મેકિસ્કો સરહદ પર દીવાલ ઊભી કરવા ટ્રમ્પ ઇમરજન્સી લાગુ કરશે

વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરશે.

મેક્સિકો સરહદ પર દીવાલ ઊભી કરવાના માટે જરૂરી ફંડ મેળવવા માટે ટ્રમ્પ આવું કરશે એવું વ્હાઇટ હાઉસનું જણાવવું છે.

આ અંગે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે દેશમાં શટડાઉનની સ્થિતિ ટાળવા ટ્રમ્પ 'બૉર્ડર સિક્યોરિટી બિલ' પર સહી કરશે.

જોકે, કૉંગ્રેસને બાજુ પર મૂકી સૈન્યફંડનો ઉપયોગ ટ્રમ્પ દીવાલ ઊભી કરવા માટે કરશે.

વરિષ્ઠ ડેમૉક્રેટ્સ ટ્રમ્પના આ પગલાની ટીકા કરતા તેને 'શક્તિનો ખોટો ઉપયોગ' અને 'કાયદાવિહીન કામ' ગણાવ્યું છે.

વળી, ટ્રમ્પ બિલ પર સહી કરે એ પહેલાં એને કૉંગ્રેસમાં પાસ કરાવવું પણ ફરજીયાત રહેશે.

નોંધનીય છે કે સરહદ પર દીવાલ ઊભી કરવી એ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો મુદ્દો હતો. જોકે, હજુ સુધી આ મામલે ટ્રમ્પને પૂરતું ફંડ મળી શક્યું નથી.

પુલવામા હુમલામાં પોતાનો હાથ હોવાનો પાક.નો ઇનકાર

ભારત પ્રશાસિત કાશ્મીરના અવંતીપુરામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ પર કરાયેલા હુમલાને પાકિસ્તાને 'ગંભીર ચિંતાનો વિષય' ગણાવી પોતાના દેશના તાર ના જોડાયા હોવાનું જણાવ્યું છે.

ગુરુવાર સાંજે કરાયેલા આ હુમલામાં સીઆરપીએફે 34 જવાનનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.

સીઆરપીએફના જવાનોની બસ આ રસ્તે જઈ રહી હતી ત્યારે જ ઉગ્રવાદીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બસમાં 40થી વધારે જવાન હતા.

300 કિલોમીટરના આ રાજમાર્ગ ઘણો મહત્ત્વનો છે અને હંમેશાં સુરક્ષા દળોની ચોકસાઈ રહે છે.

ઈજાગ્રસ્ત જવાનોને શ્રીનગરની સેનાની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી છે અને આ વિસ્તારમાં હુમલાખોરોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સીઆરપીએફના ડીજી આર. આર. ભટ્નાગરે પીટીઆઈને જણાવ્યું, "આ વિશાળ કૉન્વૉય હતો અને આશરે 2,500 લોકો અલગઅલગ વાહનોમાં હતા. કૉન્વૉય પર ફાયરિંગ પણ થયું હતું."

'વંદે ભારત એક્સપ્રેસ' 180 કિમીના ઝડપથી દોડી, ટિકિટોનું બુકિંગ શરૂ

ભારતની સૌથી ઝડપી ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ'માં 17 ફેબ્રુઆરીથી પ્રવાસની માટે ટિકિટોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે.

રેલ મંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ 'ટ્રેન 18'નું નામ 'વંદે ભારત એક્સપ્રેસ' રાખવાની જાહેરાત કરી હતી.

આ પહેલાં દિલ્હી-વારાણસી માર્ગના એક ખંડને પ્રાયોગિક ધોરણે ચલાવવા દરમિયાન દેશની સૌથી ઝડપી ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી.

આ ટ્રેન સવારે છ વાગ્યે રાજધાની દિલ્હીથી રવાના થશે અને બે વાગ્યે વારાણસી પહોંચી.

જ્યારે વળતી ફેરા ટ્રેન વારાણસીથી ત્રણ વાગ્યે ચાલશે અને રાતે 11 વાગ્યે દિલ્હી પહોંચશે.

સોમવાર અને ગુરુવાર છોડીને ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે.

મમતા બેનરજીએ કહ્યું, 'મુલાયમસિંહ યાદવ વૃદ્ધ થઈ ગયા'

સમાજવાદી પક્ષના સંસ્થાપક મુલાયમસિંહ યાદવ દ્વારા સંસદમાં નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવાની ઇચ્છ વ્યક્ત કરવા મામલે તૃણમુલ કૉંગ્રેસનાં વડાં અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

બેનરજીએ કહ્યું, "મુલાયમસિંહ યાદવ હવે વૃદ્ધ થઈ ગયા છે. હું એમની ઉંમરને માન આપું છું. તેમને છોડી દો."

સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે મોદીએ સૌ સાથે મળીને કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે મુલાયમસિંહના પુત્ર અને સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં ભાજપને પહોંચી વળવા પોતાનાં હરીફ માયાવતીના પક્ષ બહુજન સમાજ પક્ષ સાથે ગઠબંધન કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો