You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
5G કેસ : સુનાવણી દરમિયાન જૂહી ચાવલાની ફિલ્મનાં ગીતો ગવાયાં
દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા, વિરેશ મલિક અને ટીના વાચ્છાનીની અરજી પર બુધવારે બપોરે વર્ચ્યુઅલ સુનાવણીમાં આદેશ રિઝર્વ કરી લીધો છે.
અરજી કરનારાઓએ કોર્ટને કહ્યું હતું કે તે સરકારી એજન્સીઓને એ તપાસ કરવાનો આદેશ આપે કે 5જી સ્વાસ્થ્ય માટે કેટલું સુરક્ષિત છે.
જોકે, આ વર્ચ્યુઅલ સુનાવણીમાં વિચિત્ર વાત એ બની કે તેમાં બે વખત અવરોધ આવ્યા.
આ સુનાવણીમાં વર્ચ્યુઅલી જોડાયેલા બીબીસીના સંવાદદાતા વિનિત ખરેના જણાવ્યા અનુસાર ત્રણેય અરજીકર્તા 5જી ટેકનૉલૉજી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યાં હતાં.
જ્યારે અરજી કરનારાઓના વકીલ દીપક ખોલસા 5જી તકનીક વિરુદ્ધ પોતાની દલિલો રજૂ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક કોઈ ગીતનો અવાજ આવ્યો હતો.
આ ગીત જૂહી ચાવલાની ફિલ્મનું હતું, 'લાલ લાલ હોઠોં પર ગોરી કિસકા નામ હૈ.' ગીતનો અવાજ સાંભળતા જ સૌ ચોંકી ગયા.
લગભગ આઠ સેકંડ એ ગીતનો અવાજ આવ્યા બાદ જજ જે.આર. મિધાએ કોર્ટના સ્ટાફને એ વ્યક્તિને વર્ચ્યુઅલ કોર્ટમાંથી હઠાવી દેવા કહ્યું અને એવું પણ પુછ્યું કે વ્યક્તિ કોણ છે?
જોકે, લગભગ છ મિનિટની કાર્યવાહી બાદ ફરી કોઈ ગીતનો અવાજ આવવા લાગ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાર્યવાહીમાં ફરીથી અવરોધ સર્જવા બદલ જજ મિધાએ અવરોધ કરનારી વ્યક્તિની ઓળખ કરી તેને કન્ટૅમ્પ નોટિસ જાહેર કરવા કહ્યું. તેમણે દિલ્હી પોલીસના આઈટી વિભાગનો સંપર્ક સાધવા પણ કહ્યું.
આ મામલે બીબીસીએ દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ મનોજ જૈન સાથે સંપર્ક કરવાના પ્રયાસો કર્યા જોકે, કોઈ સંપર્ક સાધી શકાયો નહીં.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના અહેવાલ પ્રમાણે અહેવાલ પ્રમાણે આ યુઝર 'મનીષા કોઇરાલા' અને 'જાનવી' જેવાં નામો સાથે સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા.
હાઇકોર્ટના જસ્ટિસ મીધાએ આ કૃત્યની ગંભીર નોંધ લઈને તેમના સ્ટાફને વિઘ્ન પાડનાર તમામ લોકોની ઓળખ કરવાના આદેશ આપ્યા હતા.
જેથી તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ ચલાવી શકાય.
નોંધનીય છે કે જૂહી ચાવલાએ પોતાનાં ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વર્ચ્યુઅલ સુનાવણીની લિંક શૅર કરી હતી.
આ ઘટના બાદ કોર્ટના સ્ટાફ દ્વારા કોર્ટરૂમ 'લૉક' કરી દેવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી હતી.
નોંધનીય છે આ સુનાવણી દરમિયાન જૂહી ચાવલા પણ હાજર રહ્યાં હતાં.
કઈ રીતે ખૂલશે લૉકડાઉન? ICMRએ શું કહ્યું?
દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે અને મોટાભાગના રાજ્યોમાં (આંશિક) લૉકડાઉન અને રાત્રી કર્ફ્યૂ સહિતના નિયંત્રણો પ્રવર્તમાન છે.
દરમિયાન ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર આઈસીએમઆર (ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ રિસર્ચ)ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવાનું કહેવું છે કે દેશમાં હવે 300થી વધુ એટલે કે અડધાથી વધુ જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો દર 5 ટકાથી ઓછો થયો છે.
તેમણે કહ્યું કે છેલ્લા 7 દિવસની સરેરાશમાં સંક્રમણનો દર 5 ટકાથી ઓછો થયો છે. જેથી આ જિલ્લાઓમાં કેટલાક નિયમો સાથે અનલૉક કરી શકાય છે.
આ માટે તેમણે કહ્યું કે 60થી વધુ વય ધરાવતા અને 45થી વધુ વય ધરાવતા કૉ-મોર્બિડ વ્યક્તિઓની 70 ટકા જનસંખ્યાનું રસીકરણ તથા કોવિડ મામલેના સુરક્ષા નિયમો પાળીને અનલૉક કરી શકાય છે.
તેમણે કહ્યું કે એક સપ્તાહ પહેલા 5 ટકાથી ઓછો સંક્રમણ ધરાવતા જિલ્લાઓની સંખ્યા ઓછી હતી પરંતુ હવે આ સંખ્યા વધી છે.
તેમણે કહ્યું કે કે, જે જિલ્લામાં પૉઝિટિવીટીનો દર 5 ટકાથી નીચે હોય અને કોમોર્બિડીટી ધરાવતા લોકો પૈકી 70 ટકાનું રસીકરણ થઈ ગયું હોય તે ત્યાં ધીમે ધીમે અનલૉક કરી શકાય છે. જો રસીકરણ ન થયું હોય તો પહેલાં તે કરીને અનલૉક શરૂ કરુવું જોઈએ.
મેહુલ ચોક્સીને ભારત લાવવામાં કાયદાકીય મામલો અવરોધરૂપ બન્યો
પંજાબ નેશનલ બૅન્કના 1400 કરોડના કૌભાંડના કેસમાં આરોપી બિઝનેસમૅન મેહુલ ચોક્સી હાલ ડૉમિનિકામાં પોલીસની હિરાસતમાં છે. તેમને ભારત લાવવા માટે તૈયારીઓ ચાલુ છે.
પરંતુ ‘એનડીટીવી’ના અહેવાલ અનુસાર કાયદાકીય મામલો મેહુલ ચોક્સીને ભારત લાવવામાં અવરોધરૂપ બન્યો છે.
ડૉમિનિકાની સુપ્રીમ કોર્ટમાં મેહુલ ચોક્સીના વકીલે અરજી કરતા મામલો જટિલ બન્યો છે.
મેહુલ ચોક્સીના વકીલનું કહેવું છે કે તેમના અસીલ એન્ટિગુઆના નાગરિક છે અને ભારતીય નથી.
ભારત તરફથી દલીલ કરાઈ છે કે, મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા ત્યજવા માટે જરૂરી પ્રક્રિયા પૂરી નહોતી કરી અને ગૃહમંત્રાલયે તેને મંજૂર નથી કરી. આથી તેઓ હજુ પણ ભારતીય નાગરિક જ છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે. ભારત તરફથી રૉ, સીબીઆઈ, અને ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની ટીમ એન્ટિગુઆમાં છે, જે મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા સક્રિય છે.
ભારતમાં હવે કોરોનાનો માત્ર એક વેરિયન્ટ ચિંતાજનક શ્રેણીમાં મૂકાયો
‘હિંદુસ્તાન ટાઇમ્સ’ મુજબ ભારતમાં મળી આવેલા કોરોના વાઇરસના વેરિયન્ટ B.1.617ને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૅરિયન્ટ ઑફ કન્સર્ન એટલે કે ચિંતાજનક વાઇરસ પ્રકાર તરીકે ગણવામાં આવ્યો છે.
એટલે તે તેના તમામ મ્યુટેશન આ શ્રેણીમાં હતા. જોકે હવે સંસ્થાએ કહ્યું કે માત્ર B.1.617.2 એકમાત્ર પ્રકાર ચિંતાજનક છે. બાકીના વેરિયન્ટ એટલી ઝડપથી સંક્રમણ નથી ફેલાવતા.
પીએફ ધારકોના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા થશે?
‘ઝી બિઝનેસ’ના રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસના સમયગાળા દરમિયાન કર્મચારી ભવિષ્યનિધિ સંગઠને ખાતાધારકોને એક નિશ્ચિત રકમ ઉપાડવા માટે છુટ આપી છે. જેમાં જમા પીએફની 70 ટકા સુધી રકમ ઉપાડી શકાશે.
વળી બીજી તરફ શ્રમ મંત્રાલય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ ક્રૅડિટ કરવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જુલાઈ મહિનામાં વ્યાજ ક્રૅડિટ કરવામાં આવે એવા અહેવાલ છે. આનો લાભ છ કરોડ સરકારી કર્મચારીઓને મળી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો