You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની ગોળા-બારુદથી રમતાં કાશ્મીરનાં બાળકો વિશે આપણે કેટલું જાણીએ છીએ
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા, નિયંત્રણ રેખાથી પાછા ફરીને
તે મારું સુરક્ષા જૅકેટને ધીમેથી સ્પર્શે છે અને બીજો હાથ આગળ વધારીને કહે છે 'આ જુઓ'. એની નાનકડી હથેળીમાં પાકિસ્તાન શેલિંગના તૂટેલા ટુકડા છે.
કાળા , દુર્ગંધ મારતા, લોખંડના એ ટુકડાઓને તે જીતના મેડલ તરીકે રજૂ કરે છે.
એના ચહેરા પર સ્મિત છે કેમ કે આજે એ સારી સંખ્યામાં શેલિંગના ટુકડાઓ વીણી શકી છે, એને આ રમતમાં અન્ય બાળકોને પરાસ્ત કરી દેવાની આશા છે.
હું એને શેલિંગના એ ટુકડાઓ ફેંકીને તરત સાબુથી હાથ ધોવા કહું છું. એક પોલીસ ઑફિસરે કહ્યું છે કે આ શેલિંગના ટુકડાઓમાંથી ખતરનાક સાબિત થઈ શકે એવો રાસાયણિક ગૅસ નીકળે છે.
તે હાથ ખેંચીને મુઠ્ઠી બંધ કરી લે છે. હું એને પૂછું છું, 'તને ડર નથી લાગતો?'
તો એ કહે છે 'હું મોટી થઈને પોલીસ બનીશ, બહાદુર બનીશ, મને શેનો ડર?'
નિયંત્રણ રેખા પાસે કલસિયા ગામના બાળકોનો પરિચય ગોળી, દારુગોળા અને તેનો ઉપયોગ કરનારા લોકો સાથે જ વધારે થાય છે.
તણાવ વધતા શાળા બંધ થઈ જાય છે. ખેતી અને મજૂરી સિવાય ભણતર પૂર્ણ કર્યા પછી નોકરીની શક્યતાઓ ખૂબ નહિવત્ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટાભાગે પરિવારમાંથી કોઈને કોઈ પોલીસ કે લશ્કરમાં નોકરી શોધે છે.
જમ્મુની પાસે રાજૌરી જિલ્લાના નૌશહરા સેક્ટરમાં અમે ઝીરો પોઇન્ટ પાસે છીએ. નિયંત્રણ રેખા પર બનેલાં ભારતીય કૅમ્પ અહીં દેખાય છે.
ખતરો ખૂબ નજીક છે અને અનેક લોકોએ શેલિંગમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. કલસિયા ગામના રતન લાલનાં પત્ની પણ એનો જ ભોગ બન્યાં હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
યુદ્ધનું મૂલ્ય
રતન લાલ કહે છે, "કોઈ ખેતીકામ કરે છે તો કોઈ અન્ય. જ્યારે શેલિંગ થાય છે ત્યારે જો પાસે શેલ્ટર હોય તો પણ ત્યાં પહોંચી શકાતું નથી. મારા પત્ની કૂવે પાણી ભરવાં ગયાં હતાં અને અચાનક જ્યારે શેલ પડ્યો તો એમનું સ્થળે જ મૃત્યુ થયું."
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સ્વજન ગુમાવ્યા બાદ પણ રતન લાલનો દીકરો હાલ લશ્કરમાં છે.
એમના મતે ભણતર યોગ્ય રીતે ન થવાનાં લીધે મજબૂરીમાં એમનાં બાળકોને ફોજમાં જવું પડે છે.
અશ્વિની ચૌધરી એમનાં પાડોશી છે. તેઓ કહે છે સતત પાકિસ્તાની શેલિંગનો ભય બાળકોના મન પર ઊંડી અસર નિપજાવે છે.
તેઓ કહે છે, "આ બાળકો આ સ્થિતિમાં પરીક્ષાની તૈયારી નથી કરી શકતાં. તમે વિચારો કે આ બાળકો દિલ્હી અને મુંબઈની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે? કયારેય ન કરી શકે."
તમે આ વાંચ્યું કે નહીં?
ઘરમાં કેદ
ત્યાં નજીકના ગનેહા ગામના રહેવાસી સુદેશ કુમારીના પુત્ર ફોજમાં છે અને શ્રીનગરમાં તહેનાત છે પરંતુ અહીં એમનું જીવન જંગનું મેદાન છે.
ઘરની દીવાલોમાં અનેક કાણાં પડી ગયાં છે અને ચારેકોર કાચ અને કાટમાળ વિખરાયેલા છે.
ગત સાંજે થયેલી 6 કલાકની શેલિંગનો ખોફ હજી તાજો જ છે.
દબાયેલા અવાજે તેઓ કહે છે, "બંકર પણ ધ્રૂજવા લાગ્યું હતું. બાળકો અને મોટા એમ બધા રડવાં માંડ્યાં હતાં. ગભરાઈ ગયા હતા. અમારી ચારેકોર શેલિંગ થઈ રહ્યું હતું. અમે બહાર નહોતા નીકળી શકતા."
સુદેશ આ માહોલમાં પોતાને ઘરમાં કેદ સમજે છે. મોટાભાગની સ્ત્રીઓ તણાવ વધતાં ઘર છોડીને જવામાં ખચકાટ અનુભવે છે.
નાનાં બાળકોની ખાન-પાનની જરુરિયાતો અને પશુઓની દેખભાળ સિવાય શાળામાં બનાવવામાં આવતાં રાહત કૅમ્પમાં અજાણ્યા લોકોની વચ્ચે રહેવું મુશ્કેલ હોય છે.
બંકરનો ઇંતેજાર
સુદેશ ભાગ્યશાળી છે કે એમનાં ગામમાં બંકર બનેલાં છે. રતન લાલ સહિત અનેક ગામોના લોકોના નસીબમાં એ પણ નથી.
ગત વર્ષે ઑગસ્ટમાં ગૃહ મંત્રાલયે સરહદી ગામોમાં 14,000 બંકર બનાવવાનું એલાન કર્યું હતું પરંતુ તેમાંથી ફકત 1,500 જ બની શકયાં છે.
રતન લાલના ગામ સહિત અનેક હજી એની રાહ જુએ છે.
આગામી ત્રણ મહિનામાં બાકી બંકર બનાવવાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે એવું જમ્મુના ડિવિઝનલ કમિશનર સંજીવ વર્મા જણાવે છે.
બંકર સુરક્ષા તો આપે છે પરંતુ લાંબા સમય માટે એમાં રહેવું પણ સહેલું નથી. મોટાભાગે એક બંકરમાં ડઝનેકથી વધારે લોકો સંતાય છે.
જો બંકરમાં પાણી ભરાઈ જાય તો ભેજ અને ગૂંગળામણ થઈ શકે છે. સુદેશના ઘર પાસેના બંકરમાં પણ એવું જ થયું છે.
સુદેશ લગ્ન પછી અહીં આવ્યાં હતાં. 35 વર્ષ નિયંત્રણ રેખા પર ખતરાની વચ્ચે રહેવાનો રંજ તો નથી પણ તેઓ થાકી ગયાં છે.
તેઓ કહે છે 'શાંતિ આવે તો પાછા જવાની ઉતાવળમાં ન હોય અને બાળકો ગોળા-બારુદથી નહીં પરંતુ ફરી પુસ્તકો સાથે રમી શકે એવા દિવસનો ઇંતેજાર છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો