કૉંગ્રેસ અધ્યક્ષે ભારતીય સેનાની માફી માગવી જોઈએઃ અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતા કહ્યું, "દેશ જ્યારે સામાન્ય ચૂંટણીઓ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે દેશના દરેક મતદાતાઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં છે."

"ત્યારે કૉંગ્રેસ પાર્ટીના વિદેશ વિભાગના કૉ-ઑર્ડિનેટર તેમજ ચૂંટણી જાહેરનામા સમિતિના સભ્ય સામ પિત્રોડાજીનું કાલે જે નિવેદન આવ્યું એ ઘણી ચિંતાઓ જન્માવનરું છે."

સામ પિત્રોડાની ટિપ્પી વિશે કહ્યું, "કેટલાક લોકોની હરકતોથી સમગ્ર દેશને દોષી ન માનવો જોઈએ એવું તેમણે કહ્યું."

આ મામલે અમિત શાહે કૉંગ્રેસ અધ્યક્ષ પર ચાબખા કર્યા, "કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે એ સ્પષ્ટ કરવું જોઈએ કે તમે આ પ્રકારના જઘન્ય હુમલાને સામાન્ય ઘટના માનો છો? કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે આ મુદ્દે જનતાને જવાબ આપવો જોઇએ."

"જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે કૉંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે."

ઈમરાનનો દાવો : પાક.ના 'રાષ્ટ્રીય દિવસ' પર મોદીએ શુભેચ્છા પાઠવી

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને 'પાકિસ્તાન દિવસ'ના અવસરે 'ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલા શુભેચ્છા સંદેશનું સ્વાગત કર્યુ છે.'

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદીએ તેમને શુભેચ્છા સંદેશ મોકલીને પાકિસ્તાનના લોકોને 'રાષ્ટ્રિય દિવસ'ની શુભેચ્છા પાઠવી છે.

ભારત સરકાર તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પાકિસ્તાને શુક્રવારે 'રાષ્ટ્રીય દિવસ' ઉજવ્યો હતો.

શુક્રવારે સવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું હતું કે ભારતીય પ્રતિનિધિ દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં યોજાનારા સમારોહમાં ભાગ લેશે નહીં.

રવિશકુમારે કહ્યું હતું કે ભારતનું વલણ સ્પષ્ટ છે કે જો પાકિસ્તાન ભારત પ્રશાસિત કાશ્મીરના અલગતાવાદીઓને આમંત્રણ આપે તો ભારત તેમા ભાગ લેશે નહીં.

આ દરમિયાન વિપક્ષે નરેન્દ્ર મોદી સામે સવાલ ઊઠાવ્યો છે કે 'શું ઈમરાન ખાનનો દાવો સાચો છે?'

પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને ટ્વિટ કરીને ભારતના વડા પ્રધાન તરફથી મળેલા સંદેશની જાણકારી આપી હતી.

તેમના મતે મોદીએ લખ્યું છે, "પાકિસ્તાનને રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવું છું. આ એવો સમય છે, જ્યારે દેશના લોકોએ ઉગ્રવાદ અને હિંસામુક્ત વાતાવરણમાં લોકશાહી ઢબે શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ધ ક્ષેત્ર માટે કામ કરવું જોઈએ."

કૉંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ સવાલ ઊઠાવતાં ટ્વિટ કર્યું છે કે, "હું આશા રાખું કે વડા પ્રધાન કાર્યાલય સ્પષ્ટ કરે કે ઈમરાન ખાન સાથે ટ્વીટનું આદાનપ્રદાન સાચું છે. ખાસ કરીને જ્યારે ભારત સરકાર તેમના કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે, ત્યારે દેશ એ જાણવા માગે છે..."

તમે આ વાંચ્યું કે નહીં?

દાહોદમાં ડીજે વગાડવા બાબતે તીરમારામાં બે વ્યક્તિ ઘાયલ

દાહોદ જિલ્લામાં ગરબાડાના પાટિયા ગામમાં હોળીના તહેવાર પર ડીજે વગાડવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે તીરમારો થયો હતો, જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે.

ઇજાગ્રસ્તોને દાહોદની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બંને જૂથો વચ્ચે સામસામે ફરિયાદ થતાં અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા હતા.

ગરબાડા તાલુકાના પાટીયા ગામમાં ડીજે વગાડવા બાબતે તકરાર થતાં પંચ ભેગું કરાયુ હતું.

જેમાં બોલાચાલી થતાં તીરમારો અને પથ્થરમારો થયો હતો. ગરબાડા પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.

ટ્રમ્પની ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસ પૂરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પના વર્ષ 2016ના ચૂંટણી અભિયાનમાં રશિયાની કહેવાતી દખલગીરીની તપાસ કરી રહેલા વકીલ રૉબર્ટ મુલરે પોતાનો રિપોર્ટ અમેરિકાના ન્યાય વિભાગને સોંપી દીધો છે.

આ રિપોર્ટ કેટલા અંશે અમેરિકાની સંસદમાં રજૂ થશે તેનો નિર્ણય ઍટર્ની જનરલ વિલિયમ બર્ર કરશે. અમેરિકાની સંસદને લખેલા પત્રમાં જણાવાયું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં મુખ્ય મુદ્દાઓની જાણકારી આપી શકે છે.

મુલર 22 મહિનાથી આ તપાસ કરી રહ્યા હતા. ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન સાંસદો તપાસ પર સવાલ ઊઠાવતા રહ્યા છે અને આને ટ્રમ્પને બદનામ કરવાનો કારસો ગણાવતા રહ્યા છે.

અમેરિકન સાંસદોની ન્યાયિક સમિતિએ સંસદને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બર્રે એ બાબતની ખાતરી આપી છે કે તપાસ દરમિયાન એવો કોઈ મુદ્દો નથી મળ્યો, જેમાં ન્યાય વિભાગે મુલરને કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હોય.

આ પહેલાં આ જ મહિનાની શરૂઆતમાં અમેરિકાની પ્રતિનિધિ સભાએ સર્વ સહમતીથી પ્રસ્તાવ મંજૂર કર્યો હતો કે મુલરનો સમગ્ર અહેવાલ જાહેર થવો જોઈએ.

તેમાં સંપૂર્ણ પારદર્શકતા હોવી જોઈએ અને વ્હાઇટ હાઉસની દખલ હોવી જોઈએ નહીં.

ઑસ્ટ્રેલિયામાં એક સાથે બે વાવાઝોડાંનો હુમલો થશે

ઑસ્ટ્રેલિયામાં એક સાથે બે વાવાઝોડાં 'ટ્રૅવર' અને 'વૅરોનિકા' ત્રાટકવાના હોવાથી લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે.

આ બંને જોખમી વાવાઝોડાંના પગલે હજારો લોકોએ પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે.

આ અઠવાડિયના અંત સુધીમાં ઉત્તરના પ્રદેશોમાં 'ટ્રૅવર' વાવાઝોડું ફૂંકાશે તો પશ્ચિમ કિનારે 'વૅરોનિકા'નો હુમલો થશે.

તે દરમિયાન તોફાની પવનો ફૂંકાવાની શક્યતા છે. તેમજ ભારે વરસાદ અને વિશાળ મોજાંના કારણે પૂરની સ્થિતી સર્જાવાની આશંકા છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ તોફાનોની ગંભીર અસરો થઈ શકે છે, તેથી લોકોને તૈયાર રહેવાના આદેશ અપાયા છે.

ઑસ્ટ્રેલિયાના ઈતિહાસમા આવું બીજી વખત જ બની રહ્યું છે કે એક સાથે બે વાવાઝોડાં એક જ સમયે ફૂંકાવાના હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો