You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીએસટીમાં અરૂણ જેટલીએ ગુજરાતની ચૂંટણીના દબાણને લીધે ઘટાડો કર્યો?
નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સીલની ગૌવાહાટી (અસામ) ખાતે મળેલી બેઠકમાં રાહતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો (પીટીઆઈનો) અહેવાલ જણાવે છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સ્થળ પર હાજર રહેલા પત્રકારો સાથે કરી હતી.
પીટીઆઈએ અહેવાલમાં જણાવ્યું છે કે જીએસટી કાઉન્સીલની 23મી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે માત્ર પચાસ પ્રોડક્ટને જ જીએસટીના 28 ટકાના દાયરામાં રાખવામાં આવે.
તમને આ પણ વાચવું ગમશે
જયારે 28 ટકાના દાયરામાંથી 177 ચીજોને બહાર કાઢી તેને 18 ટકાના સ્લેબમાં રાખવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે સરકારી તિજોરી પર કુલ 20,000 કરોડ રૂપિયાનો બોજો પડશે તેવું અહેવાલમાં જણાવાયું છે.
કાઉન્સીલે જે રાહત આપી છે તેમાં મોટાભાગે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી) શ્રેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નિષ્ણાતોનો મત
કરવેરા નિષ્ણાત મોનિશ ભલ્લાના જણાવ્યા પ્રમાણે આ બહુ વહેલું થઈ જવું જોઈતું હતું કારણ કે આ એક પ્રકારે સુધારાત્મક પગલું છે જે થયેલી ભૂલ સુધારવા સમાન છે.
સરકારના આર્થિક બાબતોના સલાહકાર ડૉ. અરવિંદ સુબ્રમણિયમે તેમના અહેવાલમાં જીએસટી સંદર્ભે 17% થી 18%નો સરેરાશ તટસ્થ દરનો આંક સૂચવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોનિશ ભલ્લાના કહેવા મુજબ રાજ્ય સરકારોની જીએસટીમાં વધુ હિસ્સો મેળવવાની લાલચ અને કચેરીઓમાં બેઠા-બેઠા ગણિતના આધારે લેવાયેલા નિર્ણયને લીધે 28% સુધીનો ઊંચો જીએસટી દર અમલમાં આવ્યો.
ભલ્લા ઉમેરે છે ઊંચા દર સંદર્ભે જે ઉહાપોહ થયો ત્યારબાદનું આ સુધારાત્મક પગલું બહુ જરૂરી હતું.
રાજકીય વિશ્લેષકનો મત
પણ આ બાબતે રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર ડૉ. હરિ દેસાઈ ભલ્લાની વાત સાથે સંમત નથી.
દેસાઈ કહે છે, "મોદી સરકાર અત્યંત દબાણમાં છે.
એટલે આ જીએસટીમાં 177 પ્રોડક્ટસ્ 28% ટેક્સ સ્લેબમાંથી હટાવીને 18% ટેક્સ સ્લેબ હેઠળ લઈ જવાનું પગલું હવે રહી રહીને લીધું છે."
ભાજપના ચૂંટણી પ્રચાર સંદર્ભે દેસાઈ ઉમેરે છે, "કોઈ દિવસ કોઈ દેશના પ્રધાનમંત્રી કે વડાપ્રધાનને કોઈ એક રાજ્યના ચૂંટણી પ્રચારમાં 70 સભાઓ સંબોધતા નથી જોયા."
દેસાઈ કહે છે જે પ્રકારે વેપારીઓએ ગુજરાત અને ભારતમાં જીએસટીનો વિરોધ કર્યો હતો તે જોતા મોદી સરકારનું આ પગલું સુધારાત્મક કરતા દબાણ હેઠળ લેવાયેલું પગલું હોય તેવું વધુ લાગે છે.
શું સસ્તું થશે?
જીએસટી કાઉન્સીલે લીધેલા નિર્ણય મુજબ હવે શેમ્પુ, ચોકલેટ, વોશીંગ પાવડર, શેવીંગ ક્રીમ, ડીઓડોરેન્ટ, ટૂથપેસ્ટ વગેરે સસ્તાં થશે.
આ બધી પ્રોડક્ટને 18 ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે.
બાંધકામ ક્ષેત્રે વાપરવામાં આવતા મારબલને 28 ટકાના બદલે 18 ટકાનાં માળખામાં લાવવામાં આવી છે.
જીએસટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 28%ના સ્લેબમાં પાન-મસાલા, ફ્રીઝ, વોશીંગ મશીન, સિમેન્ટ, વેક્યુમ ક્લીનર વગેરે રહેશે.
ચોકલેટ પણ સસ્તી થશે તેવું સુશીલ મોદીએ પત્રકારોને કહ્યું હતું.
વાતાનુકુલીત (એર-કન્ડીશન્ડ-એસી) રેસ્ટોરન્ટમાં જમવાનું પણ સસ્તું કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો