કોરોના વૅક્સિન : કેવી રીતે બનાવવામાં આવે છે રસી?

કોરોના મહામારી પર નિયંત્રણ માટે વિશ્વનાં ઘણાં રાષ્ટ્રોમાં રસીકરણ-અભિયાન ચાલી રહ્યું છે.

એ સંબંધી માહિતી અને સૂચનો ઘણીવાર તમને ગૂંચવાડાભર્યાં લાગે એ શક્ય છે, પણ કેટલીક પાયાની હકીકત છે, જે તમને એ સમજવામાં મદદ કરશે કે એક રસી આખરે કઈ રીતે કામ કરતી હોય છે.

વૅક્સિન શું છે?

વૅક્સિન તમારા શરીરને કોઈ બીમારી, વાઇરસ કે ચેપ સામે લડવા માટે તૈયાર કરે છે.

વૅક્સિનમાં કોઈ જીવના કેટલાક નિર્બળ અથવા નિષ્ક્રિય અંશ હોય છે, જે બીમારીનું કારણ બનતા હોય છે.

એ શરીરને ઈમ્યૂન સિસ્ટમ એટલે રોગપ્રતિકારક વ્યવસ્થાને ચેપની ઓળખ કરવા માટે પ્રેરિત કરે છે અને તેની વિરુદ્ધ શરીરમાં ઍન્ટીબૉડી બનાવે છે અને એ ઍન્ટીબૉડી બહારના હુમલા સામે લડવા માટે શરીરને મદદ કરે છે.

વૅક્સિનની નકારાત્મક અસર બહુ થોડા લોકોને થતી હોય છે, પરંતુ કેટલાક લોકોએ તેની આડઅસરનો સામનો કરવો પડે છે. હળવો તાવ કે ખંજવાળ તેની સામાન્ય આડઅસર છે.

વૅક્સિન લીધાના થોડા સમય પછી એ બીમારી સામે લડવાની ઇમ્યુનિટી તમારા શરીરમાં વિકસી જાય છે.

અમેરિકાના સેન્ટર ઑફ ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી)નું કહેવું છે કે વૅક્સિન બહુ શક્તિશાળી હોય છે, કારણ કે મોટા ભાગની દવાઓથી વિપરીત રીતે એ કોઈ બીમારીનો ઈલાજ નથી કરતી, પણ બીમારી થતી અટકાવે છે.

શું વૅક્સિન સલામત છે?

વૅક્સિનનું એક પ્રારંભિક રૂપ ચીનના વિજ્ઞાનીઓએ દસમી સદીમાં શોધી લીધું હતું, પરંતુ ઍડવર્ડ જેનરે 1796માં જાણ્યું હતું કે ચિકનપૉક્સના ઓછા ચેપનો એક ડોઝ ચિકનપૉક્સના ગંભીર ચેપ સામે રક્ષણ આપે છે.

એ પછી તેમણે વધુ અભ્યાસ કર્યો હતો. તેમણે તેમના આ સિદ્ધાંતનું પરીક્ષણ પણ કર્યું હતું અને નિષ્કર્ષ બે વર્ષ બાદ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 'વૅક્સિન' શબ્દની ઉત્પત્તિ ત્યારે થઈ હતી.

વૅક્સિનને લેટિન ભાષાના Vacca' શબ્દમાંથી બનાવવામાં આવ્યો છે. Vacca'નો અર્થ થાય છે ગાય.

વૅક્સિનને આધુનિક વિશ્વની સૌથી મોટી ચિકિત્સકીય સિદ્ધિઓ પૈકીનું એક ગણવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, વૅક્સિનને લીધે દર વર્ષે લગભગ 20થી 30 લાખ લોકોનો જીવ બચાવી શકાય છે.

સીડીસીનું કહેવું છે કે માર્કેટમાં રજૂ કરતાં પહેલાં વૅક્સિનનું ગંભીરતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે.

પહેલાં પ્રયોગશાળાઓમાં અને પછી પશુઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવે છે. એ પછી માણસો પર વૅક્સિનની ટ્રાયલ હાથ ધરવામાં આવે છે.

મોટા ભાગના દેશોમાં ઔષધ-નિયામકોની પરવાનગી મળ્યા બાદ જ લોકોને વૅક્સિન આપવામાં આવતી હોય છે.

રસીકરણમાં કેટલુંક જોખમ જરૂર છે, પણ તમામ દવાઓની માફક, વૅક્સિનથી થતાં ફાયદાની સરખામણીએ તે જોખમ કશું જ નથી.

દાખલા તરીકે, બાળપણની કેટલીક બીમારીઓ એક પેઢી પહેલાં સુધી બહુ સામાન્ય હતી, પણ વૅક્સિનને કારણે એ ઝડપથી લુપ્ત થઈ ગઈ છે.

શીતળાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ હવે શીતળાની બીમારી સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે.

અલબત, આવી બીમારીની સંપૂર્ણ નાબૂદીમાં સંપૂર્ણ સફળતા મેળવવામાં દાયકાઓનો સમય જતો હોય છે. વૈશ્વિક રસીકરણ-અભિયાન શરૂ થયાનાં લગભગ 30 વર્ષ પછી માત્ર આફ્રિકાના એક દેશને પોલિયોમુક્ત જાહેર કરી શકાયો હતો. 30 વર્ષ બહુ લાંબો સમયગાળો છે.

નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે કોવિડ-19 વિરુદ્ધ સમગ્ર વિશ્વમાં પૂરતા પ્રમાણમાં રસીકરણ કરવામાં સંભવતઃ વર્ષો નીકળી જાય એવું બની શકે. એ પછી જ વિશ્વમાં રાબેતા મુજબની સ્થિતિ સ્થપાશે.

વૅક્સિન કેવી રીતે બનાવવામાં આવે છે?

બૅક્ટેરિયા, વાયરસ, પરોપજીવી અથવા ફંગસ જેવું એક નવું રોગજનક (પૅથોજન) શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઍન્ટીજન નામે ઓળખાતો શરીરનો એક ઉપ-ભાગ પૅથોજન સામે લડવા માટે ઍન્ટીબોડીનું ઉત્પાદન શરૂ કરી દે છે.

બીમારીનું કારણ બનતા જીવાણુના કેટલાક નિર્બળ કે નિષ્ક્રિય અંશ આ વૅક્સિનમાં હોય છે.

તે શરીરની ઇમ્યૂન સિસ્ટમને ચેપ (આક્રમણકર્તા વાઇરસ)ની ઓળખ માટે પ્રેરિત કરે છે અને તેના વિરુદ્ધ શરીરમાં ઍન્ટીબૉડી બનાવે છે. તે ઍન્ટીબૉડી બહારના હુમલા સામે લડવામાં આપણા શરીરને મદદ કરે છે.

પરંપરાગત રસી શરીરની બહારના હુમલા સામે લડવાની ક્ષમતા વિકસાવતી હોય છે, પરંતુ હવે નવી રીતો વડે રસી વિકસાવવામાં આવી રહી છે. કોરોનાની કેટલીક વૅક્સિન બનાવવા માટે પણ કેટલીક નવી રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોવિડ વૅક્સિનની સરખામણી

ફાઈઝર-બાયૉટેક તથા મૉર્ડના, એ બન્નેની કોવિડ વૅક્સિન 'મૅસેન્જર આરએનએ વૅક્સિન' છે. એ વૅક્સિન તૈયાર કરવા માટે વાયરસના આનુવાંશિક કૉડના એક હિસ્સાનો ઉપયોગ કરવામાં આવે છે.

ઍન્ટીજનના નિર્બળ કે નિષ્ક્રિય હિસ્સાનો ઉપયોગ કરવાને બદલે આ વૅક્સિન શરીરના કોષોને, વાઇરસની સપાટી પર જોવા મળતું 'સ્પાઈક પ્રોટીન' બનાવતા શિખવાડે છે. એ સ્પાઈક પ્રોટિનને કારણે કોવિડ-19 થતો હોય છે.

ઑક્સફર્ડ અને ઍસ્ટ્રાજેનેકાની વૅક્સિન પણ અલગ છે. એ વૅક્સિન તૈયાર કરવા માટે વિજ્ઞાનીઓએ ચિમ્પાન્ઝીને સંક્રમિત કરતાં એક વાઇરસમાં થોડા ફેરફાર કર્યા છે અને કોવિડ-19ના આનુવાંશિક-કોડનો એક ટુકડો તેમાં જોડ્યો છે.

આ ત્રણેય વૅક્સિનને અમેરિકા અને બ્રિટન સહિતના કેટલાક દેશોમાં વપરાશની મંજૂરી આપવામાં આવી છે.

કોવિડની બીજી કોઈ વૅક્સિન પણ છે?

ચીનની ઔષધઉત્પાદક કંપનીએ કોરોના-વૅક નામની વૅક્સિન બનાવી છે. તેને બનાવવા માટે કંપનીએ પરંપરાગત રીતનો ઉપયોગ કર્યો છે.

કંપનીના જણાવ્યા મુજબ, કોરોના-વૅક બનાવવા માટે વાઇરસના નિષ્ક્રિય અંશોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જોકે, આ વૅક્સિનની અસરકારકતા વિશે ઘણા સવાલો થઈ રહ્યા છે.

તુર્કી, ઈન્ડોનેશિયા અને બ્રાઝિલમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ દેશોના વિજ્ઞાનીઓએ અંતિમ તબક્કાના પરીક્ષણ પછી જણાવ્યું હતું કે આ વૅક્સિન 50.4 ટકા જ અસરકારક છે.

ભારતમાં બે વૅક્સિન તૈયાર કરવામાં આવી છે. કોવિશિલ્ડ નામની વૅક્સિન ઍસ્ટ્રાજેનેકા તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ બનાવી છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા તેનું ઉત્પાદન કરે છે, જ્યારે કોવૅક્સિન નામની બીજી વૅક્સિન ભારત બાયૉટેક નામની ભારતીય કંપનીએ બનાવી છે.

રશિયાએ તેની પોતાની કોરોના વૅક્સિન બનાવી છે, જેનું નામ છે સ્પૂતનિક-V અને તેને વાઇરસના વર્ઝનમાં થોડો ફેરફાર કરીને બનાવવામાં આવી છે. આ વૅક્સિનના ભારતમાં વપરાશની પરવાનગી આપવામાં આવી છે. મૉર્ડના વૅક્સિનને પણ ભારતમાં વપરાશની પરવાનગી મળી છે.

મારે કોવિડ વૅક્સિન લેવી જોઈએ?

કોવિડ વૅક્સિન લેવાનું ક્યાંય ફરજિયાત બનાવવામાં આવ્યું નથી, પરંતુ મોટા ભાગના લોકોને વૅક્સિન લઈ લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, આરોગ્યસંબંધી તકલીફોનો સામનો કરી રહેલા લોકોના કિસ્સા અહીં અપવાદ છે.

સીડીસીનું કહેવું છે કે વૅક્સિન કોવિડ-19 સામે સલામતી આપે છે એટલું જ નહીં, પણ બીજા લોકોને પણ સલામત બનાવે છે. એ સિવાય મહામારીમાંથી બહાર નીકળવા માટે રસીકરણ સૌથી વધુ ઉપયોગી માર્ગ હોવાનું પણ સીડીસીએ જણાવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠનની ધારણા છે કે સંક્રમણ ઘટાડવા માટે કૂલ પૈકીના લગભગ 65-70 ટકા લોકોએ વૅક્સિન લેવી પડશે. તેનો અર્થ એ થયો કે વધુને વધુ લોકોને વૅક્સિન લેવા માટે પ્રેરિત કરવા પડશે.

એક વૅક્સિન વિકસાવવામાં વિજ્ઞાનીઓ વર્ષોનો સમય લેતા હોય છે એ વાત સાચી, પરંતુ કોરોના મહામારીના નિરાકરણ માટે ઝડપભેર કામ કરવામાં આવ્યું છે. તેથી વિશ્વ આરોગ્ય સંગઠન, વિજ્ઞાનીઓ અને વ્યાપારી તથા બીજાં આરોગ્ય-સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

ટૂંકમાં કહીએ તો અબજો લોકોના રસીકરણ વડે જ કોવિડ-19ને ફેલાતો રોકી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે હર્ડ ઇમ્યુનિટી મારફત જ દુનિયામાં પરિસ્થિતિ ફરી સામાન્ય થશે.

કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચેનું અંતર હવે 12-16 સપ્તાહ

ભારત સરકારે કોવિશિલ્ડ વૅક્સિનના બીજા ડોઝના સમયમાં ફેરફાર કર્યો છે.

અગાઉ બન્ને ડોઝ વચ્ચે 4-6 સપ્તાહનું અંતર રાખવાનું કહેવામાં આવ્યું હતું. પછી એ વધારીને 4-8 સપ્તાહ કરવામાં આવ્યું હતું અને હવે તેનું પ્રમાણ વધારીને 12-16 સપ્તાહ કરવામાં આવ્યું છે.

ભારતમાંથી મળેલો 'ડબલ મ્યૂટેન્ટ' વૅરિયન્ટ શું છે?

ગત વર્ષે દેશમાંથી કોરોના વાઇરસનો એક નવો 'ડબલ મ્યૂટેન્ટ' વૅરિયન્ટ મળી આવ્યો હતો. બીજા કેટલાક દેશોમાં પણ આવા વૅરિયન્ટ મળ્યાના સમાચાર છે.

વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના સંક્રમણના અલગ-અલગ વૅરિયન્ટનું નામકરણ કર્યું છે.

બ્રિટનમાં સૌથી પહેલાં મળી આવેલા વૅરિયન્ટને હવે 'આલ્ફા' કહેવામાં આવે છે, જ્યારે દક્ષિણ આફ્રિકામાંથી મળેલા વૅરિયન્ટને 'બીટા' અને બ્રાઝિલમાં મળી આવેલાં સૌપ્રથમ વૅરિયન્ટને 'ગામા' કહેવામાં આવે છે.

અહીં ભારતમાં મળેલા સૌપ્રથમ વૅરિયન્ટને 'ડેલ્ટા' નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા વૅરિયન્ટમાં પરિવર્તન પછી તેના ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ બાબતે પણ જાણકારી મળી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશનાં વિવિધ રાજ્યોમાંથી ઘણા 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન્સ' (VOCs) મળી આવ્યા છે, જે લોકોના આરોગ્ય પર માઠી અસર કરી શકે છે.

વાસ્તવમાં ડબલ મ્યૂટેન્ટ વૅરિયન્ટ વાઇરસનું એક એવું સ્વરૂપ છે, જેના જીનોમમાં બે વખત ફેરફાર થઈ ચૂક્યો હોય છે. જોકે, વાઇરસના જીનોમિક વૅરિયન્ટમાં ફેરફાર થવો એ સામાન્ય બાબત છે, પરંતુ વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, કોરોનાના વૅરિયન્ટને રોકવામાં કોવિડ વૅક્સિન મદદરૂપ થશે.

ભારતે વૅક્સિનની નિકાસ પર હાલ કેમ મૂક્યો છે પ્રતિબંધ?

ઑક્સફોર્ડ-ઍસ્ટ્રાઝેનેકાએ વિકસાવેલી કોરોના વૅક્સિન કોવિશિલ્ડની નિકાસ પર ભારતે હાલ થોડા સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં વૅક્સિનની ઘરઆંગણાની માગમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

તેની અસર કોવૅક્સ યોજના હેઠળના લગભગ 190 દેશોને થશે.

વિશ્વ આરોગ્ય સંગઠનના નેતૃત્વમાં ચાલી રહેલી કોવૅક્સ યોજનાનો હેતુ તમામ દેશોમાં કોરોના વૅક્સિન ઉપલબ્ધ કરાવવાનો છે. ભારતે અત્યાર સુધીમાં 76થી વધુ દેશોને કોરોના વૅક્સિનના કરોડો ડોઝ મોકલ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયના એક સૂત્રે બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસને કહ્યું હતું કે "નિકાસ પર થોડા સમય પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘરઆંગણાની માગને અગ્રતા આપવી જ પડે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો