પુલવામા હુમલો: પાકિસ્તાન પાસેથી MFN દરજ્જો પરત લેવાથી શું ફેર પડશે?

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કૅબિનેટ કમિટીની બેઠક બાદ આ ઘોષણા કરી.

તેમણે ટ્વીટ કર્યું કે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચાઈ ગયો છે.

તેમણે ટ્વીટમાં એ પણ જણાવ્યું કે વિદેશ મંત્રાલય પાકિસ્તાનને વિશ્વ સ્તર પર જૂદું પાડવા માટે બધા કૂટનીતિક પગલાં લેશે.

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરમાં કરાયેલા કાર વિસ્ફોટ હુમલામાં જવાનોનો મૃત્યુઆંક 46 થઈ ગયો છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

જેટલીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. જેટલીએ કહ્યું કે ઉગ્રવાદી સંગઠન અને તેને મદદ કરનારાઓને કોઈ પણ કિંમત પર છોડવામાં નહીં આવે.

તેમણે એવું પણ લખ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક કરાર (કન્વેંશન) જલ્દી સ્વીકાર કરવાનું સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પર દબાણ કરશે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે MFN?

જ્યારે એમએફએન દરજ્જો કોઈ દેશને આપવામાં આવે ત્યારે તેને વેપાર સંબંધિત સુવિધા મળતી હોય છે.

વેપાર સંબંધિત સુવિધાનો અર્થ અહીં ઓછી કિંમતો અને આયાતને પ્રોત્સાહન આપતાં પગલાંઓ હોય છે.

વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ડબ્લ્યૂટીઓના સદસ્ય દેશો એકબીજાને એમએફએનનો દરજ્જો આપી શકે છે.

આમાં આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું પાલન કરવાનું હોય છે અને સાધારણ માન્યતા એ છે કે આર્થિક રીતે કમજોર દેશોના અર્થતંત્રને આનાથી લાભ મળે છે.

આંતરરાષ્ટ્રીય બજારના મુક્ત વ્યાપાર ક્ષેત્ર, આબકારી સંઘ અને ખૂલ્લાં બજારોને એમએફએનની જોગવાઈઓ થકી છૂટ મળે છે.

ભારત-પાકિસ્તાન અને એમએફએન

  • ડબ્લ્યૂટીઓની સ્થાપનાના એક વર્ષ બાદ ભારતે પાકિસ્તાનને 1996માં એમએફએનનો દરજ્જો આપ્યો હતો પરંતુ પાકિસ્તાને ભારતને આવો કોઈ દરજ્જો આપ્યો નહોતો.
  • એમએફએન મેળવનાર દેશને એવું આશ્વાસન મળી રહે છે કે તેને વ્યાપારમાં નુકસાન નહીં પહોંચાડવામાં આવે.
  • એમએફએન હેઠળ આયાત-નિર્યાતમાં વિશેષ છૂટ મળશે.
  • આ દરજ્જો ધરાવતા દેશ સાથે સૌથી ઓછી આયાત શુલ્ક પર વેપાર કરવામાં આવે છે.
  • ડબ્લ્યૂટીઓના સદસ્ય દેશો મુક્ત વેપાર અને બજાર સાથે બંધાયેલા છે પણ એમએફએનના કાયદાઓ હેઠળ વિશેષ છૂટ મળે છે.
  • બન્ને દેશો વચ્ચે સિમેન્ટ, ખાંડ, ઑર્ગેનિક કૅમિકલ, રૂ, શાક-ભાજી અને અમુક ફળો પર તથા મિનરલ ઑઇલ, ડ્રાય ફ્રૂટ, સ્ટીલ જેવી કૉમોડિટી અને વસ્તુઓનો વ્યાપાર થાય છે.

આપને આ પણ વાંચવું ગમશે

વર્ષ 2015-16માં ભારતની 641 અબજ ડૉલરની આંતરરાષ્ટ્રીય નિકાસમાં પાકિસ્તાનનો ભાગ માત્ર 2.65 અબજ ડૉલર જ હતો.

ઍસોચેમ પ્રમાણે પાકિસ્તાન સાથે થનારો વેપાર ભારતના કુલ આંતરરાષ્ટ્રીય વેપારનો 0.41% છે.

જ્યારે ભારતમાં થનાર કુલ આયાત પૈકી 13 ટકા આયાત પાકિસ્તાનથી થાય છે.

પાકિસ્તાને હજુ સુધી ભારતને એમએફએનનો દરજ્જો નથી આપ્યો.

જાણકારો માને છે કે ડબ્લ્યૂટીઓમાં 'સંરક્ષણ સંબંધિત કારણો' વાળી જોગવાઈઓ પ્રમાણે કોઈ પણ સદસ્ય દેશ એમએફએનો દરજ્જો ધરાવતા દેશ સાથે વ્યાપારમાં અમુક પ્રતિબંધ મૂકી શકે છે.

સાંકેતિક પગલું?

વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી વિવેક કાત્જુ માને છે કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચવો એક સાંકેતિક પગલું છે.

કાત્જુ કહે છે, "આવું કરવાથી ભારત અને પાકિસ્તાનના વેપારમાં કોઈ મોટો ફેર પડે એવું હું નથી માનતો."

જ્યારે સંરક્ષણ વિશેષજ્ઞ મારૂફ રઝાએ કહ્યું કે મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો પાછો લેવું એક આઈ-વૉશ છે.

તેમણે કહ્યું , "ભારતે હજુ ઘણાં પગલાં લીધાં નથી જે લઈ શકાય છે. પાકિસ્તાન પાસેથી એમએફએનનો દરજ્જો પાછો લેવાનો કોઈ અર્થ નથી રહી જતો કારણકે પાકિસ્તાને ભારતને ક્યારેય આ દરજ્જો આપ્યો નથી."

"તો ભારતે એવા દેશો સાથે કૂટનીતિક સંબંધો અટકાવી દેવા જોઈએ જે પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે દાખલા તરીકે ચીન મસૂદ અઝહરને લઈને પાકિસ્તાનને મદદરૂપ થયું છે તથા તે પાકિસ્તાનને આર્થિક મદદ કરે છે."

તેમણે કહ્યું, "પાકિસ્તાનને અત્યારે આર્થિક ટેકાની જરૂર છે. ચીન અને સાઉદી અરેબિયા અને યૂએઈ એવા દેશ છે જે પાકિસ્તાનના પડખે ઊભા છે."

"સાઉદી અરેબિયાએ હાલમાં જ પાકિસ્તાનને 6 અબજ ડૉલરનું બેલઆઉટ પૅકેજ આપ્યું હતું. અને ગ્વાદાર પોર્ટ પર જંગી રોકાણની ઘોષણા કરી છે."

મારૂફ રઝાએ કહ્યું કે ભારતે ચીન અને સાઉદી અરેબિયાને જણાવવું જોઈએ કે તેઓ પાકિસ્તાનને મદદ કરતા રહેશે તો ભારત તેમની સાથે વ્યાપાર નહીં કરે. અમેરિકાએ ચીન સામે કડકાઈ બતાવી છે ત્યારથી ચીન હલી ગયું છે. ભારતે પણ ચીન પર દબાણ કરવું જોઈએ.

વિવેક કાત્જુ પણ માને છે કે ભારત સરકારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.

જોકે વિશ્લેષકો પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ તોડવાની સલાહ પણ આપે છે.

અટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ સચિવ રહેલા કંવલ સિબ્બલે બીબીસીને જણાવ્યું, ''ભારત પાસે અસરકારક વિકલ્પો છે જેમકે સિંધુ જળ સંધિને તોડી નાખવી. મને સમજાતું નથી કે સરકાર સંધિ કેમ નથી તોડી રહી."

"આ સંધિને તાત્કાલિક તોડી નાખવી જોઈએ. એવું કરવાથી પાકિસ્તાન સીધું થઈ જશે. જેમ કહેવાય છે કે ભારત પાસે પાકિસ્તાની આતંકવાદનો કોઈ જવાબ નથી એવી રીતે પાકિસ્તાન પાસે સિંધુ જળ સંધિનો કોઈ જવાબ નથી."

તેઓ કહે છે, "અમેરિકામાં ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી ઘણી સંધિઓ તોડી છે. અમેરિકાએ પોતાના ખાસ દોસ્ત જાપાન અને કૅનેડા સાથે એવું કર્યું તો પછી ભારતને સંધિ તોડવામાં શું વાંધો છે?"

પુલવામા હુમલો

પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ નેતા અરુણ જેટલી, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે અને જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ હસને એક નિવેદનમાં જાહેર કર્યું છે કે આદિલ અહેમદ ઉર્ફે વકાસ કમાન્ડોએ આ હુમલાને અંજામ આપ્યો છે. વકાસ કમાન્ડો પુલવામા જિલ્લાના નાગરિક હોવાનું જાણવા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો