કોરોના વાઇરસ : ચીનમાં ઘટતી ઘટના વિશે માહિતી બહાર કેમ નથી આવતી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દુનિયા પર કોરોના વાઇરસે નાગચૂડ જમાવી તેને દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. સૌ પહેલાં ચીનના વુહાન શહેરમાં આ મહામારીએ દેખા દીધી હતી.

આમ છતાં આજે પણ ત્યાંથી કોઈ નક્કર માહિતી બહાર નથી આવી, જેના કારણે અનેક અટકળોએ જન્મ લીધો છે. જેમ કે, શું આ વાઇરસ વુહાનની લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો?

ચીનની સરકારે શરૂમાં કોરોના વાઇરસ અંગે માહિતી છુપાવી હતી? ચામાચીડિયામાં જોવા મળતો વાઇરસ કોઈ પશુ મારફત મનુષ્યમાં પ્રવેશ્યો તો વાહક કોણ હતું?

આવા અનેક સવાલોના ઉદ્ભવ પાછળ એક કારણ છે, ચીનની સરકારની 'ગુપ્તતાની સંસ્કૃતિ.' ત્યાં પશ્ચિમી સોશિયલ મીડિયાનું અસ્તિત્વ નથી તથા સ્થાનિક માધ્યમો સઘનપણે સરકારના દબાણ હેઠળ છે.

ઊઠતા અવાજને દબાવી દેવા

વર્ષ 2019ના અંતમાં ચીનના વુહાનની સી ફૂડ માર્કેટ સાથે સંકળાયેલા લોકોમાં શ્વાસની વિચિત્ર બીમારી જોવા મળી રહી હતી. ત્યારે સ્થાનિક આંખના ડૉક્ટર લી વૅનલિયાંગે તેમના સાથી તબીબો સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી કે આ બીમારી SARSનું નવું સ્વરૂપ હોઈ શકે છે.

ડૉ. લીની પ્રથમ વરસી પર તેમના સાથી લી પાને સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું, "તેણે અમને સૌ પહેલાં વાઇરસ વિશે જણાવ્યું હતું. તેઓ જાણતા હતા કે તેઓ કેટલી મોટી વાત કહી રહ્યા છે અને તેની શું અસર થશે. આમ છતાં તેમણે ચેતવણી ઉચ્ચારી હતી. તેઓ ખરેખર બહાદૂર હતા."

સ્થાનિક પોલીસે તેમને 'ખોટી ટિપ્પણી નહીં કરવા' ચેતવણી આપી તથા અફવા ફેલાવવાના આરોપ સબબ તેમની સામે તપાસ હાથ ધરી હતી. વુહાનની હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી હતી, છતાં સરકાર સ્થિતિ ગંભીર ન હોવાની વાત કહેતી રહી.

ચીને સાર્વજનિક રીતે કોરોના વાઇરસને નાથવાની કામગીરીમાં ઢીલ થઈ હોવાના આરોપોને નકાર્યા છે અને પશ્ચિમી દેશો કરતાં વધુ સારી કાર્યવાહી કરી હોવાની વાત કહી છે.

ડૉ. લી પણ કોરોના વાઇરસનો ભોગ બન્યા અને સાતમી ફેબ્રુઆરી-2020ના તેમણે અંતિમ શ્વાસ લીધા.

ડૉ. લીના મૃત્યુ તથા સ્થિતિને બરાબર રીતે નહીં મૂલવવા બદલ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો, પરંતુ તેને વિશિષ્ટ ટીમ, સોફ્ટવૅર તથા સૅન્સરશિપ દ્વારા દબાવી દેવામાં આવ્યો.

નલાઇન અવાજ પર લગામ

સંશોધનાત્મક લેખો માટે પ્રતિષ્ઠિત અમેરિકાની સંસ્થા 'પ્રૉ-પબ્લિકા'ના રિપોર્ટ પ્રમાણે, સાત ફેબ્રુઆરીના દિવસે ડૉ. લીના મૃત્યુ પછી ચીનમાં ઇન્ટરનેટ પર અસામાન્ય જુવાળ ઊભો થયો અને ચીનમાં ઇન્ટરનેટ સૅન્સરશિપ સાથે સંકળાયેલાઓને લાગ્યું હતું કે બાજી તેમના હાથમાંથી સરકી રહી છે.

અગાઉ ક્યારેય ન થયો હોય તેવો પડકાર તેમની સામે ઊભો થયો અને તેની 'બટરફ્લાય' ઇફેક્ટ અન્ય ક્ષેત્રો પર પણ પડશે એવી તેમને શંકા હતી. દેશ તથા વિદેશમાંથી શિયોની, વિચેટ તથા વિયાબો જેવાં ચાઇનિઝ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર સરકાર સામે આક્રોશ ઠલવાઈ રહ્યા હતા.

આથી, અસહજ કરતા સમાચારોને દબાવવા તથા સરકારના પ્રયાસોથી મહામારીને નાથવામાં સફળતા મળી રહી છે એવી આભા ઊભી કરવા માટે મીડિયા સંસ્થાઓ તથા પ્રચારકાર્યકરોને ગુપ્ત રીતે નિર્દેશ આપવામાં આવ્યા હતા.

લીક થયેલા દસ્તાવેજો મુજબ, વેબસાઇટ્સને સૂચના આપવામાં આવી હતી કે 'પુશ નૉટિફિકેશન' (વેબસાઇટ કે મોબાઇલ પર આવતાં નોટિફિકેશન) દ્વારા ડૉ. લીના મૃત્યુના સમાચાર ન આપવા. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સને જણાવવામાં આવ્યું હતું કે ટ્રૅન્ડિંગ પેજ પરથી ધીમે-ધીમે ડૉ. લીનું નામ દૂર કરી દેવું.

આ સિવાય સોશિયલ મીડિયા પર ચર્ચાને અન્યત્ર વાળવા તથા દેશપ્રેમના પ્રદર્શન વિના ચર્ચાને વાળવા માટે બનાવટી ઍકાઉન્ટ કામે લગાડવામાં આવ્યા હતા.

સરકારની પ્રતિષ્ઠા, પાર્ટી કે રાજકીય વ્યવસ્થાને નુકસાન પહોંચે તેવી કોઈ પણ સામગ્રી પર તમામ સાયબર સ્પેસ બ્યૂરોએ સઘન ધ્યાન આપવું, એવી સૂચના આપવામાં આવી હતી.

ચીનનું તંત્ર પ્રાઇવેટ કૉન્ટ્રેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલાં સોફ્ટવૅર તથા ટ્રૉલ્સ આર્મી દ્વારા સોશિયલ મીડિયા તથા ન્યૂઝ મીડિયા પર નજર રાખે છે, એવું સંસ્થાનું અનુમાન છે.

સરકારની 'નજર'

જાન્યુઆરી-2021માં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ટીમે કોરોના વાઇરસના ઉદ્ભવ અંગે તપાસ કરવા માટે ચીનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે વાઇરૉલૉજી ઇન્સ્ટિટ્યૂટ તથા સી ફૂડ માર્કેટ સહિતના સ્થળોની તપાસ કરી હતી.

તેમની મુલાકાતની એક મહત્ત્વપૂર્ણ કડી વુહાનની લૅબોરેટરીના વિજ્ઞાની પ્રો. શી ઝેંગલી હતાં. જેમને 'ચીનનાં બૅટવુમન'નાં નામથી નવાજવામાં આવે છે.

ચામાચીડિયાં તથા વાઇરસની બાબતે તેમણે કરેલાં સંશોધન તથા તેમની નિપુણતાને કારણે આ ઉપનામ મળ્યું છે.

ડિસેમ્બર 2020માં તેમણે 'લૅબોરેટરીમાંથી વાઇરસ લીક થયો' હોવાની થિયરીને પાયાવિહોણી કહીને નકારી કાઢી હતી અને 'ગમે તે પ્રકારની મુલાકાત'ને આવકારી હતી.

જ્યારે બીબીસી સંવાદદાતા જોન સૂડવર્થે ચર્ચામાં આવેલી તાંબાની ખાણ સુધી પહોંચવા પ્રયાસ કર્યો, ત્યારે નંબરપ્લૅટ વગરની ગાડીઓએ અનેક કિલોમિટર સુધી BBCની ટીમનું પગેરું દાબ્યું હતું.

ઉબડખાબડ અને સાંકડા રસ્તા પાર કરીને ટીમે ચીનના દક્ષિણ-પશ્ચિમ છેડે આવેલા યુનાનના તૉંગ્યુઆન જિલ્લા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે રસ્તામાં એક સ્થળે "ખોટકાયેલી ટ્રક" રસ્તો રોકીને ઊભી હતી.

સ્થાનિકોની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે ટીમના આગમનની થોડી મિનિટો પહેલાં જ એ ટ્રકને રસ્તા આડે ગોઠવવામાં આવી હતી. રસ્તામાં અનેક ચેકપૉઇન્ટ પર અજાણ્યા શખ્સોએ ટીમને અટકાવી તથા જણાવ્યું કે તેમને આમ કરવા માટે કહેવામાં આવ્યું છે.

વેપારી કારણોસર કોરોનાકાળ પહેલાં ચીનના ગ્વાંગ્ઝૂ પ્રાંતની મુલાકાત લેનારા સુરતના જૈન વેપારીએ બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું :

"અમે ત્યાં એક વેપારી ઍક્ઝિબિશનમાં ભાગ લેવા ગયા હતા. વધારાના સમયમાં હું અને કેટલાક ગુજરાતી વેપારી બજારમાં લટાર મારવા નીકળ્યા હતા. એ સમયે એક વ્યક્તિ સતત અમારી આજુબાજુ કે નજીક રહેવાનો પ્રયાસ કરતી હોય તેમ લાગ્યું હતું."

"અમે સ્વાભાવિક રીતે સતર્ક હતા, એટલે ગ્રૂપમાંથી કેટલાક વેપારીઓએ તેમના વ્યવહાર અંગે અન્યોને સાવધ કર્યા. અમે બજારમાં લગભગ બે-એક કિલોમિટર આંટા માર્યા હશે, પરંતુ તે શખ્સ અમારી આસપાસ જ રહેતો હતો અને આ અરસામાં ફોન પર વાત કરતો રહેતો."

"કોઈ બખેડો ઊભો ન થાય એ માટે અમે તેને સીધેસીધો પડકારવાનું ટાળ્યું હતું. તે સ્થાનિક પોલીસમાંથી હતો કે નહીં, તે તો નિશ્ચિતપણે કહી ન શકાય, પરંતુ તે અમારી હિલચાલ પર નજર રાખતો હતો, એવું મને તથા અન્યોને પણ લાગ્યું હતું."

'સાધન' તરીકે ચરિત્રહનન

ચીનમાં વીગર મુસ્લિમો માટેના ડિટેન્શન કૅમ્પમાં મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે તથા તેઓ જાતીય સતામણીનો ભોગ બને છે.

એવો અવાજ ઉઠાવનરાં મહિલાઓને ખોટાં સાબિત કરવા તથા બીજા કોઈ અવાજ ન ઉઠાવે તે માટે ચરિત્રહનનનો "સાધન" તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આવાં જ કેટલાંક મહિલા સાથે બીબીસીએ વાત કરી હતી.

ચીન આવા કૅમ્પોને "પુનઃશિક્ષણની શાળા" તરીકે ઓળખાવે છે. બીબીસી સાથે વાત કરતી વેળાએ શોષણની વાત કહેનારાં કૅમ્પનાં પૂર્વ શિક્ષિકા ક્વિલબિનૂર સેદિકને નેધરલૅન્ડમાં આશરો લઈ રહ્યાં છે. જ્યાં તેમને બહેનનાં નંબર ઉપરથી વીડિયો કૉલ આવ્યો હતો.

જ્યારે તેમણે વીડિયો કૉલ લીધો, તો સામે છેડે એક પોલીસમૅન હતા, જ્યારે સેદિકે સ્ક્રિનશોટ લીધો છે, એવો અવાજ પોલીસમૅને સાંભળ્યો, તો તેમણે પોતાનું નંબરવાળું જૅકેટ કાઢી નાખ્યું.

તેમને ચીમકી આપવામાં આવી કે "તમારે એ ન ભૂલવું જોઈએ કે તમારા પરિવારજનો અને મિત્રો અહીં છે. ત્યાં જે કોઈ તમારી સાથે છે, એમનાં નામ આપો." તેમને ઍમ્બેસી જઈને ચીન પરત જવા માટે કહેવામાં આવ્યું હતું.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વૅનબિને અટકાયતી કૅમ્પમાં જાતીય શોષણની વાત કહેનારાં મહિલાઓને "જૂઠ્ઠાં" તથા "અભિનેત્રી" ગણાવ્યાં હતાં.

દેખીતી રીતે સ્ક્રિપ્ટેડ હોય તેમ પરિવારજનોની પાસે મહિલાઓની વિરુદ્ધ નિવેદનો કરાવવામાં આવે છે. ફેસબુકનું

કહેવું છે કે વિદેશમાં વસતા વીગર મુસ્લિમ કાર્યકર્તાઓના ઍકાઉન્ટ હેક કરવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા હોવાનું તેના ધ્યાને આવ્યું છે.

અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, નૉર્વે, નેધરલૅન્ડ, ફિનલૅન્ડ, જર્મની તથા તુર્કીમાં રહેતાં કેટલાંક મહિલાઓએ બીબીસી સાથે વાત કરી હતી, જેમણે ચીનમાં પરિવારજનો સાથે પોલીસ તથા સુરક્ષાકર્મી દ્વારા ગેરવર્તનની વાત કહી હતી. તેમણે વૉટ્સઍપ, ફેસબુક તથા વીચેટ પર ધમકીના સ્ક્રિનશોટ્સ પણ દેખાડ્યા હતા.

આ સિવાય ફોન તથા વીડિયો કોલના વિવરણ પણ આપ્યા હતા.

શરૂઆતમાં તેમને સમજાવવાનો અને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, બાદમાં તેમના પરિવારજનોની સુરક્ષા મુદ્દે ધમકી આપવામાં આવે છે.

સજાનો કોરડો

યુરોપની સ્વતંત્ર મીડિયા સંસ્થા DWના રિપોર્ટ પ્રમાણે, કોરોના વાઇરસ સંબંધે ચીનની સરકારની કામગીરીની ટીકા કરનારાં મહિલા સિટીઝન જર્નાલિસ્ટ ઝાંગ ઝહાનને ગતવર્ષે ડિસેમ્બરમાં ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ઝાંગે દરદીઓથી ઉભરાતી હૉસ્પિટલો તથા મૃતદેહોથી છલકાતા અંતિમ વિશ્રામસ્થળોના અનેક લાઇવ સ્ટ્રીમિંગ કર્યાં હતાં અને તેના વિશે વિસ્તારથી લખ્યું હતું. તેમને "હુલ્લડ કરવા તથા ઉશ્કેરણી ઊભી કરવા"ના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.

ચીનની સામ્યવાદી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ પર મૂકવામાં આવતો આ સર્વસામાન્ય આરોપ છે.

ચેન ક્વિશી, ફાંગ બિન તથા લી ઝેહુઆ નામના સિટીઝન જર્નાલિસ્ટ ફેબ્રુઆરી મહિનામાં રિપૉર્ટિંગ પછીથી લાપતા થઈ ગયા હતા.

સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પાંખે ઝાંગ ઝહાનની સજા પર ચિંતા પ્રગટ કરી હતી.

લૅબોરેટરી કે સૈન્ય પ્રયોગશાળા?

અમેરિકામાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને તેમના ગુપ્તચરતંત્રને આદેશ આપ્યા છે કે વાઇરસ લૅબોરેટરીમાંથી ઉદ્ભવ્યો છે કે કેમ તે અંગે બેવડી ખરાઈ કરવામાં આવે.

સેનેટ સમક્ષની સુનાવણી દરમિયાન કોરોના સંબંધે રાષ્ટ્રપતિના મુખ્ય સલાહકાર ડૉ. એન્થની ફાઉચીએ લૅબોરેટરીમાંથી લીકની શક્યતાને સદંતર નકારી ન હતી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક પૉમ્પિયોના કહેવા પ્રમાણે, વુહાનની વાઇરૉલૉજી લૅબોરેટરી ખાતે પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી)ની સૈન્યપ્રવૃત્તિઓ પણ થતી હતી. તે વાત નિશ્ચિતપણે કહી શકાય તેમ છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ કોરોના વાઇરસને 'ચીન વાઇરસ' કે 'વુહાન વાઇરસ' જેવા નામોથી સંબોધીને તેની પાછળ ચીનનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી ચુક્યા છે.

ચીને આવા આરોપોને હાસ્યાસ્પદ કહીને નકારી કાઢ્યા છે, પરંતુ પ્રયોગશાળા વિશે પ્રવર્તમાન અપારદર્શક વ્યવસ્થા આવા આરોપો અને થિયરીને બળ આપે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે "વાઇરસ લૅબમાંથી લીક નથી થયો, તેને પ્રતિપાદિત કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. નિશ્ચિતપણે કહી શકાય તે માટે વધુ તપાસ કરવાની જરૂર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો