'પુલવામા હુમલા બાદ 36 ઉગ્રવાદી માર્યા ગયા', શું છે હકીકત? : ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

દાવો : પુલવામા હુમલા બાદ શરૂ થયેલી ભારતીય સેનાની ખુફિયા સ્ટ્રાઇકમાં 36 કાશ્મીરી ઉગ્રવાદી માર્યા ગયા છે.

આ દાવા સાથે એક બીભત્સ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહી છે. તસવીરમાં ડઝન જેટલા મૃતદેહ એક દીવાલ પાસે જમીન પર પડેલા દેખાય છે.

જમણેરી ઝોક ધરવતાં ફેસબુક ગ્રૂપ્સમાં આ તસવીરને ભારતીય સેનાના હવાલાથી શૅર કરાઈ રહી છે.

એ વાત સાચી છે કે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ)ના કાફલા ઉપર થયેલા આત્મઘાતી હુમલામાં 45થી વધારે ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટના બાદ સૈન્યના ઑપરેશનમાં ભારતીય સેનાના કેટલાક ઉગ્રવાદી માર્યા ગયા.

પુલવામામાં થયેલી ભારતીય સેનાની કાર્યવાહીમાં ત્રણ ઉગ્રાવદીઓનાં ઍનકાઉન્ટર કરાયાં હતાં.

પણ '36 કાશ્મીરી ઉગ્રવાદીઓ'ની સોશિયલ મીડિયામાં શૅર થઈ રેહલી તસવીરનો હકીકતમાં પુલવામા ઘટના સાથે સંબંધ નથી.

હકીકતમાં આ તસવીર પાકિસ્તાનની છે અને પહેલાં પણ અલગ સંદર્ભ સાથે સોશિયલ મીડિયા ઉપર શૅર થતી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વાઇરલ તસવીરની હકીકત

રિવર્સ ઇમેજ સર્ચમાં જાણવા મળે છે કે આ તસવીર 19 ડિસેમ્બર 2014ની છે. આ તસવીર ફોટો એજન્સી એએફપીના ફોટોગ્રાફર બાસિત શાહે ક્લિક કરી હતી.

ફોટો એજન્સી પ્રમાણે તસવીરમાં જે શબ દેખાઈ રહ્યા છે એ તાલિબાન લડાકુઓ છે, જેમણે પાકિસ્તાની ફોજે ઉત્તર-પશ્ચિમ હંગુ પ્રાંતમાં માર્યા હતા.

પાકિસ્તાનની ફોજે આ કાર્યવાહી આર્મી દ્વારા સંચાલિત એક સ્કૂલ પર થયેલા હુમલાના જવાબમાં કરી હતી.

પેશાવર સ્થિત એક સ્કૂલ પર થયેલા હુમલામાં 132 બાળકો સહિત કુલ 141 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સર્જિકલ સ્ટ્રાઇક

આ જ તસવીર વર્ષ 2016માં પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

એ વખતે દાવો કરાતો હતો કે ભારતીય સેનાએ લાઇન ઑફ કંટ્રોલ પાસે સર્જિકલ સ્ટ્રાઇક કરીને ઘણા ઉગ્રવાદીઓને માર્યા હતા.

ભારત સરકાર દાવો કરે છે કે ભારત પ્રશાસિત કાશ્મીરના ઉરી સ્થિત આર્મી બેસ પર ઉગ્રાવદીઓ હુમલા બાદ ભારતીય ફોજે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જઈને ઉગ્રવાદીઓના ઠેકાણાને નિશાન બનાવ્યું હતું.

આઈએસના લડાકુ

ઇન્ટરનેટ પર કેટલાક એવા બ્લૉગ પણ મળે છે જેમાં આ તસવીરને કુર્દ પશમર્ગા ફોર્સના હાથે માર્યા ગયેલા આઈએસ (ઇસ્લામિક સ્ટેટના) લડાકુઓની તસવીર કહેવાય છે.

એક બ્લૉગમાં દાવો કરવામાં આવ્યો છે કે કુર્દ પશમર્ગા ફોર્સે 6 કલાક ચાલેલી લડાઈમાં તથાકથિત ઉગ્રવાદી સંગઠનના 120 લડાકુઓને માર્યા.

કુર્દ પશમર્ગા ફોર્સે ઉત્તર ઇરાકમાં આઈએસના લડાકૂઓને ટક્કર આપી હતી.

રસપ્રદ વાત છે કે આ જ તસવીર ફેબ્રુઆરી 2015માં ઇજિપ્તમાં પણ વાઇરલ થઈ ચૂકી છે.

ઇજિપ્તના લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેમની ફોજે લીબિયામાં આઈએસના ઠેકાણા પર બૉમ્બ નાખીને બદલો લીધો.

હકીકતમાં, આઈએસ ઉગ્રવાદીઓએ ઇજિપ્તના 21 ખ્રિસ્તીઓના માથાં ધડથી અલગ કરી નાખ્યા હતા અને એનો વીડિયો જાહેર કર્યો હતો.

એના જવાબમાં ઇજિપ્તે લીબિયા પર બૉમ્બ વરસાવ્યા હતા, પણ પાકિસ્તાનની આ તસવીર બૉમ્બમારામાં માર્યા ગયેલા આઈએસ લડાકુઓની ગણાવીને શૅર કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો