વિનોદ દુઆ સામે ભાજપના નેતાએ કરેલો રાજદ્રોહનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો – Top News

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ સામે ભાજપના નેતાએ કરેલો રાજદ્રોહનો કેસ ફગાવી દીધો છે અને કહ્યું કે એમણે પોલીસના કોઈ સવાલનો જવાબ આપવાની જરૂર નથી.

હિમાચલ પ્રદેશમાં ભાજપના એક સ્થાનિક નેતાએ વિનોદ દુઆના યૂટ્યુબ શોને લઈને એમની સામે રાજદ્રોહ અને અન્ય આરોપો મૂકી કેસ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો.

જોકે, જસ્ટિસ યુ.યુ. લલિત અને વિનીત શરણે વિનોદ દુઆના એ આગ્રહને મંજૂર નથી કર્યો કે જેમાં તેમણે કહ્યું હતું કે 10 વર્ષથી વધારે અનુભવ ધરાવનારા પત્રકારો વિરુદ્ધ એફઆઈઆર ત્યાં સુધી દાખલ ન કરવી જોઈએ કે જ્યાં સુધી તેને એક સમિતિ પાસ ન કરે.

અદાલતે ગત વર્ષે 20 જુલાઈના રોજ આ મામલે વિનોદ દુઆ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવા પર સ્ટે આપ્યો હતો અને પછી તેને આગામી આદેશ સુધી લંબાવવામાં આવ્યો હતો.

અદાલતે કહ્યું કે વિનોદ દુઆને હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા મોકલવામાં આવેલા કોઈ પણ અન્ય સવાલનો જવાબ આપવાની જરૂર રહેતી નથી.

વિનોદ દુઆ સામે ગત વર્ષ 6 મેના રોજ હિમાચલ પ્રદેશના સ્થાનિક નેતા શ્યામે શિમલા જિલ્લાના કુમારસેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એમણે ફરિયાદ કરી હતી કે વિનોદ દુઆ પોતાની યૂટ્યૂબ ચેનલના કાર્યક્રમમાં વડા પ્રધાન સામે આરોપ લગાવ્યા હતા.

કોરોના રસી મામલે સરકારની નીતિ અતાર્કિક અને મનસ્વી છે : સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોનાની બીજી લહેરમાં વાઇરસના સંક્રમણનો દર અને મૃત્યુદર ઘણો ઊંચો રહ્યો છે. વળી બીજી તરફ કેટલાક નિષ્ણાતોએ વર્ષના અંત સુધીમાં ત્રીજી લહેરની પણ ચેતવણી આપી છે.

દરમિયાન, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર સુપ્રી કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રસીકરણ મામલે એક વિગતવાર રોડમેપ માગ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે કોર્ટે સરકારની રસીની કિંમત મામલેની નીતિની ટીકા કરી હતી. હવે તેને મનસ્વી અને અતાર્કિક ગણાવી મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની પીઠે કેન્દ્ર પાસે વિગતો માગી છે કે તે દેશવાસીઓનું રસીકરણ કઈ રીતે કરશે.

વળી રાજ્યોને રસી ખરીદવાની મંજૂરી છે કે નહીં? વિદેશી રસીઓની ખરીદી મામલે શું સ્થિતિ છે? શું ઓન-સ્પોટ રજિસ્ટ્રેશન ચાલુ કરી શકાય છે કે નહીં? 45થી વધુના લોકો માટે મફતમાં રસી તો 18થી વધુ વયનાઓ માટે કેમ મફતમાં રસી નથી? સુપ્રીમ કોર્ટે સરકારને આ પ્રકારના સવાલોના વિગતે જવાબ આપવા માટે કહ્યું છે.

મેહુલ ચોક્સીની જામીન અરજી ડોમિનિકા કોર્ટે નામંજૂર કરી

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર ડોમિનિકાની કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી બિઝનેસમેન મેહુલ ચોક્સીની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.

તેમને હવે સારવાર માટે ફરી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજી તરફ મેહુલ ચોક્સીના વકીલે કહ્યું છે કે મેહુલ ચોક્સી ભારતના નાગરિક નથી આથી તેમને ભારત ન મોકલી શકાય.

તદુપરાંત એન્ટિગુઆના સત્તાધિશો અનુસાર તેઓ મેહુલ ચોક્સીને ભારત મોકલી દેવા તૈયાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભારતની કેન્દ્રીય એજન્સીઓની ટીમો હાલ ડૉમિનિકામાં જ છે. ડૉમિનિકા કોર્ટે એ નક્કી કરવાનું હતું કે શું ચોક્સી ડૉમિનિકામાં ગેરકાનૂની રીતે ઘૂસ્યા હતા.

તેમના વકીલ વિજય અગ્રવાલનું કહેવું છે કે તેઓ તેમની મરજીથી નહોતા આવ્યા. તેમને બળજબરીથી અહીં લવાયા હતા.

સરકારે બાયોલૉજીકલ-ઈ કંપની સાથે 30 કરોડ ડોઝ માટે કરાર કર્યો

દેશમાં વર્તમાન સમયમાં જ્યા એક તરફ રસીની અછતની ફરિયાદો ઉઠી રહી છે અને સરકાર ડિસેમ્બર સુધીમાં તમામનું રસીકરણ કરી દેવા માગે છે, તેવા સમયે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે હૈદરાબાદની કંપની સાથે રસીના ડોઝ માટે કરાર કર્યો છે.

‘મનીકંટ્રોલ’ ન્યૂઝવેબસાઇટ અનુસાર સરકારે હૈદરાબાદ સ્થિત કંપની બાયોલૉજીકલ-ઈ કંપની સાથે 30 કરોડ ડોઝ માટે કરાર કર્યો છે. તેને એડવાન્સ પેટે 1500 કરોડ રૂપિયા પણ ચૂકવાશે.

કંપનીની રસીની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે અને તેના અગાઉના બંને તબક્કા સફળ રહ્યા છે. રસી આગામી બે-ત્રણ મહિનામાં ઉપલબ્ધ થઈ શકે છે. આથી સરકારે ડિસેમ્બરના ગાળામાટે રસીના ડોઝ બુક કરાવી દીધા છે.

કંપનીની રસી આરબીડી પ્રોટીન આધારિત પદ્ધતિ પર કામ કરે છે. કંપનીના પ્રપોઝલને રસી મામલેના ટેકનિકલ ગ્રૂપે મંજૂરી પણ આપી છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટે રસીની આડઅસર મુદ્દે કાયદાકીય રક્ષણની માગ કરી

કેન્દ્ર સરકાર વિદેશી રસી કંપની ફાઇઝર અને મોડર્નાને રસીની આડઅસરો મામલે તેમની સામે ભવિષ્યમાં થનારી કાયદાકીય કાર્યવાહી મામલે છુટ આપવા તૈયાર હોવાના અહેવાલો છે.

દરમિયાન, ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના રિપોર્ટ મુજબ હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ આવી માગણી કરી છે. તેમનું કહેવું છે કે જો વિદેશી કંપનીઓને આવું રક્ષણ અને છુટ આપવામાં આવે તો ભારતની કંપનીઓને પણ આપવામાં આવવું જોઈએ.

અત્રે નોંધવું કે, સરકારે વિદેશી કંપની રસીઓને તેમની દરેક બેચના જથ્તાના લૅબ પરીક્ષણના નિયમ મામલે છુટ આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો