પુલવામા હુમલો: શું ખરેખર ગુજરાતના જવાને હુમલામાં જીવ ગુમાવ્યો?

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યો છે.

સીઆરપીએફ જવાનોનાં મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર અઢળક મૅસેજ શૅર થઈ રહ્યા છે.

ટ્વિટર પર #RIPBraveHearts #CRPFJawans #PulwamaRevenge #CRPFJawans #CRPFKashmirAttack જેવા અનેક ટ્રૅન્ડ જોવા મળી રહ્યા છે.

ફેસબુક, વૉટ્સઍપ સિવાય ટિકટૉક જેવા પ્લેટફૉર્મ પર પણ આ પ્રકારના વીડિયો અને મૅસેજ લાખોની સંખ્યામાં શૅર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં એક વીડિયો વૉટ્સઍપ અને ફેસબુકમાં મોટાપાયે શૅર થઈ રહ્યો છે જેમાં કહેવાયું છે, "ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વિસળીયા ગામ અને કોળી સમાજનું ગૌરવ એવા પરેશભાઈ વિરાભાઈ બાંમભણીયાનું આજે દુઃખદ અવસાન થયું.... ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના."

તમે આ વાંચ્યું કે નહીં?

ફેસબુક પર આ વીડિયા હજારો વખત શૅર થઈ ચૂક્યો છે.

લોકો તેને પુલવામાના સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા સંદર્ભે શૅર કરી રહ્યા છે.

આ વીડિયો પર દેખાતા વૉટરમાર્ક પરથી જાણવા મળે છે કે આ વીડિયો ટિકટૉક નામની ઍપમાં એડિટ કરેલો છે. ટિકટૉક ઍપની મદદથી સાઉન્ડ મૂકીને વીડિયોને એડિટ કરી શકાય છે.

વીડિયોમાં એક ચિત્ર મુકાલયેલું છે જેમાં તેમના મૃત્યુની તારીખ 13/02/2018 બતાવવામાં આવી છે.

આ યુવકને શ્રધ્ધાંજલિ આપતી એક તસવીરમાં તેમની મૃત્યુ તારીખ 13 ફેબ્રુઆરી 2018 લખવામાં આવી છે, જેનાથી આ વીડિયો અંગે શંકા જાય છે. બીબીસી ગુજરાતીએ આ વીડિયોનું ફૅક્ટ-ચેક કર્યું.

હુમલામાં મૃત્યુ પામેલા સૈનિકોની સીઆરપીએફ તરફથી આપવામાં આવેલી યાદી અમે ચકાસી, આ યાદીમાં પણ પરેશ બાંભણિયાનું નામ મળી આવતું નથી.

સીઆરપીએફ તરફથી મૃત્યુ પામેલા સૈનિકોની તસવીરો પણ રજૂ કરાઈ છે જેમાં પરેશની તસવીર જોવા મળતી નથી.

સગાઈના દિવસે મૃત્યુ થયું

આ વિશે વધુ તપાસ કરવા બીબીસીએ ભાવનગરના બગદાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ. વી. દાફડા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે પરેશ બાંભણીયાનું 13 ફેબ્રુઆરી 2019ના અકસ્માતમાં મોત થયું છે.

તેમણે જણાવ્યું, "ભાવનગરથી મહુવાના હાઈ-વે પર તેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેઓ બાઇક પર હતા અને ટ્રેક્ટર સાથે અથડાઈ જવાથી અકસ્માત થયો હતો. આ અકસ્માત 13 ફેબ્રુઆરી રાત્રે 11 વાગ્યે થયો હતો. બગદાણા પોલીસ સ્ટેશનમાં પરેશના કાકા ભરત બાંભણીયાએ કેસ દાખલ કરાવ્યો છે."

એમ. વી. દાફડાએ જણાવ્યું, "22 વર્ષીય પરેશ બે વર્ષ પહેલાં ભારતીય સેનામાં જોડાયા હતા અને કોલકાતામાં આર્મી મેડિકલ ફૉર્સમાં નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ હજુ ટ્રેનિંગમાં જ હતા અને હજુ પોસ્ટિંગ તેમને આપવામાં નહોતી આવી."

તેમણે જણાવ્યું કે પરેશ 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુઘી રજા મૂકીને ઘરે આવ્યા હતા.

પરેશના કાકા ભરત બાંભણિયાએ બીબીસીને જણાવ્યું , "તેઓ રજા પર પોતાની સગાઈ માટે આવ્યા હતા અને 13 ફેબ્રુઆરીના દિવસે તેમની સગાઈ બાદ તેઓ ઘરે પરત આવી રહ્યા હતા."

એમ. વી. દાફડાએ જણાવ્યું, "પોલીસે ભારતીય સેનાના અધિકારીઓનો પણ સંપર્ક કર્યો જેમણે કહ્યું કે કારણકે પરેશ રજા પર ગયેલા હતા એટલે તેમના મૃત્યુ પર સલામી આપવાની જોગવાઈ નથી, પરંતુ સામાન્ય રીતે જે પ્રક્રિયા હશે તે કરવામાં આવશે."

આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો લાગણીથી શૅર કરી રહ્યા છે અને પુલવામામાં જીવ ગુમાવવા બદલ જવાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે પણ હકીકતમાં તેમનું મૃત્યુ અકસ્માતમાં થયું છે.

શૅર થઈ રહેલા વીડિયોમાં મૃત્યુ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વૅલેન્ટાઇન ડે નહીં ઉજવવાની વાત કરવામાં આવી છે. આ વીડિયોમાં બીજી સર્જિકલ સ્ટ્રાઇકની માગ પણ કરવામાં આવી છે.

પુલવામા હુમલો

ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ સમેત અનેક નેતાઓએ હુમલામાં મૃત્યુ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે.

રાજનાથ સિંહે હુમલા બાદની સ્થિતિની સમીક્ષા માટે શ્રીનગરની મુલાકાત લીધી હતી, તેઓ મૃત્યુ પામેલા સૈનિકના મૃતદેહને કાંધ આપવા પણ હાજર રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો