પુરુષોના મગજ કરતાં મહિલાઓનું મગજ વધુ યુવાન છે, જાણો કઈ રીતે

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

મહિલાઓનું દિમાગ પુરુષોની સરખામણીમાં વધારે યુવાન હોય છે. આ લાઇન વાંચતા જ આપ વિચારવા લાગશો કે આનો શું અર્થ છે? અને તે કેવી રીતે સંભવ છે?

તો તમે એમ ધારો કે જો એક મહિલા અને પુરુષ, એકસમાન 40 વર્ષની ઉંમર ધરાવતા હોય તો એ બેઉમાં મહિલાનું દિમાગ વધારે યુવાન હશે.

આવો દાવો એક નવીન અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ મેડિસિનનાં સંશોધકોની એક ટીમે આ અભ્યાસ કર્યો છે.

આ સંશોધનમાં સામેલ રેડિયોલોજિસ્ટ મનુ શ્રી ગોયલ કહે છે, "અમે 20થી લઈને 82 વર્ષની ઉંમરના 205 લોકો પર આ અભ્યાસ કર્યો છે."

"આ તમામ લોકો સંપૂર્ણ સ્વસ્થ હતાં અને કોઈને પણ યાદદાસ્ત સંબંધિત બીમારી નહોતી."

એમણે કહ્યું, "ઉંમરની સાથે માણસનું મૅટાબૉલિઝમ કેવી રીતે બદલાય છે તેનો અભ્યાસ અમે કરવા માગતા હતા."

આ મૅટાબૉલિઝમ વળી શું બલા છે?

મૅટાબૉલિઝમનો અર્થ તમારું દિમાગ કેટલો ઑક્સિજન અને ગ્લુકોઝ વાપરે છે તે છે.

તેને સજીવોમાં થતી ઘટન અને વિઘટનની રાસાયણિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલું છે. તેને ચયાપચય પણ કહેવામાં આવે છે.

ગ્લુકોઝ ખાવા-પીવાની વસ્તુઓથી બને છે અને પછી તે ઑક્સિજન સાથે ભળીને લોહીવાટે શરીરના બાકીના હિસ્સાઓમાં જાય છે.

ડૉક્ટર મનુ શ્રી કહે છે, "ગ્લુકોઝનો 25 ટકા હિસ્સો દિમાગમાં જાય છે. આ ઑક્સિજન અને ગ્લુકોઝની મદદથી આપણું દિમાગ કાર્ય કરે છે. આનાથી દિમાગ સક્રિય બની રહે છે અને સ્વસ્થ રહે છે."

"પરંતુ, ઉંમર વધતાં આપણું દિમાગ ઑક્સિજન અને ગ્લુકોઝનો ઉપયોગ ઘટાડી દે છે, જેનાથી આપણી યાદશક્તિ નબળી પડે છે."

ઉંમરની સાથે મૅટાબૉલિઝમની પ્રક્રિયા કેવી રીતે બદલાય છે એ જાણવા માટે ડૉક્ટર મનુ શ્રી અને તેમની ટીમે આ અભ્યાસ કર્યો છે.

આ અભ્યાસમાં એમને જાણવા મળ્યું કે ઉંમરની સાથે મૅટાબૉલિઝમની પ્રક્રિયામાં અનેક મહત્ત્વપૂર્ણ પરિવર્તનો આવે છે.

બીજી મહત્ત્વની વાત એ સામે આવી કે એક સરખી ઉંમર ધરાવનાર પુરુષ અને મહિલાનું મૅટાબૉલિઝમ થોડું અલગ હતું. મહિલાઓનું મૅટાબૉલિઝમ પુરુષોની તુલનામાં વધારે સારું હતું.

અથવા તો એમ કહો કે મહિલાઓનું દિમાગ પુરુષોનાં દિમાગ કરતાં વધારે યુવાન જોવા મળ્યું.

સંશોધકોનું કહેવું છે કે દિમાગના ઉંમર અંગે મહિલાઓ અને પુરુષો વચ્ચે સરેરાશ ત્રણ વર્ષનો તફાવત જોવા મળ્યો.

કેટલાક લોકોમાં તે એક વર્ષનો તો કેટલાકમાં ત્રણ વર્ષથી વધારે પણ જોવા મળ્યો.

મતલબ મહિલાઓનું દિમાગ પુરુષોના દિમાગ કરતાં સરેરાશ ત્રણ વર્ષ વધારે યુવાન હતું.

એમનાં કહેવા મુજબ આ એવો પ્રથમ અભ્યાસ છે જેમાં દિમાગની ઉંમરના અંતરને માપવામાં આવ્યું છે અને તે પણ મૅટાબૉલિઝમના આધાર પર.

કેવી રીતે ખબર પડી?

ડૉ. મનુ શ્રી કહે છે, "જે 205 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો એમને વારાફરતી એમઆરઆઇ મશીન જેવી દેખાતી પેટ સ્કૅનર મશીનમાં સુવાડવામાં આવ્યા."

પેટ (Positron Emission Tomography) દિમાગનું મૅટાબૉલિઝમ માપવા માટે વપરાય છે.

દરેક વ્યકિતને ત્રણ કલાક માટે આ સ્કૅનિંગ મશીનમાં સુવાડવામાં આવ્યા.

આ દરમિયાન એમણે હલનચલન નહોતું કરવાનું. એમને ઊંઘાડવા માટેની દવા આપવામાં આવી હતી.

પેટ સ્કૅનરે એમના દિમાગને સ્કૅન કર્યુ. પછી એ સ્કૅનિંગથી મેળવવામાં આવેલા ડેટાનું એક કૉમ્પ્યૂટર દ્વારા અધ્યયન કરવામાં આવ્યું.

રેડિયોલોજિસ્ટ ડૉ. મનુ શ્રી કહે છે, "આ કૉમ્પ્યૂટરને ખાસ તાલીમ સાથે તૈયાર કરવામાં આવ્યું છે."

"20 વર્ષીય મગજ કેવું દેખાય છે અને 70 વર્ષીય કેવું દેખાય છે એની કૉમ્પ્યૂટરને ખબર છે."

ડૉક્ટર મનુ શ્રી મુજબ, "જ્યારે અધ્યયનથી મેળવેલા ડેટાનો કૉમ્પ્યૂટરમાં દાખલ કરવામાં આવ્યા તો એક ઉંમરના મહિલા અને પુરુષના દિમાગમાં તફાવત જોવા મળ્યો."

"બંને ઉંમરમાં સરખાં હતાં પણ એમનાં દિમાગ જોવામાં કંઈક અલગ હતાં."

ડૉ. મનુ શ્રી એ કહ્યું, "અમે 40 વર્ષના પુરુષ અને મહિલાનું દિમાગ કૉમ્પ્યૂટરને દેખાડ્યું અને એમની વચ્ચેનું ઉંમરનું અંતર પૂછ્યું તો કૉમ્પ્યૂટરે કહ્યું કે આ મહિલાનું દિમાગ પુરુષના દિમાગને મુકાબલે વધારે યુવાન લાગે છે."

"મહિલાના દિમાગમાં બ્લડ ફ્લો અને ગ્લુકોઝનો ઉપયોગ વધારે થઈ રહ્યો હશે એમ અમને લાગે છે."

દિમાગ વધારે યુવાન હોવાનો શું અર્થ છે?

ડૉક્ટર મનુ શ્રી કહે છે કે મહિલાઓના દિમાગનું મૅટાબૉલિઝમ પુરુષોના દિમાગના મૅટાબૉલિઝમ કરતાં બહેતર હતું એટલે દેખવામાં મહિલાનું દિમાગ વધારે યુવાન હતું.

આ બોલતાં તેઓ #દેખવામાં' શબ્દ પર ભાર આપે છે.

એમનું કહેવું છે કે દિમાગ વધારે યુવાન દેખાઈ રહ્યું છે પણ યુવાન હોવાનો મતલબ શું છે તે અધ્યયનમાં બહાર નથી આવ્યું. એની જાણકારી માટે વધારે અધ્યયન કરવાની જરુર છે.

જોકે, એમણે કહ્યું કે આનો અર્થ એવો થઈ શકે કે મહિલાઓની યાદદાસ્ત સારી હોય છે કે પછી એમની વિચારવાની શકિત બહેતર હોય છે.

આનું કારણ શું છે?

હવે સવાલ એ પણ ઊભો થાય છે કે કોઈનું દિમાગ એમના જેટલી જ ઉંમર ધરાવતા વ્યકિતથી વધારે યુવાન કેવી રીતે હોઈ શકે

ડૉક્ટર મનુ શ્રી છે કે અધ્યયનના તારણોમાં આ વાત નથી પણ જો લોકો ઓછું ઊંઘે થે, ખોરાક યોગ્ય રીતે નથી લેતા, કસરત નથી કરતાં, વધારે ધુમ્રપાન કરે છે, દારુ વધારે પીવે છે કે ડ્રગ્સનું સેવન કરે છે એમનું દિમાગ ડેમેજ થઈ જાય છે અને વધારે ઉંમરનું દેખાવા લાગે છે.

તેઓ કહે છે, "આનું કારણ જિનેટિક યાને જનીનસંબંધિત પણ હોઈ શકે છે."

ડૉક્ટર મનુ શ્રી કહે છે લાઇફસ્ટાઇલને યોગ્ય રાખી દિમાગને સ્વસ્થ અને યુવાન રાખી શકાય છે.

"એવું નથી કે દરેક મહિલા એવું માની લે કે એમનું દિમાગ સ્વસ્થ છે અને તેમણે ચિંતા કરવાની જરુર નથી."

ડૉક્ટર મનુ શ્રી મુજબ આ એક વિરોધાભાસ જ છે કે મહિલાઓને અલ્ઝાઇમર (ભૂલવાની બીમારી) પુરષો કરતાં વધારે થાય છે."

જેવી રીતે અનેક અભ્યાસો છે કે મહિલાઓ પુરુષો કરતાં વધારે જીવે છે પરંતુ એમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધારે થાય છે. આને હેલ્થ સર્વાઇવલ પેરોડૉક્સ કહેવાય છે.

અંતમાં ડૉક્ટર મનુ શ્રી કહે છે કે આ એક શરુઆતની શોધ છે અને આ વિષય પર વધારે કામ કરવાની જરુરિયાત છે.

"આ અધ્યયન અમેરિકાના લોકો માટે કંઈક અલગ કહેતું હોય અને ભારતના લોકો માટે કંઈક અલગ કહેતું હોય એમ શક્ય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો