You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ : કોરોના રસીના બંને ડોઝ લીધા પછી પણ ચેપ લાગે છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતમાં બીજી લહેર દરમિયાન વ્યાપકપણે વિનાશ નોતરનાર ડેલ્ટા વૅરિયન્ટે (B.1.617.2) ભારત ઉપરાંત યુકેમાં ભારે કેર વર્તાવ્યો હતો અને હવે યુએસએના દરવાજે ટકોરા દઈ રહ્યો છે.
ત્યારે ભારતમાં ડેલ્ટા પ્લસ વૅરિયન્ટે દેખા દીધી છે, દેશમાં હજુ ત્રણ આંકડામાં કેસ નથી પહોંચ્યા, પરંતુ તે ભવિષ્યમાં ચિંતાજનક સ્થિતિ ઊભી કરીને રાજ્ય તથા દેશની આરોગ્યવ્યવસ્થા પર ભાર ઊભું કરી શકે છે.
કેટલાક જાણકારો એ વાતનું આશ્વાસન આપી રહ્યા છે કે મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં જ્યાં-જ્યાં ડેલ્ટા પ્લસ વૅરિયન્ટના કેસ નોંધાયા, ત્યાં અચાનક અસામાન્ય ઉછાળો જોવા નથી મળ્યો.
કોરોના રસી ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ પર કેટલી અસરકારક?
ડેલ્ટા પ્લસ વૅરિયન્ટના સંક્રમણના કેટલાક એવા કિસ્સા બહાર આવ્યા છે, જેમાં સંક્રમિત વ્યક્તિએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા હતા, જેણે તબીબો અને તંત્રની ચિંતા વધારી દીધી છે.
મુંબઈમાં ડેલ્ટા-પ્લસ વૅરિયન્ટના નોંધાયેલા બે કેસમાંથી એક એવાં મહિલા કર્મચારી છે જેમણે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા.
તેમને જૂન મહિનામાં ચેપ લાગ્યો હતો. ડેલ્ટા પ્લસ વૅરિયન્ટના પીડિતોના નજીકના સંપર્કમાં આવ્યા હોય અને કોરોના થયો હોય, એવા લોકોના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
જાણકારો વાઇરસના જીનૉમ સિક્વન્સિંગ પર ભાર મૂકે છે, જેથી કરીને તેના પ્રસાર અને અસર વિશે વ્યાપક માહિતી મેળવી શકાય, જેના આધારે દેશના અન્ય ભાગોમાં તથા વિદેશમાં પણ અસરકારક સારવાર પ્રણાલી વિકસાવી શકાય.
અગાઉ રાજસ્થાનમાં 65 વર્ષથી વધુ ઉંમરના મહિલાને મે મહિનામાં કોરોના થયો હોવાનું બહાર આવ્યું હતું. તેમણે વૅક્સિનના બંને ડોઝ લીધા હતા અને હાલમાં તેઓ સ્વસ્થ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેલ્ટા વૅરિયન્ટે પણ આવી જ ચિંતા વિદેશમાં વધારી છે. પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડના કહેવા પ્રમાણે 'બ્રિટનની હૉસ્પિટલોમાં ડેલ્ટા વૅરિયન્ટથી સંક્રમિત 3,692 લોકો સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 58.3 ટકા લોકો એવા છે, જેમને રસી લીધી નથી. જ્યારે 22.8 ટકા લોકોએ રસીના સંપૂર્ણ ડોઝ લઈ લીધા છે.'
કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ પણ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વૅરિયન્ટથી સંક્રમિત થવાના કેસ નોંધાયા છે પણ આ અંગે હજી પૂરતા પુરાવા નથી.
તબીબોનું કહેવું છે કે કોરોના રસીના બંને ડોઝ લઈ ચૂકેલી વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો તેમને રસી ન લીધી હોય એ વ્યક્તિની તુલનામાં ઓછું નુકસાન થાય છે.
જાણકારોનું કહેવું છે કે વૅક્સિન લેવા છતાં ચેપ લાગી રહ્યો હોય. આ સિવાય માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા વગેરે જેવા કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કરવામાં આવે છે.
ડેલ્ટા પ્લસ અને નામકરણ
ડેલ્ટા વૅરિયન્ટની મુખ્ય સમસ્યા એ છે કે તે વ્યક્તિથી વ્યક્તિની વચ્ચે ખૂબ જ સરળતાથી ફેલાય છે. આથી જ બીજી લહેર વખતે એક જ પરિવારના અનેક સભ્યોમાં કેસ નોંધાયા હતા.
આ વૅરિયન્ટ વૅક્સિન લીધી હોય તેને પણ ચેપગ્રસ્ત કરી શકે છે, જ્યારે વૅક્સિન ન લીધી હોય તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થાય છે.
ટકી રહેવા માટે વાઇરસ તેનું સ્વરૂપ બદલતા હોય છે અને ઘણી વખત તે મૂળ વાઇરસ કરતાં પણ વધુ ચેપી અને ઘાતક બની જતા હોય છે. આવી જ રીતે ડેલ્ટા વૅરિયન્ટનું નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ છે, જે B.1.617.2.1 તરીકે પણ ઓળખાય છે.
તેમાં K417N નામનું પ્રોટીન સ્પાઇક હોય છે, જે દરદીનાં ફેફસાં સાથે જોડાઈ જાય છે. આ સિવાય તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ થાપ આપી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ-19ના વૅરિયન્ટ્સને નામ આપવા માટે પ્રણાલી બહાર પાડવામાં આવી છે, જે મુજબ દરેક નવા વૅરિયન્ટને નવા ગ્રીક મૂળાક્ષર (આલ્ફા, બીટા, ગૅમા, ડેલ્ટા...) પરથી નામ આપવામાં આવે છે.
જોકે ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ તેના મૂળ વૅરિયન્ટની નજીક હોવાથી તેને નવો ગ્રીક મૂળાક્ષર ફાળવવાના બદલે ડેલ્ટાપ્લસ એવું નામ આપવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા આ ડેલ્ટા પ્લસને 'ચિંતાજનક વૅરિયન્ટ' ગણાવવામાં આવ્યો છે.
આ ખૂબ જ ચેપી વાઇરસ છે. ગ્લોબલ અલાયન્સ ઑન વૅક્સિનેસન્સ ઍન્ડ ઇમ્યુનાઇઝેશન્સના (ગાવી) રિપૉર્ટ પ્રમાણે, વિશ્વના 90 કરતાં વધુ દેશમાં આ વૅરિયન્ટે દેખા દીધા છે. યુકેમાં જોવા મળેલા 90થી 99 ટકા કેસ માટે ડેલ્ટા વૅરિયન્ટ જવાબદાર હતો.
અમેરિકામાં 20 ટકા કેસોમાં જ આ વૅરિયન્ટ જોવા મળી રહ્યો છે, છતાં તેની સંખ્યા દર બે અઠવાડિયે બમણી થઈ રહી છે.
100થી વધુ દેશમાં ડેલ્ટા વૅરિયન્ટ
વિશ્વ આરોગ્ય સંગઠનનાં દક્ષિણ-પૂર્વ એશિયાનાં રિજનલ ડિરેક્ટર ડૉ. પૂનમ સિંઘે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતાં જણાવ્યું કે "ડેલ્ટા વૅરિયન્ટ 100થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે."
"જે ગતિએ આ વૅરિયન્ટ ફેલાઈ રહ્યો છે, એ જોતાં લાગે છે કે જલદી જ તે વિશ્વનો સૌથી પ્રભાવશાળી કોવિડ સ્ટ્રેન બની જશે."
"ચિંતાજનક વૅરિયન્ટ્સ પૈકી ડેલ્ટા સૌથી ઝડપથી ફેલાય છે."
ડેલ્ટા વૅરિયન્ટનો ડર
કોરોના વાઇરસનો ડેલ્ટા વૅરિયન્ટ કોવૅક્સિન અથવા કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને પણ ચેપ લગાડી શકે છે.
આ તારણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને AIIMS દિલ્હી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાંથી બહાર આવ્યું છે.
આ અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ડેલ્ટા વૅરિયન્ટ આલ્ફા કરતાં 40થી 50 ટકા જેટલો વધારે સંક્રામક છે.
ડેલ્ટા વૅરિયન્ટને ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેર માટે જવાબદાર ગણવામાં આવે છે. ઇન્ડિયન SARS-CoV-2 જિનૉમિક કૉન્સોર્ટિયા (INSACOG) અને NCDC દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી હતી.
UKમાં લૉકડાઉન સમાપ્ત થવા પર હતું, ત્યાં ડેલ્ટા વૅરિયન્ટે દેખા દીધી, જેના કારણે અનલૉકિંગની પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ છે.
આ વૅરિયન્ટ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ચેતવણી આપતું ટ્વીટ કર્યું હતું.
નિષ્ણાતોને આશંકા છે કે આ વૅરિયન્ટ હૉસ્પિટલો પર ભારણ વધારી શકે છે અને તે ઘાતક પણ નીવડી શકે છે, કારણ કે સરેરાશ ડેલ્ટા વૅરિયન્ટથી પ્રભાવિત કેસોની સંખ્યામાં 40 ટકા જેટલો સરેરાશ ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોના વાઇરસનો પરિવાર
કોરોના વાઇરસ પરિવારના તમામ પ્રકારોમાં એક લાક્ષણિકતા સર્વસામાન્ય હોય છે અને એ છે કોરોના. તમે વાઇરસની અણીવાળા દડા જેવી તસવીર જોઈ હોય તો આ અણીવાળા (સ્પાઇક) પ્રોટીનને કોરોના તરીકે ઓળખવામાં આવે છે.
નાગરિકોને વારંવાર 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવાની કે આલ્કૉહૉલવાળા સૅનિટાઇઝરથી હાથ ચોખા કરવાની સૂચના આપવામાં આવે છે કે જેથી વાઇરસ પરની અણી બુઠ્ઠી થઈ જાય અને તે માનવકોષ સાથે જોડાણ પ્રસ્થાપિત ન કરી શકે.
તે માનવકોષ સાથે સંપર્કમાં આવવા માટે તથા તેમાં પ્રવેશવા માટે આ અણીવાળા ભાગનો ઉપયોગ કરે છે.
ગ્રીક મૂળાક્ષર મુજબ, આલ્ફા, બિટા, ગૅમા અને ડેલ્ટા એમ ચાર પ્રકારના કોરોના વાઇરસ જોવા મળે છે.
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝના મતે કોરોના વાઇરસના સાત એવા સ્વરૂપોને ઓળખી શકાયાં છે કે જે માનવશરીરને ચેપ લગાડી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા પર નજર કરીએ તો સાતમાંથી ત્રણે તાજેતરનાં વર્ષોમાં રોગનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિશ્વભરમાં હાહાકાર ફેલાવ્યો હતો. આ ત્રણેય બિટા ગ્રૂપના છે:
MERS-CoV
વાઇરસના આ સ્વરૂપને કારણે મિડલ ઇસ્ટ રૅસ્પિરેટરી સિન્ડ્રૉમ (MERS) રોગ ફેલાય છે.
2012માં સાઉદી અરેબિયામાં પ્રથમ વખત તેની ઓળખ થઈ હતી. માર્ચ-2021 સુધીમાં MERSના બે હજાર 574 કેસ નોંધાયા છે અને તેના કારણે 885નાં મૃત્યુ થયાં છે.
SARS-CoV
કોરોના વાઇરસનું આ સ્વરૂપ સિવિયર ઍક્યુટ રૅસ્પિરેટરી સિન્ડ્રૉમ (SARS) નામનો રોગ નોતરે છે.
વર્ષ 2003માં તેણે સૌપ્રથમ વખત ચીનમાં દેખા દીધી હતી. એ સમયે તેણે રોગચાળાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, તેના આઠ હજાર 98 કેસ નોંધયા હતા, જેમાંથી 774નાં મૃત્યુ થયાં હતાં.
SARS-CoV-2
આને કારણે કોવિડ-19 ફેલાય છે. ઔપચારિક રીતે વર્ષ 2019માં ચીનમાં તેણે દેખા દીધી હતી, પરંતુ વર્ષ 2020થી તેણે સમગ્ર વિશ્વમાં પગ પ્રસારી દીધા હતા.
વિશ્વભરમાં 17 કરોડ કરતાં વધારે લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચુક્યો છે, જ્યારે 37 લાખ કરતાં વધુ મૃત્યુ સત્તાવાર રીતે થયાં છે.
વૅક્સિનની મર્યાદા વૅરિયન્ટ
અન્ય કોઈ વાઇરસની જેમ જ કોરોના વાઇરસ પણ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે ત્યારે તે આંશિકસ્વરૂપ પરિવર્તન કરે છે. જે અતિસામાન્ય હોય છે અને તેની કાર્યપ્રણાલીમાં કોઈ ફેરફાર ઊભો નથી કરતો.
પરંતુ જેમ-જેમ ફેલાવો વધે, તેમ-તેમ વાઇરસના નવા વૅરિયન્ટ ઊભા થાય છે, જે વૅક્સિનની અસરકારકતાને ઘટાડી દે છે અથવા તો રસી દ્વારા જે રક્ષાપ્રણાલી ઊભી કરવામાં આવે, તેને થાપ આપી શકે છે.
હાલ કોરોના વાઇરસનું જે સ્વરૂપ માનવજાતને ધમરોળી રહ્યું છે તેને ઔપચારિક રીતે SARS-CoV-2 એવું નામ આપવામાં આવ્યું છે.
વાસ્તવમાં તે આ પ્રકારના વાઇરસસમૂહના સાત અલગ-અલગ પ્રકારમાંથી એક છે, જે માનવશરીરને અસર કરે છે.
માનવીઓ દ્વારા કુદરતી સ્થાનોમાં પેશકદમી કરવામાં આવી રહી છે. તે હિંસક પશુઓના વિસ્તારમાં પ્રવેશી રહ્યો છે, જેના કારણે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો સંસર્ગ વધી રહ્યો છે.
આ કારણસર પશુઓમાં જોવા મળતો કોરોના વાઇરસ લોકોમાં ફેલાવાની સંભાવના વધી જાય છે.
આ કારણસર જ વિજ્ઞાનીઓ એક વાત પર સહમત થાય છે કે ભવિષ્યમાં ફરી એક વખત અલગ સ્વરૂપે કોરોના વાઇરસ દેખા દઈ શકે છે અને તે હાલની જેમ જ મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
કોરોના વાઇરસે વિશ્વમાં દેખા દીધી એ પહેલાં પણ અનેક સંશોધકોએ આ મુદ્દે ચેતવણી ઉચ્ચારી હતી.
આથી જ તેમણે માનવશરીરને અસર કરતા તમામ કોરોના વાઇરસ તથા જે ભવિષ્યમાં પણ અસ્તિત્વમાં આવી શકે છે, તેવા કોરોનાવાઇરસને અટકાવવા માટેની વૅક્સિન શોધવા માટે સંશોધન હાથ ધર્યા હતા.
વૃદ્ધો માટે બુસ્ટર ડોઝ
'વાઇરસનો જવાબ છે વૅક્સિન'. આરોગ્યક્ષેત્રે સંકળાયેલા સંશોધકોમાં આ પરંપરાગત માન્યતા પ્રવર્તમાન છે. એટલે જ જ્યારે કોઈ નવો રોગ દેખા દે, ત્યારે તે ચોક્કસ બીમારીની સારવાર માટે વૅક્સિન કે દવા શોધવાની તજવીજ હાથ ધરવામાં આવે છે.
છેલ્લાં દોઢ વર્ષથી વિશ્વને ધમરોળનારો કોરોના વાઇરસ પણ અલગ નથી.
ભારત, અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોના વિજ્ઞાનીઓએ 'રેકૉર્ડ સમય'માં તેની વૅક્સિન શોધી લીધી છે, જે નાગરિકોને રોગના હુમલા સામે રક્ષણ પૂરું પાડશે.
આ વિજ્ઞાનની અજોડ સિદ્ધિ છે, છતાં આ વૅક્સિનની કેટલીક મર્યાદા છે. કેટલાક આશાવાદીઓ 'ઑલ-ઇન-વન' રસીની રાહમાં છે, જે કોરોના વાઇરસ પરિવારના તમામ સ્વરૂપો સામે રક્ષણ આપે.
જોકે, હાલની રસીની અમુક મર્યાદા છે. જર્નલ લૅન્સેન્ટના એક રિપોર્ટ મુજબ, ફાઇઝરની વૅક્સિન લેનારા વૃદ્ધોએ કોવિડ-19ના ડેલ્ટા વૅરિયન્ટ સામે રક્ષણ મેળવવા માટે ત્રીજો બુસ્ટર ડોઝ લેવો પડી શકે છે, જે ભારતમાં જોવા મળતા B.1.617.2 ડેલ્ટા વૅરિયન્ટ, દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા B.1.1.7 અને યૂકેમાં જોવા મળતા B.351 સામે રક્ષણ આપશે.
તબીબોનું કહેવું છે કે પર્ફેક્ટ રસીની રાહમાં ન રહેવું જોઈએ તથા ઉપલબ્ધ વૅક્સિન લઈ લેવી જોઈએ, તે વ્યક્તિને મરણપથારીએ પટકાતા અટકાવી શકે છે.
સર્વસમાવેશક વૅક્સિનની શક્યતા
વિજ્ઞાનીઓ કોરોના વાઇરસના તમામ સ્વરૂપો સામે રક્ષણ આપે એવી શક્તિશાળી "સર્વસમાવેશક કોરોના વાઇરસ વૅક્સિન" શોધવા માટે પ્રયાસરત્ છે.
આ રસી કોરોનાના એક (કે અમુક) વાઇરસ સામે રક્ષણ નહીં આપે પરંતુ મહદંશે સમગ્ર કોરોનાવાઇરસ પરિવાર સામે રક્ષણ આપશે.
વિજ્ઞાનીઓ આ દિશામાં કઈ રીતે આગળ વધી રહ્યા છે અને શું આ પ્રકારની રસી શોધવી શક્ય છે?
આ બાબત સામાન્ય નાગરિકો માટે ચર્ચાનો વિષય હોઈ શકે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ આ દિશામાં પ્રયોગ શરૂ કરી દીધા છે અને તેમાં પ્રાથમિક સફળતા પણ મળતી જણાય રહી છે.
આ પ્રકારની રસી વિકસાવવા માટે કોરોના વાઇરસના પરિવારને સમજવો રહ્યો, જે અલગ-અલગ સ્વરૂપે ભૂતકાળમાં દેખા દઈ ચૂક્યો છે.
'પ્રમાણમાં સહેલું હશે'
કહેવાય છે કે 'હાથીના પગમાં બધાનો પગ આવી જાય' એવી જ રીતે વિશ્વના અનેક દેશોમાં કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપો સામે કારગર સાબિત થાય તેવી સર્વસામાન્ય વૅક્સિન વિકસાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
જાણકારોના કહેવા પ્રમાણે, જે ઝડપથી SARS-CoV-2 સામેની વૅક્સિનો વિકસાવવામાં આવી રહી છે, તેને જોતાં કહી શકાય કે આ પ્રકારની સર્વસમાવેશક રસી વિકસાવવી ખાસ મુશ્કેલ નહીં હોય.
જે અણીવાળો ભાગ વાઇરસને માનવશરીરમાં પ્રવેશવાની તથા તેને નુકસાન પહોંચાડવાની તાકત આપે છે, તે સ્પાઇક (પ્રોટીનનું અણીવાળું સ્વરૂપ) જ તેની મર્યાદા બનશે.
જ્યારે આ પ્રોટીન કોઈ કોષ પર અસર કરે છે, ત્યારે કોષને ચેપથી બચાવવા તથા વાઇરસનો સામનો કરવા માટે ઍન્ટિબૉડી પેદા થાય છે.
SARS-CoV-2ની રસી પણ એવા પ્રકારના જ ઍન્ટિબૉડીને ઉત્પન્ન કરે છે અને આ કામ પ્રમાણમાં સરળતાથી થઈ શક્યું છે.
આ ઍન્ટિબૉડી એક જ વાઇરસના અલગ-અલગ વૅરિયન્ટ્સ સામે લડવા માટે સક્ષમ છે અને બીટા-કોરોના વાઇરસ પરિવારના અન્ય વાઇરસોની સામે રક્ષણ આપતી રસી વિકસાવવામાં તેનો ઉપયોગ થઈ શકે છે.
'નેચર' જર્નલમાં અમેરિકાની સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇમ્યુનૉલૉજી તથા મૉલેક્યુલર મેડિસિનના સંશોધકો ડેનિસ બર્ટન તથા ઍરિક ટોપોલનું એક સંશોધન પ્રકાશિત થયું છે.
જે મુજબ SARS-CoV-2નું એવું કોઈ સ્વરૂપ હજુ સુધી સામે નથી આવ્યું, જે શરીરની સુરક્ષાવ્યવસ્થાને થાપ આપી શકે અથવા તો આ રોગપ્રતિકારકોનો ખાતમો બોલાવી દેતું હોય.
ઇન્ફલુએન્ઝા કે HIV (હ્યુમન ઇમ્યુનોડેફિસન્સી વાઇરસ) કે અન્ય કેટલાક વાઇરસ કરતાં સારી બાબત છે.
તેઓ મોટાપાયે વૅરિયન્ટ્સ પેદા કરી શકે છે, જેના કારણે તે શરીરની સુરક્ષાપ્રણાલીથી બચીને નીકળી શકે છે.
હજુ સુધી HIVની રસીને મંજૂરી આપવામાં નથી આવી, તેના માટે આ પણ એક કારણ જવાબદાર છે. આ કારણસર જ દર વર્ષે ઇન્ફલુએન્ઝાની રસીમાં સુધારો કરીને તેને અપડેટ કરવી પડે છે.
તાજેતરમાં વૈજ્ઞાનિક જર્નલ 'સાયન્સ'માં પ્રકાશિત એક શોધપત્રમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2003માં SARS ફાટી નીકળ્યો, ત્યારે લોકોને તેનો ચેપ લાગ્યો હતો અને સાજા થઈ ગયા હતા, તેમનામાં તાજેતરમાં ફેલાયેલા SARS-CoV-2ને અટકાવવા માટેના ઍન્ટિબૉડી જોવા મળ્યા હતા.
લૅબોરેટરી પરીક્ષણોમાં બહાર આવેલા આ તથ્યે વૈજ્ઞાનિકોમાં ઉત્સાહનો સંચાર કરી દીધો છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍલર્જી ઍન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં રસી વિકસાવવા માટેની શાખાના ડેપ્યુટી ડાયરેકટર બર્ની ગ્રેહામના કહેવા પ્રમાણે:
"આ બાબતને ધ્યાને લેતા ફ્લૂ કે એચઆઈવીની સરખામણીમાં તમામ કોરોનાવાઇરસને અટકાવતી રસી પ્રમાણમાં સહેલાઈથી વિકસાવી શકાશે."
તાજેતરમાં મોડેર્ના કંપની દ્વારા વિકસાવવામાં આવેલી કોવિડ-19 રસીના પ્રોજેક્ટ સાથે ગ્રેહામ પણ સંકળાયેલા હતા.
બધા સામે એક રસી?
કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપ સામે રક્ષણ આપી શકે એવી કોઈ પણ રસીનું હજુ સુધી માનવપરીક્ષણ નથી થયું.
અમેરિકામાં હ્યુસનની બેલોર કૉલેજ ઑફ મેડિસિન ખાતે નેશનલ સ્કૂલ ઑફ ટ્રૉપિકલ મેડિસનમાં કૉ-ડાયરેકટર મારિયા એલિના બોટ્ટાઝીના કહેવા પ્રમાણે, "એક કે બે વર્ષમાં આપણને ઘણાં પરિણામ મળશે."
વર્ષ 2016માં બોટ્ટાઝીએ કોરોના વાઇરસના તમામ સ્વરૂપો સામે રક્ષણ આપતી વૅક્સિન પર સંશોધન હાથ ધર્યું હતું, જોકે બાદમાં SARS અને MERSનો પ્રકોપ શાંત હતો.
આ અરસામાં ઝીકા તથા ઇબોલા વાઇરસ ફાટી નીકળ્યા. સંશોધનો માટેના સંશાધનો મર્યાદિત હોવાથી વિજ્ઞાનીઓની પ્રાથમિકતા બદલાઈ ગઈ.
બોટ્ટાઝીના કહેવા પ્રમાણે, કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપ સામે કામ આપતી રસીની શોધ તબક્કાવાર શરૂ થશે.
પહેલી જે રસી હોય તે કોવિડ-19નાં તમામ સ્વરૂપ તથા વૅરિયન્ટ સામે કામ આપે તેવી હોવી જોઈએ. એ પછી આપણે બીટા કોરોના વાઇરસ કે આલ્ફા વાઇરસ પર પણ કારગર હોય તેવી રસી માટે પ્રયાસ કરી શકીએ છીએ.
જે રીતે બીટા જૂથના વાઇરસ માનવશરીરને ચેપ લગાડી શકે છે, એવી જ રીતે આલ્ફા જૂથના વાઇરસ પણ માનવશરીરમાં પ્રવેશી શકે છે.
અંતે વાઇરસના સિક્વન્સિંગના આધારે આપણે અંદાજ મૂકી શકીએ છીએ કે કેવી વૅક્સિનને વિકસાવીએ તો તે કોરોનાવાઇરસનાં તમામ સ્વરૂપ સામે રક્ષણ આપે.
બોટ્ટાઝીના કહેવા પ્રમાણે, "આદર્શ વૅક્સિન એ હાલમાં માનવોમાં હોય તેવા તમામ કોરોના વાઇરસની સામે રક્ષણ આપશે, એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં બીજો કયો કોરોના વાઇરસ મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનું અનુમાન લગાવીને તેના સામે પણ રક્ષણ આપશે."
એકમાં અનેક કે અનેકમાં એક
બોટ્ટાઝીના કહેવા પ્રમાણે, કોરોના વાઇરસના તમામ સ્વરૂપ પર અસર કરે તેવી રસી બે રીતે બનાવી શકાય છે. એક તોએ કે અલગ-અલગ રસીને વિકસાવવાની અને પછી તેને એકનું સ્વરૂપ આપવાનું.
આ વિશે સમજાવતા તેઓ કહે છે કે ચોક્કસ પ્રકારના કોરોના વાઇરસને નાથવા માટે ચોક્કસ પ્રકારની 'મૉનોવૉલાન્ટ' વૅક્સિન બનાવવામાં આવે.
ત્યારબાદ આવી 'મૉનોવૉલાન્ટ' રસીઓને એકઠી કરીને 'પૉલીવૉલાન્ટ' રસી તૈયાર કરવામાં આવે, જે કોરોના વાઇરસના અનેક પ્રકાર પર અસરકારક રીતે કામ કરે.
હાલમાં પણ આ ટેકનૉલૉજી પ્રચલિત છે. દાખલા તરીકે પશ્ચિમી દેશોમાં બાળકોમાં પૅન્ટાવેલન્ટ વૅક્સિન આપવામાં આવે છે, જે બાળકોને ડિપ્થેરિયા, પોલિયો, ટિટનસ સહિતના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે.
બીજો વિકલ્પ એવો છે કે કોરોના વાઇરસના જિનૅટિક કૉડને તોડવામાં આવે અને તમામ પ્રકારના કોરાના વાઇરસમાં સામાન્ય રીતે જોવા મળતા હોય તેવા કૉડનો વૅક્સિન દ્વારા તોડ કાઢવામાં આવે.
એક વખત આ પ્રકારની વૅક્સિન તૈયાર થઈ જાય એટલે લૅબોટેરીઓ કે દવા બનાવતી કંપનીઓએ તેનું ઉત્પાદન કરીને સંગ્રહ કરી રાખે તથા જરૂર પડ્યે તેના વેચાણ વિશે વિચાર કરી શકે છે.
અન્ય એક શક્યતા એવી છે કે તેનું ઉત્પાદન કરવામાં ન આવે પરંતુ તે કેટલી સલામત છે અને કારગત છે તેના પર અભ્યાસ કરી રાખે. જો ભવિષ્યમાં મહામારી ફાટી નીકળવાનો ભય ઊભો થાય તો તેમના ઉત્પાદન માટેની કામગીરી ઘણી આગળ વધી ગઈ હોય.
'રામબાણ' રસીની જરૂર
કોવિડ-19એ જે રીતે કાળો કેર વર્તાવ્યો છે, તેને જોતા કોરોનાનાં તમામ સ્વરૂપ પર અસર કરતી હોય તેવી રસી વિકસાવવાની તાતી જરૂર જણાય છે.
નવેમ્બર-2020માં NIAIDએ કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપ પર કારગર હોય તેવી વૅક્સિનના ઉત્પાદન માટેના પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે ફન્ડિંગ કરવાનું શરૂ કર્યું.
માર્ચ મહિનામાં કોલિશન ફૉર ઍપિડેમિક પ્રિપૅર્ડનેસ ઇનોવૅશન્સ (સીઈપીઆઈ) નામની સ્વૈચ્છિક સંસ્થાએ બીટા કોરોના વાઇરસ પર અસરકારક રસીની શોધને વેગ મળે તે માટે 20 કરોડ ડૉલરના ફંડની જાહેરાત કરી હતી.
આ સ્વૈચ્છિક સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને કામ કરે છે.
વૈજ્ઞાનિક શોધપત્રોનું પ્રકાશન કરતા જર્નલ 'સાયન્સ'ના રિપોર્ટ પ્રમાણે, વિશ્ભરમાં 20થી વધુ ટીમો તમામ કોરોના વાઇરસ પર કારગર હોય તેવી સર્વસમાવેશક રસીની શોધમાં લાગેલી છે.
સીઈપીઆઈના મતે આ સાહસોમાંથી કેટલીક સંભવિત રસીઓ ખૂબ જ અસરકારક નીવડશે એવું સૈદ્ધાંતિક દૃષ્ટિએ લાગે છે.
યુનિવર્સિટી ઑફ નૉટિંગહામ, ટ્રૅન્ટ યુનિવર્સિટી તથા દવા બનાવતી કંપની સ્કૅનસેલના સંયુક્ત પ્રયાસોથી વિકસાવવામાં આવતી રસી આમાથી એક છે.
બોટ્ટાઢીના મતે વાઇરસના અણિયાળા પ્રોટીન તથા અન્ય એક ભાગ એવા એન-પ્રોટીન ઉપર જે રસી સૌથી વધુ અસરકારક હોય, તે આદર્શ રસી છે.
વાઇરસની ઉપરની અણીની સરખામણીએ પ્રોટીન-એન સ્વરૂપ બદલે તેવી શક્યતા ઓછી છે, આથી જો કોઈ વૅક્સિન તેની ઉપર અસર કરવા માટે સક્ષમ હોય તો તે રોગપ્રતિકારક શક્તિ ઊભી કરી શકે છે, પછી ભલે સ્પાઇક સ્વરૂપ બદલે.
આમ જે રસી એન-પ્રોટીન ઉપર અસરકારક હોય તે કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપો સામે સંરક્ષણ આપી શકે તેવી શક્યતા રહે છે.
કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી દ્વારા 'ઑલ-ઇન-વન' રસી વિકસાવવા માટેનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. તે પણ અસરકારક હશે એવું સૈદ્ધાંતિક દૃષ્ટિએ જણાય છે.
ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં માલૂમ પડ્યું છે કે તે કોરોના વાઇરસનાં અલગ-અલગ સ્વરૂપ સામે ઍન્ટિબૉડી ઉત્પન્ન કરી શકે છે.
ઈએફઈ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ચીન તથા ક્યુબા પણ મળીને કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપો સામે અસરકારક હોય તેવી 'પાન-કોરોના'ના નામથી રસી વિકસાવી રહ્યાં છે.
બોટ્ટાઝીના કહેવા પ્રમાણે, "અત્યારે તો હુમલાખોર કોવિડ-19ને ખતમ કરવો આપણી પ્રાથમિકતા છે." સમાંતર રીતે અન્ય ટીમો ભવિષ્યમાં કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપો સામે અસરકારક હોય તેવી રસી પર શોધ ચાલુ રાખે.
બોટ્ટાઝીના કહેવા પ્રમાણે, "કોવિડ-19ની સમસ્યા ઉકેલાઈ ગઈ એટલે આપણી તમામ મુસિબતોનો અંત આવી ગયો એવું આપણે ધારી ન લેવું જોઈએ. આપણે ભવિષ્યમાં કોઈ પણ કટોકટી ભરી સ્થિતિ માટે વિકલ્પો પર કામ ચાલુ રાખવું પડશે."
આ લેખ માટે બીબીસી ન્યૂઝ વર્લ્ડ માટે કાર્લૉસ સેરાનોનાના લેખનો આધાર લેવામાં આવ્યો છે.
મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો. https://www.bbc.com/mundo/noticias-51747522
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો