You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GSEB ધોરણ 12 પરીક્ષા : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાઓ પણ સીબીએસઈની જેમ રદ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની જાહેરાત
ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરી નાખી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકારપરિષદમાં આ અંગે જાહેરાત કરી છે. આ પહેલાં કેન્દ્ર સરકારે સીબીએસઈ બોર્ડની ધોરણ-12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ રદ કરી નાખી હતી. જે બાદ રાજ્ય સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો.
બુધવારે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કૅબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારે સીબીએસઈ બોર્ડની પરીક્ષા સંબંધે લીધેલા નિર્ણય અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના મહામારીને ધ્યાને લઈને ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારપરિષદમાં જણાવ્યું, "ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગળની કામગીરી અંગે કેન્દ્ર સરકાર વિગતવાર ગાઇડલાઇન બહાર પાડશે એ મુજબ કામગીરી કરવામાં આવશે."
શિક્ષણમંત્રીએ એવું પણ જણાવ્યું કે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
મહત્ત્વપૂર્ણ છે કે 25 મેએ ગુજરાત સરકારે ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને તે માટેનો કાર્યક્રમ પણ જારી કરાયો હતો.
ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવા કરાઈ હતી માગ
વિપક્ષ કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સીબીએસઈની પરીક્ષા રદ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય આવકારી મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત વાલીમંડળ તરફથી પણ પરીક્ષા રદ કરવાની માગણી કરાઈ હતી.
નોંધનીય છે કે આ પહેલાં ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાની મહામારીને લીધે ધોરણ દસના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી ચૂકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત સરકારે પરીક્ષા યોજવા અંગે અગાઉ કેવું વલણ દાખવ્યું હતું?
25 મેના રોજ ગુજરાત સરકાર દ્વારા એક જુલાઈથી રાજ્યમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત કરાઈ હતી.
એ મુજબ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંનેની પરીક્ષા એક જ તારીખે યોજવાની વાત કરાઈ હતી.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે રાજ્યની શાળાઓમાં ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના હતા.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની સલામતી માટે નજીકનાં પરીક્ષાકેન્દ્રો ફાળવી શકાય તે હેતુથી વધુ પરીક્ષાકેન્દ્રો શરૂ કરવાની વાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જે વિદ્યાર્થી કોઈ અનિવાર્ય કે કોરોનાની માંદગીના કારણે પરીક્ષા આપી શકવા સક્ષમ ન હોય તો તેમના માટે પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી પરીક્ષા યોજવાની પણ જાહેરાત કરાઈ હતી.
કોરોનામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે રાજ્ય સરકારે એક વર્ગખંડમાં 20થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડવાની મનાઈ ફરમાવી હતી. તેમજ કોરોનાના સંક્રમણને રોકવાના તમામ ઉપાયો અચૂક અનુસરવાની સૂચના આપી હતી.
એ વખતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજર રહેલા ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ જ પૅટર્ન અને તબક્કા અનુસરીને ધોરણ દસના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો