You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેસમીન મિસ્ત્રી પટેલ : “સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહથી હું લઈને આવીશ!”
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
"નાનપણમાં આકાશમાં જ્યારે જ્યારે વિમાન જોવા મળતું, ત્યારે ઇચ્છા થતી કે મારે પણ વિમાન ઉડાડવું છે. અહીંથી જ પાઇલટ બનવાના મારા સપનાની શરૂઆત થઈ."
ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ઍરલાઇન્સના મહિલા પાઇલટ કૅપ્ટન જેસમીન મિસ્ત્રી પટેલ ખૂબ જ ભાવુકતા સાથે આ વાત કહી રહ્યાં હતાં.
સુરતનાં જેસમીન મિસ્ત્રી પટેલ માટે 16-17 ફેબ્રુઆરીના દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે અને તેઓ આ દિવસના અનુભવ માટે ઘણા ઉત્સુક પણ છે.
તેઓ તેમના પોતાના જ શહેરની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ચાલકદળમાં સામેલ છે.
અત્રે નોંધવું કે સુરત ઍરપૉર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી છે. 16મી તારીખે શારજાહ-સુરત ફ્લાઇટ સાથે તે ઑપરેશનલ થવા જઈ રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ઍર ઇન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઇટમાં કૅપ્ટન જેસમીન સેકન્ડ ઇન-કમાન્ડ રહેશે.
પાઇલટ તરીકેની 11 વર્ષની કારકીર્દિ ધરાવતા જેસમીને તેમની ટ્રેનિંગની પહેલી ફ્લાઇટ માટે પણ અમદાવાદથી સુરતનો જ રૂટ પસંદ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતની જનતા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ મળવાથી ખુશ છે પણ તેમના માટે પોતાના જ શહેરની વ્યક્તિ પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત લઈને આવશે તે બાબત ગૌરવપૂર્ણ છે.
સુરતના લોકો જેસમીન મિસ્ત્રી પટેલના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત પણ થઈ ગયાં છે.
એક એવું શહેર જ્યાં ઍવિએશન ઇન્ડસ્ટ્રીના કોઈ નામોનિશાન નહોતાં અને ઍરપૉર્ટની વ્યવસ્થિત સુવિધાઓ નહોતી ત્યાં રહેતી વ્યક્તિ કઈ રીતે એક ઇન્ટરનેશન પાઇલટના મુકામ સુધી પહોંચી તે જાણવું રસપ્રદ છે.
આથી બીબીસીએ કૅપ્ટન જેસમીન મિસ્ત્રી પટેલ સાથે વાતચીત કરી અને તેમણી કહાણી જાણવાની કોશિશ કરી.
આ મામલે જેસમીને કહ્યું કે મારી પાઇલટ બનવાની સફરમાં ઘણા ઉતાર-ચઢાવ રહ્યા છે.
તેમણે કહ્યું, "બાળપણમાં સપનું જોયું હતું કે પાઇલટ બનવું છે પણ ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જ શહેરની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હું જ લૅન્ડ(ઉતરણ) કરાવીશ. મારા માટે આ ખૂબ જ ગૌરવ અને ખુશીની વાત છે."
"ખાસ કરીને મારા પરિવાર માટે આ મહત્ત્વની ક્ષણો છે કેમ કે તેમણે હંમેશાં મને મારું સપનું પૂરું કરવા ટેકો આપ્યો છે."
સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ તેમને કઈ રીતે મળી તેના જવાબમાં જેસમીન કહે છે, "પહેલાં ક્રૂમાં અન્ય કૅપ્ટનનાં નામ હતાં. પરંતુ મારા શહેરની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોવાથી મને ઇચ્છા થઈ કે મારે તેનો ભાગ બનવું છે."
"આથી મેં ઍર ઇન્ડિયાને વિનંતી કરી કે મને ક્રૂમાં સામેલ કરવામાં આવે. વળી મને તેમાં સામેલ કરી લેવામાં આવી."
જેસમીન અગાઉ ટ્રેનિંગ વેળા અમદાવાદ-સુરત રૂટ પર ફ્લાઇંગ કરી સુરત પ્લૅન લૅન્ડ કરાવી ચૂક્યાં છે. આજે તેમને હજારો કલાકના ફ્લાઇંગ કલાકોનો અનુભવ છે.
એક સામાન્ય યુવતીથી ઇન્ટરનેશનલ ફ્લાઇટના પાઇલટ બનવા સુધીની સફર વિશે જણાવતા તેઓ કહે છે, "વર્ષ 1993-94માં અમદાવાદ ફ્લાઇંગ ક્લબથી મારી શરૂઆત થઈ."
"એ સમયે વડોદરામાં એક જ ફ્લાઇંગ ક્લબ હતું અને તેમાં એડમિશન માટે ઘણું લાંબુ વેઇટિંગ લિસ્ટ હતું."
"આખરે અમદાવાદ ફ્લાઇંગ ક્લબમાં એડમિશન લીધું પરંતુ ત્યાર બાદ મારે ફ્લાઇંગના કલાકો પૂર્ણ કરવાની જરૂર ઊભી થઈ હતી."
"મુંબઈમાં ફ્લાઇંગ ક્લબની ફી લાખો રૂપિયા હતી જે એક સામાન્ય પરિવાર માટે ઘણું મુશ્કેલ હતું. ઉપરાંત ઍવિએશન મામલે કોઈ ચોક્કસ માર્ગદર્શન પણ નહોતું મળી રહ્યું."
"તેમ છતાં પરિવારના સહયોગથી મુશ્કેલી પાર કરી. જોકે, ત્યારબાદ ખરેખર સમસ્યા શરૂ થઈ."
"એ સમયે ઍરલાઇન્સનું માર્કેટ સારું નહોતું ચાલી રહ્યું આથી ઍરલાઇન્સ બંધ થઈ રહી હતી. નોકરી નહોતી મળી રહી."
"દરમિયાન મારાં લગ્ન થયાં અને હું ન્યૂ ઝિલૅન્ડ સ્થળાંતર થઈ ગઈ. હું અને મારા પતિ બન્ને ત્યાં અન્ય ક્ષેત્રમાં નોકરી કરતાં હતાં."
"પરંતુ ઇન્ડિયામાં જ્યારે ઍરલાઇન્સમાં નોકરીની તકો મળવાની શરૂઆત થઈ તો મને મારા ફ્રૅન્ડ્સે કહ્યું કે હું એક વાર કોશિશ કરું. "
"જોકે, બન્યું એવું કે મે કોશિશ શરૂ કરવાનું વિચાર્યું અને નોકરી મળવાની તકો ઊભી થઈ ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. આથી મારી સામે એક જ વિકલ્પ હતો."
"બાળકના જન્મ પછી મેં અને મારા પતિ બન્નેએ ન્યૂ ઝિલૅન્ડ છોડી દીધું અને ઇન્ડિયા આવી ગયાં."
"અમારા માટે આ ઘણો મુશ્કેલ સમય હતો કેમ કે એક તરફ બાળક હતું અને અમારા બન્ને પાસે નોકરી જ નહોતી."
"જોકે, વર્ષ 2006-07માં હું ઍર ઇન્ડિયામાં જોડાઈ અને પ્રૉફેશનલ પાઇલટ તરીકે કારકીર્દિ શરૂ થઈ ગઈ. મારા પતિ પણ પાઇલટ છે અને સ્પાઇસ જેટમાં જોબ કરે છે."
"તેઓ વિદેશી નાગરિક હોવાથી તેમને સરકારી ઍર લાઇનમાં નોકરી ન મળી શકી. પણ આજે અમે બન્ને પાઇલટ છીએ."
"મને હજારો ફ્લાઇંગ અવર્સ (કલાકો)નો અનુભવ છે અને ઘણી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મેં હૅન્ડલ કરી છે."
પરિવાર તરફથી મળેલા ટેકા વિશે જણાવતા જેસમીન કહે છે, "મારા માતાએ મારી ફી ભરવા માટે તેમનું પીએફ ખર્ચ કરી દીધું હતું."
"ઘણા લોકો સમાજમાંથી એવું કહેતા કે છોકરી છે તેને પરણાવી દો આ બધું કરવાનું શું કામ છે. તેમ છતાં મારા માતાપિતા અને અન્કલે મને ટેકો આપ્યો સહકાર આપ્યો."
"મારા પતિ રંતુલે પણ મને ઘણો સહકાર આપ્યો. તેમણે મારા માટે ન્યૂ ઝિલૅન્ડ છોડ્યું હતું. વળી મારા સાસુ-સસરાએ પણ મને ઘણી મદદ કરી."
જીવનમાં પરિવારની જવાબદારી સાથે સાથે કારકીર્દિમાં પણ આગળ વધવા માંગતી યુવતીઓને સંદેશો આપતા જેસમીન કહે છે કે વ્યક્તિની સફળતામાં પરિવારની ભૂમિકા મહત્ત્વની હોય છે. તેમનો સહકાર ઘણો મદદરુપ નીવડે છે.
તેઓ કહે છે, "મુશ્કેલીઓ આવતી રહે છે પણ આગળ વધતા રહેવું જોઈએ."
જેસમીનના પિતા ભગવાનદાસ પટેલ એક ફૅક્ટરીમાં કામ કરતા હતા અને માતા કુસુમબહેન શિક્ષિકા રહી ચૂક્યા છે.
એક સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ પણ ઊંચા સપના જોઈ શકે છે અને પૂરા કરી શકે છે તે પુરવાર કરવાની બાબતને મામલે જેસમીન ઘણું ગૌરવ અનુભવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો