શાહનાં આયોજન સામે યુવા નેતા હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ વામણા?

    • લેેખક, શિવ વિશ્વનાથન
    • પદ, રાજકીય વિશ્લેષક

મારો એક મિત્ર ચૂંટણીનો નિષ્ણાત છે. મેં તેને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિશે પૂછ્યું ત્યારે એ હસી પડ્યો હતો.

તેણે દાવો કર્યો હતો કે ''આ માત્ર વિધાનસભાની ચૂંટણી નથી. એ 2019ની સામાન્ય ચૂંટણી સંબંધે લોકમિજાજનું ભવ્ય પરીક્ષણ છે.''

''કોઈ પણ પ્રકારની શંકાના તથા અન્ય અડચણોનાં નિવારણનો અભ્યાસ અમિત શાહ આ ચૂંટણી મારફત કરી રહ્યા છે.''

મારા દોસ્તના દાવા મુજબ, ચૂંટણી શંકા, ચડસાચડસી અને અનિશ્ચિતતા સાથેનો જંગ હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, આજકાલની ચૂંટણીમાં એ બધું થોડાઘણા અંશે જોવા મળી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી ભવ્ય કથા રજૂ કરી રહી છે અને આપણને જે થોડોક સંઘર્ષ જોવા મળે છે એ મનોરંજન, મસ્તી છે.

'ટાઈમ-પાસ' ચૂંટણી

લોકશાહીને ધમધમતી રાખવા માટે બધો ખેલ ચાલી રહ્યો છે.

ફોકસ 2019ની ચૂંટણી પર છે. આજનો સંઘર્ષ તો માત્ર વચગાળાનો કાર્યક્રમ છે.

મારા દોસ્તે આ સમયગાળા માટે વાસ્તવમાં રોજિંદી વાતચીતમાં વપરાતા શબ્દનો ઉપયોગ કર્યો હતો.

તેણે જણાવ્યું હતું કે આ 'ટાઈમ-પાસ' ચૂંટણી છે.

કામઢા નરેન્દ્ર મોદી અને બેકાર વિરોધ પક્ષ

દેશભરમાંની પરિસ્થિતિ પર નજર નાખતાં લાગે છે કે નરેન્દ્ર મોદી લોકોની નાડ પારખી ગયા છે.

તેમની દલીલોમાં સત્વ ભલે ન હોય, પણ તેઓ એક પ્રકારની ગતિશીલતાનો, નિષ્ઠાપૂર્ણ દ્રઢનિશ્ચયનો આભાસ જરૂર સર્જે છે.

તેઓ આકરી મહેનત કરી રહ્યાનું જણાય છે ત્યારે વિરોધપક્ષ બેકાર થઈ ગયો હોય એવું લાગે છે.

નરેન્દ્ર મોદી સામર્થવાન નેતા હોવાનું પ્રમાણપત્ર આપી ચૂકેલા સંખ્યાબંધ આધ્યાત્મિક નેતાની વાત મારા દોસ્તે કરી હતી.

એ આધ્યાત્મિક નેતાઓમાં મોરારી બાપુથી માંડીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જગ્ગી વાસુદેવનો સમાવેશ થાય છે.

બીજી તરફ રાહુલ ગાંધીને તેમના માર્શલ આર્ટ્સના ગુરૂ તરફથી જ સર્ટિફિકેટ મળ્યું છે.

જાપાનીઝ માર્શલ આર્ટ આઈકિડો ચૂંટણીની રમત તો નથી જ.

અહીં વિધિની વક્રતા એ છે કે લોકો બધો ખેલ નિહાળી રહ્યા છે.

ક્યાં છે વિરોધ પક્ષની પ્રતિષ્ઠા?

નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની હાજરી પણ લોકોના ધ્યાનમાં છે.

લોકો જાણી ગયા છે કે એ ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલી સુસજ્જ વ્યવસ્થા છે.

બીજી તરફ વિરોધ પક્ષ લગભગ વેરવિખેર છે.

રાજસ્થાનમાં સચિન પાઈલટ અને બંગાળમાં મમતા બેનરજી વિપક્ષી એકતા માટે કેટલાક પ્રયાસ કરી રહ્યા છે એ સાચું, પણ વિપક્ષી એકતા હજુ દૂરની વાત લાગે છે.

વિરોધ પક્ષની પ્રતિષ્ઠા કે ઓળખ જેવું રહ્યું નથી.

એક રીતે નસીબ અત્યારે બીજેપીના પક્ષે છે. લોકો તેને આકરી મહેનત કરતો પક્ષ માનતા થઈ રહ્યા છે.

ખાસ કરીને અસંગઠીત ક્ષેત્ર માટે સામાજિક દૂર્ધટના પૂરવાર થયેલી નોટબંધીની જ વાત કરીએ.

નોટબંધીના પરિણામની નહીં પણ તેના હેતુને વારંવાર આગળ ધરવામાં આવી રહ્યો છે.

નોટબંધીને નૈતિક કારણસર લેવામાં આવેલું પણ આંશિક રીતે મુશ્કેલીસર્જક પુરવાર થયેલું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

તેમ છતાં બહુ ઓછા લોકો એ માટે નરેન્દ્ર મોદીને દોષી ગણી રહ્યા છે.

મતદારો માટે તો નરેન્દ્ર મોદી અણનમ યોદ્ધા જ છે.

2019ની ચૂંટણીની પ્રતિક્ષા

માનસશાસ્ત્રીઓ કહે છે લોકો વધુ બે વર્ષ પસાર થવાની રાહ જોઈ રહ્યા છે.

દેશ 2019ની ચૂંટણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.

અલબત, ભૂલો તો બીજેપીએ પણ કરી છે. બીજેપીની બેરોજગારી અને કૃષિ સંબંધી નીતિ નિષ્ફળ પુરવાર થઈ છે.

તેમ છતાં તેનો વિરોધ કરવા લોકો પૂરતા પ્રમાણમાં શેરીઓમાં ઉમટ્યા નથી.

આ મુદ્દે સર્વસંમત મૌન નુકસાનકારક છે.

આપણે ચૂંટણીની જીવંતતાને નહીં, પણ રાજકારણના ખાલિપાને નિહાળી રહ્યા છીએ.

આપણે એવી પરિસ્થિતિના સાક્ષી બન્યા છીએ કે જેમાં મીડિયા સાથે સંઘર્ષરત બહુમતી સરકાર, વિરોધપક્ષ બુદ્ધિહીન હોવાને કારણે કંઈ પણ કરી શકે છે.

ભિન્નમતની હાજરી ક્યાંય દેખાતી નથી. ક્યાંય વિકલ્પ દેખાતો નથી.

બીજેપી સફળ છે એવું નથી. હકીકતમાં રાજકારણ થાકી ગયેલું, ઉત્સાહવિહોણું લાગે છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહના મોટાં હોર્ડિંગ્ઝ સાથેની ચૂંટણી ઘોંઘાટભર્યા જંગને બદલે હવે મૂંગી ફિલ્મ જેવી વધારે લાગે છે.

તેમાં ચૂંટણીના ચૈતન્યનો અભાવ દેખાય છે.

ગુજરાતમાં વામણા લાગતા યુવા નેતાઓ

ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં ત્રણ યુવાન નેતાઓ ધ્યાન ખેંચી રહ્યા છે.

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જોરદાર જુસ્સો દેખાડી રહ્યા છે, પણ અમિત શાહના જંગી આયોજન સામે તેઓ વામણા લાગે છે.

બીજેપીનો પ્રભાવ વાસ્તવિક નથી. વિચાર, યુક્તિ-પ્રયુક્તિ અને વિરોધપક્ષ સર્જવાના વિઝનનો અભાવ ઉડીને આંખે વળગે છે.

નવીન પટનાયક, લાલુપ્રસાદ યાદવ, મમતા બેનરજી અને માર્ક્સવાદી પક્ષ એકતા સાધીને વ્યૂહરચના ઘડે એવું વિઝન દેખાતું નથી.

ઝડપી પરિણામ નહીં, પણ વિઝનની અને વ્યૂહરચનાની અપેક્ષા છે.

વિરોધપક્ષની પ્રાદેશિક ક્ષમતા રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવામાં ઉપયોગી થતી નથી.

ચિંતાજનક પરિસ્થિતિ

આજના રાજકારણ પાસેથી તો બી ગ્રેડની ફિલ્મ જેટલી અપેક્ષા પણ રાખી શકાય એવું નથી.

આ બધાં કારણોને લીધે લોકશાહી પ્રતિસાદ મેળવવાની સૂઝ, ભૂલોના મૂલ્યાંકનની આવડત અને વૈચારિક વાદવિવાદની ક્ષમતા ગૂમાવી રહી છે.

ચેન્નઈ એક સમયે વિરોધ અને ન્યાયના મહાન વિચારોની જન્મભૂમિ હતું, પણ આજે રાજકીય રીતે એકદમ ખાલી થઈ ગયું છે.

કમલ હસનની હાલત અધૂરી સ્ક્રિપ્ટ સાથે ગોથાં ખાતા એક્ટર જેવી છે, જ્યારે રજનીકાંત મૌન છે.

રાજકારણની આ પરિસ્થિતિ ચિંતાજનક છે.

2019ની ચૂંટણીમાં બીજેપીની સંભાવનાને મીડિયા અત્યારથી ઉજવી રહ્યું છે.

2019ની ચૂંટણી પડકારજનક બની રહે એટલા માટે નાગરિક સમાજ હવે જાગશે એવી આશા રાખવી રહી.

(શિવ વિશ્વનાથન જિંદલ ગ્લોબલ લો સ્કૂલ ખાતે પ્રોફેસર અને સેન્ટર ફોર સ્ટડી ઓફ નોલેજ સીસ્ટમ્સ, ઓ. પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીના ડિરેક્ટર છે.)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચા લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો