મધુ શ્રીવાસ્તવ : ટ્રક-ડ્રાઇવરથી ધારાસભ્ય અને અભિનેતા બનવા સુધીની કહાણી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું મારા દીકરાને ધારાસભ્ય બનાવીશ, બનાવીશ અને બનાવીશ જ અને હું સંસદની ચૂંટણી લડવાનો પ્રયાસ કરીશ." વડોદરાની વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સ્થાનિકો સાથે વાત કરતી વેળાએ આ વાત કહી હતી, પરંતુ તેઓ પોતાના પુત્ર દીપકને કૉર્પોરેશનની ટિકિટ અપાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં દીપક શ્રીવાસ્તવે વડોદરાના વૉર્ડ-15માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી અને 'બે સંતાન'ના નિયમને કારણે તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી.

મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતા તરીકેની છે, વિવાદો સાથેનો તેમનો નાતો પણ ઘણો જૂનો છે.

સામાન્ય રીતે 'પાર્ટી વિથ ડિફરન્સ'નો દાવો કરતો ભાજપ શ્રીવાસ્તવની બાબતે આંખ આડા કાન કરતો જણાય છે.

શ્રીવાસ્તવ છ વખતથી વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમનાં પત્ની તાલુકા તથા જિલ્લા પંચાયત પ્રમુખપદે રહ્યાં છે અને તેમનાં દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.

વડોદરા સહિત છ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જેનું પરિણામ 23મી જાન્યુઆરીના જાહેર થશે, તે પછી નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીએ યોજાશે તથા બીજી માર્ચે પરિણામ જાહેર થશે.

કુળ'દીપક' શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર દીપકને રાજકીય વારસ તરીકે સ્થાપિત કરવા માગે છે, એટલે જ તેમણે વૉર્ડ નંબર 15માંથી કૉર્પોરેટર તરીકે ભાજપની ટિકિટ અપાવવા માગતા હતા, આ માટે તેમણે પૂરતું લૉબિંગ કર્યું હતું, છતાં તેમને ટિકિટ મળી ન હતી.

શ્રીવાસ્તવે પોતાના દીકરાને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો હતો, જોકે 'ટેકનિકલ કારણસર' તેમની ઉમેદવારી રદ થઈ હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે, ક્રિષ્ના, પ્રતિષ્ઠા અને ધીરજ એમ ત્રણ સંતાનોના પિતા દીપકે પોતાની ચૂંટણી ઍફિડેવિટમાં માત્ર બે સંતાનોનો જ ઉલ્લેખ કર્યો હતો, જેની સામે ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ ચૂંટણી તંત્રને ગેરમાર્ગે દોરવાની રજૂઆત કરી હતી.

સામે પક્ષે દીપકે રજૂઆત કરી હતી કે તેમણે પોતાની બીજા નંબરની દીકરી પ્રતિષ્ઠાને પોતાના પિતાને (વાસ્તવમાં બાળકીના દાદા) મધુ શ્રીવાસ્તવને દત્તક આપી છે, એટલે તેની રજૂઆત કરવાની જરૂર નથી રહેતી.

સુનાવણી કરનાર અધિકારીએ ઠેરવ્યું હતું કે 'ગુજરાત પ્રૉવિશનલ ઍક્ટ'ની જોગવાઈ પ્રમાણે, જો કોઈ ઉમેદવારના બે કે તેથી વધુ જૈવિક સંતાન હયાત હોય તો તેની ઉમેદવારી રદ ઠરશે. તેમાં સંતાનને દત્તક આપવા સંદર્ભે કોઈ જોગવાઈ કરવામાં નથી આવી.

સંસદસભ્ય, ધારાસભ્ય કે નેતાઓના પરિવારજનોને ટિકિટ ન આપવાના ગુજરાત ભાજપના નિર્ણયને કારણે બે ટર્મથી કૉર્પોરેટર દીપકનું નામ ટિકિટની યાદીમાંથી કપાઈ ગયું હતું. ભાજપે 60 વર્ષથી વધુ વર્ષની ઉંમરના ઉમેદવારો તથા ત્રણ ટર્મથી કૉર્પોરેટર હોય તેવા લોકોને પણ ટિકિટ નથી આપી.

વધુ લોકોને તક મળે, તે માટે આમ કરવામાં આવ્યું હોવાનું ગુજરાત ભાજપના નેતાઓનું કહેવું છે.

શ્રીવાસ્તવને વિશ્વાસ હતો કે દીકરા દીપક માટે દિલ્હીમાં લૉબિંગ કરવાનું તેમને ફળ મળશે અને સ્થાનિક નેતૃત્વે તેમના દીકરા દીપકને ટિકિટ આપવી જ પડશે, જોકે તેમનો આ વિશ્વાસ એ અતિવિશ્વાસ નીવડ્યો હતો અને ઉચ્ચસ્તરે રજૂઆતનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

શ્રીવાસ્તવનો આ આત્મવિશ્વાસ અમસ્તો જ ન હતો અને તેની પાછળ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ છે.

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "મધુ શ્રીવાસ્તવ ભાજપમાં કોઈ કે અપક્ષ તેમણે પોતાની આગવી છાપ અને વર્ચસ્વ જાળવી રાખ્યાં છે. તેઓ પોતાની બેઠક ઉપરાંત આજુબાજુની વિધાનસભા બેઠકના ચૂંટણીપરિણામોને પણ પ્રભાવિત કરી શકે છે."

"આથી ક્લિન પૉલિટિક્સની ગમે તેટલી વાત કરવામાં આવે, પરંતુ મધુ શ્રીવાસ્તવ સાથે જોડાયેલા વિવાદોની અવગણના કરવામાં આવે છે. તેનું કારણ બેસ્ટ બેકરીકાંડમાં તેમની ભૂમિકા હોઈ શકે."

2002માં ગોધરાકાંડ પછી રાજ્યભરમાં હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં, જેમાં વડોદરાની હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી 'બેસ્ટ બેકરી'ને આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં બેકરી ચલાવતા શેખ પરિવારના 12 સભ્યો સહિત 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ધારાસભ્ય શ્રીવાસ્તવ પર તાજના સાક્ષી ઝાહિરા શેખ સહિત તથા અન્યોને નિવેદન બદલવા તથા ધાકધમકી આપવાના આરોપ લાગ્યા હતા.

પ્રારંભિક કૉર્ટ કેસમાં તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા હતા, પરંતુ સુપ્રીમ કૉર્ટના આદેશ બાદ તેની ફેરસુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે નવ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે શ્રીવાસ્તવે ચૂંટણીપંચને આપેલાં સોગંદનામા મુજબ, બે વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે તેવો કોઈ કેસ તેમની સામે ચાલી નથી રહ્યો.

ટ્રક-ડ્રાઇવરથી સત્તાનું સ્ટિયરિંગ

બાબુભાઈ શ્રીવાસ્તવ મિલિટરીમાં નોકરી કરતા હતા અને બાદમાં ગુજરાત આવીને સ્થાયી થયા, અહીં મધુભાઈનો જન્મ થયો હતો.

ધોરણ 10 પાસ મધુ શ્રીવાસ્તવે તેમની કારકિર્દીની શરૂઆત રેલવેમાં ટ્રક-ડ્રાઇવર તરીકે કરી હતી.

સ્થાનિક વિસ્તારમાં વર્ચસ્વને જોતાં તેમણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને બે વખત વાડી વિસ્તારમાંથી કૉર્પોરેટર બન્યા હતા.

જોકે તેમની કિસ્મત વર્ષ 1995માં પલટાઈ. તેઓ વાઘોડિયાની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય બન્યા. ભાજપને પૂર્ણ બહુમતી મળી હતી અને વરિષ્ઠ નેતા કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા હતા, એટલે રાજકીય દૃષ્ટિએ જોવામાં આવે તો અપક્ષ ધારાસભ્યની કોઈ કિંમત ન હતી.

જોકે કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેના ગજગ્રાહને કારણે મધુ શ્રીવાસ્તવની કિસ્મત ચમકી. વાઘેલાએ બળવાનું બ્યૂગલ ફૂંક્યું.

પટેલ તથા વાઘેલા જૂથ વચ્ચે સમાધાનની ફૉર્મ્યુલા તરીકે મુખ્ય મંત્રી બનેલા સુરેશ મહેતાને ઉથલાવી દેવાયા, શંકરસિંહ વાઘેલા પોતાના વફાદાર ધારાસભ્યો સાથે અલગ થઈ ગયા અને રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી.

અચાનક જ અપક્ષ ધારાસભ્યોનું મહત્ત્વ વધી ગયું. આ સમયે શ્રીવાસ્તવે વાઘેલાને સાથ આપવાનું નક્કી કર્યું. તેમણે અપક્ષ ધારાસભ્યોને પોતાની સાથે લીધા. કૉંગ્રેસની મદદથી વાઘેલાએ સરકાર બનાવી હતી.

જોકે, કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા, ત્રણ વર્ષની અંદર ફરીથી ચૂંટણીઓ યોજવાનો વારો આવ્યો. મધુ શ્રીવાસ્તવે કેસરિયો ધારણ કરી લીધો અને 2002નાં હુલ્લડો બાદ તેમનું કદ વધી ગયું.

વડોદરા ભાજપના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, દિલ્હીમાં ભાજપમાં ઉપરના જે નેતા છે, તેમને મધુ શ્રીવાસ્તવની ઉપયોગિતા ખબર છે. એટલે જ શ્રીવાસ્તવ સ્થાનિક નેતાઓને ગણકારતા નથી અને સ્થાનિક નેતૃત્વને 'હું, બાવો અને મંગળદાસ' કહીને સંબોધે છે.

સાથે જ ઉમેરે છે કે મધુ શ્રીવાસ્તવને ચેતવણી આપવામાં આવી હતી કે જો દીપક અપક્ષ ચૂંટણી લડે અને તેમના માટે પ્રચાર કરશે, તો તેમની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

ભક્ત, અભિ'નેતા'

મધુ શ્રીવાસ્તવની નજીકના લોકોના કહેવા પ્રમાણે, તેઓ હનુમાન પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. તેમની ઑફિસમાં હનુમાનનાં અલગ-અલગ સ્વરૂપોની તસવીરો જોવા મળી જશે.

વડોદરામાં કોઈ પણ નેતા કે અધિકારી આવ્યા હોય કે કંઈ પણ બન્યું હોય, મધુભાઈ દર શનિવારે સાંજે વાડીના સ્થાનિક હનુમાન મંદિરમાં પહોંચી જાય છે અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને ભજન કરે છે. તેઓ પોતાની દીનચર્યાની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી કરે છે.

પોતાની મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેન તથા વીંટીઓ અને માથા ઉપર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ વિધાનસભામાં અલગ તરી આવે છે. તેઓ હેટ અને એસ.યુ.વી. ગાડીઓના શોખીન છે.

રાજકારણ સિવાય તેઓ અભિનયક્ષેત્રે પણ સક્રિય છે. કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવ્યા બાદ તેમણે 2014માં 'ઠાકોરના બોલ, જગમાં અનમોલ' નામની ફિલ્મ દ્વારા નવાક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે ચરિત્ર ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2016માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેમણે 'લાયન ઑફ ગુજરાત' નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું અને તેમાં ધારાસભ્ય અને પોલીસ અધિકારીની બેવડી ભૂમિકા ભજવી. આ ફિલ્મમાં તેમના પુત્ર તથા તત્કાલીન કૉર્પોરેટર દીપકે પણ ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મનું નિર્માણ શ્રીવાસ્તવે કર્યું હતું અને તેનું મોટા ભાગનું શૂટિંગ વડોદરામાં જ થયું હતું. શ્રીવાસ્તવનું કહેવું છે કે અભિનય એ તેમનો શોખ છે અને તેઓ ખુદને 'લોકસેવક' તરીકે જ ઓળખાવવાનું પસંદ કરશે.

ફિલ્મની રિલીઝ સમયના ઇન્ટરવ્યૂમાં દીપકે પણ કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા ફિલ્મ નહીં, પરંતુ રાજકારણ જ રહેશે. શ્રીવાસ્તવ રિયલ ઍસ્ટેટના ધંધામાં છે અને હોટલ પણ ધરાવે છે.

શ્રીવાસ્તવનો વિવાદ સાથે નાતો

સોમવારે દીપક શ્રીવાસ્તવની ચૂંટણી અધિકારી સમક્ષની સુનાવણીને કવર કરવા પહોંચેલા મીડિયાકર્મીને ધમકી આપતો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવને કહેતા સાંભળી શકાય છે:

"પૂછવું હોય તે સીધું પૂછ. નહીંતર માણસને કહીને અહીં જ ઠોકાવી દઈશ."

આ વીડિયો બાદ વડોદરાના પત્રકારોએ પોલીસકમિશનરને વીડિયો અને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી. જોકે બીબીસીએ સ્વતંત્ર રીતે આ વીડિયોની તપાસ કરી નથી.

મધુ શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, સુનાવણી બાદ તેઓ થાકી ગયા હતા અને મીડિયા સાથે વાત કરવાની તેમની ઇચ્છા ન હતી. છતાં તેઓ મીડિયાકર્મીઓના આગ્રહને કારણે પ્રતિક્રિયા આપવા તૈયાર થયા હતા. આ દરમિયાન મીડિયાકર્મીએ મોં તરફ માઇકને લંબાવતા તેઓ ઉશ્કેરાયા હતા.

શ્રીવાસ્તવે બીબીસી સાથેની વાતમાં 'પતાવી દેવો' એટલે મારી નાખવાની ધમકી ન હોવાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે જેને જે મતલબ કાઢવો હોય તે કાઢી શકે છે.

ભાજપે શ્રીવાસ્તવના આ નિવેદન સાથે છેડો ફાડી નાખ્યો છે. ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેના કહેવા પ્રમાણે, 'લોકપ્રતિનિધિ કે અન્ય કોઈએ આ પ્રકારનું નિવેદન ન કરવું જોઈએ.'

આ મુદ્દે કૉંગ્રેસે ગુજરાતની રૂપાણી સરકાર પર નિશાન સાધ્યું છે, પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું:

"ભાજપ ચૂંટણી જીતવા, સત્તા મેળવવા અને મેળવ્યા પછી ટકાવી રાખવા માટે ગમે તે કરવા તૈયાર રહે છે. ભાજપે ગુજરાતમાં લોકતંત્રનું અપરાધીકરણ કર્યું છે. ભાજપનાં ચાલ, ચલણ, ચરિત્ર અને ચહેરો મધુ શ્રીવાસ્તવે ખુલ્લો પાડ્યો છે."

"શ્રીવાસ્તવના નિવેદનને ગુજરાતના મુખ્ય મંત્રી તથા ભાજપના પ્રદેશાધ્યક્ષની મૂકસંમતિ હોય તેમ જણાય છે."

દોશીએ ચૂંટણી દરમિયાન સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને ચૂંટી કાઢવા આહ્વાન કર્યું હતું.

શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, તેઓ ખોટા નથી એટલે આ મુદ્દે માફી માગવાનો કે દિલગીરી વ્યક્ત કરવાનો સવાલ જ ઊભો નથી થતો.

જોકે મધુ શ્રીવાસ્તવનું નામ છાશવારે વિવાદમાં સપડાતું રહે છે. સપ્ટેમ્બર-2020માં કોવિડની બીમારીમાંથી મુક્ત થયાના થોડા દિવસની અંદર જ તેઓ હનુમાન મંદિરમાં પહોંચી ગયા હતા અને ત્યાં રાસભજનની રમઝટ બોલાવી હતી. એ સમયે ધાર્મિક સ્થાનોમાં લોકોના એકઠા થવા પર નિયંત્રણો હતાં.

જાન્યુઆરી-2020માં તેમણે કથિત રીતે એક મીડિયાકર્મીને ધમકી આપી હતી. એપ્રિલ-2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપને વોટ આપવા માટે મતદારો પર દબાણ કરતો વીડિયો વાઇરલ થયો હતો અને કૉંગ્રેસીઓ માટે કથિત રીતે અપશબ્દ વાપર્યો હતો.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નિવેદનને વખોડી કાઢ્યું હતું અને ચૂંટણીપંચે પણ તેમના નિવેદન ઉપર ખુલાસો પૂછ્યો હતો.

વરિષ્ઠ પત્રકાર તથા રાજ ગોસ્વામીના કહેવા પ્રમાણે, "દરેક પક્ષને જીતે એવા અથવા કામના ઉમેદવારની જરૂર હોય છે, કોઈ પક્ષ એવો શુદ્ધ તો નથી કે જાતે જ ઍક્શન લે. જ્યારે મીડિયામાં ખૂબ આવે કે લોકોમાં નારાજગી ઊભી થાય તો જ પક્ષ કાર્યવાહી કરે."

"તેમનામાં નિશ્ચિંતતા છે, સ્થાનિક સ્તરે અને સોશિયલ પર ચર્ચા થશે, પછી વાત પતી જશે. આ પ્રકરણમાં ભાજપ જાતે જ નોંધ લઈને કાર્યવાહી કરે તો અસર થાય, તે આ પ્રકરણમાં થતું જણાતું નથી. તે ગુજરાત જ નહીં, ભારતના રાજકારણની કમનસીબી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો