ગુજરાતમાં કોને છે મુસ્લિમ મતોની દરકાર?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. શાસક ભારતીય જનતા પાર્ટી (બીજેપી) વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણી મુસ્લિમોના મત વિના જીતી છે.

મુસ્લિમને ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા અને મુસ્લિમોના મત મેળવવા સક્રીય પ્રયાસ પણ કરવામાં આવ્યા ન હતા.

તેના પરિણામે એવી છાપ સર્જાઈ હતી કે ગુજરાતના રાજકારણમાંથી મુસ્લિમ મતોનો એકડો બિનસત્તાવાર રીતે નીકળી ગયો છે.

કોંગ્રેસ પક્ષ ફરી માથું ઊંચકી રહ્યો હોવાના અહેવાલોના સંદર્ભમાં સતત ચોથી વખત મુસ્લિમ મતોની અવગણના કરવાનું બીજેપીને પરવડશે?

તમને આ વાંચવું પણ ગમશે:

ગુજરાતની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ દસેક ટકા જેટલું છે. કોઈ પક્ષને તેમની અવગણના કરવાનું પરવડે?

આ સવાલનો જવાબ કદાચ અસ્પષ્ટ છે, પણ કોંગ્રેસ કે બીજેપી એકેયને આકર્ષવા માટે મુસ્લિમ સમાજ વાંકો વળવાનો નથી એ વાત એકદમ સ્પષ્ટ છે.

તેનું કારણ એ છે કે 2002ની હિંસામાં ફટકો ખાધા બાદ ગુજરાતી મુસ્લિમોમાં આત્મવિશ્વાસ વધ્યો છે.

સાક્ષરતાનું પ્રમાણ વધ્યું

તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઘણાં સારાં પ્રમાણમાં વધ્યું છે. મુસ્લિમોનો સાક્ષરતાનો દર અંદાજે 80 ટકાની નજીક પહોંચી ગયો છે.

મુસ્લિમો હુલ્લડને ભૂલી ગયા છે કે હુલ્લડનો ભોગ બનેલા પરિવારોએ ન્યાય માગવાનું બંધ કરી દીધું છે એવું વિચારવું આ તબક્કે વધારે પડતું ગણાશે.

મુસ્લિમો ધૂંધવાયેલા છે એવું માનવું પણ એટલું જ અયોગ્ય છે.

માત્ર શિક્ષણ પર જ ધ્યાન કેન્દ્રીત કરીને ખુદના સશક્તિકરણ માટે મોટાભાગના મુસ્લિમોએ ચૂપચાપ આકરી મહેનત કરી છે.

તેમણે રોજગારલક્ષી તાલીમ પણ લીધી છે.

ગુજરાતી મુસ્લિમોની બહેતર સ્થિતિ

2002નાં હુલ્લડ પછી ગુજરાતી મુસ્લિમોની કથામાં ધીમી ગતિએ પરિવર્તન આવ્યાનું મેં અનુભવ્યું છે. મુસ્લિમો એકલા પડી ગયા હતા.

મુસ્લિમોને એવું લાગતું હતું કે તેમને રાષ્ટ્રીય મુખ્યધારામાંથી બહાર ધકેલવામાં આવી રહ્યા છે.

તેમને ભય તથા અસલામતીની લાગણી ઘેરી વળી હતી.

એ પછી તેમને પોતાનો અવાજ સાંપડ્યો હતો અને તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

સરકારી ઉદાસીનતાથી નિરાશ થઈને તેમણે આપબળે આગળ વધવાનો ફેંસલો કર્યો હતો.

મુસ્લિમો સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ વધી

2002ની હિંસા વખતે મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા 200ની હતી. 2017માં એ વધીને 800ની થઈ છે.

એ સંસ્થાઓમાં ભણતા મોટાભાગના સ્ટુડન્ટ્સનો જન્મ 2002 પછી થયો છે.

12 વર્ષની એક હિજાબી છોકરી ફિરદૌસને હું અમદાવાદની એક સ્કૂલમાં મળ્યો હતો.

એ છોકરીએ મને વિનમ્રતાસભર આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું, ''હું મુસ્લિમ છું અને ગુજરાતી તથા ભારતીય હોવાનો મને ગર્વ છે.''

અન્ય છોકરીઓએ પણ આવું જ જણાવ્યું હતું.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ચલાવવામાં આવતી અનેક સ્કૂલો સંખ્યાબંધ મુસ્લિમ છોકરીઓને બિનસાંપ્રદાયિક શિક્ષણ આપવામાં સફળ રહી છે.

નવી પેઢીમાં હકારાત્મકતાનું સિંચન

ફિરદૌસના શબ્દો સામાન્ય નથી. તેમાં ભૂતકાળની કડવાશનું કોઈ પ્રતિબિંબ દેખાતું ન હતું.

તેનો અર્થ એવો પણ થાય કે હુલ્લડનો ભોગ બનેલા લોકોએ તેમની નવી પેઢીમાં હકારાત્મકતાનું સિંચન કર્યું છે.

એ પૈકીના કેટલાક ડોક્ટર્સ અને બીજા કેટલાક આઈટી પ્રોફેશનલ્સ બનવા ઈચ્છે છે.

બદલો લેવાનો વિચાર કોઈ કરતું નથી.

તેમના હેડ ટીચરે મને જણાવ્યું હતું કે તેઓ આ બાળકોને વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ બનાવી રહ્યા છે.

એ જ્ઞાન અને કૌશલ્યને કારણે ભવિષ્યમાં કોઈ સરકાર કે નોકરીદાતા તેમની અવગણના નહીં કરી શકે. તેમને આસાનીથી નોકરી મળશે.

તેઓ કદાચ એવું સૂચવવા માગતા હતા કે આ સ્ટુડન્ટ્સને સમૃદ્ધિ મળશે.

એક વખત આ સ્ટુડન્ટ્સ સફળ થશે પછી તેમની પાસે રાજકીય શક્તિ પણ આવશે.

શિક્ષણે સક્ષમ બનાવ્યા

હનીફ લાકડાવાલા અમદાવાદના મુસ્લિમ સમુદાયના અગ્રણી સામાજિક કાર્યકર છે.

તેમણે મને એકવાર કહેલું કે ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી હતું અને તેમાં મુસ્લિમો સામા છેડા પર હતા.

તેમના જણાવ્યા અનુસાર, શિક્ષણે મુસ્લિમોને સામાજિક રીતે મજબૂત બનાવ્યા છે.

તેમણે કહ્યું હતું કે શિક્ષિત મુસ્લિમો તેમની કોમમાંથી બહાર નીકળીને અન્ય કોમના લોકો સાથે હળતાભળતા થયા છે.

વડોદરામાં હું એક પરિણીત યુવતીને મળ્યો હતો. એ મહિલાને ગામના હિંદુ સભ્યોએ સરપંચ તરીકે ચૂંટી કાઢી હતી.

એ મહિલાએ મને જણાવ્યું હતું કે મુસ્લિમોનું સશક્તિકરણ છેક નીચલા સ્તરેથી શરૂ થાય તો તેને વાંધો નથી.

ગુજરાતના મુસ્લિમો નિશ્ચિંત

હું મુસ્લિમ વેપારીઓ, બિઝનેસમેન અને રેસ્ટોરન્ટના માલિકોને પણ મળ્યો હતો.

એ બધા નિશ્ચિંત હતા અને તેમના ચહેરા પર ભયની કોઈ રેખા દેખાતી ન હતી.

તેનાથી વિપરીત પોતે મુસ્લિમ હોવાનું તેઓ ગર્વ સાથે જણાવતા હતા.

ઈસ્લામી પોશાક, લાંબી ફરફરતી દાઢીઓ અને મસ્જિદોમાં અનેક લોકો એકઠા થતા હોય એ આજના ગુજરાતમાં સામાન્ય બાબત છે.

વળી બહુમતી કોમના લોકોને પણ તેની સામે કોઈ ફરિયાદ નથી.

ગુજરાતમાં મુસ્લિમ ગૌરવની પુનર્સ્થાપના થઈ હોય તેવું લાગે છે. મુસ્લિમોનું રાજકીય સશક્તિકરણ પણ હવે બહુ દૂર ન હોવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો