ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર : ભારતને તોડીને અલગ દેશ બનાવવા શીખોએ જ્યારે હથિયાર ઉઠાવ્યાં

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાનનાં સમર્થક હરદીપસિંહ નિજ્જરની 18 જૂન, 2023ના દિવસે કૅનેડામાં થયેલી હત્યામાં ભારત સરકારની ભૂમિકા હોવાનો આક્ષેપ કરીને ભારતના રાજદ્વારી અધિકારીને કૅનેડામાંથી કાઢી મૂક્યા છે. જવાબમાં ભારતે પણ કૅનેડાના આક્ષેપો ફગાવી દઈને કૅનેડાના રાજદ્વારી અધિકારીને આગામી પાંચ દિવસમાં દેશ છોડી દેવાનો આદેશ કર્યો છે. કૅનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશનું મૂળ કૅનેડામાં રહેતા અને ખાલિસ્તાનની માંગણી કરતા શીખ સંગઠનો છે. ખાલિસ્તાનની માગણીને કારણે ભારતનાં એક વડાં પ્રધાનની પણ હત્યા થઈ ચૂકી છે, ત્યારે સમજીએ કે આ ખાલિસ્તાનનો મુદ્દો શું છે?

પંજાબમાં અલગ ખાલિસ્તાનની માગ સાથે શરૂ થયેલી ઝુંબેશમાં ઑપરેશન બ્લૂ સ્ટાર એક એવો લોહિયાળ અધ્યાય છે જેણે ભારતના રાજકારણની દિશા બદલી નાખી હતી.

તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા અને શીખ વિરોધી રમખાણો ભારતમાં કૉંગ્રેસના ઇતિહાસના મહત્ત્વના અધ્યાય રહ્યા છે. અલગ ખાલિસ્તાનની માગ સાથે જરનૈલસિંહ ભિંડરેવાલાંએ શરૂ કરેલી આ ઝુંબેશના પડઘા દાયકાઓ સુધી ભારતના રાજકારણમાં પડ્યા છે.

ત્યારે અહીં ખાલિસ્તાન શું છે અને શું છે એનો ઇતિહાસ એ અંગે માહિતી અપાઈ રહી છે.

પંજાબ સમસ્યાની શરૂઆત 1970ના દાયકામાં અકાલી રાજકારણમાં ખેંચતાણ અને અકાલીઓ દ્વારા પંજાબને લગતી વિવિધ માગણીઓના કારણે થઈ હતી.

અકાલી દળની માગણી હતી કે ભારત સરકાર માત્ર સંરક્ષણ, વિદેશનીતિ, સંદેશાવ્યવહાર અને કરન્સી પર પોતાનો અધિકાર રાખે. બાકી બધી ચીજો પર રાજ્યોનો અધિકાર હોવો જોઈએ.

અકાલીઓ ભારતના ઉત્તર ભાગમાં સ્વાયત્તા પણ ઇચ્છતા હતા. અકાલીઓએ પંજાબને લગતી ઘણી માગણીઓ કરી, જેમ કે ચંદીગઢ માત્ર પંજાબની રાજધાની રહે, પંજાબીભાષી વિસ્તારો પંજાબમાં સમાવવામાં આવે, નદીનાં પાણીની વહેંચણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવામાં આવે, સેનામાં શીખોની ભરતી અંગે લાગુ થયેલી કથિત ટોચમર્યાદા દૂર કરવામાં આવે, વગેરે.

13 એપ્રિલ, 1978ના દિવસે અકાલી કાર્યકર્તાઓ અને તેમના હરીફો નિરંકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં 13 અકાલી કાર્યકર્તા માર્યા ગયા. તે સમયે શીખ ધર્મપ્રચારની સંસ્થાના પ્રમુખ જરનૈલ સિંહ ભિંડરાંવાલેએ ઉગ્ર વિરોધમાં આગેવાની લીધી.

ઘણા નિષ્ણાતોના મતે અહીંથી જ પંજાબમાં કટ્ટરવાદી ચળવળનાં બીજ રોપાયાં હતાં. એવો આરોપ પણ મૂકવામાં આવ્યો કે અકાલી દળના પ્રભાવને ઘટાડવા માટે કૉંગ્રેસે શીખ પ્રચારક ભિંડરાંવાલેનો પરોક્ષ રીતે ઉપયોગ કર્યો અને તેમને પ્રોત્સાહન આપ્યું. જોકે આ આરોપો અંગે ઘણા મતભેદ છે.

અકાલી દળ રાજકીય મુખ્યધારામાં રહીને પંજાબ અને શીખોની માગણીઓ મૂકતું હતું. પરંતુ તેનું વલણ નરમ ગણવામાં આવતું હતું. બીજી તરફ ભિંડરાંવાલેએ આ મુદ્દો પોતાના હસ્તક કર્યો અને કેન્દ્ર સરકારને દોષી ગણાવવાનું શરૂ કર્યું.

તેઓ વિવાદાસ્પદ રાજકીય મુદ્દા અને ધર્મ તથા તેની મર્યાદા અંગે નિયમિત ભાષણો આપવા લાગ્યા. ઘણા લોકો તેમનાં ભાષણોને ઉશ્કેરણીજનક માનતા હતા, જ્યારે કેટલાક લોકોને તેમાં શીખ સમુદાયની વાજબી માગણીઓ દેખાતી હતી.

પંજાબમાં હિંસાનો દોર

ધીમેધીમે પંજાબમાં હિંસક ઘટનાઓ વધવા લાગી. સપ્ટેમ્બર 1981માં હિંદ સમાચાર-પંજાબ કેસરી અખબારના તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરવામાં આવી. જલંધર, અમૃતસર, ફરિદકોટ અને ગુરદાસપુરમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી, જેમાં ઘણા લોકોનાં મોત નીપજ્યાં.

ભિંડરાંવાલે સામે હિંસક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાના આરોપો લાગતા રહ્યા. પરંતુ પોલીસને તેમની સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા મળતા ન હતા.

સપ્ટેમ્બર 1981માં ભિંડરાંવાલેની ધરપકડ થઈ પરંતુ લોકોનાં ટોળાં અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો, જેમાં અગિયાર લોકોનાં મોત નીપજ્યાં. થોડા દિવસો પછી શીખ સ્ટુડન્ટ ફેડરેશનના સભ્યોએ ઍર ઇન્ડિયાના વિમાનનું અપહરણ પણ કર્યું હતું. પટિયાલામાં પોલીસ ઇન્સ્પેક્ટર જનરલની ઑફિસમાં બૉમ્બવિસ્ફોટ થયો હતો. પંજાબના મુખ્ય મંત્રી દરબારાસિંહ પર પણ હુમલો થયો હતો.

જરનૈલસિંહ ભિંડરાંવાલેની ભૂમિકા

જરનૈલસિંહ ભિંડરાંવાલેને 1980ના દાયકામાં શીખ કટ્ટરવાદના જનક ગણવામાં આવે છે. તેમનું અસલ નામ જરનૈલસિંહ હતું. તેઓ 30 વર્ષની ઉંમરે જ શીખ ધર્મ અને ગ્રંથો વિશે શિક્ષણ આપનાર સંસ્થા દમદમી ટકસાલના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ત્યારે તેમના નામની સાથે ભિંડરાંવાલે જોડાયું હતું.

તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું. પંજાબના તે સમયના મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલ અને શીખોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી)ના અધ્યક્ષ ગુરચરણસિંહ તોહરાએ તે સમયે ભિંડરાંવાલેને શુભકામનાઓ પાઠવી હતી.

ભિંડરાંવાલેની નિમણૂક પછી આ વિસ્તારમાં રાજકીય ચિત્ર બદલાવા લાગ્યું. તેમણે જ્યારે ટકસાલનું અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારે દમદમી ટકસાલની સીધી ટક્કર નિરંકારીઓ સાથે હતી.

1978ની વૈશાખીની લોહિયાળ ઘટના પછી પંજાબ જાણે હંમેશાં માટે બદલાઈ ગયું હતું. તે દિવસોમાં ન્યાય અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી હતી અને બદલાની ભાવના જન્મ લઈ રહી હતી. ભિંડરાંવાલેએ જાણે કોઈ પણ હદે જવાનો નિર્ણય લઈ લીધો હતો. અમુક પત્રકારોના મતે સંત જરનૈલસિંહે ક્યારેય ખાલિસ્તાનની રચનાની માગ કરી ન હતી. 1973માં તેમણે અકાલીદળ પાસે પસાર કરાવેલા આનંદપુર સાહેબના પ્રસ્તાવની વાત કરી હતી. પરંતુ આ પ્રસ્તાવમાં સ્વાયત્તાની વાત છે, અલગ રાષ્ટ્રની નહીં.

નિરંકારી સંપ્રદાયના વડા ગુરબચનસિંહ તથા પંજાબ કેસરીના તંત્રી લાલા જગત નારાયણની હત્યાથી ભિંડરાંવાલેની અલગ ઓળખ બની હતી. લાલા જગત નારાયણ નિરંકારી સંતના ટેકેદાર હતા.

ભિંડરાંવાલે જ્યારે દમદમી ટકસાલમાંથી નીકળીને સુવર્ણમંદિરમાં પહોંચી ગયા ત્યારે તેમને મળવા આવનારા લોકોની સંખ્યા અનેક ગણી વધી ગઈ. ત્યારપછી તેમને સેનાએ સૈન્ય કાર્યવાહીમાં ઠાર માર્યા ત્યાં સુધી તેઓ સુવર્ણમંદિરમાંથી બહાર આવ્યા ન હતા.

ઑપરેશન બ્લૂસ્ટારમાં ભિંડરાંવાલેના મૃત્યુનાં આટલાં વર્ષો પછી પણ ઘણા લોકો તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. જૂન 2003માં શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાલ તખ્તે કટ્ટરવાદી શીખ નેતા જરનૈલસિંહ ભિંડરાંવાલેને શહીદ ઘોષિત કર્યા હતા.

ઑપરેશન બ્લૂસ્ટાર

ભિંડરાંવાલે અને તેમના સાથીદારો સુવર્ણમંદિરમાં છુપાયેલા હતા ત્યારે હરમિંદર સાહિબ પરિસર પર ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી, જેને ઑપરેશર બ્લૂસ્ટાર નામ અપાયું હતું.

ઑપરેશન બ્લૂસ્ટારના કમાન્ડર મેજર જનરલ કે એસ બ્રારનું કહેવું હતું કે તેમને મળેલી માહિતી પ્રમાણે કટ્ટરવાદીઓ થોડા જ દિવસોમાં અલગ ખાલિસ્તાનની રચનાની જાહેરાત કરવાના હતા તેથી ઑપરેશન તાત્કાલિક કરવું જરૂરી હતું.

વર્ષ 1982માં ભિંડરાંવાલે ચોક મહેતા ગુરુદ્વારા છોડીને સુવર્ણમંદિર પરિસરમાં ગુરુ નાનક નિવાસ અને ત્યારપછી શીખોના સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાલ તખ્તમાંથી પણ પોતાના વિચારો વ્યક્ત કરવા લાગ્યા.

એપ્રિલ 1983માં પંજાબ પોલીસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એ. એસ. અટવાલને હરિમંદિર સાહેબ પરિસરમાં જાહેરમાં સેંકડો સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ઠાર મારવામાં આવ્યા.

તેઓ મંદિરમાં માથું ટેકવીને બહાર આવી રહ્યા હતા ત્યારે જ ગોળીબાર થયો હતો. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ કે. પી. એસ. ગિલની તપાસમાં જાણવા મળ્યું કે અટવાલના મૃત્યુ પછી બે કલાક સુધી તેમનો મૃતદેહ પડ્યો રહ્યો હતો.

પોલીસનું મનોબળ આટલી હદે નબળું પડી ગયું હતું. થોડા દિવસો પછી પંજાબ રોડવેઝની એક બસમાં ઘૂસીને બંદૂકધારીઓએ હિંદુ મુસાફરોને અલગ પાડીને ઠાર માર્યા. ત્યારબાદ ઇંદિરા ગાંધી સરકારે પંજાબમાંથી દરબારા સિંહની કૉંગ્રેસ સરકારને બરખાસ્ત કરી દીધી અને રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું.

1984માં ઑપરેશન બ્લૂસ્ટાર કરવામાં આવ્યું તેનાથી ત્રણ મહિના પહેલા પંજાબમાં વિવિધ હિંસક ઘટનાઓમાં 298 લોકો માર્યા ગયા હતા.

ઑપરેશન બ્લૂસ્ટાર અગાઉ ઇંદિરા ગાંધી સરકાર અને અકાલી નેતાઓ વચ્ચે ત્રણ વખત વાતચીત થઈ હોવાનું કહેવાય છે. છેલ્લે ફેબ્રુઆરી 1984માં હરિયાણામાં શીખો વિરુદ્ધ હિંસા થઈ ત્યારે વાતચીત પડી ભાંગી.

પહેલી જૂને સુવર્ણમંદિર પરિસર અને તેની બહાર તૈનાત સીપીઆરએફ વચ્ચે ગોળીબાર થયો હતો. સુવર્ણમંદિર પરિસરમાં હથિયારોથી સજ્જ જરનૈલસિંહ, કોર્ટ માર્શલ થયેલા મેજર જનરલ સુભેગ સિંહ અને શીખ સ્ટુડન્ટ ફેડરેશનના લડવૈયાઓએ ચારેબાજુએ મોરચાબંધી કરી હતી.

ત્રીજી જૂને ગુરુ અર્જુન દેવનો શહીદીદિવસ હતો તેથી બીજી જૂનથી જ પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓએ આવવાનું શરૂ કરી દીધું હતું.

આવી સ્થિતિમાં સરકારે સુવર્ણમંદિરમાં સૈન્ય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. તે અગાઉ પંજાબ આવતી-જતી તમામ ટ્રેનો અને બસો બંધ કરવામાં આવી, ફોન કનેક્શન બંધ કરાયાં, વિદેશી મીડિયાને રાજ્યમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું.

3 જૂને સાંજે ભારતીય સેનાએ સુવર્ણમંદિર પરિસરને ઘેરી લીધું અને ચોથી જૂને ગોળીબાર શરૂ કર્યો. સૈન્ય કમાન્ડર કે. એસ. બ્રારના જણાવ્યા મુજબ કટ્ટરવાદીઓએ એવો જોરદાર મુકાબલો કર્યો કે પાંચમી જૂને સેનાએ બખ્તરબંધ ગાડીઓ અને ટેન્કનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો.

ત્યારપછી થયેલા જંગમાં બંને તરફે ભારે ખુવારી થઈ અને અકાલ તખ્તને ભારે નુકસાન થયું. ભારત સરકારના શ્વેતપત્ર પ્રમાણે આ કાર્યવાહીમાં 83 સૈનિકો માર્યા ગયા હતા અને 493 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં હતાં.

સરકારે 1592 ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. જોકે આ આંકડા વિવાદાસ્પદ છે અને વાસ્તવિક મૃત્યુઆંક ઘણો મોટો હોવાનું માનવામાં આવે છે.

ઇંદિરા ગાંધીની હત્યા

ઑપરેશન બ્લૂસ્ટારના કારણે શીખ સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી. સરકારે આવી કાર્યવાહી કરવાની જરૂર શા માટે પડી તે અંગે સવાલ કરવામાં આવ્યા.

ઘણા વરિષ્ઠ શીખોએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપ્યાં અથવા સરકારે આપેલાં સન્માન પરત કરી દીધાં.

થોડા જ મહિના પછી 31 ઑક્ટોબરે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના બે અંગરક્ષકોએ જ તેમની હત્યા કરી. દિલ્હીમાં શીખવિરોધી તોફાનો ફાટી નીકળ્યાં, જેમાં સેંકડો નિર્દોષ શીખોની હત્યા કરવામાં આવી. જેના કારણે શીખો અને કૉંગ્રેસ પક્ષ વચ્ચે મોટી ખાઈ પેદા થઈ.

ઍર ઇન્ડિયાના વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાયું

ખાલિસ્તાન આંદોલન દરમિયાન ઘણી હિંસક ઘટનાઓ અને ઉગ્રવાદી કારનાનામાં થયાં હતાં. તેમાં કનિષ્ક વિમાનની ઘટના સામેલ છે, જેમાં મોન્ટ્રીયલથી નવી દિલ્હી જઈ રહેલા ઍર ઇન્ડિયાના વિમાન કનિષ્કને 23 જૂન 1985ના રોજ અધવચ્ચે હવામાં બૉમ્બથી ઉડાવી દેવાયું હતું.

આ ત્રાસવાદી ઘટનામાં 329 લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના કૅનેડિયન નાગરિકો હતા.

1984માં ભારતીય સેનાએ ભિંડરાંવાલે અને તેમના ટેકેદારોને સુવર્ણમંદિરમાંથી કાઢવા માટે ઑપરેશન બ્લૂસ્ટાર હાથ ધર્યું હતું, જેના વિરોધમાં આ વિમાનને ઉડાવી દેવાયું હોવાનું માનવામાં આવે છે. શીખ અલગાવવાદી જૂથ બબ્બર ખાલસાના સભ્યોને આની પાછળ જવાબદાર ગણવામાં આવે છે.

કેપીએસ ગિલનું આગમન અને ખાલિસ્તાની ચળવળનો ખાત્મો

પંજાબમાં ઉગ્રવાદ ચરમસીમાએ હતો અને તે અંકુશમાં નહીં આવે તે લાગતું હતું ત્યારે પંજાબ પોલીસના ભૂતપૂર્વ વડા કે. પી. એસ. ગિલે ખાલિસ્તાન તરફી ચળવળની કમર તોડી નાખી હતી.

પંજાબમાં ઉગ્રવાદને ખતમ કરવાનું શ્રેય ગિલને આપવામાં આવે છે જેઓ 2017માં 82 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. કેપીએસ ગિલને સુપરકોપ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

જોકે પંજાબમાં ઉગ્રવાદને કચડી નાખવામાં માનવાધિકારના કાયદાનું ગંભીર ઉલ્લંઘન થયું હોવાના આરોપો થયા હતા.

આ ઉપરાંત બનાવટી ઍન્કાઉન્ટરના કેટલાક કેસ પણ ન્યાયાલય સુધી પહોંચ્યા હતા. મે 1988માં ગિલે ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ સામે ઑપરેશન બ્લૅક થંડરની કમાન સંભાળી હતી જેમાં તેમને ઘણી સફળતા મળી હતી.

વિદેશમાં ખાલિસ્તાન તરફી જૂથો

કૅનેડામાં ખાલિસ્તાન તરફી સૂર હજુ સાંભળવા મળે છે. અહીં મોટી સંખ્યામાં શીખો વસે છે અને કેટલાક વિસ્તારો એવા લાગે છે જાણે તમે જલંધર કે લુધિયાણામાં ફરી રહ્યા હોવ.

અહીં ખાલિસ્તાનની ચળવળના સમર્થકો હજુ પણ મળી આવે છે. દર વર્ષે વૈશાખીના તહેવાર નિમિત્તે શીખ સમુદાયો દ્વારા સમારોહ યોજાય છે જ્યાં શીખ ઉગ્રવાદીઓને શહીદોનો દરજ્જો આપીને તેમને યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાલિસ્તાન તરફી નારા પણ લગાવવામાં આવે છે.

જાણકારોના કહેવા પ્રમાણે ભારતમાં ખાલિસ્તાન તરફી ચળવળ કચડી નાખવામાં આવી છે, પરંતુ ભારતની બહાર તે એક પ્રોપગેન્ડા તરીકે કામ કરે છે.

જોકે આવી વિચારધારા ધરાવતા લોકો કૅનેડામાં કેટલાંક ગુરુદ્વારા અને વિવિધ જૂથોને નિયંત્રિત કરે છે તેથી તેમની શક્તિને સાવ અવગણી શકાય નહીં.

2018માં પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દરસિંહે ટિપ્પણી કરી હતી કે કૅનેડાના સંરક્ષણમંત્રી હરજિત સજ્જન સહિત જસ્ટિન ટ્રુડો સરકારના પાંચ મંત્રીઓ ખાલિસ્તાન સમર્થકો છે. આ ટિપ્પણીથી ભારે વિવાદ થયો હતો. કૅનેડાના સંરક્ષણમંત્રી હરજિત સજ્જન ભારતના પ્રવાસે આવ્યા ત્યારે અમરિંદરસિંહે તેમને મળવા માટે સમય આપ્યો ન હતો.

અમરિંદરસિંહ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે એક વખત કૅનેડામાં તેમનો વિરોધ થયો હતો અને ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. 2015માં પંજાબમાં અકાલી દળની સરકારે દેશની જુદીજુદી જેલોમાં પુરાયેલા 30 ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓને મુક્ત કરવાની માગણી કરી હતી. તે સમયે વિરોધપક્ષ કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે હજુ પણ સરહદ પર ખાલિસ્તાની કૅમ્પ ચાલુ છે.

સુરક્ષા મામલાના નિષ્ણાત અજય સાહનીએ જણાવ્યું હતું કે ખાલિસ્તાન તરફી કેટલાક લોકોએ પાકિસ્તાનમાં શરણ લીધી છે તે હકીકત છે. પરંતુ તેઓ ભારતમાં સક્રિય હોવાના કોઈ પુરાવા નથી.

કૅનેડા ઉપરાંત અમેરિકા અને યુકેમાં પણ ખાલિસ્તાન તરફી ચળવળને ટેકો આપનારાં જૂથો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો