પુલવામામાં CRPF જવાનો પર હુમલો કરનાર ઉગ્રવાદી કોણ છે?

    • લેેખક, રિયાઝ મસરૂર
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં CRPF (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ)ના 40 સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

આ હુમલાની જવાબદારી ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

એવા પણ સમચાર છે કે આ હુમલો 21 વર્ષના આદિલ અહમદ દ્વારા કરવામાં આવ્યો છે.

આદિલ અહમદ પુલવામા નજીકના ગુંડીબાગનો રહેવાસી હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગત વર્ષે જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયો હતો.

જે જગ્યાએ આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો તે જગ્યા શ્રીનગરથી દક્ષિણ તરફ લગભગ 25 કિલોમિટર દૂર છે અને આદિલના ગામથી ઘટનાસ્થળ લગભગ 15 કિલોમિટર દૂર છે.

ગુરુવારના રોજ વિસ્ફોટકથી ભરેલી એક સ્કૉર્પિયો ગાડીએ સીઆરપીએફ કાફલામાં ચાલી રહેલી બસને ટક્કર મારી હતી.

આ કારમાં 350 કિલો વિસ્ફોટક ભરેલો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે ઘણા કિલોમિટર દૂર સુધી તે સંભળાયો હતો.

આત્મઘાતી હુમલો

1998માં કારગિલ યુદ્ધ બાદ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાએ ઘણા આત્મઘાતી હુમલાઓ કર્યા હતા.

પરંતુ આ હુમલાઓ કરનારા ઉગ્રવાદી પાકિસ્તાની નાગરિકો હતા.

જૈશ-એ-મોહમ્મદે દાવો કર્યો છે કે આ વખતે જે હુમલો કરવામાં આવ્યો છે તે કાશ્મીરના સ્થાનિક યુવક આદિલ ઉર્ફે વકાસ કમાંડો દ્વારા કરવામાં આવ્યો છે.

આ હુમલો એટલો ખતરનાક હતો કે તેના સંપર્કમાં આવેલી લોખંડની બસ રબરની જેમ વળી ગઈ હતી. આ બસમાં ઓછામાં ઓછા 44 સીઆરપીએફના જવાનો બેઠા હતા.

આદિલના પિતા ગુલામ હસન ડાર સાયકલ પર ફેરી કરી કપડાં વેચવાનું કામ કરે છે. આ સિવાય આદિલના પરિવારમાં તેમનાં માતા અને બે ભાઈઓ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આદિલ માર્ચ 2018માં જૈશ-એ-મોહમ્મદમાં દાખલ થયો હતો. ત્યારે તે 12માં ધોરણમાં ભણતો હતો.

દક્ષિણ કાશ્મીરના વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ વિરુદ્ધ ઘણાં અભિયાન હાથ ધર્યાં હતાં.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ 2018માં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળના અભિયાનમાં 230 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં હતાં.

ભારતીય સુરક્ષા અધિકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે આ અભિયાન હાથ ધર્યું હોવા છતાં કાશ્મીર ખીણમાં લગભગ 240 ઉગ્રવાદીઓ સક્રિય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાઈ પણ જૈશમાં સામેલ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આદિલનો પિતરાઈ સમીર અહમદ પણ ઉગ્રવાદી છે અને આદિલના જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થવાના એક દિવસ બાદ સમીર પણ જૈશમાં સામેલ થયો હતો.

સમીરે કાશ્મીર યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રૅજ્યુએશનનો અભ્યાસ છોડીને ચરમપંથનો રસ્તો અપનાવ્યો હતો.

આદિલના ગામ ગુંડીબાગમાં ત્રણ વખત નમાજ-એ-જનાજા પઢવામાં આવી હતી. આ સમયે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આદિલે આત્મઘાતી હુમલા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તે પોતાને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડો હોવાની વાત કહી રહ્યો છે.

આ વીડિયોમાં તેણે આત્મઘાતી હુમલો કરવાની વાત કરી હતી. આ સિવાય આદિલની એક તસવીર પણ સામે આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો