જ્યારે 21 શીખોએ દસ હજાર પઠાણોનો સામનો કર્યો હતો

    • લેેખક, રેહાન ફઝલ,
    • પદ, બીબીસી સંવાદદાતા

12 સપ્ટેમ્બર 1897ની સવારે આઠ વાગ્યે સારાગઢી કિલ્લાના સંત્રીએ અંદર દોડી જઈને ખબર આપી હતી કે હજારો પઠાણોનું લશ્કર ઝંડા અને નેજા લઈને ઉત્તર દિશામાંથી કિલ્લા તરફ આગળ વધી રહ્યા છે.

પઠાણોના લશ્કરની સંખ્યા 8,000થી 14,000 વચ્ચેની હતી. સંત્રીને અંદર બોલાવી લેવાયો અને સૈનિકોના નેતા હવલદાર ઈશેર સિંહે સિગ્નલ મૅન ગુરમુખ સિંહને આદેશ આપ્યો કે નજીકમાં આવેલા ફૉર્ટ લૉકહાર્ટમાં રહેલા અંગ્રેજ ઑફિસરોને તરત માહિતી પહોંચાડવી અને તેમને પૂછવું કે તેમના તરફથી શું આદેશ છે.

કર્નલ હૉટને હુકમ આપ્યો, "હોલ્ડ યૉર પોઝીશન." આ રીતે કિલ્લામાંથી ના હટવાનો આદેશ અપાયો હતો. એક કલાકમાં કિલ્લાને ત્રણેય બાજુથી ઘેરી લેવાયો. ઔરકઝઈ હુમલાખોરોમાંથી એક સૈનિક હાથમાં સફેદ ઝંડો લઈને કિલ્લાની તરફ આગળ વધ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

કિલ્લા પાસે આવીને તેણે બૂમ પાડીને કહ્યું, "તમારી સામે અમારો કોઈ ઝઘડો નથી. અમારી લડાઈ અંગ્રેજો સામે છે. તમારી સંખ્યા ઓછી છે, માર્યા જશો. અમારી સામે હથિયાર હેઠા મૂકી દો. અમે તમારો ખ્યાલ રાખીશું અને અહીંથી તમને સુરક્ષિત જવા દઈશું."

બાદમાં બ્રિટિશ ફૌઝના મેજર જનરલ જેમ્સ લન્ટે આ લડાઈનું વર્ણન કરતા લખ્યું હતું, "ઈશેર સિંહે પુશ્તો ભાષામાં જ સામો જવાબ આપ્યો. તેણે કડક ભાષામાં જ નહિ, ગાળો ભાંડીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ ભૂમિ અંગ્રેજોની નહીં, મહારાજા રણજીત સિંહની છે. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી તેનું રક્ષણ કરીશું."

'બોલે સો નિહાલ, સત શ્રી અકાલ'ના નારાથી સારાગઢી કિલ્લો ગુંજી ઉઠ્યો હતો.

શા માટે થઈ હતી સારાગઢીની લડાઈ

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમના સરહદી જિલ્લા કોહાટમાં આશરે 6000 ફૂટની ઊંચાઈએ સારાગઢીનો કિલ્લો આવેલો છે.

આ એવો ઈલાકો છે કે જ્યાં વસવાટ કરતા લોકો પર અત્યાર સુધી કોઈ પણ સરકાર અંકુશ રાખી શકી નથી.

અંગ્રેજોએ 1880માં અહીં ત્રણ ચોકી બનાવી હતી, જેનો સ્થાનિક ઔરકઝઈ કબીલાએ ભારે વિરોધ કર્યો હતો. તેના કારણે અંગ્રેજોએ ચોકીઓ ખાલી કરી દેવી પડી હતી.

1891માં અંગ્રેજોએ અહીં ફરી અભિયાન ચલાવ્યું હતું. રબિયા ખેલ સાથે સમજૂતિ થઈ અને તેમને ગુલિસ્તાં, લૉકહાર્ટ અને સારાગઢીમાં ત્રણ નાના કિલ્લા બનાવવાની મંજૂરી અપાઇ.

જોકે સ્થાનિક ઔરકઝઈ લોકોને આ વાત પસંદ પડી નહોતી. તેઓ કિલ્લાઓ પર વારંવાર હુમલો કરતા હતા, જેથી અંગ્રેજો ત્યાંથી ભાગી જાય.

3 સપ્ટેમ્બર, 1897ના રોજ પઠાણોના મોટા લશ્કરે આ ત્રણ કિલ્લાને ઘેરવાની કોશિશ કરી હતી, પણ કર્નલ હૉટને ગમે તેમ કરીને સ્થિતિ સંભાળી હતી.

પરંતુ 12 સપ્ટેમ્બરે ઔરકઝઈ લોકોએ ગુલિસ્તાં, લૉકહાર્ટ અને સારાગઢી ત્રણેય કિલ્લાને ઘેરી લીધા બાકીના બંને કિલ્લાને સારાગઢીથી અલગ પાડી દીધા.

'ફાયરિંગ રેન્જ'

ઔરકઝઈ લોકોએ પહેલું ફાયરિંગ 9 વાગ્યે કર્યું.

સારાગઢીની લડાઈ વિશે બ્રિગેડિયર કંવલજીત સિંહે 'ધ આઇકૉનિક બેટલ ઑફ સારાગઢી' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ કહે છે, "હવાલદાર ઈશેર સિંહે જવાનોને આદેશ આપ્યો કે હમણાં ગોળી ચલાવશો નહિ. પઠાણોને થોડે આગળ આવવા દો પછી તેના પર ફાયરિંગ કરીશું. એટલે કે 1000 ગજની 'ફાયરિંગ રેન્જ'માં આવે ત્યારે જ ફાયરિંગ કરવું."

"શીખ જવાનો પાસે સિંગલ શૉટ 'માર્ટિની હેનરી .303' રાઇફલો હતી, જેમાંથી એક મિનિટમાં 10 રાઉન્ડ ફાયરિંગ થઈ શકતું હતું. દરેક સૈનિક પાસે 400 ગોળીઓ હતી, 100 ખિસ્સામાં અને 300 રિઝર્વમાં. શીખોને પઠાણોને ફાયરિંગ રેન્જ સુધી આવવા દીધા અને પછી વીણી વીણીને તેમને મારવાનું શરૂ કર્યું."

પઠાણોનો પહેલો હુમલો નિષ્ફળ

પ્રથમ એક કલાકમાં જ પઠાણોના 60 સૈનિકો માર્યા ગયા, જ્યારે શીખોમાં સિપાહી ભગવાન સિંહનું મોત થયું હતું. નાયક લાલ સિંહ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

પઠાણોનો પહેલો હુમલો નિષ્ફળ ગયો હતો. તેઓ આમતેમ દોડભાગ કરતા રહ્યા. જોકે શીખો પર ગોળીઓ છોડવાનું બંધ નહોતું કર્યું.

શીખો પણ સામો બરાબરનો જવાબ આપી રહ્યા હતા. જોકે હજારોની સંખ્યામાં ફાયરિંગ થતું હોય તેની સામે 21 શીખો રાઇફલોની શી વિસાત? કેટલો સમય ટકી શકાય?

પઠાણોએ ઘાસમાં આગ લગાવી

દરમિયાન ઉત્તર દિશામાંથી ભારે પવન ફૂંકાયો તેનો લાભ પઠાણોએ ઉઠાવ્યો. તેઓએ ઘાસમાં આગ લગાવી લીધી, તેની જવાળાઓ કિલ્લાની દિવાલો તરફ આગળ વધવા લાગી.

ચારે બાજુ ધૂમાડો ફેલાયો તેનો લાભ લઈને પઠાણો કિલ્લાની દિવાલની બહુ નજીક આવી ગયા. જોકે શીખો બરાબર નિશાન લઈને અચૂક ગોળીબાર કરી રહ્યા હતા, એટલે પઠાણો ફરી પાછું હટવું પડ્યું.

આ બાજુ શીખોની ટુકડીમાં પણ ઘાયલોની સંખ્યા વધી રહી હતી. સિપાહી બૂટા સિંહ અને સુંદર સિંહ વીરગતિ પામ્યા હતા.

ગોળીઓ બચાવીને રાખવાનો આદેશ

સિગ્નલમેન ગુરમુખ સિંહે સતત કર્નલ હૉટનને સાંકેતિક ભાષામાં સંદેશો મોકલી રહ્યા હતા કે પઠાણો વધુ એક હુમલો કરવાની તૈયારીમાં છે અને અમારી પાસે ગોળીઓ ખતમ થઈ રહી છે.

કર્નલે જવાબ આપ્યો કે આડેધડ ગોળીઓ ના ચલાવશો. દુશ્મનને ગોળી લાગશે તેની ખાતરી હોય ત્યારે જ ગોળીઓ ચલાવવી. અમે કોશિશ કરીએ છીએ કે તમારી સુધી મદદ પહોંચાડી શકાય.

અમરિંદર સિંહે પોતાના પુસ્તક 'સારાગઢી એન્ડ ધ ડિફેન્સ ઑફ ધ સામના ફોર્ટ'માં લખ્યું છે કે, "લૉકહાર્ટ કિલ્લામાંથી રૉયલ આયરિશ રાઇફલ્સના 13 જવાનો સારાગઢીમાં રહેલા સૈનિકોને મદદ કરવા માટે આગળ વધ્યા હતા."

"જોકે તેમને તરત ખ્યાલ આવી ગયો કે તેમની સંખ્યા એટલી ઓછી છે કે 1000 ગજના અંતરેથી તેઓ ફાયરિંગ કરશે તો પણ પઠાણો પર તેની કોઈ અસર નહિ થાય."

"તે લોકો નજીક જશે તો પઠાણોની લાંબી નાળવાળી 'જિઝેલ' અને ચોરેલી મેટફોર્ડ રાઇફલનો આસાનીથી શિકાર બની જશે. તેથી તેઓ કિલ્લામાં પાછા ફર્યા."

પઠાણોએ કિલ્લાની દિવાલમાં ગાબડું પાડ્યું

આ બધી ધમાલ વચ્ચે પઠાણોએ મુખ્ય કિલ્લાની ડાબી બાજુની દિવાલની બરાબર નીચે સુધી પહોંચી ગયા હતા.

તેમણે પોતાના ધારદાર છુરાઓથી દિવાલોમાં પથ્થરો વચ્ચેનું પ્લાસ્ટર તોડવાનો શરૂ કરી દીધું.

આ બાજુ ઈશેર સિંહ પોતાના ચાર લોકોને કિલ્લાના મુખ્ય હૉલમાં લઈ આવ્યા. તેઓ પોતે ઉપરથી ફાયરિંર કરતા રહ્યા હતા.

જોકે પઠાણો કિલ્લાની દિવાલમાં નીચે સાત ફૂટનું ગાબડું પાડવામાં સફળ થઈ ગયા હતા.

બ્રિગેડિયર કંવલજીત સિંહ કહે છે, "પઠાણોએ એક બીજા ચાલાકી કરી. તેમણે પલંગ ઉઠાવ્યા અને પોતાના માથે રાખીને આગળ વધ્યા. તેના કારણે શીખો તેમનું નિશાન લઈ શકતા નહોતા. કિલ્લાની બનાવટમાં એક ખામી હતી, તેનો પણ ફાયદો તેમણે ઉઠાવ્યો."

"તેઓ એવા ખૂણે પહોંચી ગયા, જ્યાંથી કિલ્લામાં ગાબડું પાડતી વખતે તેમને ઉપરથી કોઈ જોઈ શકે નહિ. ફોર્ટ ગુલિસ્તાંના કમાન્ડર મેજર દે વોએ પોતાની જગ્યાથી આ બધુ જોઈ રહ્યા હતા."

"તેમણે સારાગઢીના જવાનોને ઘણા સિગ્નલ મોકલ્યા, પણ સિગ્નલમેન ગુરમુખ સિંહ લૉકહાર્ટમાંથી આવી રહેલા સિગ્નલો વાંચવામાં જ વ્યસ્ત હતા. તેથી આ સિગ્નલો તરફ તેમનું ધ્યાન ગયું નહોતું."

મદદ માટેની કોશિશો નકામી ગઈ

લાન્સ નાયક ચાંદ સિંહ સાથે મુખ્ય બ્લૉકમાં રહેલા ત્રણેય જવાનો સાહિબ સિંહ, જીવન સિંહ અને દયા સિંહ માર્યા ગયા.

ચાંદ સિંહ એકલા રહી ગયા એટલે ઈશેર સિંહ અને બાકી વધેલા સાથીઓ તેમની કિલ્લાની સુરક્ષા માટેની જગ્યા છોડીને મુખ્ય બ્લૉકમાં તેમની પાસે આવી ગયા.

ઈશેર સિંહે હુકમ કર્યો કે પોતાની રાઈફલોમાં સંગીન પણ લગાવી દો. કિલ્લામાં પાડેલા ગાબડામાંથી જે પણ પઠાણ અંદર આવે તેને કાંતો ગોળીએથી ઠાર કરવો નહિ તો સંગીન ભોંકીને મારવો.

જોકે બહારની તરફ કિલ્લાનું રક્ષણ કરવા માટે હવે કોઈ શીખ સિપાહી નહોતા એટલે પઠાણો વાંસડાની નિસરણી લગાવીને ઉપર ચડી ગયા.

અમરિંદર સિંહ લખે છે, "આ ઇલાકામાં હજારો પઠાણો હોવા છતાં લેફ્ટનન્ટ મન અને કર્નલ હૉટન ફરી એકવાર પોતાના 78 સૈનિકોને લઈને સારાગઢી નજીક પહોંચ્યા. અંદર ઘેરાઈ ચૂકેલા પોતાના સાથીઓને બચાવવા માટે ફાયરિંગ શરૂ કરી દીધું, જેથી પઠાણોનો ધ્યાનભંગ થાય."

"તેઓ કિલ્લાથી ફક્ત 500 મિટર દૂર હતા ત્યારે તેમણે જોયું કે પઠાણો કિલ્લાની દિવાલ ઓળંગીને અંદર ઘૂસી ગયા છે. કિલ્લાના મુખ્ય દરવાજામાં આગ પણ લાગી હતી. હૉટનને અંદાજ આવી ગયો કે સારાગઢી કિલ્લો હાથમાંથી ગયો છે."

ગુરમુખ સિંહનો આખરી સંદેશ

દરમિયાન સિગ્નલ સંભાળી રહેલા ગુરમુખ સિંહે છેલ્લો સંદેશ મોકલ્યો કે પઠાણો મુખ્ય બ્લૉક સુધી પહોંચી ગયા છે.

તેમણે કર્નલ હૉટન પાસે સિગ્નલ આપવાનું છોડીને પોતાની રાઇફલ સંભાળવાની મંજૂરી માંગી. કર્નલે પોતાના છેલ્લા સંદેશમાં આ માટે તેમને મંજૂરી આપી દીધી.

ગુરમુખ સિંહે પોતાના હેલિયોને એક બાજુએ મૂકીને રાઇફલ ઉઠાવી અને મુખ્ય બ્લૉકમાં રહીને લડી રહેલા પોતાના બચી ગયેલા સાથીઓ પાસે પહોંચ્યા.

ત્યાં સુધીમાં ઈશેર સિંહ સહિતના શીખ ટુકડીના મોટા ભાગના જવાનો માર્યા ગયા હતા. પઠાણોની લાશો પણ ચારે બાજુ પડી હતી.

પઠાણોએ ગાબડું પાડ્યું હતું ત્યાં અને બળી ગયેલા મુખ્ય દ્વાર પાસે પણ પઠાણોની લાશો પડી હતી. આખરે નાયક લાલ સિંહ, ગુરમુખ સિંહ અને એક બિનસૈનિક દાદ ત્રણ જ બચ્યા હતા.

બહુ ખરાબ રીતે ઘાયલ થયેલા લાલ સિંહ ચાલી શકતા નહોતા. જોકે તેઓ હજી બેહોશ થયા નહોતા અને પડ્યા પડ્યા પણ પોતાની રાઇફલ ચલાવીને પઠાણોને ઠાર કરી રહ્યા હતા.

દાદે પણ ઉઠાવી રાઇફલ

બ્રિટિશ ફૌઝમાં એક અજીબ કાનૂન હતો કે ફૌઝ સાથે કામ કરનારા બિનસૈનિક માણસોએ બૂંદક ઉઠાવવી નહિ.

દાદનું કામ ઘાયલ થયેલાની સંભાળ લેવાનું, સિગ્નલના સંદેશા લઈ જવાનું, હથિયારોના ડબ્બા ખોલવાનું અને તેને સૈનિકો સુધી પહોંચાડવાનું હતું.

અંત નજીક આવવા લાગ્યો ત્યારે દાદે પણ રાઇફલ ઉઠાવી લીધી. મોત પામતા પહેલાં તેણે પણ પાંચ પઠાણોને ગોળીથી ઠાર કર્યા કે તેના પેટમાં સંગીન ભોંકી દીધી હતી.

અમરિંદર સિંહ લખે છે, "છેલ્લે ગુરમુખ સિંહ એકલા બચ્યા. તેમણે જવાનોના સુવાની જગ્યા હતી, ત્યાં જઈને પોઝિશન લીધી હતી."

"ગુરમુખે એકલાએ ગોળીબારી કરીને ઓછામાં ઓછા 20 પઠાણોને ખતમ કર્યા હશે. પઠાણોએ લડાઈનો અંત લાવવા માટે આખા કિલ્લામાં આગ લગાવી દીધી હતી."

"'36 શીખ રેજિમેન્ટ'ના છેલ્લા જવાને પણ હથિયાર હેઠા મૂકવાને બદલે પોતાનો જીવ આપી દેવાનું પસંદ કર્યું હતું."

સરખા બળિયાની ના ગણાય તેવી આ લડાઈ લગભગ 7 કલાક ચાલી હતી. શીખોમાંથી 22, જ્યારે પઠાણોમાંથી 180થી 200 જેટલા માર્યા ગયા. ઓછામાં ઓછા 600 લોકો ઘાયલ થયા હતા.

લાકડાના દરવાજાને કારણે કિલ્લો જીતાયો

બ્રિગેડિયર કંવલજીત સિંહ કહે છે, "લડાઈ પછી સારાગઢી કિલ્લાની ડિઝાઇનમાં રહેલી અન્ય એક ખામી પણ સામે આવી."

"કિલ્લાનો મુખ્ય દરવાજો લાકડાનો બનાવેલો હતો. તેને મજબૂત કરવા માટે ખિલ્લા પણ લગાવાયા નહોતા."

"પઠાણોની 'જિઝેલ' રાઇફલોની સતત ગોળીબાર સામે તે ટકી શક્યો નહોતો અને તૂટી ગયો હતો."

"ત્રણ વાગ્યા સુધીમાં શીખોની બધી ગોળીઓ ખાલી થઈ ગઈ હતી. તે પછી આગળ આવી રહેલા પઠાણો સામે તેઓ સંગીનોથી જ લડતા રહ્યા હતા."

"પઠાણોએ કિલ્લાની દિવાલમાં જે ગાબડું પાડ્યું હતું, તે ત્યાં સુધીમાં મોટું થઈને 7 બાય 12 ફૂટનું થઈ ગયું હતું."

એક દિવસ પછી સાગાગઢીમાંથી ઔરકઝઈને ભગાડી દેવાયા

14 સપ્ટેમ્બરે કોહાટથી 9 માઉન્ટેન બેટરી અંગ્રેજોની મદદ કરવા માટે ત્યાં પહોંચી ગઈ હતી. તે વખતે પઠાણો હજીય સારાગઢી કિલ્લામાં હતા.

પઠાણો પર તોપથી ગોળા ફેંકવાનું શરૂ થયું. રિજ પર અંગ્રેજ સૈનિકોએ જોરદાર હુમલો કર્યો અને સારાગઢીને પઠાણોના કબજામાંથી છોડાવ્યું.

સૈનિકો કિલ્લાની અંદર ગયા ત્યારે તેમને લાલ સિંહની બહુ ખરાબ હાલતમાં પડેલી લાશ મળી હતી. બીજા શીખ સૈનિકો અને દાદના શબ પણ મળ્યા.

આ સમગ્ર લડાઈને લૉકહાર્ટ અને ગુલિસ્તાં કિલ્લામાં બેઠેલા અંગ્રેજ અફસરોએ જોઈ હતી.

જોકે પઠાણ એટલી મોટી સંખ્યામાં હતા કે તેઓની ઈચ્છા હોવા છતાંય તેઓ શીખોની મદદ કરવા જઈ શક્યા નહોતા.

આ વીર સૈનિકોની બહાદુરીને સૌ પ્રથમ લેફ્ટનન્ટ કર્નલ જૉન હૉટન પારખી શક્યા હતા. તેમણે સારાગઢી પોસ્ટ પર માર્યા ગયેલા પોતાના સાથીઓને સલામી આપી હતી.

બ્રિટિશ સંસદે ઊભા થઈને 21 સૈનિકોનું કર્યું સન્માન

આ લડાઈ દુનિયાની સૌથી વધુ 'લાસ્ટ સ્ટેન્ડ્સ'માં સ્થાન પામે છે. આ શીખોના બલીદાનની ખબર લંડન પહોંચી ત્યારે બ્રિટિશ સંસદનું સત્ર ચાલતું હતું.

બધા જ સાંસદોએ ઊભા થઈને આ 21 સૈનિકોને 'સ્ટેન્ડિંગ ઓવેશન' આપ્યું હતું.

'લંડન ગેઝેટ'ના 11 ફેબ્રુઆરી 1898ના અંક 26,937ના પાના નંબર 863 પર બ્રિટિશ સંસદનું નિવેદન પણ પ્રગટ થયું હતું, "સમગ્ર બ્રિટન અને ભારતને '36 શીખ રેજિમેન્ટ'ના આ સૈનિકો પર ગૌરવ છે. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે જે સેનામાં શીખ સિપાહી લડી રહ્યા હોય, તેને કોઈ હરાવી શકે નહિ."

21 શીખ સૈનિકોને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર

રાણી વિક્ટોરિયાને આ ખબર મળ્યા ત્યારે તેમણે બધા જ 21 સૈનિકોને ઇન્ડિયન ઑર્ડર ઑફ ધ મેરિટથી સન્માનિત કરવાનું નક્કી કર્યું.

આ તે વખતે ભારતીયોને અપાતું સૌથી મોટું વીરતા પદક હતું. તે વખતના વિક્ટોરિયા ક્રૉસ અને આજના પરમવીર ચક્રની બરાબરીનો તે એવોર્ડ હતો.

તે વખતે વિક્ટોરિયો ક્રૉસ માત્ર અંગ્રેજ સૈનિકોને અને તે માત્ર જીવિતને જ મળતો હતો.

છેક 1911માં જ્યૉર્જ પંચમે પહેલીવાર જાહેરાત કરી હતી કે ભારતીય સૈનિકોને પણ વિક્ટોરિયા ક્રૉસ આપવામાં આવશે.

આ સૈનિકોના વારસદારોને 500 રૂપિયા તથા આજના હિસાબે 50 એકર થાય તેટલી જમીનો સરકારે આપી હતી.

જોકે બિનસૈનિક એવા દાદને કશું મળ્યું નહોતું. તે 'એનસીઈ' (નૉન કૉમ્બેટન્ટ ઇનરોલ્ડ) હતો અને તેને હથિયાર ઉપાડવાની મંજૂરી નહોતી.

બ્રિટિશ સરકારનો આ બહુ મોટો અન્યાય હતો. કેમ કે સૈનિક ના હોવા છતાં દાદે પોતાની રાઇફલ અને સંગીનથી ઓછામાં ઓછા પાંચ પઠાણોને માર્યા હતા.

લડાઈ પછી મેજર જનરલ યીટમેન બિગ્સે કહ્યું હતું કે, "21 શીખ સૈનિકોની બહાદુરી અને શહાદતને બ્રિટિશ લશ્કરી ઇતિહાસમાં હંમેશ માટે સુવર્ણ અક્ષરે નોંધવામાં આવશે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો