ગુજરાત ચૂંટણી : સી. આર. પાટીલની નવી પૉલિસી કોને રોકવા માટે છે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ 21 અને 28મી ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણી જીતવા ભાજપ-કૉંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ ચૂંટણીપ્રચારની કામગીરીમાં લાગી ગઈ છે.

દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જવાની અટકળો પણ વહેતી થઈ છે.

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે, જ્યારે 28મી ફેબ્રુઆરીએ રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.

તો ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં એક નિર્ણય લેવાયો છે, જેને લીધે જૂના કાર્યકરોમાં અસંતોષનો સૂર સાંભળવા મળી રહ્યો છે.

ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે "ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે 60 વર્ષથી ઉપરના, ત્રણ ટર્મથી ચૂંટાતા નેતાઓ અને ભાજપનેતાનાં સગાં-સંબંધીઓને આ વખતે ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે."

રાજ્યમાં અનેક એવા પણ નેતાઓ પણ હશે જેઓ ઘણી ટર્મથી જે તે વિસ્તારમાં ચૂંટાતા આવતા હશે. તો શું એમને આ વખતની ચૂંટણીમાં ભાજપમાંથી ફરી વાર ટિકિટ નહીં મળે?

શું સગાંવહાલાઓને ટિકિટ નહીં આપવાના ભાજપના નિર્ણયથી તેને ચૂંટણીમાં નુકસાન થઈ શકે કે પછી આ નિર્ણય યુવાઓને ચાન્સ આપવા માટે લેવાયો છે?

અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી વડા પ્રધાન મોદીનાં ભત્રીજી અને પ્રહલાદ મોદીનાં પુત્રી સોનલ મોદી પણ ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીને જ્યારે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે "મારા રૅશનકાર્ડમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીનું નામ નથી, એ મારું ફેમિલી ગણાય ખરું?"

તેઓએ વધુમાં કહ્યું હતું કે પાર્ટી જે કંઈ નિયમો બનાવે, એ પૂરા હિન્દુસ્તાનના બધા જ કાર્યકરો-નેતાઓને લાગુ પડતો હોવો જોઈએ.

"જો રાજનાથસિંહનો છોકરો મેમ્બર ઑફ પાર્લામેન્ટ (સાસંદ) બની શકતો હોય, મધ્યપ્રદેશમાં વર્ગીસજીનો દીકરો ધારાસભ્ય બની શકતો હોય, ગુજરાતના અમિતભાઈ શાહ (ગૃહમંત્રી)નો દીકરો જય, જેણે કદી ક્રિકેટમાં સ્થાન નથી લીધું, ક્રિકેટ રમ્યા છે કે કેમ એ મને ખબર નથી, અને તેમને ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સ્થાન મળે. એવી તો શું એમની પાસે ડિગ્રી આવી ગઈ કે એમનો ઉપયોગ સરકાર કરી રહી છે?"

જૂના જોગીઓને ટિકિટ ન મળે તો ભાજપને નુકસાન થશે?

ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ કહ્યું હતું કે ત્રણ ટર્મથી ચૂંટાયેલા અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં મળે.

રાજ્યમાં અનેક જગ્યાએ ઘણા ઉમેદવાર ત્રણ ટર્મ કે તેનાથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે. એમાં અમદાવાદનાં વર્તમાન મેયર બીજલ પટેલ (પાલડી), મયૂર દવે (ખાડિયા), અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ (વાસણા) વગેરેનો સમાવેશ થાય છે.

તો આ જૂના જોગીઓને ભાજપની ટિકિટ નહીં મળે તો ભાજપને કોઈ નુકસાન થઈ શકે છે?

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "ત્રણ ટર્મથી જે નેતા ચૂંટાતા આવતા હોય એ લોકપ્રિય હોય છે. પણ સવાલ એ છે કે જો તેમને ટિકિટ ન મળે તો એ લોકો બળવો કરે છે કે નહીં."

"અને જો બળવો કરે તો ભાજપને ચોક્કસ તેની અસર થશે, કેમ કે સ્થાનિકસ્તરે વ્યક્તિગત સંપર્ક વધુ મહત્ત્વના હોય છે."

જોકે તેઓ એમ પણ કહે છે કે આનાથી પરિણામમાં બહુ ઝાઝો ફેર નહીં પડે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી કહે છે કે "સી. આર. પાટીલનો આ નિર્ણય મને તદ્દન ખોટો નથી લાગતો, કેમ કે નવા લોકોને ચોક્કસથી ચાન્સ મળવો જોઈએ."

તેઓ કહે છે, "કેટલાક કૉર્પોરેટર વર્ષોથી રાજકારણને પોતાની જાગીર માનીને બેઠા છે અને તેમનો સમાતંર વ્યવસાય પણ ચાલતો હોય છે, ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં."

"આથી ત્રણ ટર્મથી ચૂંટાયા હોય એમને ટિકિટ નહીં એ મળે સી. આર. પાર્ટીનો નિર્ણય તદ્દન ખોટો નથી."

"કૉર્પોરેશન, નગરપાલિકા, પંચાયત કે ગ્રામ પંચાયત વગેરેમાં નવું લોહી આવે, નવો વિચાર આવે, નવી તાજગી, નવી પારદર્શકતા આવે એ જરૂરી છે, કેમ કે અહીં દોડાદોડીનું કામ હોય છે જે યુવાનો સારી રીતે કરી શકે છે."

"સામાન્ય રીતે એવું મનાય છે કે યુવાનો વધુ આદર્શવાદી હોય છે, એટલે કદાચ નવા આદર્શવાદીને તક મળી શકે."

દીપલ ત્રિવેદી માને છે કે આ પૉલિટિકલ સ્ટ્રેટેજી સિવાય ભાજપને કોઈ છૂટકો જ નથી. આ સ્ટ્રેટેજીને કારણે પંચાયતમાં પણ ફેર પડશે અને ભાજપની સ્થાનિકસ્તરે ઇમેજ બદલાઈ શકે છે.

'વંશવાદમાં ભાજપ પણ અપવાદ નથી'

ભાજપને નેતાઓનાં સગાંને ટિકિટ નહીં મળે એવી વાત કરી છે, પણ જો દેશના રાજકારણમાં નજર કરવામાં આવે તો ઘણા એવા નેતાઓ છે, જેમનાં સંતાનો સાંસદ-ધારાસભ્યો છે અથવા તો કોઈ સારા હોદ્દા પર છે.

બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ ભાજપમાં રહેલા વંશવાદનાં મૂળ તરફ આંગળી ચીંધતાં ઉમેરે છે, "ગુજરાત પૂરતી વાત કરીએ તો ગુજરાતના હિતુ કનોડિયા, ભૂષણ ભટ્ટથી માંડીને ઘણા એવા ધારાસભ્યો છે કે જેમને પિતાનો વારસો મળ્યો છે."

પક્ષમાં વંશવાદને જાકારો આપવામાં ભાજપ સફળ રહેશે કે નિષ્ફળ? આ મુદ્દે વાત કરતાં તેઓ કહે છે કે, "ભાજપ આ નીતિમાં સફળ નહીં રહે અને જો આનો કડકાઈથી અમલ કરવા જશે તો વિપરીત સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વધુ છે, કારણ કે એક વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવતા કૉર્પોરેટર અને જિલ્લા-તાલુકાના પ્રમુખો વિધાનસભાની જીતના પાયા ગણાય છે."

"અને જો આ નિયમ આવે તો વિધાનસભામાં પણ જીતવું અઘરું પડે, કારણ કે જૂના લોકો નિષ્ક્રિય થઈ જાય તો ભાજપને નુકસાન થઈ શકે છે."

તો રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ બીબીસી સાથે વાત કરતા કહે છે કે ભાજપ આવા પેરામિટર નક્કી કરે છે, પણ તેનો અમલ કેટલો કરે છે એ જોવાનું રહેશે.

તેઓ કહે છે, "નવું નેતૃત્વ ભાજપમાં આવે એ આવકાર્ય છે, પણ એક રીતે પક્ષમાં અસંતોષ પણ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ વંશવાદ ક્યાં ઓછો છે? સિંધિયા પરિવારથી માંડીને રાદડિયા પરિવાર સુધી તમે જોઈ શકો છો."

હરિ દેસાઈ પોતાની વધુ દૃઢતાથી મૂકવા માટે સંસ્કૃતનો એક શ્લોક કહે છે- "પરોપદેશે પાંડિત્યં સર્વેષાં સુકુરં, નૃણામ" (અર્થાત કે પારકાને કે અન્યને ઉપદેશ આપવામાં મણા શાના માટે રાખવી?)

તો જતીન દેસાઈ પણ કહે છે "હું એવું નથી માનતો કે આને (ભાજપનો નિયમ) અને વંશવાદને કોઈ સંબંધ હોય, કેમ કે વિધાનસભા, લોકસભા વગેરેમાં નેતાઓનાં સગાં તો રાજકારણમાં છે જ."

"દિલ્હીમાં કોઈ ભાજપના મંત્રી હોય અને એમનાં સંતાન કોઈ મહત્ત્વની પોસ્ટ પર ન હોય એવું તો નથી જ. એટલે વંશવાદના તો દેશમાં અનેક દાખલાઓ છે."

તેઓ વધુમાં કહે છે, "માત્ર રાજકારણમાં નહીં તો સ્પૉર્ટ્સના ક્ષેત્રમાં તેમને આગળ કરવામાં આવે છે. ભારતમાં દરેક પક્ષમાં વંશવાદ છે અને ભાજપ પણ એમાં અપવાદ નથી."

જોકે તેઓ કહે છે કે દરેક પક્ષનો એક આંતરિક નિયમ હોય છે એટલે કોને ટિકિટ આપવી અને ન આપવી એના માટે ભાજપ સ્વતંત્ર છે.

'આ નિયમથી નવા લોકોને તક મળી શકે'

દીપલ ત્રિવેદી કહે છે, "આજકાલ સગાં કરતાં જે મિત્રો કે બિઝનેસ પાર્ટનર હોય છે એ પણ એટલા મહત્ત્વના છે. તમે કોઈની ભત્રીજીને ટિકિટ ન આપો, પણ કોઈની બહેનપણીને ટિકિટ મળી જાય કે કોઈના બિઝનેસ પાર્ટનરને ટિકિટ મળી જાય એ પણ એટલું ખરાબ છે."

તેઓ ઉદાહરણ આપતા કહે છે, "ધારો કે કોઈને ટિકિટ જોઈતી હોય અને એ માણસ કોઈ નેતાની ઑફિસમાં છેલ્લાં 25 વર્ષથી કામ કરતો હોય અને એમના વ્યાવસાયિક પાર્ટનર હોય અને એમને ટિકિટ મળવાની હોય તો સગાંને ટિકિટ મળે એટલું જ ખરાબ છે. એટલે આ પૉલિસી બહુ દ્વિધાભરી છે."

કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને આ પૉલિસી બનાવવી હશે કે કેમ એ અંગે તેઓ કહે છે, "દેશમાં ભાજપે પહેલી વાર સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી હોય તો એ ગુજરાતમાં 1995માં બનાવી હતી. તેનું કારણ એ હતું કે લોકોએ નવાં લોહીને પસંદ કર્યું અને તેમની પાસે આશાઅપેક્ષાઓ હતી."

"પછી એ હરેન પંડ્યા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય કે બિમલ શાહ હોય. આ લોકો એટલા માટે ચૂંટાયા કે તેઓ નવો વિચાર લાવતા હતા અને લોકોને તેમની પાસે આશા હતી."

દીપલ ત્રિવેદીના મતે, અત્યાર કોરોના સમયમાં કોઈ પણ ભાજપના સેવકે કે કૉર્પોરેટરે એવી કોઈ ઉત્તમ કામગીરી કરી નથી. એટલે એની એ જ વ્યક્તિઓ જો મત માગવા જાય તો કદાચ ભાજપને તકલીફ પણ થઈ શકે. એટલે આ એક સારી પૉલિટિકલ સ્ટ્રેટેજી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો