ભારતમાં બદલાયો ટ્રેન્ડ, લગ્નમાં ભેટ સ્વરૂપે મળ્યા બિટકૉઇન

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી સંવાદદાતા

બેંગ્લુરુમાં થયેલાં એક લગ્નને અનોખાં લગ્ન કહી શકાય છે. પ્રશાંત શર્મા અને નીતિશ્રીનાં લગ્ન શનિવાર એટલે કે 9 ડિસેમ્બરે થયાં હતાં.

ખાસ વાત એ હતી કે આ લગ્નમાં સામેલ થયેલા મહેમાનો ખાલી હાથે આવ્યાં હતાં. તેનું કારણ હતું વરરાજા પ્રશાંત શર્માની માંગ.

તેમણે ભેટમાં ચીજવસ્તુ નહીં, ક્રિપ્ટોકરન્સી બિટકૉઇનની માગણી કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આશ્ચર્યજનક વાત તો એ છે કે પ્રશાંત શર્માની આ માંગને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

પ્રશાંત અને નીતિ બેંગ્લુરુમાં સ્ટાર્ટ-અપ કંપની ચલાવે છે.

આ કંપની આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલી હોવાથી તેમને ક્રિપ્ટોકરન્સીનો વિચાર આવ્યો હતો.

ભેટ તરીકે મળ્યા બિટકૉઇન

પ્રશાંત શર્માએ બીબીસીને જણાવ્યું હતું કે "લગ્નમાં 190 મહેમાનોમાંથી 15 મહેમાનોએ અમને પારંપરિક ઉપહાર આપ્યા હતા, જ્યારે બાકીના મહેમાનોએ અમને ક્રિપ્ટોકરન્સી આપી હતી."

પ્રશાંતને બીજો સવાલ પૂછવામાં આવ્યો કે લગ્ન દરમિયાન બિટકૉઇનના સ્વરૂપમાં તેમની કમાણી કેટલી થઈ?

જેના જવાબમાં પ્રશાંતે કહ્યું હતું કે "મને લગ્નમાં કેટલા રૂપિયા મળ્યા છે એ હું નહીં જણાવું, પણ અમને એક લાખ રૂપિયા જેટલી ભેટ મળી છે."

પ્રશાંત જણાવે છે, "લગ્નમાં સામેલ થયેલાં અમારાં મોટા ભાગનાં મિત્રો આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલાં છે. તેથી અમને વિચાર આવ્યો કે લગ્નમાં ભેટ આપવાની પરંપરા અને ટેકનૉલૉજીને મિક્સ કરવાં જોઈએ."

પ્રશાંત જમશેદપુરના છે, જ્યારે નીતિશ્રી બિહારની રાજધાની પટણાનાં છે.

છેલ્લા થોડા દિવસોથી બજારમાં બિટકૉઇનની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

લોકો તેમાં રસ દાખવી રહ્યા છે, કેમ કે તેમને લાગે છે કે તેમાં રોકાણ કરવું ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

બિટકૉઇનનો ઉપયોગ કમાણીના હેતુસરના રોકાણ સ્વરૂપે કરવો જોઈએ, એવું પ્રશાંત માનતા નથી. તેમનું માને છે કે બિટકૉઇનના ભાવ ગમે ત્યારે ગગડી શકે છે.

પ્રશાંત જણાવે છે, "અમે બિટકૉઇનને ભેટ તરીકે સ્વીકાર્યાં, કેમ કે અમે આ ટેકનૉલૉજીને નજીકથી સમજવા ઈચ્છતાં હતાં. અમે બ્લૉકચેઇન ટેકનૉલૉજી વિશે વધારે જાણવા ઉત્સુક છીએ."

મહેમાનો શું માને છે?

બીબીસીએ પ્રશાંતના લગ્નમાં આવેલા કેટલાક મહેમાનો સાથે પણ વાત કરી હતી.

એ મહેમાનોએ નવદંપતિને ભેટ સ્વરૂપે બિટકૉઇન આપ્યા હતા. ઘણાં લોકોને આ વિચાર પસંદ પણ આવ્યો હતો.

લગ્નમાં આવેલા મહેમાને પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે "આ વિચાર ખૂબ સારો છે. મને લાગે છે ભવિષ્યમાં તેનું ચલણ વધશે. જોકે, કેટલાક દેશોની સરકારને તે પસંદ નથી."

નીતિશ્રીના ભૂતપૂર્વ બૉસ અને 'એઇમ હાઈ' નામની કંપનીના CEO એન. એ. રવિશંકર પણ મહેમાનોની યાદીમાં સામેલ હતા.

તેમણે પણ ઝેબ-વે બિટકૉઇન એક્સચેન્જ પ્લેટફોર્મનો ઉપયોગ કરી નવદંપતિને બિટકોઈન ભેટમાં આપ્યા હતા.

રવિશંકર જણાવે છે, "ભેટ આપવા માટે આ એક નવીન વસ્તુ છે.

બિટકૉઇનની ચર્ચા છેલ્લા એક અઠવાડીયાથી શરૂ થઈ છે, પણ પ્રશાંત અને નીતિએ લગ્નમાં બિટકૉઇનને ભેટ તરીકે સ્વીકારવાની વાત બે મહિના પહેલા કરી હતી."

પ્રશાંત અને નીતિએ લગ્નમાં ભેટ તરીકે મળેલા બિટકૉઇનને વેચી દેવાનો નિર્ણય કર્યો છે.

તેમાંથી મળેલા નાણાં તેઓ જરૂરિયાતમંદ બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચશે.

નીતિશ્રી કહે છે, "શિક્ષણ ભારતની ઘણી સમસ્યાઓનું સમાધાન છે એવું અમે માનીએ છીએ."

બ્લૉકચેઇન શું છે?

પ્રશાંતના મિત્ર અને wowlabs.comના CEO અમિત સિંહ જણાવે છે, "બ્લોકચેઇન ટેકનૉલૉજી ખૂબ જ વિશાળ છે. ઇન્ટરનેટ જેવી આ ટેકનૉલૉજી વિશ્વને બદલી શકે છે."

પ્રશાંત કહે છે, "બ્લોકચેઇન ટેકનૉલૉજી એટલી મોટી છે કે તેના પર પ્રતિબંધ લગાવી શકાતો નથી.

આ ટેકનૉલૉજીના આધારે આખી સરકાર ચલાવી શકાય છે. બિટકૉઇન પાછળની બ્લોકચેઇન ટેકનૉલૉજી મહત્ત્તવપૂર્ણ છે."

બિટકૉઇન કેમ સરકાર માન્ય નથી?

અર્થશાસ્ત્રી પ્રાંજલ શર્મા કહે છે, "ક્રિપ્ટોકરન્સીની માલિકી અને તેનાં મેનેજમેન્ટમાં પારદર્શક્તા નથી.

ઓનલાઇન લેવડદેવડનો આંકડો પણ ખૂબ વધારે હોય છે.

તેથી રોકાણકારો સાથે છેતરપીંડી થવાની શક્યતા છે. આ જ કારણસર સરકાર થોડી સાવધ છે.

ઘણા દેશોમાં ક્રિપ્ટોકરન્સી હવે માન્ય છે. દુનિયાનાં ઘણા મૉલ, મોટી દુકાનોમાં ક્રિપ્ટોકરન્સી સ્વીકારાય છે."

જો કે ભારતમાં બિટકૉઇનને લઇને આવકવેરા વિભાગ હવે સક્રિય બન્યું છે.

આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે દેશના નવ એક્સચેન્જ સેન્ટર પર સર્વે કરવામાં આવ્યા છે.

આ સર્વે ઇનકમ ટેક્સ એક્ટની કલમક્રમાંક 133A હેઠળ કરવામાં આવ્યા છે.

તેનો મતલબ છે કે, આ સર્વે વડે રોકાણકારો અને વેપારીઓની ઓળખની માહિતી મેળવવામાં આવશે, તેમણે કરેલી લેવડદેવડની માહિતી એકત્ર કરાશે.

એ ઉપરાંત તેમની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ તેમજ તેમના બેંક ખાતા વિશે પણ માહિતી મેળવવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો