મોદીનાં 'ગુજરાત મૉડલ'ની સચ્ચાઈ શું છે?

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

શું મોદીનું 'ગુજરાત મૉડલ' ડૉક્ટરે લખેલી એ ચિઠ્ઠી છે કે જેના પર લખેલી દવા પીવાથી દર્દી પ્રગતિના પથ પર દોડવા લાગે છે?

ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટ BJP.ORG પર એક પીડીએફ ફાઇલ મૂકવામાં આવી છે, જેના પર લખવામાં આવ્યું છે કે, 'ગુજરાત મૉડલ' એક વિઝન છે જેની રાહ દેશ જોઈ રહ્યો છે.

આ ફાઇલને લોકસભા ચૂંટણી માટે બનાવાઈ હતી. ફાઇલનાં કવર પર જ એક સૂત્ર છે- 'વોટ ફોર ઇન્ડિયા, વોટ ફોર મોદી.'

ફાઇલમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત મૉડલનો મતલબ છે- અસંખ્ય નોકરીઓ, ઓછી મોંઘવારી, વધારે કમાણી, તીવ્ર ઝડપથી અર્થવ્યવસ્થાનો વિકાસ, ઉત્તમ શિક્ષણ, સુરક્ષા અને ઉત્તમ જીવન.

તમને આ પણ વાંચવું ગમશે

વર્ષ 2014માં ભારતની પ્રતિક્ષાનો અંત આવ્યો અને ગુજરાત મૉડલની વકીલાત કરનારા નરેન્દ્ર મોદીના હાથમાં દેશની સત્તા છે.

આ જ મૉડલની પરીક્ષા ફરી એક વખત ગુજરાતમાં થઈ રહી છે.

ગુજરાતનો દરિયા કિનારો

મોદીનાં ગુજરાત મૉડલમાં કેટલાંક ફેક્ટ છે અને કેટલાંક ફિક્શન તેની તપાસ માત્ર ચૂંટણીમાં મળતી હાર કે જીતથી નથી કરી શકાતી.

અમે તેની તપાસ એ તથ્યો અને પરિસ્થિતિઓના આધારે કરીશું, જેનો દાવો આ મૉડેલમાં ભાજપે કર્યો છે.

ભારતની કુલ વસતીનો પાંચ ટકા ભાગ ગુજરાતમાં છે અને તેના ભાગે છ ટકા ક્ષેત્રફળ છે.

તેની સાથે જ 7.6 ટકા જીડીપી છે. ભારતના કુલ શ્રમ બળનો દસમો ભાગ ગુજરાતનો છે અને કુલ નિકાસમાંથી 22 ટકા નિકાસ ગુજરાતમાંથી થાય છે.

અહીંની જળવાયુ અને ભૌગૌલિક સ્થિતિ પણ વેપાર માટે અનુકૂળ છે.

જો કે વરસાદ ન થવાને કરાણે અહીં ખેતી સહેલી નથી. લાંબા દરિયાકિનારાનાં કારણે અહીં આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ સારી સગવડ છે.

આજની તારીખમાં ભારતના એક તૃતિયાંશ સમુદ્રી જહાજ ગુજરાતના સમુદ્રી તટ પરથી પસાર થાય છે.

સ્પષ્ટ છે કે ગુજરાતની પ્રાકૃતિક અને ભૌગોલિક વિશેષતાનો શ્રેય મોદી નથી લઈ શકતા.

ગુજરાતનો વાર્ષિક જીડીપી વિકાસ દર 2001થી 2012 સુધી સરેરાશ 10 ટકા રહ્યો છે.

જો કે ભારતનાં અન્ય રાજ્ય મહારાષ્ટ્ર અને તમિલનાડુ પણ નિકાસ મામલે અગ્રેસર છે.

મોદીનું શાસન

વીજળીની માગ સતત વધી રહી છે છતાંય ગુજરાત 2002થી સરપ્લસ વીજ ઉત્પાદન કરી રહ્યું છે. 18 હજાર ગામડાંઓને ગ્રીડથી જોડવામાં આવ્યાં છે.

ગુજરાત વિશે એવું પણ કહેવામાં આવે છે કે, અહીંની નીતિઓ વ્યવસાયિક પ્રગતિમાં નડતરરૂપ નથી બનતી.

વર્ષ 2008માં ટાટા મોટર્સના નેનો કાર પ્લાન્ટને પશ્ચિમ બંગાળથી ગુજરાતનાં સાણંદમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

હવે ગુજરાતમાં ફોર્ડે પણ પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો છે. આ વર્ષે ભારતને પહેલી વખત 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ની યાદીમાં વિશ્વ બેંકે ટૉપ 100ની યાદીમાં સ્થાન આપ્યું છે.

પરંતુ ગુજરાત પહેલેથી જ આ મામલે આગળ છે. અહીં પરમિટ, લાઇસન્સ અને પર્યાવરણ સાથે જોડાયેલી ઔપચારિકતાઓ પૂરી કરવામાં કાયદાકીય પેચને વચ્ચે આવવા દેવાતો નથી.

જોકે, આ બધુંય મોદીનાં શાસન પહેલાં પણ થતું રહ્યું છે. અપોલોએ ગુજરાતમાં 1990માં જ ટાયરના એક મોટા પ્લાન્ટની સ્થાપના કરી હતી.

ગુજરાતમાં ક્યારેય પણ બિઝનેસ કરવામાં નોકરશાહી વચ્ચે આવતી ન હતી.

મોટા આર્થિક સુધારા

મોદીનાં સુશાસનના એ પક્ષનો ઉલ્લેખ ઘણી વખત કરવામાં આવે છે જેમણે ઇ-ગવર્નન્સને લાગૂ કરી.

ઇ-ગવર્નન્સનાં કારણે ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો નોંધાવાની વાત પણ કહેવામાં આવે છે. શું મોદીનું ગુજરાત મૉડલ કોઈ ક્રાંતિકારી આર્થિક સુધારો છે?

અર્થશાસ્ત્રી વિવેક દેહેજિયાએ 'ધ ઇકોનૉમિસ્ટ'માં કહ્યું હતું કે ગુજરાત મૉડલ ગુડ ગવર્નન્સ એ વૈચારિક નિષ્પક્ષતાનો મામલો છે.

તે વર્ષ 1980ના દાયકામાં અમેરિકા અને બ્રિટનમાં થયેલા મોટા આર્થિક સુધારા જેવું નથી.

કોઈ પણ સરકારનાં સુશાસનની તપાસ કરવાના અનેક પાસાં હોય છે.

પહેલું અને મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે સરકાર સામાજિક- આર્થિક મોરચે પોતાનાં અધિકાર ક્ષેત્રમાં કેવી રીતે શું લક્ષ્ય સાથે કામ કરી રહી છે.

તેનાથી જ સરકારનાં કામની દિશાની પણ જાણકારી મળે છે. ગુજરાત સરકારને છેલ્લાં ઘણા વર્ષોથી સુશાસન માટે મીડિયા અને કૉર્પોરેટ એવોર્ડ મળ્યા છે.

એક સવાલ ઊભો થાય છે કે સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સનો મતલબ કેટલાંક ખાસ સેક્ટરમાં કલ્યાણ છે અથવા તો રાજ્યના દરેક નાગરિકો માટે સમાન તક અને મૂળભૂત સુવિધાઓથી છે.

ગુજરાતમાં સરકાર અને સુશાસન

જો વર્ષ 1976થી 1980 સુધી જનતા પક્ષ અને 1989-90માં ભાજપ અને જનતા પક્ષની ગઠબંધન સરકારને બાકાત કરી દેવામાં આવે તો ગુજરાતમાં 1952થી 1995 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે.

ત્યારબાદ ભાજપ ગુજરાતમાં સત્તામાં આવ્યો. પુસ્તક 'ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વિચ વે ઇઝ ગુજરાત ગોઇંગ'માં મોદીનાં ગુજરાત મૉડલની સમીક્ષા કરવામાં આવી છે.

પુસ્તકનાં એક પ્રકરણ 'ગવર્નન્સ ઑફ ગુજરાત'ના આધારે આર્થિક વૃદ્ધિને લઇને નીતિ એક જેવી જ રહી છે, પછી સરકાર ભલે ગમે તેની હોય.

આ પ્રકરણના લેખક અર્થશાસ્ત્રી પ્રોફેસર ઘનશ્યામ શાહ છે.

શાહે લખ્યું છે કે જ્યારે બૉમ્બે સ્ટેટમાંથી ગુજરાતનું વિભાજન થયું, ત્યારે પણ ઔદ્યોગિક વિકાસના મામલે ગુજરાતનો ક્રમ આઠમા નંબરે હતો.

ત્યારે તત્કાલીન સરકાર માટે પહેલું કામ હતું કે તેઓ રાજધાની બૉમ્બે પ્રત્યેનાં આકર્ષણને પોતાની જમીન પર લાવે.

શરૂઆતમાં જ સત્તામાં આવેલી સરકારોએ ખાનગી રોકાણને આકર્ષિત કરવા સિવાય જોઇન્ટ વેન્ચર કંપનીઓમાં જોઇન્ટ વેન્ચર ઇન્વેસ્ટમેન્ટને પ્રાથમિકતા આપી હતી.

નેતા ગંભીર હતા....

વર્ષ 1962ની શરૂઆતમાં જ રાજ્ય સરકારે 'ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ'ની સ્થાપના કરી હતી.

ત્યારબાદ વર્ષ 1969માં ગુજરાતમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશનનું નિર્માણ થયું હતું.

વર્ષ 1976માં ગુજરાત નર્મદા વૅલિ ફર્ટિલાઇઝર્સ કંપની બની. 1979માં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશનની સ્થાપના કરાઈ હતી.

એટલે કે શરૂઆતથી જ ગુજરાતના નેતા એ વાતને લઇને ગંભીર હતા કે ખાનગી સેક્ટરની જેમ સાર્વજનિક ઉદ્યોગોએ પણ પ્રભાવક બનવું જોઈએ.

ગુજરાતમાં નેતાઓ કે નોકરશાહો, કોઈએ પણ કૉર્પોરેશનનાં સંચાલનમાં અડચણો ઉત્પન્ન નથી કરી. આ પરંપરા હંમેશાં યથાવત રહી હતી.

ગુજરાતમાં પ્રારંભિક સરકારોએ રાજ્યની રચના પછી જ બૉમ્બે સ્ટ્રીટની ઢબને અપનાવતા ઘણી સંસ્થાઓનું નિર્માણ કર્યું.

'ધ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન' અને 'ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કૉર્પોરેશન'ની સ્થાપના તો 1960ના દાયકામાં જ થઈ ગઈ હતી.

આ સંસ્થાઓ ઉદ્યોગ જગતને પ્રોત્સાહિત કરવા માટે સહાય, સબસિડી, ટેક્સમાં રાહત, જમીન, પાણી, વીજળી અને રસ્તાઓની સુવિધા આપતી હતી.

જિલ્લા સ્તર પર ઉદ્યોગ- ધંધાને પ્રોત્સાહન આપવા માટે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી.

ક્રાંતિકારી પગલું

વર્ષ 1965ની શરૂઆતમાં જ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી.

1977માં ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યૂરોની સ્થાપના કરવામાં આવી હતી, જેને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે.

તેની સ્થાપના ઉદ્યોગ- ધંધામાં નોકરશાહી જટિલતાને સમાપ્ત કરવા માટે કરવામાં આવી હતી.

ગુજરાતે આર્થિક રોકાણને આકર્ષિત કરવા માટે ન માત્ર દિલ્હીમાં પોતાની ઑફિસ ખોલી, પણ સાથે સાથે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને દક્ષિણ આફ્રિકામાં પણ કાર્યાલયો શરૂ કર્યાં હતાં.

આ કાર્યાલયોનાં માધ્યમથી ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ સાથે ખાનગી સંપર્ક સ્થાપિત કરાયા હતા.

આ સંપર્કોથી લાઇસન્સ ઇચ્છતા રોકાણકારોની અરજીઓને ચકાસવામાં આવતી હતી.

મતલબ એ છે કે ગુજરાત હાલ જેવું છે તેવો તેને આકાર આપવામાં પૂર્વ સરકારોની મજબૂત ભૂમિકા રહી છે.

આંકડાઓની કસોટી પર ગુજરાતનું સત્ય

આર્થિક સર્વે અનુસાર, 1995થી 2005 વચ્ચે ગુજરાતમાં રોજગાર વિકાસ દર 2.6 ટકા રહ્યો, જ્યારે હરિયાણામાં આ દર 36.7 ટકા હતો.

આ વિકાસ દર કર્ણાટકમાં 29.8 ટકા, આંધ્ર પ્રદેશમાં 27.7 ટકા અને તમિલનાડુમાં 24.9 ટકા રહ્યો છે.

બીજી તરફ ફેક્ટરીમાં મળતી રોજગારીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

1960-61માં ગુજરાતમાં ફેક્ટરી દીઠ 99 લોકોને રોજગારી મળતી હતી. વર્ષ 2005માં આ સંખ્યા ઘટીને 59.44 પર પહોંચી હતી.

આ ફેક્ટરીઓમાં સરેરાશ નાણાં રોકાણ અઢી ગણું વધ્યું છે. આ તથ્યોને ગુજરાત સરકારે પણ સ્વીકાર્યાં છે.

સ્વાસ્થ્ય પર જીડીપી અને પ્રતિ વ્યક્તિ આવકનો જેટલો ભાગ ગુજરાતમાં ખર્ચવામાં આવે છે, તે મામલે તે આઠમા નંબર પર છે.

2011ની વસતિ ગણતરીના આધારે 2001થી 2011 સુધી ભારતના લિંગાનુપાતમાં સુધારો થયો, તો બીજી તરફ ગુજરાતમાં ઘટાડો નોંધાયો હતો.

આ દરમિયાન ભારતનો લિંગાનુપાત 933 મહિલાઓ પર 1000 પુરુષથી 1000 પુરુષ પર 943 મહિલા થયો હતો.

2000ના દાયકામાં ગુજરાતમાં વાર્ષિક કૃષિ વૃદ્ધિ દર 9.8 ટકા રહ્યો જે સમગ્ર દેશમાં ટોચના સ્થાને હતો. આ વૃદ્ધિ દર 90ના દાયકામાં માત્ર બે ટકા હતો.

વિકાસને પ્રાથમિકતા

આ દરમિયાન કેરળમાં કૃષિ વૃદ્ધિ દર શૂન્ય રહ્યો, જ્યારે 1990ના દાયકામાં તે 1.3 ટકા પર પહોંચ્યો હતો.

2000ના દાયકામાં જ ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળનો કૃષિ વિકાસ દર ત્રણ ટકાથી પણ ઓછો નોંધાયો હતો.

જોકે, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં કૃષિ વૃદ્ધિ દર પાક આધારિત કિંમત અને ઉત્પાદકતાના કારણે હતો, જેનો ફાયદો નાના ખેડૂતો અને ખેતરોમાં મજૂરી કરતા લોકોને ન થયો.

મોદીનાં ગુજરાત મૉડલ વિશે કહેવાય છે કે સરકાર નિર્ણય લેવામાં મોડું નથી કરતી.

જોકે, વિવેચકોનું માનવું છે કે સરકાર એ ક્યારેય નથી જણાવતી કે નિર્ણય કેટલા પારદર્શી અને સમાવેશી છે.

સુરતમાં 'સેન્ટર ફોર સોશિયલ સાયન્સ સ્ટડી સેન્ટર'માં અર્થશાસ્ત્રના પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે, "ખાનગી રોકાણકારો ન માત્ર રોકાણ કરે છે પણ વિકાસની પ્રાથમિકતા પણ નક્કી કરે છે.

"તેમનું માનવું છે કે તેની સીધી અસર ઉત્પાદનો અને વિતરણ પર પડે છે."

નેશનલ સેમ્પલ સર્વે

કિરણ દેસાઈ કહે છે, "ગુજરાતમાં રોકાણકારો અને રોજગાર ઉત્પન્ન થવા વચ્ચે કોઈ સંબંધ નથી. ગુજરાતમાં સાર્વજનિક વિતરણ પ્રણાલીનાં માધ્યમથી પ્રતિ વ્યક્તિને મળતા સામાનમાં ભારે ઘટાડો નોંધાયો છે."

નેશનલ સેમ્પલ સર્વે પ્રમાણે, 2011-12માં સરેરાશ વાસ્તવિક મજૂરી રાષ્ટ્રીય સરેરાશ વાસ્તવિક મજૂરી કરતા ઓછી હતી.

2002ના રમખાણો બાદ મોદીએ 2003માં 'વાઇબ્રન્ટ ગુજરાત'ની શરૂઆત કરી હતી.

2003માં તેમાં માત્ર 500 લોકો આવ્યા હતા, જ્યારે 2017માં આ ચાર દિવસીય સંમેલનમાં 55 હજાર લોકો આવ્યા હતા.

આ સમિટમાં એમઓયુ પર હસ્તાક્ષર તો ખૂબ કરવામાં આવે છે, પરંતુ વિદેશી રોકાણની રકમ ક્યારેય સાર્વજનિક કરવામાં આવતી નથી.

પુરુષોની સરેરાશ મજૂરી દરના મામલે, ગુજરાત 2005-06માં નવમા નંબર પર હતું, જે વર્ષ 2009-10માં 18મા નંબર પર પહોંચ્યું હતું.

આ તરફ મહિલાઓના મામલે તે 2005-06થી જ સાતમા નંબર પર છે. તેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પ્રથમ નંબરે છે.

ગુજરાતમાં 79.31 ટકા લોકો શિક્ષિત છે અને તેની સાથે ગુજરાત સાક્ષરતાના મામલે દેશમાં 18મા નંબર પર છે.

રસપ્રદ વાત એ છે કે 2001માં ગુજરાત 16મા નંબર પર હતું અને 2012માં સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી.

ગુજરાત મહિલાઓનાં કુપોષણ મામલે ભારતનાં અન્ય રાજ્યોથી આગળ છે.

'વૉલ સ્ટ્રીટ જર્નલે' પણ આ મામલે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી એવા મોદીને સવાલ પૂછ્યો હતો.

ભારત સરકાર

રાજ્યના મુખ્યમંત્રી રૂપે સપ્ટેમ્બર 2012માં મોદીએ 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અહીં કુપોષણ એ માટે છે, કેમ કે ગુજરાતી શાકાહારી હોય છે.

મધ્યમ વર્ગ અહીં સ્વાસ્થ્ય કરતા વધારે દેખાવ અને વજન પર ચિંતિત રહે છે. મોદીના આ જવાબની ત્યારે ઘણી ટીકા થઈ હતી.

ભારતના બીજા વિકાસ સૂચકાંક રિપોર્ટના આધારે આ મોરચે ગુજરાત નવમા નંબર પર છે, જ્યારે કેરળ, દિલ્હી, હિમાચલ અને પંજાબ આગળ છે.

રાષ્ટ્રીય અપરાધ બ્યૂરોના આંકડાની માહિતી મુજબ, 2016માં દલિતો પ્રત્યે અપરાધ દર 32.5 ટકા હતો, જ્યારે રાષ્ટ્રીય અપરાધ દર 20.4 ટકા હતો.

આ અપરાધો વિરૂદ્ધ ગુજરાતમાં કાર્યવાહી દર 4.7 ટકા હતો, જ્યારે રાષ્ટ્રીય સ્તર પર આંકડો 27 ટકા રહ્યો હતો.

આ આંકડા બતાવીને મેં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાને પૂછ્યું, તો તેમણે ભારત સરકારના આંકડાઓને જ ફગાવી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો