કોરોના વૅક્સિનની રાજ્યોમાં અછત છે તો ખાનગી હૉસ્પિટલોમાં કેવી રીતે મળી જાય છે?

    • લેેખક, શુભમ કિશોર
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં અનેક લોકોને વૅક્સિનના ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે ખાનગી હૉસ્પિટલોમાં પૈસા ખરચીને વૅક્સિનેશન શરૂ થયું છે.

ગુજરાતમાં તાજેતરમાં અમુક ખાનગી હૉસ્પિટલોને કૉર્પોરેશનના સહયોગથી પેઇડ વૅક્સિનેશન ડ્રાઇવની મંજૂરી આપવામાં આવી અને વિવાદ થયો. વિપક્ષે સરકારે વૅક્સિનનો વેપાર શરૂ કર્યો હોવાનો આરોપ મૂક્યો. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેનો આકરો વિરોધ કર્યો. જોકે, જીએમડીસી ગ્રાઉન્ડ પર વૅક્સિનેશન ડ્રાઇવ-થ્રુમાં ભારે ભીડ જોવા મળી.

દિલ્હી નજીક ગ્રેટર નોઈડામાં વસતા પ્રશાંત કુમાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના માટે અને પોતાના પરિવાર માટે વૅક્સિનનો સ્લોટ બૂક કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. સરકારી હૉસ્પિટલો અને રસીકરણ કેન્દ્રોમાં તેમને સ્લોટ ન મળ્યો, તેથી તેમણે ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિન લેવાનો નિર્ણય લીધો.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, "નવાઈની વાત એ છે કે ખાનગી હૉસ્પિટલોમાં તે જ દિવસે સ્લોટ મળી જાય છે, જ્યારે સરકારી હૉસ્પિટલોમાં આગામી કેટલાય દિવસોના સ્લોટ બૂક થયેલા છે."

પ્રશાંત કહે છે કે તેમને રૂપિયા ચૂકવીને વૅક્સિન લેવામાં કોઈ વાંધો નથી. પરંતુ ખાનગી હૅસ્પિટલો બહુ મોટો ચાર્જ વસૂલી રહી છે.

તેઓ કહે છે, "દરેક હૉસ્પિટલની પોતાના અલગ કિંમત હોય છે. એક ડોઝના એક હજાર રૂપિયા સુધી ચાર્જ લાગે છે. પરિવારમાં બે વ્યક્તિ હોય તો કુલ ચાર હજાર રૂપિયા આપવા પડે, જ્યારે હકીકતમાં વૅક્સિન એટલી મોંઘી નથી."

બીબીસીએ કોવિન ઍપ પર નોઇડાની હૉસ્પિટલોના સ્લૉટ શોધવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે પ્રશાંતની વાત સાચી છે. અમે જોયું કે સરકારી હૉસ્પિટલોમાં આગામી કેટલાક દિવસોના સ્લૉટ બુક છે.

જ્યારે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં આસાનીથી વૅક્સિન મળી રહી છે. ખાસ કરીને 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકો માટે વૅક્સિનનો રેટ 250 રૂપિયાથી 1000 રૂપિયા સુધી છે.

દિલ્હી સરકારે સવાલ ઉઠાવ્યા

દિલ્હીમાં પણ ખાનગી હૉસ્પિટલોમાં સરળતાથી વૅક્સિન મળી રહી છે.

કોવિન ઍપમાં એક તરફ મોટા ભાગની સરકારી હૉસ્પિટલોમાં જગ્યા નથી મળતી ત્યારે પ્રાઇવેટ હૉસ્પિટલમાં 600થી 1000 રૂપિયા ચુકવીને આસાનીથી વૅક્સિન મેળવી શકાય છે.

દિલ્હી સરકારે આ માટે કેન્દ્ર સરકારની નીતિઓને જવાબદાર ગણાવી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીએ દિલ્હીના કોવિન ઍપની એક તસવીર ટ્વીટ કરીને લખ્યું હતું, "ભારત કદાચ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં રાજ્ય સરકાર મફતમાં રસી આપે છે, પરંતુ તેની પાસે સપ્લાય નથી. જ્યારે ખાનગી હૉસ્પિટલો ઊંચા દરે પણ વૅક્સિનનો જથ્થો ધરાવે છે."

જોકે, ભાજપે આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે દિલ્હીએ સમયસર વૅક્સિનની ખરીદી નથી કરી. તેથી રાજ્ય સરકાર કરતા ખાનગી હૉસ્પિટલોએ વધારે વૅક્સિન ખરીદી લીધી હતી.

કેરળના મુખ્ય મંત્રી પિનરઈ વિજયને 11 મુખ્ય મંત્રીઓને પત્ર લખીને જણાવ્યું કે કેન્દ્ર સરકાર વૅક્સિન આપવાની પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે.

મહારાષ્ટ્રમાં પણ ખાનગી હૉસ્પિટલોમાં વૅક્સિન ઉપલબ્ધ

પરંતુ આ સ્થિતિ માત્ર દિલ્હી અને નોઈડાની નથી. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે 18થી 14 વર્ષના લોકોનું રસીકરણ અટકાવવું પડ્યું હતું.

સરકારે જણાવ્યું કે ટૂંક સમયમાં નવેસરથી રસીકરણ શરૂ કરવામાં આવશે.

પરંતુ કોવિન ઍપ પર મહારાષ્ટ્રના પૂણે, નાસિક, મુંબઈ સહિત ઘણા શહેરોમાં 18-44 વર્ષના વયજૂથ માટે ખાનગી હૉસ્પિટલોમાં વૅક્સિનના સ્લૉટ બુક કરી શકાય છે.

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે મુંબઈની ખાનગી હૉસ્પિટલો 40થી 50 ટકા વૅક્સિન કૉર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોને આપવા માટે અનામત રાખી રહી છે.

તેના માટે 16 ટકાથી 66 ટકા સુધી વધારે રકમ ચુકવવી પડશે.

ઘણા બીજા શહેરોમાં પણ ખાનગી હૉસ્પિટલો ઑફિસ અને કૉલોનીઓમાં કૅમ્પ લગાવી રહી છે અને ઊંચા ભાવે વૅક્સિન આપી રહી છે.

જોકે દેશના ઘણા શહેરોમાં પ્રાઇવેટ અને સરકારી બંને જગ્યાએ વૅક્સિનના સ્લૉટ ખાલી છે. કેટલાક શહેરોમાં ક્યાંય પણ વૅક્સિન ઉપલબ્ધ નથી.

પરંતુ સરકાર પાસે વૅક્સિન નથી ત્યારે ખાનગી હૉસ્પિટલો પાસે વૅક્સિન કેવી રીતે પહોંચી જાય છે?

સરકારની નીતિ પર સવાલ

1 મેથી લાગુ થયેલી સરકારની નીતિ પ્રમાણે:

•વૅક્સિન ઉત્પાદકો 50 ટકા વૅક્સિન રાજ્ય સરકારોને અથવા ખુલ્લા બજારમાં અગાઉથી નક્કી ભાવે વેચી શકે છે.

•18 વર્ષથી વધુ વયના લોકોને વૅક્સિન આપવા માટે સરકારો ઉત્પાદકો પાસેથી સીધી વૅક્સિન ખરીદી શકે છે.

•ભારત સરકાર પહેલાની જેમ જ ફ્રન્ટલાઇન વર્કર્સ, 45 વર્ષથી વધુ વયના લોકો તથા બીજા જરૂરિયાતમંદ લોકોને મફતમાં વૅક્સિન આપતી રહેશે.

જાણકારોનું કહેવું છે કે આ નીતિના કારણે જ સમસ્યા પેદા થઈ છે કે ખાનગી હૉસ્પિટલો પાસે વૅક્સિન છે જ્યારે રાજ્ય સરકારો પાસે નથી.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, "પૂરતા પ્રમાણમાં વૅક્સિનનો પૂરવઠો હોય તો આ વાત સમજી શકાય, પરંતુ જ્યારે 45 વર્ષથી વધુ વયના અને કોમોર્બિડિટી ધરાવતા લોકોને પણ વૅક્સિન નથી મળી રહી ત્યારે ખાનગી સેક્ટરને પ્રાથમિકતા આપવી યોગ્ય નથી."

એવું પણ શક્ય છે કે ખાનગી હૉસ્પિટલો રાજ્ય સરકારોની સરખામણીમાં વધારે રૂપિયા આપીને વૅક્સિન ખરીદી શકે છે.

રેડ્ડી કહે છે, "ખાનગી હૉસ્પિટલો ઉત્પાદકો પાસેથી સીધી ખરીદી કરી રહી છે ત્યારે શક્ય છે કે તેઓ ખાનગી હૉસ્પિટલોને ઉંચા ભાવે વૅક્સિનનું વેચાણ કરે. કારણ કે રાજ્ય સરકારો કરતા તેઓ વધારે રૂપિયા ચુકવી રહી છે."

"વૅક્સિનની ખરીદી હંમેશા કેન્દ્ર સરકાર દ્વારા થાય છે અને તે જ તેનું વિતરણ કરે છે. આ પ્રકારની વિકેન્દ્રિત સપ્લાય દુનિયાના બીજા મોટા દેશમાં ભાગ્યે જ જોવા મળે."

રેડ્ડી કહે છે કે "હજુ એવી સ્થિતિ નથી આવી કે વૅક્સિનને માર્કેટના ભરોસે છોડી દેવામાં આવે. "

"જે લોકોને વૅક્સિનની સૌથી વધારે જરૂરિયાત છે, તેમના સુધી વૅક્સિન પહોંચાડવી બહુ જરૂરી છે. "

"ગામડા અથવા નાના શહેરોની વાત કરીએ, તો ત્યાં ખાનગી હૉસ્પિટલો નથી."

"સરકારે ત્યાં વૅક્સિન પહોંચાડવી પડશે. રાજ્ય સરકાર અને ખાનગી સેક્ટરને એક સરખું મહત્ત્વ આપી ન શકાય."

"આવું કરીને તમે ગરીબોની સાથે સાથે નાના શહેરો અને ગામડામાં વસતા લોકો સાથે ભેદભાવ કરી રહ્યા છો."

રેડ્ડીનું કહેવું છે કે ખાનગી હૉસ્પિટલોનો ઉપયોગ રસીકરણ માટે કરવો જોઈએ."

"પરંતુ તે કઈ રીતે મળશે તેનો નિર્ણય સરકારે લેવો જોઈએ."

"ખાનગી હૉસ્પિટલોનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે ગરીબ વ્યક્તિ પર વધારે આર્થિક બોજ ન આવે."

સુપ્રીમ કોર્ટે પણ સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે પણ સોમવારે વૅક્સિનના અલગ અલગ દર અંગે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યા હતા. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચબડના અધ્યક્ષપદે ત્રણ જજની બૅન્ચે કહ્યું કે વૅક્સિનના ભાવ એક સરખા હોવા જોઈએ.

કોર્ટે કહ્યું, "કેન્દ્ર કહે છે કે તેમને ઓછા ભાવે વૅક્સિન મળે છે કારણ કે તે મોટા જથ્થામાં ખરીદી કરે છે."

"તો પછી રાજ્યોને કેમ ઉંચા ભાવે વૅક્સિન મળે છે. આખા દેશમાં વૅક્સિનના દર એક સરખા હોવા જોઈએ."

"વૅક્સિન ખરીદવાનો ઇરાદો હોય તો પછી કેન્દ્ર સરકાર માત્ર 45 વર્ષથી વધુ વયના લોકો સુધી પોતાને સિમિત શા માટે રાખે છે?"

"45 વર્ષથી ઓછી વયના લોકોને રાજ્યોના ભરોસે શા માટે છોડી દે છે? આ ઉપરાંત ગરીબો અને પછાત લોકોને કઈ રીતે જોવામાં આવે છે?"

સરકારનો પક્ષ

વૅક્સિન અંગે સરકાર પોતાની નીતિઓનો બચાવ કરતી રહી છે.

નીતિ આયોગ તરફથી 25 મેએ એક પ્રેસ રિલિઝ બહાર પાડવામાં આવી હતી.

તેમાં જણાવાયું હતું કે, "આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને રાજ્યોએ વધારે સત્તા માટે સતત માંગણી કરી હોવાથી વધારે ઉદાર વૅક્સિન નીતિ લાવવામાં આવી છે."

આ પ્રેસ રિલિઝ પ્રમાણે, "કેન્દ્ર સરકારને આપવામાં આવતી વૅક્સિન ઉપરાંત 25 ટકા વેક્સિન રાજ્યોને અને 25 ટકા વૅક્સિન ખાનગી હૉસ્પિટલોને મળી રહી છે."

"પરંતુ તેને લગાવવાની પ્રક્રિયામાં આવી રહેલી મુશ્કેલીના કારણે ઘણા લોકોને વૅક્સિન નથી મળી રહી."

ખાનગી હૉસ્પિટલો કઈ રીતે વૅક્સિન ખરીદે છે?

એવો સવાલ પણ પેદા થાય છે કે શું ખાનગી હૉસ્પિટલો વૅક્સિન અંગે પારદર્શિતાનું પાલન કરે છે?

દિલ્હીની એક હૉસ્પિટલના એક સૂત્રે નામ ન આપવાની શરતે કહ્યું કે તેમની પાસે આગામી 20 દિવસ સુધી ચાલે તેટલી વૅક્સિન છે. જોકે, તેમણે વૅક્સિનનો આંકડો જણાવ્યો ન હતો.

શું રાજ્ય સરકારોને જે દરે વૅક્સિન મળે છે તે જ દરે ખાનગી હૉસ્પિટલોને પણ મળે છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "રાજ્ય સરકારોને કયા દરે વૅક્સિન મળે છે તે અમે નથી જાણતા."

"દરેક કંપનીઓ સાથે આ અંગે ભાવતાલ થાય છે અને જે રેટ નક્કી થાય તેના પર જ વૅક્સિન ખરીદવામાં આવે છે."

તેમણે કહ્યું કે લોકોને સરકારે નક્કી કરેલા રેટ પ્રમાણે વૅક્સિન આપવામાં આવી રહી છે.

દેશના ઘણા ભાગોમાં કોવિન ઍપ પર એપોલોની હૉસ્પિટલોમાં વૉક્સિન ઉપલબ્ધ દેખાતી રહી છે.

અમે એપોલોને રવિવારે ઇમેલ અને ફોન દ્વારા પૂછ્યું કે તેમને કેટલા પ્રમાણમાં અને કયા ભાવે વૅક્સિન મળી છે.

એપોલોએ અમને આશ્વાસન આપ્યું હતું કે અમારા સવાલોનો જવાબ આપવામાં આવશે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમનો કોઈ જવાબ આવ્યો ન હતો.

હૉસ્પિટલનો જવાબ આવશે તો આ સમાચારમાં તેને અપડેટ કરવામાં આવશે.

હોટેલમાં વૅક્સિનેશન અંગે વિવાદ

આ દરમિયાન કેટલીક હોટેલોની જાહેરખબરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી જેમાં વૅક્સિન પૅકેજ આપવાની વાત કરવામાં આવી હતી.

સરકારે રવિવારે તેને તરત અટકાવી દેવાના આદેશ આપ્યા હતા.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું કે કોરોના-19ને લગતી માર્ગદર્શિકાનો ભંગ કરીને કોરોના વૅક્સિનેશનના પૅકેજ આપનાર સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

આ અંગે આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગાનીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે, "આરોગ્ય મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે હોટેલોની સાથે મળીને કેટલીક ખાનગી હૉસ્પિટલો રસીકરણના પૅકેજ ઓફર કરી રહી છે."

"તે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનો ભંગ છે."

મનોહર અગાની પોતાના પત્રમાં લખે છે કે સરકારી અને ખાનગી હૉસ્પિટલોના કોરોના રસીકરણ સેન્ટર ઉપરાંત ઑફિસમાં તથા વૃદ્ધો અને વિકલાંગ લોકો માટે ઘરમાં કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે આ ઉપરાંત હોટેલો જેવી જગ્યા પર રસીકરણ કરવું એ દિશાનિર્દેશનો ભંગ છે. તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો