You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સામ પિત્રોડા : ગુજરાત ચૂંટણીઓમાં કોંગ્રેસને તારશે?
એક તરફ પાટીદાર-પટેલ જ્ઞાતિને કોંગ્રેસ સંવૈધાનિક રીતે અધર બેકવર્ડ કૉમ્યુનિટીમાં (ઓબીસીમાં) કેમ સમાવિષ્ટ કરી શકય તે દિશામાં પ્રયત્નો કરવાનો ચૂંટણી વાયદો આપ્યો છે.
તો બીજી તરફ કોંગ્રેસ વતી પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે લોકોને મળી અને લોકો દ્વારા મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરી રહેલા સામ પિત્રોડા દ્વારા 'વગર અનામતે વિકાસ શક્ય છે'ના નિવેદને રાજકીય ગલિયારાઓમાં અનેક ચર્ચાઓ જગાવી છે.
કોંગ્રેસ વતી કપિલ સિબ્બલ ગુજરાત અને દિલ્હી વચ્ચે અનામત મુદ્દે બંધારણીય જોગવાઈઓ ટાંકીને પાટીદારો સાથે વાટાઘાટ કરીને સમજાવી રહ્યા છે, પરંતુ પાટીદારો અનામતની માંગણી સાથે અડીખમ અને અડગ ઊભા છે.
તમને આ પણ વાચવું ગમશે
આવી પરિસ્થિતિની વચ્ચે પાટીદારો ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં કઈ તરફ ઝુકશે તેનું ચિત્ર ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.
બીબીસીએ રાજકીય વિશ્લેષકો, પાટીદાર નેતાઓ, સામ પિત્રોડા સાથે અત્યંત નિકટતા ધરાવતા લોકો આ પરિસ્થિતિને કેવી રીતે જુએ છે, તે સંદર્ભે વાતચીત કરી.
સામ પિત્રોડા આજે જ્યારે અમદાવાદથી રાજકોટ જવા નીકળ્યા છે ત્યારે પાટીદારોના ગઢ સમાન સૌરાષ્ટ્રમાં આ સંદર્ભે શું ચર્ચાઓ થઇ રહી છે.
પટેલો શું કહે છે?
લેઉવા પટેલોનું વર્ચસ્વ ધરાવતી સામાજિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સમાજ વતી અમે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે સામ પિત્રોડાનું વિધાન પટેલ-પાટીદાર સમાજને સ્વીકાર્ય નથી.
ગજેરાએ ઉમેર્યું, "ચૂંટણી જીતવાના હેતુથી કોઈપણ વચનો આપવામાં આવશે તેનો પાટીદાર-પટેલ સમાજ અસ્વીકાર કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગજેરાએ કહ્યું કે આવા વચનોની સંવૈધાનિક અને કાયદાકીય જોગવાઈઓ શું છે તેનો અભ્યાસ થશે અને પછી જ યોગ્ય નિર્ણય લેવાશે.
પાટીદાર-પટેલ જ્ઞાતિમાં 20% લોકો સમૃદ્ધ છે, 20% લોકો મધ્યમવર્ગી છે અને 60% લોકો ગરીબીમાં જીવે છે.
ગજેરા કહે છે કે અનામતનો કે પછી આવો સમકક્ષ કોઈ લાભ જો પાટીદારને મળે તો ગરીબીમાં જીવતા 60% વર્ગ માટે એ સારી વાત છે.
રાજકીય વિશ્લેષક શું કહે છે?
સામા પક્ષે રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સામનું વિધાન સર્વ-સમાવેશક (ઇન્ક્લુઝિવ) છે જે એ સ્પષ્ટ કરે છે કે સમાજના બધા વર્ગોને સાથે લઇને ચાલો."
કાશીકર ઉમેરે છે કે સામ પિત્રોડા કોઈ રાજકારણી નથી પણ એક ટેકનોક્રેટ છે.
કાશીકરે કહ્યું કે તેઓ જે સમાજમાંથી આવે છે તેમાં વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં તેઓ તેમની મહેનતના જોરે એક વૈશ્વિક હસ્તી બનીને ઉભર્યા છે, એટલે સામ પિત્રોડાનું નિવેદન રાજકારણથી પર છે.
નિકટના લોકો શું કહે છે?
તો હાલમાં રાજકોટમાં જે સામ પિત્રોડાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા એક સમયે લંડનમાં 1999ની સાલમાં વ્યવસાયિક સંબંધો ધરાવતા ટેક્નોપ્રેનેર વિક્રમ પંડ્યા બીબીસી સાથે વાતચીત કરતા કહે છે,
"સામભાઈ સીધી વાત જ કરે એવા વ્યક્તિ છે, જે પણ વાત કરે એ સીધી-સરળ હોય, એમાં કોઈ ગોળ-ગોળ વાત ન હોય."
સામ પિત્રોડાના નિવેદન પર પ્રકાશ પાડતા પંડ્યા કહે છે કે તેમના નિવેદનનું અર્થઘટન જરા જુદી રીતે કરવામાં આવ્યું છે.
સામભાઈએ કોઈપણ પ્રકારની અનામતની જોગવાઈઓ વગર લાગતી-વળગતી જ્ઞાતિઓ સાથે આવીને વિકાસ કરી શકે છે એવી વાત કરી છે.
પંડયા ઉમેરે છે કે, "આવી કોઈ જ્ઞાતિઓને અનામતનો લાભ આપવાનો હોય તો તેમાં વહીવટી જોગવાઈઓ શક્ય બનાવી શકાય છે અને એ સંદર્ભે પ્રગતિ કરવા માટે અનામતની જરૂર નથી એવું વિધાન જે સામભાઈએ કર્યું છે તે યોગ્ય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો