You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અલ્પેશના નિર્ણયથી ગુજરાત ચૂંટણી બની વધુ રોમાંચક
ગુજરાતમાં ચૂંટણીની ગરમાગરમીનો માહોલ છે. ભાજપ પોતાનો ગઢ બચાવવાના પ્રયાસમાં છે તો કોંગ્રેસ પણ જીત મેળવવા માટે કમરતોડ મહેનત કરી રહી છે.
આ વખતે ગુજરાત ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.
ચૂંટણીને રસપ્રદ બનાવી છે યુવા તિકડીએ જેમાં સામેલ છે પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર.
21 ઓક્ટોબરના રોજ જોવા મળેલી ચૂંટણીની ઉથલ પાથલમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ તેમણે કોંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.
ગાંધીનગરમાં રાહુલ સાથે કરશે રેલી
સોમવાર (23 ઓક્ટોબર) ના રોજ અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં એક રેલી કરશે જેમાં રાહુલ ગાંધી પણ જોડાશે.
રેલી દરમ્યાન જ મંચ પર અલ્પેશ ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાશે.
અમદાવાદમાં હાજર બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા અલ્પેશે કહ્યું છે, "અમે ઇચ્છીએ છીએ કે સરકાર ગરીબ અને પછાત વર્ગના હિતમાં કામ કરે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં તેમણે ઉમેર્યું કે, "સરકાર વ્યવસ્થામાં પરિવર્તન લાવે તેવી અમારી ઇચ્છા છે. અમે ગુજરાત સરકાર સામે ઘણી વખત આ વાત મૂકી છે પણ તેમણે ધ્યાન નથી આપ્યું."
કોંગ્રેસમાં સામેલ થવા પર તેમણે કહ્યું કે, "અમને રાહુલ ગાંધીનો સંદેશ મળ્યો કે અમારી જેમ કોંગ્રેસ પણ ગુજરાતના પછાત અને ગરીબોના હિત તેમજ વિકાસ વિશે વિચારે છે."
"રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આપણી વિચારધારા એક છે તેથી સાથે મળીને ચૂંટણી લડીએ. એ માટે અમે તેમની સાથે જવાનો નિર્ણય લીધો."
હાર્દિક અને જિગ્નેશ પણ ભાજપ વિરોધી
શનિવારના રોજ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું હતું.
આ નિમંત્રણને અલ્પેશ ઠાકોરે સ્વીકાર્યું છે.
હાર્દિક અને જિગ્નેશે હાલ રાહુલ ગાંધી સાથે મુલાકાત નથી કરી. આ વિષય પર અલ્પેશ ઠાકોરે બીબીસીને જણાવ્યું કે હાર્દિક અને જિગ્નેશ પહેલેથી જ કોંગ્રેસનો સાથ આપવાની વાત કરી ચૂક્યા છે.
અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ એક સાથે આવી ગયા છે તેવામાં હવે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ બીબીસીને જણાવ્યું કે, "ગુજરાતના વિકાસ અને અહીના લોકોની ખુશી માટે અમે આ યુવા નેતાઓને કોંગ્રેસ સાથે જોડાવાનું નિમંત્રણ આપ્યું, અલ્પેશ અમારી સાથે આવી ગયા છે."
વધુમાં તેમણે ઉમેર્યું કે, "આગામી સમયમાં હાર્દિક પટેલે પણ કહ્યું છે કે તેઓ કોંગ્રેસને સમર્થન આપશે અને જિગ્નેશ બીજેપીનો વિરોધ કરશે."
હાર્દિકના સાથી ભાજપ સાથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભાવનગર નજીક ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું.
આ વચ્ચે હાર્દિક પટેલના બે નજીકના સહયોગી વરૂણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપ સાથે જોડાઈ ગયા છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરાઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો