સમજૌતા બ્લાસ્ટ કેસના ચુકાદો, પાકિસ્તાને કરી નિંદા

સમજૌતા બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ એનઆઈએ અદાલતે બુધવારે તમામ ચાર આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે.

અસીમાનંદ સિવાય આ મામલામાં લોકશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિંદર ચૌધરી પણ આરોપીઓ હતા.

પાકિસ્તાને સમજૌતા બ્લાસ્ટના આરોપીને છોડી મૂકવાના મામલે સખત વિરોધ નોંધાવ્યો છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બ્લાસ્ટનાં 11 વર્ષ બાદ પણ તમામ આરોપીઓનું નિર્દોષ જાહેર થવું એ વાત સાબિત કરે છે કે ભારતીય અદાલતોની વિશ્વનિયતા કેટલી ઓછી છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇસ્લામાબાદ સ્થિતિ ભારતીય હાઈકમિશનરને પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની ઑફિસ બોલાવીને પાકિસ્તાને પોતાની નારાજગી જણાવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું, "પાકિસ્તાને હંમેશાં આ કેસ વિશે ભારતને અમારી ચિંતાઓ વિશે જાણ કરી છે. આ કેસમાં ખાસ કોઈ પ્રગતિ થઈ નથી અને ભારત જાણી જોઈને આ મામલે જવાબદાર લોકોની મદદ કરી રહ્યું છે. જેમાં 44 નિર્દોષ પાકિસ્તાની નાગરિકનાં મોત થયાં હતાં."

આ મામલામાં કુલ 8 આરોપીઓ હતા, જેમાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

જોકે, અદાલતનું કહેવું છે કે ફરિયાદી પક્ષે લગાવેલા આરોપ સાબિત કરી શકાયા નથી, જેથી તમામ આરોપીઓને છોડવામાં આવી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇરાદો શું હતો?

18 ફેબ્રુઆરી 2007ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે અઠવાડિયામાં બે વખત ચાલતી 4001 અપ નંબરની ટ્રેન અટારી(સમજૌતા) એક્સ્પ્રેસમાં બે આઈઈડી ધડાકા થયા હતા, જેમાં 68 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટના રાત્રે 11.53 વાગ્યે દિલ્હીથી લગભગ 80 કિલોમિટર દૂર પાણીપતના દિવાના રેલવે સ્ટેશન પાસે ઘટી હતી.

ધડાકાને કારણે ટ્રેનમાં આગ લાગી જેનાથી મહિલાઓ અને બાળકો સહિત 68 લોકોનાં મૃત્યુ થયાં અને 12 લોકો ઘાયલ થયા હતા.

19 ફેબ્રુઆરીએ જીઆરપી/એસઆઈટી હરિયાણા પોલીસે ફરિયાદ દાખલ કરી અને લગભગ અઢી વર્ષ બાદ આ ઘટનાની તપાસની જવાબદારી 29 જુલાઈ 2010ના રોજ રાષ્ટ્રીય તપાસ ઍજન્સી એટલે કે એનઆઈએને સોંપવામાં આવી.

બાદમાં આ ઘટનાને અંજામ આપવાની તમામ વિગતો સામે આવી.

તો આવો જાણીએ આ કાવતરું કેવી રીતે ઘડાયું અને બ્લાસ્ટના દિવસે બૉમ્બ સમજૌતા એક્સ્પ્રેસ સુધી કઈ રીતે પહોંચ્યા.

તપાસમાં જાણવા મળ્યું કે અટારી એક્સ્પ્રેસ(સમજૌતા એક્સ્પ્રેસ) 18 ફેબ્રુઆરી 2007ના રોજ રાત્રે 10.50 મિનિટે દિલ્હીથી અટારી જવા માટે નીકળી હતી.

રાત્રે 11.53 વાગ્યે હરિયાણાના પાણીપત પાસે દિવાના સ્ટેશનથી પસાર થતી હતી ત્યારે બે જનરલ ડબ્બા(જીએસ 03431 અને જીએસ 14857)માં બૉમ્બ ધડાકા થયા અને આ ડબ્બામાં આગ લાગી ગઈ.

આ ઘટનામાં ચાર અધિકારીઓ સહિત કુલ 68 લોકોનાં મૃત્યુ થયાં અને 12 લોકો ઘાયલ થયા.

બ્લાસ્ટ બાદ આ જ ટ્રેનના અન્ય બે ડબ્બામાંથી બૉમ્બ ભરેલી સૂટકેસ મળી હતી. તેમાંથી એકને ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યો અને બીજાને નષ્ટ કરી દેવામાં આવ્યો.

શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે, આ સૂટકેસ મધ્ય પ્રદેશના ઇંદોરમાં આવેલી કોઠારી માર્કેટની અભિનંદન બૅગ સેન્ટરમાંથી 14 ફેબ્રુઆરી 2007ના રોજ ખરીદવામાં આવી હતી, એટલે કે હુમલાના બરાબર ચાર દિવસ પહેલાં.

એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું કે જે લોકોએ હુમલો કર્યો તેઓ દેશનાં વિવિધ મંદિરો પર થયેલા ઉગ્રવાદી હુમલાથી ભડકેલા હતા.

એમાં 24 સપ્ટેમ્બર, 2009ના રોજ થયેલો ગુજરાતનો અક્ષરધામ પરનો હુમલો, 30 માર્ચ અને 24 નવેમ્બર, 2002ના રોજ જમ્મુના રઘુનાથ મંદિરમાં થયેલા બે બ્લાસ્ટ અને વારાણસીના સંકટમોચન મંદિરમાં 7 માર્ચ 2006ના રોજ થયેલા બ્લાસ્ટનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન એ પણ સાબિત થયું કે નબ કુમાર સરકાર એટલે કે સ્વામી અસીમાનંદ, સુનીલ જોશી ઉર્ફે મનોજ ઉર્ફે ગુરુજી, રામચંદ્ર કલસાંગરા ઉર્ફે રામજી ઉર્ફે વિષ્ણુ પટેલ, સંદીપ દાંગે ઉર્ફે ટીચર, લોકેશ શર્મા ઉર્ફે અજય ઉર્ફે કાલી, કમલ ચૌહાણ, રમેશ વેંકટ મહાલકર ઉર્ફે અમિત હકલા, ઉર્ફે પ્રિન્સે અન્ય લોકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

એનઆઈએની પંચકુલામાં આવેલી ખાસ કોર્ટમાં ઉપરોક્ત આરોપીઓ બાબતે 2011થી 2012 વચ્ચે ત્રણ વખત ચાર્જશીટ ફાઈલ થઈ છે.

ઇંદોર, દેવાસ(મધ્ય પ્રદેશ), ગુજરાત, હરિયાણા, દિલ્હી. ઉત્તર પ્રદેશ, જમ્મુ, ઉત્તરાખંડ અને ઝારખંડનાં કેટલાંક શહેરોમાં વધુ વિગતે તપાસ કરવામાં આવી. સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકો સાથે પૂછપરછ કરવામાં આવી.

તપાસમાં આ સાબિત થયું

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ દેશના વિવિધ મંદિરો પર થયેલા ઉગ્રવાદી હુમલાથી ખૂબ ક્રોધિત હતા. બદલો લેવાની ભાવનાથી તેમણે આ કાવતરું ઘડ્યું હતું.

આ આરોપીઓ બૉમ્બ બ્લાસ્ટ કરવાના હેતુથી યોજના બનાવવા માટે દેશનાં વિવિધ શહેરોમાં મળતા હતા.

આ લોકોએ બૉમ્બ બનાવવાથી લઈને મધ્ય પ્રદેશ ને ફરીદાબાદની કર્ણીસિંહ શૂટીંગ રૅન્જમા પિસ્તોલ ચલાવવાં સુધીની તાલીમ લીધી હતી.

15 સપ્ટેમ્બર 2012ના રોજ આ મામલે રાજિંદર ચૌધરી નામની વ્યક્તિની ઇંદોરથી ધરપકડ કરવામાં આવી હતી. રાજિંદર ચૌધરી સાથે કમલ ચૌહાણ અને લોકેશ શર્માના નામ 2006માં માલેગાંવ કેસમાં પણ ખૂલ્યાં.

એ પણ બહાર આવ્યું કે રાજિંદર ચૌધરીએ આ આરોપીઓ સાથે જાન્યુઆરી 2006ના રોજ મધ્ય પ્રદેશના દેવાસમાં બૉમ્બ વિસ્ફોટ અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી.

ત્યારબાદ રાજિંદર ચૌધરી અને કમલ ચૌહાણે ડિસેમ્બર 2006ની આસપાસ પુરાની દિલ્હી રેલવે સ્ટેશનની રેકી કરી હતી. બંને ઇંદોર ઇંટરસિટી એક્સ્પ્રેસ દ્વારા નકલી નામ સાથે દિલ્હી પહોંચ્યા.

ત્યાંના સુરક્ષા બંદોબસ્તની તપાસ કરી. એ જ દિવસે તેઓ પરત જતા રહ્યા. તેમણે જણાવ્યું કે સુરક્ષા સઘન હોવાથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2007માં ફરી સ્ટેશનની રેકી કરી.

બ્લાસ્ટના દિવસે શું થયું હતું?

તપાસમાં જાણવા મળ્યું કે લોકેશ શર્મા અને રાજિંદર ચૌધરી 17 ફેબ્રુઆરીએ ઇંદોરમાં રમેશ ઉર્ફે અમિત હકલાના રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમની સાથે કમલ ચૌહાણ અને રામચંદ્ર કલસાંગરા પણ જોડાયા.

ત્યાર બાદ રામચંદ્ર કલસાંગરાએ લોકેશ શર્મા, અમિત હકલા, કમલ ચૌહાણ અને રાજિંદર ચૌધરીને નકલી નામોવાળી બે ટિકિટ અને આઈઈડી ભરેલી એક-એક બૅગ સોંપી દેવામાં આવી, જે બાદમાં સમજૌતા એક્સ્પ્રેસમાં મૂકી દેવામાં આવી.

જે રૂમમાં આ બૅગ ચારેય આરોપીઓને આપવામાં તે રૂમ રામચંદ્ર કલસાગરાએ ભાડે રાખી હતી તેમાં અમિત હકલા 2006-07થી રહેતાં હતાં.

આ એ જ રૂમ હતો જ્યાં આ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા અમિત હકલા અને કમલ ચૌહાણે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાના જ્વલનશીલ પદાર્થોને બૉટલમાં ભરીને તેને સીલ કરવાનું કામ પણ કર્યું હતું.

આ ચારેય આરોપીઓને રામચંદ્ર કસાંગરાએ જ પોતાની મારૂતિ વૅન કારમાં ઇંદોર સ્ટેશન પર ઊતાર્યા હતા.

ઇંદોરથી નીકળીને તેઓ 18 ફેબ્રુઆરીની સવારે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી લોકલ ટ્રેનમાં જૂના દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

જૂની દિલ્હીની ડૉર્મિટરીમાં રોકાયા

એટલું જ નહીં ચારેય આરોપી જૂની દિલ્હીની ડૉર્મિટરીમાં અલગ-અલગ રૂમમાં રોકાયા હતા. થોડી વાર ત્યાં આરામ કરીને તેઓ સૂટકેસ ત્યાં જ મુકીને બહાર પણ ગયા હતા. સાંજે તેઓ જ્યારે ડૉર્મિટરીમાં પરત ફર્યા ત્યારે રમેશ વેંકટ મહાલકર(અમિત હકલા)એ રાજિંદર ચૌધરીને દરવાજા પર નજર રાખવાનું કહ્યું. જેથી તેઓ બૉમ્બના ટાઇમર સેટ કરી શકે.

બીજી તરફ લોકેશ શર્માએ પણ બંને સૂટકેસના ટાઇમર લગાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં લોકોની હાજરીના કારણે તેઓ બૉમ્બ એક્ટિવેટ કરી શક્યા નહીં.

તેમણે અમિ હકલાને તેની જાણકારી આપી. પછી તેમણે ડૉરમેટ્રીની સીડિ પર સૂટકેસની અદલાબદલી કરી. ત્યાર બાદ લોકેશ શર્મા અને કમલ ચૌધરી સૂટકેસો સાથે પ્લેટફોર્મ પર ગયા અને સમજોતા એકસ્પ્રેસની સ્ટેશન પર આવવાની રાહ જોવા લાગ્યા.

બીજી તરફ અમિત હકલાએ સીડિ પર બદલેલી સૂટકેસમાં રાખેલા બૉમ્બના ટાઇમર સેટ કર્યા. પછી રાજિંદર ચૌધરી સાથે સમજોતા ટ્રેનના પ્લેટફૉર્મ પર ગયા.

પહેલાં સમજોતા એક્સપ્રેસ પ્લેટફૉર્મના એક ખૂણા પર મુકાઈ. અમિત હકલા અને રાજિંદર ચૌધરી તેમાં ચઢ્યા.

સ્ટેશન મુસાફરો અને તેમના સંબંધીઓથી ઠસાઠસ ભર્યું હતું.

અમુક ડબ્બામાંથી પસાર થતાં અમિત હકલા અને રાજિંદર ચૌધરીએ અલગ-અલગ જનરલ ડબ્બા પસંદ કર્યા. રાજિંદર ચૌધરીએ પોતાના ડબ્બામાં જઈને ઉપરની સામાનની રૅક પર સૂટકેસ મુકી દીધી. પછી તેઓ ટ્રેનમાંથી ઊતર્યા અને સામેના પ્લેટફૉર્મ પર ઊભેલી જયપુરની ટ્રેનમાં ચડી ગયા.

ત્યાર બાદ સમજોતા એક્સપ્રેસ પોતાના નિશ્ચિત સમય મુજબ અટારી જવા માટે નીકળી ત્યારે પાણીપત પાસે બ્લાસ્ટ થયા.

શીમલા કરારની દેન છે સમજોતા એક્સ્પ્રેસ

ભારતી અને પાકિસ્તાન વચ્ચે સમજોતા એક્સ્પ્રેસ ટ્રેનની શરૂઆત શિમલા કરાર બાદ 22 જુલાઈ 1976ના રોજ થઈ હતી.

ત્યારે આ ટ્રેન અમૃતસરથી લાહોર સુધી દરરોજ 52 કિલોમીટરની સફર કરતી હતી.

પંજાબમાં 1980ના દાયકામાં થયેલી અશાંતિ બાદ સુરક્ષાના કારણોસર ભારતીય રેલએ આ સેવાને અટારી સુધી સિમીત કરી દીધી. ત્યાં કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની મંજૂરી આપવામાં આવે છે.

જ્યારે આ સેવા શરૂ થઈ ત્યારે બંને દેશો વચ્ચે ટ્રેન દરરોજ ચાલતી, જેને 1994માં અઠવાડિયામાં બે વખત કરી નાખવામાં આવી.

ઘણી વખત ટકી સમજોતા એક્સ્પ્રેસ

પહેલી વખત આ ટ્રેનની સફર 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર હુમલા બાદ રોકી દાવામાં આવી હતી.

1 જાન્યુઆરી 2002થી 14 જાન્યુઆરી 2004 સુધી બંને દેશો વચ્ચે ટ્રેન નથી ચાલી.

ત્યાર બાદ 27 ડિસેમ્બર 2007ના રોજ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન બનઝીર ભુટ્ટોની હત્યા બાદ એક વખત ફરી આ ટ્રેન અટકાવી દેવાઈ.

8 ઓક્ટોબર 2012ના રોજ પોલિસ દિલ્હી આવતી આ ટ્રેનમાંથી વાધા બૉર્ડર પર 100 કિલો પ્રતિબંધિત હેરોઇન અને 500 રાઉન્ડ કારતૂસ પકડ્યા.

28 ફેબ્રુઆરી 2019ના રોજ ફરી બંને દેશો વચ્ચે રહેલાં તણાવના કારણે આ ટ્રેન અટકાવી દેવાઈ.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો