You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Balakot : ભારતે પાકિસ્તાનમાં કરેલા હવાઈ હુમલાની આ અસલી તસવીરો છે?
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયામાં કેટલીક એવી તસવીરો ફરી રહી છે, જેના પર દાવો કરાયો છે કે પાકિસ્તાનના આ સ્થળોએ ભારતીય વિમાનોએ બૉમ્બ ફેંક્યા હતા.
ભારતનું કહેવું છે કે તેણે પાકિસ્તાનના બાલાકોટ સ્થિત ઉગ્રપંથી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના ટ્રેનિંગ કૅમ્પસ ઉપર નિશાન સાધ્યું હતું, જેમાં કેટલાક ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.
ભારતનો દાવો છે કે આ એક પૂર્વાયોજિત હવાઈ હુમલો હતો, જે બચાવ માટે કરવામાં આવ્યો હતો, કારણ કે 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા ભારતમાં કેટલાક સ્થળોએ આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા.
આ પહેલાં તા. 14મી ફેબ્રુઆના દિવસે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા ખાતે ભારતના અર્ધ-લશ્કરી દળ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા ઉપર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 સૈનિકનાં મૃત્યુ થયાં હતાં.
આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા લેવામાં આવી હતી.
ભારતીય સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે, પાકિસ્તાનનમાં ઍર સ્ટ્રાઇકથી કેટલી ક્ષતિ થઈ, તેના પુરાવા છે, પરંતુ તેને બહાર પાડવા કે નહીં, તેનો નિર્ણય સરકારે કરવાનો છે.
ભારત દ્વારા ઔપચારિક રીતે કોઈ તસવીર બહાર પાડવામાં નથી આવી, પાકિસ્તાન દ્વારા અમુક તસવીરો બહાર પાડવામાં આવી હતી, સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતના હુમલામાં કોઈ ખાસ નુકસાન નથી થયું.
ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આવા અનેક વિરોધાભાસી દાવાઓ સાથે અનેક તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરોને જોઈને એવું લાગે કે ભારતીય હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા ઉપર આ તસવીરો હજારો-લાખો વખત શૅર થઈ હતી, પરંતુ બીબીસી ફૅક્ટ ચેક ટીમની તપાસમાં બહાર આવ્યું હતું કે આ તસવીરો બનાવટી છે.
તસવીર - 1
આ તસવીરની સાથે દાવો કરવામાં આવ્યો છે કે ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારે તારાજી થઈ હતી.
આ તસવીરને જોઈને એવું લાગે છે કે ત્યાંના ઘર તથા અન્ય ઇમારત સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
વાસ્તવિક્તામાં આ તસવીરને ભારત-પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવ સાથે કોઈ લેવા-દેવા નથી.
આ એક જૂની તસવીર છે. પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વર્ષ 2005માં આવેલાં ભૂકંપ બાદની તારાજીની આ તસવીર છે.
રિપોર્ટ્સ મુજબ એ ભૂકંપમાં 75,000 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. (વાંચવા માટે અહીં ક્લિક કરો )
સમાચાર સંસ્થા એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ)એ આ તસવીર તા. 10 ઑક્ટોબર 2005ના દિવસે પ્રકાશિત કરી હતી. (વાંચવા માટે અહીં ક્લિક કરો )
તસવીર : 2
આવી જ એક તસવીર કેટલાક વૉટ્સઍપ ગ્રૂપ્સ તથા દક્ષિણપંથી ફેસબુક પેજીસ જેમ કે, 'આઈ સપોર્ટ અમિત શાહ' ઉપર શૅર થઈ રહી છે.
આ તસવીરમાં ભારે તારાજી દેખાડવામાં આવી છે, પરંતુ વાસ્તવિક્તામાં એ જ ભૂકંપની છે.
ફોટો જર્નાલિસ્ટ પૉલા બ્રૉન્સટાઇન આ તસવીર ખેંચી હતી અને તે ફોટો એજન્સી ગૅટી ઇમેજીસ ઉપર ઉપલબ્ધ છે. (મૂળ તસવીર જોવા માટે અહીં ક્લિક કરો.)
તસવીર-3
આ જ સંબંધમાં અન્ય એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થઈ છે.
બાલાકોટમાં વર્ષ 2005માં આવેલા ભૂકંપ દરમિયાન આ તસવીર લેવામાં આવી હતી.
સમાચાર સંસ્થા એએફપીના ફોટોગ્રાફર ફારુખ નઇમે આ તસવીર લીધી હતી. (મૂળ તસવીર જોવા માટે અહીં ક્લિક કરો )
તસવીર -4
આ તસવીર પણ વ્યાપકપણે શૅર થઈ રહી છે. તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય હવાઈ હુમલામાં જે લોકો માર્યા ગયા, આ તેના જનાજા છે.
સમાચાર સંસ્થા રૉઇટર્સના અહેવાલ મુજબ વર્ષ 2014માં ભારત-પાકિસ્તાન સરહદ પર 'બિટિંગ રિટ્રીટ' કાર્યક્રમ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, જેમાં 57 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ તેમના જનાજાની તસવીર છે. (મૂળ અહેવાલ જોવા માટે અહીં ક્લિક કરો )
રાણા સાજિદ હુસૈને ખેંચેલી આ તસવીર ગૅટી ઇમેજિસ ઉપર પણ ઉપલબ્ધ છે. (તસવીર જોવા માટે અહીં ક્લિક કરો )
આ સિવાયની પણ કેટલીક તસવીરો અમને મળી છે, જેને ભારતીય હવાઈ હુમલા સાથે જોડીને દર્શાવવામાં આવી રહી છે.
આ તસવીરો કોઈ ઉગ્રપંથી હુમલાની કે કુદરતી આપદા સમય સાથે સંકળાયેલી છે, પરંતુ તે તસવીરો એટલી બીભત્સ છે કે તેને અમે નથી દર્શાવી રહ્યા. (જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો