મેધા પાટકર : રૂપાણીને નર્મદા બંધ અંગે સાચી ખબર નથી

'નર્મદા બચાવો આંદોલન'ના નેતા મેધા પાટકરે બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં વાતચીત કરી હતી.

જેમાં પાટકરે નર્મદા આંદોલન, સરદાર પટેલ ડેમ તથા તેનાં રાજકારણ અંગે વાતચીત કરી હતી.

મેધા પાટકરના કહેવા પ્રમાણે, વિજય રૂપાણીને સરદાર સરોવર યોજનાના મૂળ તથ્યો અંગે જાણ નથી.

તેમણે જાહેર મંચ પર રૂપાણી સાથે જાહેરમાં ચર્ચા કરવાની તૈયારી દાખવી હતી.

1961માં નહેરુએ સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો, ત્યારે તેની મૂળ ઊંચાઈ 162 ફૂટની હતી. જે હવે 455 ફૂટનો બની ગયો છે.

ફેસુબક લાઇવ જોવા અહીં ક્લીક કરો

રૂપાણીને બંધ અંગે ખબર નહીં

"સરદાર સરોવર એ 1961ની મૂળ યોજના પ્રમાણેનો ડેમ નથી. વાસ્તવમાં સરદાર સરોવર એ 30 નાના ડેમનો બનેલો છે. તેમાં સરદાર સરોવર હેઠળ બે મોટા ડેમનું નિર્માણ થયું છે."

"હાલમાં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કરી દેવાયું છે, પરંતુ 42 હજાર કિલોમીટરની નહેરોનું નિર્માણ બાકી છે."

"અમારો વિરોધ, વિરોધ માટે નથી. આ વિરોધ ન્યાય માટેનો છે."

"વિજય રૂપાણીને એટલી પણ ખબર નથી કે 1961માં નહેરુએ જે ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું, તે બંધનો 162 ફૂટનો હતો, જ્યારે વર્તમાન બંધ 455 ફૂટનો છે."

"1961માં જે લોકો નિર્વાસિત થયા, તેમને હજુ વળતર મળ્યું નથી. પુનર્વસન વિના ડેમનું નિર્માણકાર્ય કેવી રીતે આગળ વધી શકે?"

"રૂપાણી મીલિયન એકર ફિટ એ એકમના બદલે ક્યુમેક્સ (ક્યુબિક મીટર પર સેકન્ડ)માં વાત કરે છે."

મેધાએ કોઈપણ સાર્વજનિક મંચ પર ચર્ચાની તૈયારી દાખવી હતી. ઉપરાંત મેધાએ ગુજરાતના મુખ્યપ્રધાનને 'કાચા ચિઠ્ઠા' ખુલ્લા પાડવાનો પડકાર ફેંક્યો હતો.

મોદી સંવાદમાં નથી માનતા

મેધાના કહેવા મુજબ, "કોંગ્રેસની સરકારો સંવાદ કરતી હતી. મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ તથા યુપીએમાં મનમોહનસિંહ આંદોલનકારીઓ સાથે વાતચીત કરતાં હતાં."

"જ્યારે મોદી સરકાર તેમના પ્રધાનોને પણ વિશ્વાસમાં નથી લેતા અને તેમની સાથે સંવાદ નથી કરતા. ત્યારે અમારી વાત ક્યાં સાંભળવાના હતા?"

"ગુજરાતની સરકારે પુનર્વસન માટે રૂ. 2300 કરોડ આપ્યા. પરંતુ મધ્યપ્રદેશમાં સહાય વિતરણમાં ભ્રષ્ટાચાર થયો."

"1600 જેટલી ખોટી રજિસ્ટ્રી નોંધાઈ હતી. કૌભાંડને કારણે સરદાર સરોવર ડેમના 40 જેટલા એન્જિનિયર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કૌભાંડ વ્યાપમ જેવું કૌભાંડ છે."

નર્મદા જીવાદોરી સમાન

મેધા પાટકરે કહ્યું હતું, "મૂળ યોજના પ્રમાણે, કચ્છ અને સૌરાષ્ટ્રની જનતાને ડેમમાં પ્રાથમિક્તા આપવાની હતી. જેની સામે આજે પણ કોઈ વાંધો નથી."

"2006માં 122 મીટર ડેમની ઊંચાઈ હતી, ત્યારે પણ ગુજરાત સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળ વિતરણ કરી શકી હોત."

"ગુજરાત સરકારે માઇક્રો નેટવર્ક બનાવવાનું હતું. જે હજુ પણ તૈયાર નથી થયું. છતાંય તેનું ઉદ્ઘાટન કરી દેવાયું છે."

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કહેવા પ્રમાણે, માત્ર બે ટકા પાણી ઉદ્યોગોને પાણી આપવામાં આવી રહ્યું છે, 18 ટકા સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે બાકી 80 ટકા વપરાશ પીવા માટે જ થઈ રહ્યો છે.

મોદીજી છાપ ઉપર જીવતા હશે, અમે નહીં

તમારી છાપ 'ગુજરાત વિરોધી' છે? તેવા સવાલના જવાબમાં મેધાએ કહ્યું, "મોદીજી, કહે છે કે છાપ અંગે મોદીજી ચિંતિત હશે. અમે નહીં."

મેધાએ કહ્યું કે તેઓ જનતાના મનની વાત સાંભળે છે અને તે મુજબ કરે છે. તેમણે સાર્વજનિક મંચ પર રૂપાણી સાથે ચર્ચા કરવાની તૈયારી દાખવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો