You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીજેપીએ ગુજરાતમાં આ વખતે એજન્ડા શા માટે બદલ્યો?
- લેેખક, અજય ઉમટ
- પદ, વરિષ્ઠ પત્રકાર
સોમવારે 'ગુજરાત ગૌરવ યાત્રા'ના સમાપન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં એક રીતે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની પ્રચાર ઝુંબેશનો એ પ્રારંભ હતો.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું, ''જ્યારે-જ્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની હોય છે, ત્યારે-ત્યારે કોંગ્રેસને તાવ વધારે ચડે છે, તકલીફ વધારે થાય છે.''
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી બીજેપીની સત્તા છે અને વિરોધપક્ષનાં રાજકારણમાં કોંગ્રેસની સતત અધોગતિ થઈ રહી છે.
તમને આ વાંચવું પણ ગમશે :
આ વખતની ચૂંટણીને કોંગ્રેસ તેના રાજકીય વનવાસમાંથી પાછા ફરવાની તક ગણી રહી છે.
બીબીસીના સંવાદદાતા કુલદીપ મિશ્રાએ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે આ બાબતે વાત કરી.
આ છે અજય ઉમટનો દૃષ્ટિકોણ
ગાંધીનગરની રેલીમાં નરેન્દ્ર મોદીનો અભિગમ આક્રમક હતો. તેમણે ગુજરાતમાં વિકાસવાદ વિરુદ્ધ વંશવાદની વાત પહેલીવાર કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને જવાહરલાલ નેહરુની આકરી ટીકા કરી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ તો તેનો જન્મ થયો ત્યારથી ગુજરાતના વિકાસની વિરોધી છે.
બીજેપીએ તેનો એજન્ડા બદલ્યો હોય તેવું ગુજરાતમાં પહેલીવાર બન્યું છે. અગાઉની બીજેપીની ચૂંટણી ઝુંબેશની શરૂઆત કોંગ્રેસમુક્ત ગુજરાતના મુદ્દાથી થઈ હતી.
લોકોએ એ ઝુંબેશને નકારાત્મક ગણાવી પછી બીજેપીએ 'ગરજે ગુજરાત' ઝુંબેશ શરૂ કરી હતી.
એ ઝુંબેશની ટ્વિટર પર જોરદાર મજાક થઈ પછી બીજેપીએ 'અડીખમ ગુજરાત' કૅમ્પેન શરૂ કર્યું હતું.
નરેન્દ્ર મોદીનું ભાષણ મહત્વનું શા માટે?
નરેન્દ્ર મોદીએ સોમવારના તેમના ભાષણમાં વિકાસવાદ વિરુદ્ધ વંશવાદનો મુદ્દો આગળ ધર્યો હતો. એ મુદ્દે તેઓ આક્રમક હતા, પણ જીએસટીની વાત શરૂ કરવાની સાથે તેઓ બચાવની મુદ્રામાં આવી ગયા હતા.
તેમણે કહ્યું હતું કે જીએસટી માટે માત્ર બીજેપી કે ભારત સરકારને બદનામ કરવી ન જોઈએ, કોંગ્રેસની સરકાર પણ તેમાં સામેલ છે.
તેમણે વેપારીઓને પોતાની સાથે લેવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે જીએસટી વેપારીઓને હેરાન કરવા માટે નથી. જીએસટી દેશના અર્થતંત્રના વિકાસ માટે છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસને ગુજરાત, સરદાર પટેલ અને જનસંઘ પસંદ ન હતા. આ રીતે તેમણે ચર્ચાને ગુજરાત વિરુદ્ધ કોંગ્રેસના મુદ્દે વાળવાનો પ્રયાસ કર્યો હતો?
કોંગ્રેસ પર કેવા આરોપ?
નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કર્યો હતો. મણીબહેન પટેલને અન્યાય કર્યો હતો.
મોરારજી દેસાઈને અન્યાય કર્યો હતો. બાબુભાઈ જસભાઈ પટેલને અન્યાય કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ ત્યાં સુધી કહ્યું હતું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીને કારણે કોંગ્રેસને સૌથી વધુ 149 બેઠકો મળી હતી.
સોનિયા ગાંધીએ બોફોર્સ કેસમાં માધવસિંહ સોલંકીનું પણ રાજીનામું માગી લીધું હતું.
આ બધું કહીને નરેન્દ્ર મોદીએ એવું જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે કોંગ્રેસ ગુજરાતના તમામ નેતાઓને અન્યાય કરે છે.
લોકોમાં સરકાર વિરોધી લાગણી છે?
એ ઉપરાંત ગુજરાતના વિકાસનો કોઈ પણ પ્રોજેક્ટ હોય, નર્મદા પ્રોજેક્ટ હોય કે ડેમ બનાવવાનો પ્રયાસ હોય, કોંગ્રેસની કેન્દ્ર સરકાર તેની મંજૂરી આપતી ન હતી, કારણ કે કોંગ્રેસ ગુજરાતવિરોધી છે.
ગુજરાતના લોકો માટે કોંગ્રેસ એક તરફ અને ગુજરાત એક તરફ એ મુદ્દો હકીકતના સંદર્ભમાં ભરોસાપાત્ર છે?
સોશિઅલ મીડિયા પર જે રીતે બીજેપીની મજાક કરવામાં આવી રહી છે તેમાં ક્યાંયને ક્યાંક ગુજરાતમાં સરકાર વિરોધી લાગણી જોવા મળી રહી છે.
વડાપ્રધાન એક મહિનામાં ત્રણ વખત ગુજરાત આવ્યા હતા અને 22-23 તારીખે ફરી આવવાના છે. તેને ધ્યાનમાં લેતાં એવું કહી શકાય કે બીજેપીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પડકારજનક લાગી રહી છે.
એટલે બીજેપી કોઈ કસર રહેવા દેવા ઇચ્છતી નથી.
બીજેપીના સંગઠનની હાલત કેવી છે ?
ઘણા લોકો માને છે કે યોગી આદિત્યનાથ કે બીજેપીના અન્ય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે, પણ તેમની સભાઓમાં અપેક્ષિત પ્રમાણમાં લોકો એકઠા થતા નથી.
વાત સાચી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જાહેર સભાઓ હોય છે ત્યારે બીજેપીનું સમગ્ર સંગઠન કામે લાગી જતું હોય છે.
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના ભાટ ગામની સભામાં સોમવારે લોકો મોટી સંખ્યામાં હાજર હતા.
જોકે, યોગી આદિત્યનાથ દક્ષિણ ગુજરાતમાં યોજવામાં આવેલા રોડ શોને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. રાજનાથ સિંહ અને અન્ય નેતાઓની સ્થિતિ પણ આવી જ છે.
હાર્દિક પટેલની ભૂમિકા
હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે ગોઠવણ થયાની વાત થોડા સમય અગાઉ સાંભળવા મળી હતી.
એક વાત સ્પષ્ટ છે કે હાર્દિક પટેલે તેમનું બીજેપીવિરોધી વલણ જાળવી રાખ્યું છે અને તેઓ બીજેપીને હરાવવા માટે કોંગ્રેસને મદદ કરવા ઈચ્છે છે. આવું બધા માની રહ્યા છે.
એક ઈન્ટવ્યૂમાં મેં હાર્દિક પટેલને પૂછ્યું હતું કે તેમના સંગઠનના લોકો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા ઇચ્છતા હશે તો તમારું વલણ શું હશે?
તેના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે એ તેમને ટેકો આપશે. મને ખબર છે ત્યાં સુધી હાર્દિકના 20 લોકોએ ટિકિટ માગી છે. નવથી બાર લોકોને ટિકિટ આપવા માટે સમજૂતી થઈ જશે એવું લાગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો