળકો ઓછાં બીમાર પડે છે અને હાલ તેમના માટેની સુવિધાઓની કમી જોવા મળી રહી છે તેથી આ બાબત અંગે ધ્યાન દેવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેથી આપણે તૈયાર રહીએ."
જોકે અમુક મહિના પહેલાં ઇન્ડિયન એકૅડમી ઑફ પીડિયાટ્રિક્સ (IAP)એ કહ્યું હતું કે બાળકોમાં કોવિડ-19 સંક્રમણના મામલા અતિ સંવેદનશીલ હોય છે, પરંતુ એ વાતની આશંકા ઓછી છે કે ત્રીજી લહેર વિશેષપણે બાળકોને પ્રભાવિત કરશે.
IAPએ એવું પણ જણાવ્યું કે એ વાતના કોઈ પુરાવા નથી કે ત્રીજી લહેરમાં કોવિડ-19 સંક્રમણવાળા મોટા ભાગનાં બાળકોને ગંભીર બીમારી થશે.
આ વાતનો ઉલ્લેખ ડૉ. વલી પણ કરે છે અને કહે છે કે જ્યારે કોરોનાની પ્રથમ લહેર આવી હતી, ત્યારે આપણે બાળકોને અપાતી BCG રસીની પણ વાત કરી હતી અને એ જણાવવાની કોશિશ કરી હતી કે ભારતમાં મોટા ભાગનાં બાળકો માટીમાં રમે છે અને તેમનું રસીકરણ પણ સમયસર થાય છે. અમે ભલામણ કરી હતી કે BCG બચાવ માટે કામ લાગી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે માતા-પિતાએ એ ધ્યાન રાખવાનું રહેશે કે બાળકોને મળનારી તમામ રસીઓ સમયસર મુકાવવામાં આવે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે બાળકો (12-18)ને ઑગસ્ટ સુધીમાં કોવિડ વૅક્સિન મુકાવવાની શરૂઆત થઈ શકે છે.
હાલમાં જ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ઝાયડસ કેડિલાની વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. ત્યાર બાદ 12-18 વર્ષની ઉંમર સુધી બાળકોને વૅક્સિન મૂકવાની જલદી જ શરૂઆત થઈ શકે છે.
આ રિપોર્ટમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્હીના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાના હવાલાથી કહેવાયું છે કે ભારત બાયોટેકની કોવૅક્સિન ભારતમાં સપ્ટેમ્બર માસથી બાળકો માટે ઉપલબ્ધ બનશે.
આ દરમિયાન 2-18 વર્ષનાં બાળકો પર થયેલ બીજા અને ત્રીજા તબક્કાનાં પરીક્ષણોની માહિતી આવે તેવી આશા છે. જ્યારે પણ ફાઇઝરની વૅક્સિનને ભારતમાં સ્વીકૃતિ મળશે, તો એ પણ બાળકો માટે એક વિકલ્પ હોઈ શકે છે. ફાઇઝર એકલી એવી વૅક્સિન છે જે સમગ્ર વિશ્વમાં બાળકોને અપાઈ રહી છે.
બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ
પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માનિત ડૉ. વલી જણાવે છે કે ભારતીય બાળકોમાં વિદેશી બાળકોની સરખામણીએ રોગપ્રતિકારક શક્તિ કે ઇમ્યુનિટી વધુ હોય છે.
પરંતુ તેઓ સ્કૂલ શરૂ ન કરવાની ભલામણ આપે છે. તેમને કહેવું છે કે તેમની પાસે એવા ઘણા મામલા આવે છે જેમાં માતાપિતા ફરિયાદ કરે છે કે ઘરમાં રહીને તેમના બાળકનો સંપૂર્ણ વિકાસ નથી થઈ રહ્યો.
તેઓ સલાહ આપે છે કે માતાપિતા બાળકોને ઘરમાં જ રાખીને અન્ય ઍક્ટિવિટી કરાવી શકે છે. સાથે તેમનું કહેવું છે કે એ અંગે પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે કે સ્કૂલમાં તમામ સ્તરે કામ કરતી વ્યક્તિઓ સંપૂર્ણપણે વૅક્સિનેટેડ છે.
તેઓ એ વાતે ભાર મૂકે છે કે બાળકોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પર પણ ધ્યાન આપવું જોઈએ. જે માટે તેઓ ઘણાં પગલાં લેવાની ભલામણ કરે છે -
તેઓ સ્વચ્છતાને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ગણાવે છે, જેમાં બહારથી ઘરે આવો ત્યારે હાથ-પગ ધોવાનું અનિવાર્ય હોવું જોઈએ, ઘરમાં પગરખાં ન લાવશો અને ગરમીમાં બાળક ઘરે આવે ત્યારે તેને નાહવાની સલાહ આપશો.
- ઘરમાં બાળકો અને બીમાર લોકો વચ્ચે અંતર જાળવી રાખો.
- બાળકોને જંક ફૂડથી દૂર રાખો ને તેમને તેના નુકસાન વિશે જણાવો.
- બાળકોનું રસીકરણ સમયાંતર થવું જોઈએ અને તેમાં આજકાલ ઇન્ફ્લુઍન્ઝાની રસી પણ હોય છે જે કોવિડ સામે બચાવ માટે સહાય ક હોઈ શકે છે.
- બાળકોને માસ્ક પહેરવાની આદત પાડો.
- બાળકોને હાલ સ્કૂલે મોકલવાનું ટાળો.
- ભારતમાં બાળકોમાં પ્રોટીનની માત્રામાં કમી જોવા મળે છે આવી સ્થિતિમાં જે પરિવાર ઈંડાં ખાય છે તેઓ પોતાનાં બાળકોને ઈંડાં જરૂર ખવડાવે. આ સિવાય દાળ અને સોયાબીન પણ પ્રોટીનના સારા સ્રોત છે.
- બાળકોને દૂધ પીવાની અને પનીર ખાવાની આદત પાડો.
- બાજરી, મકાઈ, ચણાનો સૂપ કે હલવો બનાવીને નાનાં બાળકોને ખવડાવો અને મોટાં બાળકોને પણ તેની રોટલી કે પરાઠો બનાવીને આપો.
- વિટામિન સીન માટે લીંબુ પાણી પીવડાવો અન ફળ આપો, જે પણ વિટામિનના પ્રાકૃતિક સ્રોત છે, તે બાળકોને ખવડાવવા જોઈએ.
ડૉ. એમ. વલી કોઈ પણ બીમારીથી બચવા માટે રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની વાત પર ભાર મૂકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો