ક્રિપ્ટૉકરન્સી : પાસવર્ડ જાણતી કંપનીના સંસ્થાપકનું મૃત્યુ, 19 કરોડ ડૉલર સંકટમાં

ક્રિપ્ટૉકરન્સી અને જોખમ , બન્ને એક જ સિક્કાની બે બાજ છે. ગયા અઠવાડિયે કૅનેડામાં કંઈક આ પ્રકારની ઘટના બની છે જેના કારણે આ અંગેના જોખમ વિશે પૂરજોરમાં ચર્ચા થઈ રહી છે.

કૅનેડાના સૌથી મોટા ક્રિપ્ટૉકરન્સી ઍક્સચેન્જ પ્લૅટફૉર્મ, ક્વાડિગ્રાના રોકાણકારોનાં લગભગ 19 કરોડ ડૉલર ડૂબી જવાની આરે છે. આનું કારણ છે માત્ર એક પાસવર્ડનું ગુમ થઈ જવું.

મહત્ત્વની વાત તો એ છે કે આમાં 5 કરોડની હાર્ડ કરન્સી પણ સામેલ છે.

એમ માનવામાં આવી રહ્યું છે કે ક્વાડિગ્રાના સંસ્થાપક જેરાલ્ડ કોટેનના મૃત્યુ સાથે જ આ પાસવર્ડ પણ એમની કબરમાં દફન થઈ ગયો છે.

આ બાબતની શરૂઆત કેવી રીતે થઈ?

વાસ્તવમાં ગયા વર્ષે વર્ષ 9 ડિસેમ્બરના રોજ કોટેનનું ભારતની મુલાકાત દરમ્યાન મૃત્યુ થઈ ગયું હતું. કંપનીનું કહેવું છે કે 30 વર્ષના કોટેન જ રોકાણ, કૉઈન અને ભંડોળ સંબંધી બાબતોનું કામકાજ સંભાળતા હતા.

31 જાન્યુઆરીના રોજ આ ઍક્સચેન્જ પ્લૅટફૉર્મે, નોવા સ્કૉટિયાની સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ ભંડોળ અંગેની જાણકારી પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

કોટેનની પત્ની જેનિફર રૉબર્ટસને એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. આ દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર એમના પતિ જે લેપટૉપમાં કંપનીની માહિતી રાખતા હતા તે સંપૂર્ણપણે એનક્રિપ્ટેડ છે. અને તે એનો પાસવર્ડ જાણતાં નથી.

રૉબર્ટસને કહ્યું, "ઘણા પ્રયાસો છતાં પણ મને પાસવર્ડ મળી શક્યો નથી."

કાયદાકીય પ્રક્રિયા અને મોડું થવું

પાંચ વર્ષ પહેલાં ક્વાડિગ્રા કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. ગયા વર્ષથી જ કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી હતી.

કૅનેડાની ટીવી ચેનલ સીબીસીના એક અહેવાલ અનુસાર આ વર્ષની શરૂઆતમાં જ નાણાકીય તરલતા (લિક્વિડિટી)ની સમસ્યાનો સામનો કરી રહેલી આ કંપનીના 20 મિલિયન ડૉલર સીબીસી બેન્કે જપ્ત કરી લીધા હતા.

ક્વાડિગ્રાના લગભગ 115000 યૂઝર્સ છે. આમાં ધંધાદારી રોકાણકારોની સાથે સાથે એવા લોકો પણ સામેલ છે કે જેઓ બચત માટે સારો વિકલ્પ શોધતા રહેતા હોય છે.

હવે નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારોને એમનું રોકાણ પાછું મળવાની સંભાવના દેખાતી નથી.

ડિજિટલ ફાઇનાન્સના સંસ્થાપક અને વકીલ ક્રિસ્ટીન ડુહૈમીએ કૅનેડાની ચેનલ સીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "જે લોકોના સમગ્ર નાણાં જતાં રહ્યાં છે એવા ઘણા લોકોએ મને ઈમેઈલ કર્યો છે. કેટલાક લોકોએ તો પોતાની નિવૃતિ બાદની સમગ્ર જમા પૂંજી ગુમાવી દીધી છે."

"ક્વાડિગ્રા ઘણાં લાંબા સમયથી બજારમાં છે. તે કૅનેડાની સૌથી મોટી કરન્સી ઍક્સચેન્જ કંપની છે અને એટલે જ લોકોને ખાતરી હતી કે એમનાં નાણાં સુરક્ષિત રહેશે."

કોટેનના મૃત્યુની જાણકારી કંપનીએ પોતાના ફેસબુક પેજ અને વેબસાઇટ દ્વારા આપી હતી.

કંપનીએ જણાવ્યું કે કંપનીની સંસ્થાપક કોટેન ભારતના જયપુર શહેરમાં એક ચૅરિટી માટેની મુલાકાતે ગયા હતા. તેઓ અહીંના અનાથ અને શરણાર્થી બાળકો માટે અનાથઆશ્રમ ખોલવાની યોજના ઘડી રહ્યા હતા.

કોટેનનું મૃત્યુ માત્ર 30 વર્ષની ઉંમરમાં આંતરડાની બીમારીને કારણે થઈ હતી.

કોટેનની વસિયત

'ધ ગ્લોબ ઍન્ડ મેલ'ના એક અહેવાલ અનુસાર કોટેને પોતાના મૃત્યુના બરાબર એક અઠવાડિયા પહેલાં, 27 નવેમ્બરના રોજ આના પર હસ્તાક્ષર કર્યા હતા.

આ દસ્તાવેજોમાં કોટેને તેમની પત્નીને પોતાની સંપત્તિના પ્રબંધક બનાવ્યાં હતાં.

સમાચાર પત્રમાં જણાવ્યા અનુસાર આ વસીયતમાં તેમણે પોતાના બે કૂતરાઓ માટે 76,000 ડૉલરની રકમનો ઉલ્લેખ તો કર્યો છે પણ એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે એમના મૃત્યુ બાદ ક્વાડિગ્રા માટે ભંડોળની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે.

નાણાં પાછા મેળવવા માટેના પ્રયાસો

કોટેનની પત્ની જેનિફરે કોર્ટમાં કબૂલ્યું છે કે કોટેનના મૃત્યુ બાદ પણ આ પ્લૅટફૉર્મમાં ઘણાં રોકાણને મંજૂરી આપવામાં આવી છે.

ક્વાડિગ્રાએ જાહેરાત કરી છે કે તપાસકર્તાની નિમણૂક કરવામાં આવી છે જે આ જાણકારીઓને ફરીથી પ્રાપ્ત કરવાની સંભાવનાઓ શોધી રહી છે.

ગુરુવારે ક્વાડિગ્રાએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું , "ક્વાડિગ્રા પોતાના લિક્વિડિટીના મુદ્દે કામ કરી રહી છે, જેમાં કોલ્ડ વૉલેટમાં સંગ્રહ કરવામાં આવેલી ક્રિપ્ટૉકરન્સીની જાણકારી મેળવવી અને એને સુરક્ષિત કરવી જેવા પ્રયાસો સામેલ છે."

કંપનીની સુનાવણી હાલમાં નોવા સ્કૉટિયાની કોર્ટમાં ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો