CoWIN : કોરોના રસી માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત છે?

કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે દેશભરમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

21 જૂન, 2021ના દિવસથી દેશભરમાં નવી વૅક્સિન પૉલિસી લાગુ કરવામાં આવી છે, જે પ્રમાણે હવે કેન્દ્ર સરકાર વૅક્સિન ઉત્પાદકો પાસેથી વૅક્સિન લઈને રાજ્ય સરકારોને અપાવી રહી છે.

આ અભિયાનના પ્રથમ દિવસે જ દેશભરમાં 80 લાખથી વધારે લોકોને વૅક્સિન આપવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં લોકોને વૅક્સિનના ડોઝ આપવામાં આવશે.

CoWIN અથવા આરોગ્ય સેતુ પર રજિસ્ટ્રેશન ફરજિયાત?

જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોરોના રસીકરણ માટે કોવિન અથવા આરોગ્ય સેતુ પર રજિસ્ટ્રેશન કરવું હજી ફરજિયાત છે?

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે વૅક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન આવશ્યક નથી.

સાથે જ દેશના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ અને વીજળીની પ્રાપ્યતા નથી.

એક ફોન નંબરથી ચાર લોકોનાં રજિસ્ટ્રેશન કરવાની સુવિધા સરકાર આપી રહી છે, છતાં ઘણા લોકો માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ સહજ બાબત નથી.

પ્રાઇવેટ વૅક્સિન સેન્ટરમાં રજિસ્ટ્રેશન જરૂરી

આ સ્થિતિમાં તમામ લોકો માટે કોવિન અથવા આરોગ્ય સેતુ ઍપ પર રજિસ્ટ્રેશન કરવું એ પડકારરૂપ બાબત હતી, જેને ધ્યાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પહેલાંથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાની અનિવાર્યતા હઠાવી દીધી છે.

અહીં ધ્યાને લેવા જેવી બાબત એ પણ છે કે હજી સાઇટ પર રજિસ્ટ્રેશનની સુવિધા માત્ર સરકારી વૅક્સિન સેન્ટરોમાં જ છે, પ્રાઇવેટ વૅક્સિન સેન્ટર માટે પહેલાંથી રજિસ્ટ્રેશન આવશ્યક છે.

જોવાનું એ પણ રહે છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ નિર્દેશને રાજ્યો કેટલી ગંભીરતા સાથે લાગુ કરે છે, સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોની સરકારોને નિર્દેશ આપ્યો છે કે જિલ્લા તંત્ર સાથે તાલમેલ સાધીને સાઇટ પર જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ.

CoWin શું છે?

ભારત સરકારનું કહેવું છે કે કોવિન ઍપનો પ્રાથમિક ઉદ્દેશ કોવિડ-19 વૅક્સિનેશન કાર્યક્રમની માહિતી રાખીને એજન્સીઓની મદદ કરવાનો છે.

સાથે જ આના થકી રસી લેવા માટે લોકો અરજી કરી શકશે.

આ ઍપ અથવા તો તેની વેબસાઇટ https://www.cowin.gov.in/home દ્વારા તમે રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરી શકો છો.

કોવિન પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરશો?

  • સૌથી પહેલાં તમે https://www.cowin.gov.in/home વેબસાઇટની મુલાકાત લો અને પોતાનો મોબાઇલ નંબર દાખલ કરો.
  • તમારા મોબાઈલ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ આવશે.
  • આ નંબરને વેબસાઇટ પર અંકિત ઓટીપી બૉક્સમાં લખો અને વૅરિફાઇ લખેલા આઇકન પર ક્લિક કરો. તેનાથી વૅરિફાઈ થઈ જશે, ત્યારબાદ તેમને નોંધણીનો પેજ નજર આવશે.
  • જે બાદ તમે રજિસ્ટ્રેશન પેજ પર પહોંચી જશો, અહીં તમે માહિતી લખો અને ફોટો આઈડી પણ અપલોડ કરો.
  • જો તમને પહેલાંથી જ કોઈ બીમારી હોય, જેમકે સુગર, બ્લડપ્રૅશર, અસ્થમા છે તો આ વિશેની માહિતી વિગતવાર જણાવો.
  • આ માહિતી લખાઈ જાય ત્યારે રજિસ્ટર લખેલા આઇકન પર ક્લિક કરો.
  • નોંધણી બાદ તમને કૉમ્પ્યૂટર સ્ક્રીન પર તમારા ઍકાઉન્ટની વિગતો જોઈ શકશો.
  • આ પેજમાં તમે પોતાની ઍપૉઇન્ટમૅન્ટ તારીખ પસંદ કરી શકો છો.

આરોગ્ય સેતુ પર રજિસ્ટ્રેશન

આરોગ્ય સેતુ ઍપ પર પણ તમે રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરી શકો છો, એ માટે તમારે પહેલાંથી આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરવી પડશે.

આરોગ્ય સેતુ ઍપ પર તમને કોવિનું ચિહ્ન દેખાશે, જેમાં વૅક્સિનેશન લૉગ ઇન અને રજિસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે, એની પર ક્લિક કરો.

એની પસંદગી બાદ તમે તમારો મોબાઇલ નંબર નાખો, પછી ઓટીપી આવ્યા બાદ તે નાખો.

જે બાદ વૅક્સિન લેનારનું નામ, લિંગ, જન્મતારીખ, ફોટો આઈડી સહિતની માહિતી ભરો, એક મોબાઇલ નંબરથી ચાર લોકોનું રજિસ્ટ્રેશન થઈ શકે છે.

જે બાદ ઍપૉઇન્ટમેન્ટ શિડ્યુલ કરવાના વિકલ્પ પર પિનકોડ નાખીને વૅક્સિનેશન સેન્ટર અને ઉપલબ્ધ સ્લોટની પસંદગી કરી શકો છો.

રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજ જરૂરી?

રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવતી વખતે ફોટો આઈડી કાર્ડ જરૂરી છે.

સેલ્ફ રજિસ્ટ્રેશન માટે E-KYC ફૉર્મ ભરવાનું રહે છે, જેની માટે 12 ઓળખ પત્ર પૈકી કોઈ એકની જરૂર રહે છે.

જેમાં નીચેનાં ઓળખપત્રનો સમાવેશ થાય છે:

  • આધાર કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • મતદાન ઓળખકાર્ડ
  • PAN કાર્ડ
  • મનરેગા જૉબ કાર્ડ
  • બૅન્ક પાસબુક
  • પોસ્ટ ઑફિસ પાસબુક
  • પાસપોર્ટ
  • પેન્શન પ્રમાણપત્ર

સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરશો?

કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ QR કોડ ધરાવતું એર સર્ટિફિકેટ આપવામાં આવે છે.

આ સર્ટિફિકેટ કોવિન ઍપ પર પણ જોઈ શકાય છે અને ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકાય છે.

પ્રથમ ડોઝ લીધા બાદ સર્ટિફિકેટ પર પાર્શિયલ વૅક્સિનેટેડ લખેલું આવે છે, જ્યારે બંને ડોઝ લેનાર વ્યક્તિના સર્ટિફિકેટ પર પૂર્ણ વૅક્સિનેટેડ લખેલું આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો