You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ડૉક્ટરને કોરોનાની રસી લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો, શું છે મામલો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દેશ સહિત ગુજરાતભરમાં હાલમાં કોરોના વાઇરસના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ રસીની આડઅસરના સમાચાર પણ મળી રહ્યા છે. જોકે તબીબો તેને સામાન્ય ગણાવે છે.
ગુજરાતના ગાંધીધામમાં કોરોના વાઇરસની રસી લીધા બાદ પણ એક ડૉક્ટરને કોરોના વાઇરસને ચેપ લાગ્યો છે.
કોરોનાની રસી આપવાની ઝુંબેશમાં ગાંધીધામની રામબાગ સરકારી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રસીનો બીજો ડોઝ લે એ પહેલાં કોરોનાગ્રસ્ત થઈ ગયા છે.
છેલ્લા ચાર દિવસથી ઘરમાં આઇસોલેટ થયેલા હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ વધુ વાત કરી શકતા ન હોવાથી એમના ઘરે ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
બીબીસીએ કોરોનાગ્રસ્ત ડૉક્ટર અનુજ શ્રીવાસ્તવનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગળામાં તકલીફ હોવાને કારણે તેઓ વાત કરી શક્યા નહોતા.
ગાંધીધામની રામબાગ સરકારી હૉસ્પિટલમાં 16 તારીખથી કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ છે.
રસી લીધા બાદ પણ કોરોના થયો
એમની સારવાર કરી રહેલા અને એમની સાથે કોરોનાની રસી લેનાર રામબાગ હૉસ્પિટલના સિનિયર અને ડૉક્ટર અરવિંદસિંહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અત્યારે અમારી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર અનુજ શ્રીવાસ્તવ કોરોનાને કારણે હોમ ક્વૉરેન્ટીન છે અને અમે એમની સારવાર કરી રહ્યા છીએ.
"અમારી હૉસ્પિટલમાં કોરોનાનો વોર્ડ છે. અમે બધા સિનિયર ડૉક્ટરોએ 16 તારીખે પહેલી વાર રસી લીધી હતી. અલબત્ત, મને કોઈ આડઅસર થઈ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને નવેમ્બર મહિનામાં કોરોના થયો હતો, આમ છતાં લોકોમાં વિશ્વાસ આવે એ માટે મેં પણ કોરોનાની રસી લીધી હતી. ડૉક્ટર શ્રીવાસ્તવે પણ 16મી જાન્યુઆરીએ કોરોનાની રસી લીધી હતી. 6 તારીખ સુધી એ સ્વસ્થ હતા."
"એમનો કોરોનાની રસીનો બીજો ડોઝ લેવાનો સમય થયો એ પહેલાં એ કોરોનાગ્રસ્ત થયા છે."
અરવિંદસિંહ વધુમાં કહે છે કે એક વાત સ્પષ્ટ છે કે કોઈ રસી 100 % સફળ નથી હોતી. પહેલો ડોઝ 70 % સફળ હોય છે એટલે મને રસી લીધા પછી પણ ચેપ લાગે એવું બની શકે."
'બે ડોઝ વચ્ચેનો સમય વધુ હોવો જોઈએ'
ડૉક્ટર સિંહની વાતને સમર્થન આપતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના વડા ડૉક્ટર દિલીપ માવળંકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોઈ પણ રસી 100 % સફળ હોતી નથી."
"એનો પહેલો ડોઝ 70 % સફળતા આપતો હોય છે એટલે કે 100માંથી 70 લોકો પાર અસર કરે છે, અને બીજો ડોઝ આપ્યા પછી એની સફળતા 84 % થાય છે."
"પરંતુ નવા સંશોધન પ્રમાણે બે ડોઝ વચ્ચે ત્રણ મહિનાનો સમય હોવો જોઈએ. જ્યારે આપણે ત્યાં 28 દિવસનો સમય છે."
"આ સમય વધારવો જોઈએ તો રસીમાં વધુ સફળતા મળે અને આવા કેસ બને એમાં નવાઈ નથી."
તેઓ વધુમાં કહે છે, "કોરોનાની રસીના ડોઝ આપવાનો સમયગાળો વધારવા માટે અમે સરકારને એક પત્ર પણ લખ્યો છે. કોઈ રસી 100 % સફળ હોતી નથી એટલે એમાં ગભરાવાની જરૂર નથી, પણ રસી આપવાના સમયગાળામાં વધારો કરવામાં આવે તો એની અસરકારકતા વધી જશે."
'એક કિસ્સાથી રસી બિનઅસરકારક ન કહેવાય'
તો ગાંધીધામ તાલુકા હેલ્થ ઑફિસર દિનેશ સુતરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ડૉક્ટર શ્રીવાસ્તવને સાત તારીખે કોરોના થયો છે એમણે 16 જાન્યુઆરીએ રસી લીધી હતી."
"6 ફેબ્રુઆરીએ એમને ગળામાં તકલીફ હતી, જેનો ટેસ્ટ કરાવતા અમને ખબર પડી કે એ કોરોના પૉઝિટિવ થયા છે અને હાલમાં એમની સારવાર ચાલુ છે. નિયમ પ્રમાણે કોરોનાનો બીજો ડોઝ પણ બીજા કોરોના વૉરિયરને આપવામાં આવશે, રસી આપવાનું કામ અટકાવીશું નહીં."
તો ગુજરાતના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ મામલાની તપાસ કરી રહ્યા છીએ, અમે દિલ્હીના ડૉક્ટરની સાથે પણ સંપર્કમાં છીએ, પરંતુ એક કિસ્સાથી આ રસી સફળ નથી એમ ના કહી શકાય."
"અમે રસીથી કોઈ આડઅસર થાય એનો ડેટા પણ દિલ્હીમાં રસી પર કામ કરી રહેલા ડૉક્ટરોને મોકલીએ છીએ, પરંતુ ગુજરાતમાં કોરોનાની રસીથી આડઅસર થવાના કિસ્સા બહુ ઓછા છે."
રસી લીધા પછી પણ જોખમ કેટલું?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, રાષ્ટ્રીયસ્તરે રસીકરણના કાર્યક્રમમાં સૂચવેલા નિયમો પ્રમાણે જો રસી આપવામાં આવે તો તે રસીનાં પરિણામો સુરક્ષિત અને અસરકારક હોય છે.
WHO અનુસાર, હકીકતમાં કોઈ પણ રસી સંપૂર્ણ રીતે આડઅસરથી મુક્ત હોતી નથી. અને કેટલાક પ્રતિકૂળ સંજોગોમાં રસીનું પરિણામ ગંભીર પણ આવી શકે છે.
રસી કેવી કામ કરે છે, તેની ફૉર્મ્યૂલા હંમેશાં એક જ છે - રસી શરીરમાં ગયા પછી એક ઍન્ટિજન બનાવે છે.
આ ઍન્ટિજન એક નિષ્ક્રિય (મૃત) વાઇરસ, કમજોર વાઇરસ (જે કોઈને બીમાર ન કરે), વાઇરસનો એક ભાગ, કેટલુંક પ્રોટિન જે વાઇરસ જેવું દેખાતું હોય અથવા ન્યૂક્લિક એડિટ (જેમ કે આરએનએ વૅક્સિન), તેમાંથી કંઈ પણ હોઈ શકે છે.
સાઓ પાઉલો યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ મેડિસિનના ડૉ. જ્યૉર્જ કલીલ અનુસાર, "ઍન્ટિજન ઇમ્યુન સિસ્ટમને ઉશ્કેરે છે. જે શરીરને દૂષિત જંતુ કે વાઇરસ સામે લડવા તૈયાર કરે છે. જેથી આ વાઇરસની ઓળખ થઈ શકે અને ઇમ્યુન સિસ્ટમ તેનાથી લડવા માટે ઍન્ટિબૉડીઝ પેદા કરી શકે."
ફરી વાર જ્યારે વાઇરસના સંપર્કમાં આવશો તો શરીર યાદ રાખશે કે તેની સાથે કેવી રીતે લડવું છે અને તરત આ જોખમ સામે અસરકારક રીતે લડી શકાય છે.
આ પ્રતિક્રિયાને ઍડેપ્ટિવ ઇમ્યુન રિસ્પૉન્સ કહેવાય છે અને દરેક વાઇરસ માટે અલગ હોય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો